You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ટાઇટેનિક ડૂબતી વખતે પણ તેની લાઇટ ચાલુ હતી', નવા સ્કૅનમાં ડૂબવાનું શું કારણ સામે આવ્યું?
- લેેખક, રેબેકા મોરેલ
- પદ, સાયન્સ એડિટર
- લેેખક, એલિસન ફ્રાન્સિસ
- પદ, સિનિયર સાયન્સ જર્નાલિસ્ટ
ટાઇટેનિકના પૂર્ણ આકારનાં ડિજિટલ સ્કેનના વિગતવાર વિશ્લેષણથી વિનાશકારી જહાજના અંતિમ કલાકો અંગેની નવી જાણકારી સામે આવી છે.
ચોક્કસ 3D પ્રતિકૃતિ 1912 માં હિમશિલા સાથે અથડાયા પછી જહાજ કેવી રીતે બે ભાગમાં ફાટી ગયું તે દર્શાવે છે. આ દુર્ઘટનામાં 1,500 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
સ્કૅનથી બૉઇલર રૂમનું એક નવું દૃશ્ય પ્રાપ્ત થાય છે. જેનાથી સાક્ષીઓના બયાનની પુષ્ટિ થાય છે કે ઍન્જિનિયરોએ જહાજની લાઇટ ચાલુ રાખવા માટે છેક અંત સુધી કામ કર્યું હતું.
અને કમ્પ્યુટર સિમ્યુલેશન એ પણ સૂચવે છે કે પતવારમાં (હલમાં) A4 કાગળના ટુકડા જેટલું કાણું પડવાથી જહાજે જળસમાધિ લીધી હતી.
ટાઇટેનિકના વિશ્લેષક પાર્ક્સ સ્ટીફન્સને જણાવ્યું કે, "ટાઇટેનિક દુર્ઘટનાનાં છેલ્લા જીવિત સાક્ષી હજુ છે, અને તેની પાસે હજુ પણ કહેવા માટે વાર્તાઓ છે."
નૅશનલ જિયોગ્રાફિક અને ઍટલાન્ટિક પ્રોડક્શન્સ દ્વારા ટાઇટેનિક: ધ ડિજિટલ રિસરેક્શન નામનાં નવાં દસ્તાવેજીચિત્ર માટે આ સ્કૅનનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
ઍટલાન્ટિકના બર્ફીલા પાણીમાં 3,800 મીટર નીચે આવેલા કાટમાળને પાણીની અંદરના રોબોટ્સનો ઉપયોગ કરીને મૅપ ( માનચિત્રણ) કરવામાં આવ્યો હતો.
દરેક ખૂણાથી લેવામાં આવેલી સાત લાખ થી વધુ છબીઓનો ઉપયોગ "ડિજિટલ ટ્વિન" બનાવવા માટે કરવામાં આવ્યો હતો, જે 2023 માં બીબીસી ન્યૂઝ દ્વારા વિશ્વ સમક્ષ ખાસ જાહેર કરવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરિયાના પેટાળમાં ઘોર અંધકારમાં પડેલો ટાઇટેનિકનો કાટમાળ
કાટમાળ ખૂબ મોટો છે અને ઊંડાણના અંધકારમાં આવેલો છે તેથી સબમરીનથી તેનું અન્વેષણ કરવાથી ફક્ત આકર્ષક સ્નૅપશૉટ જ દેખાય છે. જોકે, સ્કૅનથી ટાઇટેનિકનું પ્રથમ સંપૂર્ણ દૃશ્ય જોવા મળે છે.
વિશાળ આગળનો ભાગ સમુદ્રતળ પર સીધો પડેલો છે, જાણે કે જહાજે તેની સફર હજુ ચાલુ રાખી છે.
પરંતુ 600 મીટર દૂર પાછળનો ભાગ ફાટેલી ધાતુનો ઢગલો જ છે. જહાજ બે ભાગમાં તૂટી ગયા પછી તે સમુદ્રતળમાં અથડાયું જેનાથી આ નુકસાન થયું હતું.
નવી મૅપિંગ ટેકનૉલૉજી જહાજનો અભ્યાસ કરવાની એક અલગ રીત પ્રદાન કરી રહી છે.
પાર્ક્સ સ્ટીફન્સને કહ્યું કે, "તે ગુનાના સ્થળ જેવું છે: તમારે એ જોવાની જરૂર છે કે તેના સંદર્ભમાં પુરાવા શું છે અને તે ક્યાં છે."
"અને અહીં શું બન્યું તે સમજવા માટે સમગ્ર ભંગાર સ્થળનાં વ્યાપક દૃશ્યો હોવાં જરૂરી છે."
સ્કૅન નવી નજીકની વિગતો દર્શાવે છે, જેમાં એક કાણાંનો પણ સમાવેશ થાય છે જે મોટાભાગે હિમશિલાથી તૂટેલો હતો. આ બચી ગયેલા લોકોના અહેવાલો સાથે મેળ ખાય છે કે અથડામણ દરમિયાન કેટલાક લોકોની કેબિનમાં બરફ આવી ગયો હતો.
નિષ્ણાતો ટાઇટેનિકના એક વિશાળ બૉઇલર રૂમનો અભ્યાસ કરી રહ્યા છે - સ્કૅન પર તે જોવાનું સરળ છે કારણ કે તે જહાજના બે ટુકડા થયા તે બિંદુના પાછળના ભાગમાં આવેલું છે.
મુસાફરો કહે છે કે જ્યારે જહાજ દરિયાનાં મોજાં નીચે ડૂબી ગયું ત્યારે પણ લાઇટો ચાલુ હતી.
ડિજિટલ પ્રતિકૃતિ દર્શાવે છે કે કેટલાંક બૉઇલર સૂચવે છે કે તેઓ પાણીમાં ડૂબી ગયાં ત્યારે પણ કાર્યરત હતાં.
'અંતિમ ઘડી સુધી પોતાની ફરજમાં બજાવી ઇજનેરોએ બચાવ્યા જીવ'
જહાજના પાછલા ભાગમાં ડેક પર ખુલ્લી સ્થિતિમાં એક વાલ્વ પણ મળી આવ્યો છે, જે દર્શાવે છે કે વરાળ હજુ પણ વીજળી ઉત્પન્ન કરતી સિસ્ટમમાં વહેતી હતી.
આ જૉસેફ બેલના નેતૃત્વમાં ઇજનેરોની એક ટીમને આભારી હતી જેઓ લાઇટ ચાલુ રાખવા માટે ભઠ્ઠીઓમાં કોલસો નાખવા રોકાયા હતા.
પાર્ક્સ સ્ટીફન્સને જણાવ્યું કે આ દુર્ઘટનામાં બધા મૃત્યુ પામ્યા હતા પરંતુ તેમનાં પરાક્રમી કાર્યોથી ઘણા લોકોના જીવ બચી ગયા હતા.
તેમણે બીબીસીને જણાવ્યું, "તેઓએ લાઇટ અને પાવરને અંત સુધી કાર્યરત રાખ્યો, જેથી ક્રૂને સંપૂર્ણ અંધકારને બદલે થોડા પ્રકાશ સાથે લાઇફબોટને સુરક્ષિત રીતે લૉન્ચ કરવાનો સમય મળ્યો."
"તેમણે શક્ય તેટલા લાંબા સમય સુધી અંધાધૂંધીને દૂર રાખી."
એક નવા સિમ્યુલેશનથી ડૂબવાની ઘટના અંગે વધુ સમજ મળી રહી છે.
ટાઇટેનિકના બ્લુપ્રિન્ટ્સમાંથી બનાવેલા જહાજના વિગતવાર માળખાકીય મોડેલ અને તેની ગતિ, દિશા અને સ્થિતિ વિશેની માહિતીનો ઉપયોગ કરીને, હિમશિલા સાથે અથડાતા થયેલા નુકસાન અંગે ધારણા કરવામાં આવે છે.
સંશોધનનું નેતૃત્વ કરનાર યુનિવર્સિટી કૉલેજ લંડનના પ્રોફેસર જેમ-કી પાઇકે જણાવ્યું કે, "અમે ટાઇટેનિક ડૂબવાનું પુનર્નિર્માણ કરવા માટે અદ્યતન સંખ્યાત્મક અલ્ગોરિધમ્સ, કૉમ્પ્યુટેશનલ મોડેલિંગ અને સુપરકૉમ્પ્યુટિંગ ક્ષમતાઓનો ઉપયોગ કર્યો."
સિમ્યુલેશન દર્શાવે છે કે, "જહાજે હિમશિલાને હલકી ટક્કર મારી જેનાથી પતવારનાં (હલનાં) હલના સાંકડા ભાગમાં લાઇનમાં શ્રેણીબદ્ધ કાણાં પડ્યા."
'સલામત' મનાતું ટાઇટેનિક આખરે કેવી રીતે ડૂબી ગયું?
ટાઇટેનિક ડૂબી ન શકે તેવું માનવામાં આવતું હતું, તેના ચાર વૉટરટાઇટ કમ્પાર્ટમેન્ટ ભરાઈ જાય તો પણ તરતા રહેવા માટે તે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.
પરંતુ સિમ્યુલેશન ગણતરી કરે છે કે હિમશિલાનું નુકસાન છ કમ્પાર્ટમેન્ટમાં ફેલાઈ ગયું હતું.
ન્યુકેસલ યુનિવર્સિટીમાં નેવલ આર્કિટેક્ચરના ઍસોસિયેટ લેક્ચરર સિમૉન બેન્સને જણાવ્યું, "ટાઇટેનિક ડૂબવા અને ન ડૂબવા વચ્ચેનો તફાવત કાગળના ટુકડા જેટલા નાના કાણાનાં માર્જિન જેટલો જ છે."
"પરંતુ સમસ્યા એ છે કે તે નાનાં છિદ્રો વહાણના લાંબા ભાગ પર પડ્યા હતા, તેથી પૂરનું પાણી ધીમે ધીમે પરંતુ બધાં છિદ્રોમાંથી આવે છે, અને પછી આખરે ડબ્બાઓ ઉપરથી છલકાઈ જાય છે અને ટાઇટેનિક ડૂબી જાય છે."
દુર્ભાગ્યવશ સ્કૅનથી નુકસાન જોઈ શકાતું નથી કારણ કે જહાજનો બીજો ભાગ દરિયાનાં કાંપ નીચે છુપાયેલો છે.
ટાઇટેનિકની માનવ કરૂણાંતિકા હજુ પણ ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
જહાજના મુસાફરોની અંગત વસ્તુઓ હજુ પણ સમુદ્રના તળ પર પથરાયેલી છે.
સ્કૅન 1912 ની તે ઠંડી રાત વિશે નવા સંકેતો પ્રદાન કરી રહ્યું છે, પરંતુ 3D પ્રતિકૃતિની દરેક વિગતોની સંપૂર્ણ તપાસ કરવામાં નિષ્ણાતોને વર્ષો લાગશે.
પાર્ક્સ સ્ટીફન્સને કહ્યું કે, "તે તેની વાર્તા આપરણને ધીરે ધીરે થોડી થોડી કહે છે."
"દર વખતે, તે આપણને વધુને વધુની ઇચ્છા રાખતા છોડી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન