મૅરિટલ રેપ ગુનો છે કે નહીં, સુપ્રીમ કોર્ટમાં પહેલી સુનાવણી દરમિયાન શું થયું?

મહિલા ઉપર જાતીય અત્યાચારનો વિરોધ કરી રહેલાં પ્રદર્શનકારીઓની પ્લાકાર્ડ સાથેની તસવીર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, લગભગ 100 દેશમાં મૅરિટલ રેપ ગુનાની શ્રેણીમાં આવે છે (પ્રતીકાત્મક તસવીર )
    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

સુપ્રીમ કોર્ટે મૅરિટલ રેપને ગુનાઇત કૃત્ય જાહેર કરવા સંબંધે દાખલ કરવામાં આવેલી અરજીઓ ઉપર સુનાવણી હાથ ધરી છે.

મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા તથા જસ્ટિસ મનોજ મિશ્રાની ત્રણ સભ્યોની ખંડપીઠે આ સુનાવણી હાથ ધરી હતી.

વરિષ્ઠ વકીલ કરુણા નંદી તથા કૉલિન ગોંસાલ્વેસે સુનાવણીના પહેલા દિવસે પોતાની દલીલો રજૂ કરી હતી. બંને વકીલોનું કહેવું હતું કે મૅરિટલ રેપ એટલે કે લગ્નસંબંધના બળાત્કારને પણ કાયદેસર રીતે બળાત્કારની શ્રેણીમાં મૂકવો જોઈએ.

ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની જોગવાઈઓ મુજબ, જો કોઈ પુરુષ કોઈ મહિલા સાથે તેની સહમતિ વગર તેની સાથે જાતીયસંબંધ બાંધે તો તેને 'બળાત્કાર'ની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

જોકે, તેમાં એક અપવાદ છે. જો કોઈ વ્યક્તિ પોતાની પત્ની સાથે સંબંધ બાંધે અને પત્નીની ઉંમર 18 વર્ષ કરતાં વધારે હોય તો તે કાયદાકીય દૃષ્ટિએ બળાત્કાર નથી.

બીએનએસના પુરોગામી ભારતીય દંડ સંહિતામાં (આઈપીસી) પણ આવી જ જોગવાઈઓ હતી.

કરુણા નંદીના કહેવા પ્રમાણે, આ લડાઈ એક પુરુષ અને સ્ત્રી વચ્ચેની નથી, પરંતુ સમાજ અને પિતૃસત્તાક વ્યવસ્થા વચ્ચેની છે.

આ અંગે વધુ સુનાવણી આગામી મંગળવારે હાથ ધરવામાં આવશે.

પહેલી સુનાવણી દરમિયાન શું થયું?

સુપ્રીમ કોર્ટની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટની તસવીર

શું મૅરિટલ રેપ ગુનો બનશે?

મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે પૂછ્યું હતું, "જો સુપ્રીમ કોર્ટ લગ્નસંબંધમાં બળાત્કારને અપવાદની શ્રેણીમાંથી હઠાવી દે અને બળાત્કારની શ્રેણીમાં મૂકે, તો શું આ ગુના સંબંધિત કોઈ નવો કાયદો બનશે?"

કારણ કે ગુના સંબંધે કાયદા ઘડવાનું કામ સંસદનું છે અને તે કાયદા બંધારણીય છે કે નહીં, તે જોવાનું કામ અદાલતે જોવાનું છે.

આ સવાલના જવાબમાં કરુણા નંદીએ કહ્યું હતું, "હાલમાં પણ બળાત્કાર ગુનો છે. જો અદાલત આ અપવાદને ગેરબંધારણીય જાહેર કરી દે, તો તે કોઈ નવો ગુનો નહીં હોય. જો મારા પતિ, કોઈ અજાણ્યો શખ્સ કે મારાથી અલગ થયેલો પતિ બળાત્કાર કરે, તો પણ નુકસાનની સીમા અલગ-અલગ નહીં હોય."

નંદીએ કહ્યું, "હું લીવ-ઇન રિલેશનશિપમાં રહી શકું છું અને જો સહમતિ વગર જાતીયસંબંધ છે તો પણ તે બળાત્કાર જ છે. જો હું પરિણીત છું અને જો મારી સાથે હિંસકકૃત્ય કરવામાં આવે, તો શું તે બળાત્કાર નથી?"

લગ્નસંબંધનું શું થશે?

વીડિયો કૅપ્શન, Pakistan માં હૉસ્પિટલ, મહિલા ડૉક્ટર્સ અને નર્સ માટે કેટલાં સુરક્ષિત છે?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુનાવણી દરમિયાન અદાલતે પૂછ્યું કે સરકારનો તર્ક છે કે જો મૅરિટલ રેપને બળાત્કારની શ્રેણીમાં મૂકી દેવામાં આવે, તો લગ્નવ્યવસ્થા અસ્થિર થઈ જશે.

તેના જવાબમાં કરુણા નંદીએ કહ્યું હતું કે આ તર્કથી મહિલાઓના મૌલિક અધિકારોને અટકાવી ન શકાય.

નંદીએ સુપ્રીમ કોર્ટના એક જૂના કેસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે એ સંજોગમાં મૅરિટલ રેપના અપવાદમાં પત્નીની ઉંમર 15 વર્ષથી વધારીને 18 વર્ષ કરી દેવામાં આવી હતી. ત્યારે પણ આવા તર્ક રજૂ કરવામાં આવ્યા હતા, જેને સર્વોચ્ચ અદાલતે નકારી કાઢ્યા હતા.

કરુણા નંદીએ 'હૅલ્સ સિદ્ધાંત'નો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં લગ્ન પછી પતિ અને પત્નીને એક જ માનવામાં આવે છે. આ સિદ્ધાંત હેઠળ પત્ની પોતાના શરીર ઉપરથી પોતાનો અધિકાર ગુમાવી દે છે. બ્રિટનની અદાલતોએ આ સિદ્ધાંતને નકારી દીધો હતો.

બ્રિટીશ ચીફ જસ્ટિસ મૅથ્યૂ હેલે 18મી સદીમાં આ સિદ્ધાંત આપ્યો હતો. તેમનું કહેવું હતું કે પત્ની સાથે બળાત્કારના કેસમાં પતિને દોષિત ન ઠેરવી શકાય, કારણ કે લગ્ન બાદ પતિ માટે પત્ની પોતાની સ્વાયતતા ત્યજી દે છે.

કૉલિન ગોંસાલ્વેસે કહ્યું હતું કે એક સર્વે પ્રમાણે, 40 ટકા પુરુષો પોતાની પત્ની સાથે જાતીયસંબંધ દરમિયાન બળજબરીને ખોટી નથી માનતા.

પત્ની જાતીયસંબંધ માટે ના પાડે તો?

મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જસ્ટિસ પારડીવાલાએ એક કાલ્પનિક સવાલ રજૂ કર્યો હતો અને કહ્યું હતું, "પત્ની તેના પતિને જાતીયસંબંધ માટે ઇન્કાર કરી દે તો? પતિ પાસે શું વિકલ્પ રહે? શું છૂટાછેડા માંગે?"

તેના જવાબમાં કરુણા નંદીએ કહ્યું, "પતિ બીજા દિવસે ફરી પૂછી શકે છે કે સંવાદ કરી શકે છે. પાછલા દિવસે શું વાંધો હતો, તેના વિશે વાતચીત કરી શકે છે. અથવા તો વધુ સારો રસ્તો પસંદ કરી શકે છે."

કૉલિન ગોંસાલ્વેસે અદાલતને જણાવ્યું હતું કે કેટલાક દેશોમાં મૅરિટલ રેપને બળાત્કારની શ્રેણીમાં મૂકવામાં આવે છે. આ માટે તેમણે ઇંગ્લૅન્ડ અને નેપાળની અદાલતોના ચુકાદા પણ ટાંક્યા હતા. ગોંસાલ્વેસના કહેવા પ્રમાણે, ભારતનો કાયદો આંતરરાષ્ટ્રીયસ્તરનો નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.