ટ્રમ્પના ટેરિફને કારણે સોનાના ભાવમાં થશે '38 ટકા ઘટાડો'?

    • લેેખક, અમૃતા પ્રસાદ
    • પદ, બીબીસી તમિલ

ગત 2 એપ્રિલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંખ્યાબંધ દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી હતી.આની વૈશ્વિક અર્થતંત્ર પર ભારે અસર પડી છે. જોકે, ગત મંગળવારે ટ્રમ્પે ચીન સિવાયના બધા દેશો પર લગાયેલા ટેરિફને 90 દિવસ માટે મોકૂફ રાખ્યા હતા.

ગત અઠવાડિયે કરાયેલી આ જાહેરાત બાદથી પાછલા અમુક સમયથી સતત વધતા જઈ રહેલા સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. 4 એપ્રિલના રોજ સોનાના ભાવમાં 110 રૂ. પ્રતિ ગ્રામ (22 કૅરેટ) જેટલો ઘટાડો થયો અને પ્રતિ ગ્રામ સોનાનો ભાવ 8,500 રૂ. સુધી પહોંચી ગયો. પાછલા ચાર દિવસથી આ જ વલણ ચાલુ છે.

9 એપ્રિલના રોજ એક ગ્રામ સોનાની કિંમતમાં (22 કૅરેટ) 65 રૂ.નો વધીને 8,390 રૂ. બોલાઈ હતી. જોકે, 10 એપ્રિલના રોજ સોનાના ભાવ વધીને પ્રતિ ગ્રામ 8,660 રૂ. સુધી પહોંચી ગયા હતા.

સામાન્ય રીતે, આર્થિક કટોકટી અથવા બજારની ઊથલપાથલ સમયે સોનાના ભાવમાં વધારો થાય છે, કારણ કે રોકાણકારો સોનાને સલામત રોકાણ તરીકે માને છે. પરંતુ આ વખતે ટ્રમ્પની ટેરિફ સંબંધિત જાહેરાત બાદ તેનાથી ઊલટું જોવા મળ્યું. આ જાહેરાત બાદ સોનાનો ભાવ ઘટ્યો, જે હવે વધી રહ્યો છે.

ભારતમાં સોનાનો ભાવ કેમ ઘટ્યો?

ભારતમાં સોનાના ભાવમાં સમયાંતરે વધઘટ થતી રહે છે, પરંતુ તેમાં હંમેશાં વધારા તરફી વલણ તો જોવા મળે જ છે.

2000ના દાયકાની શરૂઆતમાં પ્રતિ સોવરિન (લગભગ આઠ ગ્રામ સોનું) લગભગ 3,500 રૂ.ના ભાવે વેચાતું હતું. ત્યાર બાદ 2008ના વૈશ્વિક નાણાકીય સંકટ દરમિયાન, સોનાની કિંમતમાં વધારો થયો અને તે પ્રતિ સોવરિન લગભગ દસ હજાર રૂપિયામાં વેચાયું.

ત્યાર બાદ કોરોના વાઇરસ રોગચાળા દરમિયાન આર્થિક મંદીને કારણે પ્રતિ સોવરિન સોનાની કિંમત લગભગ 38 હજાર રૂ. થઈ ગઈ હતી.

તે બાદ રશિયા-યુક્રેનના યુદ્ધ સહિતનાં કારણોસર સોનાની કિંમત તેની અત્યાર સુધીની ટોચ પર પહોંચી ગઈ. હાલ સોનું 67,000થી 69,000 પ્રતિ સોવરિન વેચાઈ રહ્યું છે.

ચેન્નાઈ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ પ્રમુખ પ્રોફેસર જ્યોતિ સિવજ્ઞનમે હાલમાં સોનાના મૂલ્ય બાબતે પ્રવર્તી રહેલી અનિશ્ચિતતા અંગે કહ્યું કે, "હાલ વૈશ્વિક અર્થતંત્ર ટ્રમ્પના ટ્રેડ ટેરિફના કારણે મુસીબતમાં છે. આ જ કારણે સોનાની કિંમતમાં ઘટાડો થયો હતો, અને હવે તેમાં વધારો થઈ રહ્યો છે."

તેમણે ઉમેર્યું, "સોનું એ સલામત રોકાણ છે, તેથી લોકોમાં હાલ તેની જંગી માગ છે. આના કારણે જ શૅરબજારમાં ઘટાડા છતાં સોનાના ભાવવધારો થયો છે. આ ઘટાડો ટૂંકા ગાળાની અસરમાત્ર છે."

ટ્રમ્પના ટેરિફને કારણે સોનાના ભાવમાં થશે '38 ટકા ઘટાડો'?

પરંતુ સામેની બાજુએ અમેરિકાસ્થિત ફાઇનાન્સિયલ ફર્મ મૉર્નિંગસ્ટારે આગાહી કરી છે કે આગામી અમુક વર્ષોમાં ટ્રમ્પનાં ટૅક્સ સંબંધિત પગલાંને કારણે સોનાનો ભાવ 38 ટકા જેટલો ઘટશે.

જ્યોતિ સિવજ્ઞનમના મતે આવું બનવું મુશ્કેલ છે.

જ્યોતિ સિવજ્ઞનમ કહે છે કે, "માત્ર અમેરિકાના ટૅક્સથી જ સોનાના ભાવ પર અસર નહીં પડે."

તેમણે કહ્યું કે, "હાલના સમયમાં સોનાના ભાવમાં વધારાનાં મહત્ત્વપૂર્ણ કારણો પૈકી એક ઘણા દેશોની મધ્યસ્થ બૅંકો દ્વારા અભૂતપૂર્વ સ્તરે કરાયેલી સોનાની ખરીદી પણ છે. આખા વિશ્વમાં મધ્યસ્થ બૅંકો ગોલ્ડ પર ભારે આધારિત છે, કારણે તે સલામત છે અને ઘણા દેશોમાં રોકાણ માટે સામાન્ય છે. આનાથી વેપારી લેવડદેવડ શક્ય બને છે."

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ પ્રમાણે દુનિયાભરની સેન્ટ્રલ બૅંકો વિશ્વમાં સોનાનો 20 ટકા જથ્થો ખરીદે છે, જે તેમને ત્રીજા સૌથી મોટા સોનાના ખરીદદાર બનાવે છે.

ટ્રમ્પના ટેરિફથી ભારતમાં સોનાની કિંમતને કોઈ ફેર પડશે ખરો?

પ્રોફેસર જ્યોતિ કહે છે કે જોરદાર માગને કારણે સોનાના ભાવ વધવાની શક્યતા છે, ના કે ઘટવાની.

તેમણે કહ્યું, "સોનાના વધતા જતા ભાવ અને સલામતીના તત્ત્વને કારણે વિશ્વમાં ભારત જેવા દેશોમાં બૅંકો અને કંપનીઓ સહિત સામાન્ય લોકોએ પણ સોનામાં રોકાણ કરવામાં રસ દાખવવાનું શરૂ કરી દીધું છે. આ વાત પણ સોનાના ભાવમાં વધારો થવાનું એક કારણ છે."

જ્યોતિ સિવજ્ઞનમે એ પણ નોંધ્યું કે ભાવવધારો, આર્થિક અનિશ્ચિતતા અને ભૂરાજકીય તણાવો પણ સોનાની કિંમત નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે.

તેમણે કહ્યું, "જો આ પરિબળોમાં મોટા ફેરફાર થાય તો જ સોનાની કિંમતમાં ભારે ઘટાડો થશે. જો આવું ન બને તો સોનાની કિંમતમાં થોડો ઘણો ઘટાડો થવા છતાં પણ તેના મૂલ્યમાં સતત વધારો જ થતો રહેવાનો."

"અમેરિકાએ શરૂ કરેલા વેપારયુદ્ધને પરિણામે સોનું સલામત રોકાણ બન્યું છે. આનાથી તેની કિંમત જરૂર વધશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.