કચ્છના રણમાં માણસનું તરસથી મૃત્યુ, આ રણમાં એવું શું છે કે લોકો ભુલા પડી જાય છે?

કચ્છનું રણ, કચ્છનું નાનું રણ, ખારાઘોડા, ગુજરાતની ભૂગોળ, કચ્છનો ઇતિહાસ, કચ્છના રણમાં ભૂલા પડવું, અગરિયા, બીબીસી ગુજરાતી, કચ્છ, સફેદ રણ, મીઠાનું ઉત્પાદન, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, વિક્રમ મહેતા
    • પદ, બીબીસી ગુજરાતી

તાજેતરમાં કચ્છના રણપ્રદેશમાં બનેલી એક ઘટનાએ ચર્ચા જગાવી છે.

કચ્છના વાગડ વિસ્તારના રાપર તાલુકાના બેલાના રણ વિસ્તારમાં ખાનગી કંપનીના સોલાર પાર્ક માટે માર્ગ-નિર્માણ માટે સર્વેની કામગીરી ચાલી રહી હતી એ દરમિયાન ખાનગી કંપનીના એક કર્મચારી ગુમ થઈ ગયા હતા.

બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ અને પોલીસે ડ્રોન કૅમેરા સહિતનાં સાધનોથી વ્યાપક શોધખોળ આદરી હતી ત્યારે અંતે બેલાના રણમાં પાંચ દિવસથી ગુમ થયેલા અર્નબ પાલનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ડિહાઇડ્રેશન અને તરસને કારણે અર્નબ પાલનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું.

આ પહેલી એવી ઘટના નથી કે જ્યારે કોઈ વ્યક્તિનું રણમાં ભટકાઈ જવાથી પાણીની તરસને કારણે મૃત્યુ થયું હોય અને જાણકારો એવું પણ માને છે કે રણમાં જનાર જો કેટલીક પ્રાથમિક જાણકારી અને સાવચેતી ચૂકે તો ગંભીર પરિણામ આવી શકે છે.

ટેકનોલૉજીના આ યુગમાં આખરે શા કારણે કચ્છના રણમાં માણસ ભટકાઈ જાય છે અને મૃત્યુને ભેટે છે, કચ્છની ભૌગોલિક જટિલતા, વિશાળતા અને વિષમતા એના માટે કેવી રીતે જવાબદાર છે એના કારણો સમજવા માટે બીબીસી ગુજરાતીએ કચ્છના રણના અભ્યાસુઓ સાથે વાતચીત કરી હતી.

કચ્છના રણની ભૌગોલિક રચના કેવી છે?

કચ્છનું રણ, કચ્છનું નાનું રણ, ખારાઘોડા, ગુજરાતની ભૂગોળ, કચ્છનો ઇતિહાસ, કચ્છના રણમાં ભૂલા પડવું, અગરિયા, બીબીસી ગુજરાતી, કચ્છ, સફેદ રણ, મીઠાનું ઉત્પાદન, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ભારતની પશ્ચિમે અને પાકિસ્તાનની દક્ષિણ અને પૂર્વ સરહદે આવેલું છે મોટું અને નાનું રણ.

કચ્છના રણમાં ખાસ કરીને રેતી જોવા મળતી નથી. પહેલાં આ જગ્યાએ 'ટેથીઝ'ના ભાગરૂપે સાગર સાંભર સરોવર સુધી વિસ્તરેલો હોવાનું ગુજરાત વિશ્વકોશમાં નોંધાયું છે.

સમુદ્ર સપાટીથી થોડી વધુ ઊંચાઈએ અને ગુજરાતની ઉત્તર-પશ્ચિમ સરહદે આવેલો કચ્છના રણ તરીકે જાણીતો આ પ્રદેશ ભારતીય ઉપખંડમાં જોવા મળતો અજોડ ભૂમિભાગ ગણાય છે.

કચ્છના રણમાં આવેલાં પુરાતત્ત્વીય સ્થળો જેમણે શોધી કાઢ્યા છે એવા ઇસરોના નિવૃત્ત સાયન્ટિસ્ટ ડૉ. પી.એસ. ઠક્કરે કચ્છના રણમાં ખૂબ પરિભ્રમણ અને સંશોધન કર્યાં છે.

ડૉ. પી.એસ. ઠક્કર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "કચ્છનું રણ એ રેતીનું રણ નથી. ફક્ત ભારતમાં જ આવું રણ છે કે જે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું છે. કચ્છનું રણ બે ભાગમાં વહેંચાયેલું છે. એક કચ્છનું મોટું રણ અને બીજું કચ્છનું નાનું રણ. મોટું રણ 270 કિમી છે અને પહોંળાઈ 50થી 90 કિમી છે. નાના રણની લંબાઈ 100 કિમી અને પહોળાઈ અંદાજે 70 કિમી છે."

"કચ્છના મોટા રણની ઉત્તરમાં પાકિસ્તાન આવે છે. નાનું રણ કચ્છના અગ્નિ ખૂણામાં આવેલું છે. જે ત્રિકોણાકાર છે. આ રણપ્રદેશમાં મોટા ભાગની જમીન સમુદ્રના લેવલથી નીચે છે. એપ્રિલથી ઑક્ટોબર મહિના સુધી એમાં ત્રીસ સેન્ટીમીટરથી એક મીટર જેટલું પાણી ભરાયેલું રહે છે. નવેમ્બરથી માર્ચ સુધી પાણી વધારે રહે છે."

રણમાં ભટકાઈ જવાનાં મુખ્ય કારણો કયાં છે?

કચ્છનું રણ, કચ્છનું નાનું રણ, ખારાઘોડા, ગુજરાતની ભૂગોળ, કચ્છનો ઇતિહાસ, કચ્છના રણમાં ભૂલા પડવું, અગરિયા, બીબીસી ગુજરાતી, કચ્છ, સફેદ રણ, મીઠાનું ઉત્પાદન, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કચ્છના રણપ્રદેશમાં રેતી જોવા મળતી નથી એટલે આ ખારોપાટ રણપ્રદેશ ભારતીય ઉપખંડમાં જોવા મળતો અજોડ ભૂમિભાગ ગણાય છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કચ્છના વિશાળ રણમાં માણસને દિશા ચીંધી શકે એવી કોઈ નિશાની ન હોવાને કારણે મુસાફર ભટકાઈ જવાની શક્યતા વધી જાય છે.

ડૉ. પી.એસ. ઠક્કર કહે છે, "કચ્છના ચોરાડ, બેલા, ખદીર અને ખાવડા વિસ્તારમાં માનવવસ્તી છે, પણ રણ વિસ્તારમાં ખારાપાટ સિવાય કોઈ વનસ્પતિ કે પ્રાણી મળતાં નથી. કિલોમીટર દૂર ખારાપાટ સિવાય કંઈ દેખાતું નથી. ઝાંઝવાંનાં જળ દેખાતાં હોય ત્યારે દિશાનું ભાન ભૂલી જવાય છે."

"મોટા રણમાં બીએસએફ અને આર્મી માટે લિંક રોડ બનાવાયા છે. એના પરથી જાઓ તો કોઈ વાંધો ન આવે. જોકે ખારાપાટ વિસ્તારમાં કોઈ નિશાની જોવા મળતી નથી. કંપાસ હોય તો દિશાનો ખ્યાલ આવી શકે, મોબાઇલ પણ રણમાં નેટવર્કના કારણે કામે લાગતા નથી. આ પ્રતિકૂળ પરિબળોને કારણે માણસ કચ્છના રણમાં ભૂલો પડી જાય છે."

કચ્છમાં વર્ષો સુધી રિપોર્ટિંગ કરનાર અને કચ્છના રણને નજીકથી જાણનાર પત્રકાર વિપુલ વૈદ્યના મતમાં પણ આ જ સૂર સંભળાય છે.

રણની વિશાળતા, કોઈ ચિહ્ન ન હોવાં, કૉમ્યુનિકેશનનો અભાવ જેવાં પ્રતિકૂળ કારણો રણમાં મુસાફરને દિશા ભટકાવતા હોવાનું તેઓ કહે છે.

વિપુલ વૈદ્ય બીબીસી ગુજરાતીને જણાવે છે, "રણમાં ઘણાં સ્થળે નેટવર્ક ન આવતું હોવાને કારણે જીપીએસ કે મોબાઇલ પણ કામ લાગતા નથી. બૉર્ડર એરિયા ડેવલપમૅન્ટ સ્કીમ હેઠળ રોડ-રસ્તા બન્યા છે, પણ કૉમ્યુનિકેશન્સ મર્યાદિત છે. કદાચ કોઈ રીતે કૉમ્યુનિકેશન થાય તો પણ આસપાસ કોઈ ચિહ્ન ન હોવાને કારણે તમે ચોક્કસ કયા સ્થળે છો એ જણાવી ન શકો એટલે ગુમ થયેલા માણસને શોધવામાં પણ મુશ્કેલી પડે છે."

તેઓ વધુમાં જણાવતા કહે છે, "હવે તો મુખ્ય ચોકીઓ સુધી પાકા રોડ થઈ ગયા છે. દોઢેક દાયકા પહેલાં રોડ ન હતા. રોડ ન હોવાના કારણે રણમાં પડેલા ચીલાનાં નિશાન અનુસરીને આગળ ચાલવાનું હતું એટલે જો આગલું વાહન ખોટે રસ્તે ચડી જાય તો તમે પણ ભટકાઈ જાઓ છો."

વિપુલ વૈદ્યના કહેવા પ્રમાણે કચ્છમાં રાતના સમયે રણપ્રદેશમાં જોવા મળતી છરબતી (નીલા-કેસરી રંગનો આગના ભડકા જેવો રહસ્યમય પ્રકાશ) જોવા મળે છે જે પણ રણમાં રાતે ભટકાવે છે. આ છરબતીનાં વૈજ્ઞાનિક સત્યો બહાર આવ્યાં નથી.

રણમાં ભૂલા પડી જવાની ઘટનાઓ પહેલાં પણ ખૂબ બનતી હતી.

ડૉ. પી. એસ. ઠક્કર કહે છે, "પાકિસ્તાનના સિંધ પ્રાંતના નગરપાર્કરથી બેલા સુધી લોકો ગાડા લઈને સમૂહમાં નીકળતા હતા. આ કારણે સલામતી રહેતી હતી. એકલદોકલ માણસ ભરમાઈ જાય છે. મારા એક સંબંધી આવી રીતે રણમાં પાણી ન મળવાથી મૃત્યુ પામ્યા છે."

કચ્છનું અફાટ રણ અને ઝાંઝવાંની ભુલભુલામણી

કચ્છનું રણ, કચ્છનું નાનું રણ, ખારાઘોડા, ગુજરાતની ભૂગોળ, કચ્છનો ઇતિહાસ, કચ્છના રણમાં ભૂલા પડવું, અગરિયા, બીબીસી ગુજરાતી, કચ્છ, સફેદ રણ, મીઠાનું ઉત્પાદન, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કચ્છના નાના રણમાં અકસ્માતે મૃત્યુ પામેલા અગરિયા અથવા કામદારોના 'પાળિયા કે સ્મૃતિચિહ્ન' દર્શાવતી 2017ની તસવીર (ફાઇલ ફોટો)

રોડ-કૉમ્યુનિકેશનની મર્યાદા તો ખરી જ પણ એ ઉપરાંત અફાટ રણની ભૌગોલિક સંરચના પણ માણસને ભટકાવવામાં ભાગ ભજવે છે.

કચ્છના નાના રણના અભ્યાસુ અને પત્રકાર અંબુ પટેલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "મેં અત્યાર સુધીમાં અડધો ડઝન મૃતદેહ કચ્છના રણમાં ભૂલા પડી જવાને કારણે, તરસને કારણે મરતાં જોયા છે. જે રસ્તો ભૂલી જવાને કારણે, પાણીના અભાવે મૃત્યુ પામ્યા હોય. કચ્છનું મેદાન સપાટ છે. પૃથ્વી ગોળ છે એ તમે કચ્છની વચ્ચે ઊભા રહીને જુઓ તો વધારે સમજી શકો. રણમાં માર્ગે ભૂલેલા મુસાફર ચાર ખૂણાનો અંદાજ ન આવવાને કારણે ગોળગોળ ફર્યા કરે છે. મુસાફરને એમ જ થાય છે કે પોતે સીધી દિશામાં જ જઈ રહ્યો છે એટલે એ મુસાફર અડધો કિલોમીટરના રેડિયસમાં રાઉન્ડ મારતો મારતો સો મીટરમાં આવી જાય અને છેલ્લે પછી ચકરી ખાઈને પડી જાય છે."

અંબુ પટેલ વધુમાં કહે છે, "મુસાફરને થાક લાગે, પરસેવો વળે અને ડિહાઇડ્રેશન થાય છે. પાણી વગર મુસાફર એવી અવસ્થાએ પહોંચી જાય છે કે શરીરનું ચેતાતંત્ર દુખાવારહિત થઈ જાય. પીડારહિત ચેતનાઓ પણ એને આગળ વધવા માટે ધક્કો મારતી નથી. જો માણસને પીડા થાય તો એ એના મુકામ સુધી પહોંચી શકે."

"આ ભયાનકતામાં વધારો કરે છે ઝાંઝવાં. ઝાંઝવાંની અંદર તમે જે કલ્પના કરો એ આકાર તમને મોટા કદમાં દેખાય છે જે ભ્રમમાં નાખે છે. આ બધાં જ કારણો મુસાફરને ભટકાવે છે અને અંતે તે મૃત્યુને ભેટે છે."

પાકિસ્તાનની સીમામાં પણ ભૂલથી પ્રવેશી જવાય

કચ્છનું રણ, કચ્છનું નાનું રણ, ખારાઘોડા, ગુજરાતની ભૂગોળ, કચ્છનો ઇતિહાસ, કચ્છના રણમાં ભૂલા પડવું, અગરિયા, બીબીસી ગુજરાતી, કચ્છ, સફેદ રણ, મીઠાનું ઉત્પાદન, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અફાટ રણમાં મોબાઈલનું નેટવર્ક ખોરવાઈ જવાને કારણે મુસાફરને દિશા સુચવવામાં જીપીએસ સિસ્ટમ પણ કારગત નિવડતી નથી

ઘણી વાર રણમાં ભૂલો પડેલો માણસ પાકિસ્તાનની સીમામાં પહોંચી જવાના બનાવો પણ નોંધાયા છે.

વિપુલ વૈદ્ય કહે છે, "કચ્છનું રણ વિશાળ વિસ્તાર ધરાવે છે. કચ્છના બંને રણમાં મિસિંગની ઘટના બનતી રહે છે. કચ્છના રણની ભૌગોલિક સ્થિતિ એવી છે કે મોટા રણથી સિવિલ એરિયા લગભગ 50 કિમી છે. રણમાં ગુમ થવાના શક્યતા ખૂબ રહે છે. મોટા ભાગના રણમાં ફેન્સિંગ થઈ ગઈ છે. બેલા બૉર્ડરના કેટલાક વિસ્તારમાં ફેન્સિંગ નથી એટલે કોઈ ગુમ થાય તો પાકિસ્તાન પહોંચી જવાનો પણ ખતરો રહે છે."

વિપુલ વૈદ્ય જે તે સમયે દેશભરમાં ચર્ચાસ્પદ મુદ્દો બનેલા એક કિસ્સાને યાદ કરતા કહે છે એ પ્રમાણે વર્ષ 1997ના એપ્રિલ મહિનામાં મોટા રણમાં આર્મીના કૅપ્ટન સંજિત ભટ્ટાચાર્જીની આગેવાની હેઠળ આર્મીની ટુકડી ફૂટ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે સંજીત ભટ્ટાચાર્જી અને તેમના સાથીદાર લાંસ નાયક રામ બહાદુર થાપા ગુમ થઈ ગયા હતા.

મીડિયા રિપોર્ટ પ્રમાણે એ લોકોને પાકિસ્તાની અધિકારીઓએ પકડી લીધા હતા. એમને નજીકની ચોકીમાં લઈ જવામાં આવ્યા હતા. આ બંને સૈનિકોને પાકિસ્તાનના સિંધમાં હૈદરાબાદની જેલમાં રાખવામાં આવ્યા હતા. જોકે પાકિસ્તાને ભારતીય સૈનિકો પોતાના કબજામાં હોવાની વાત કબૂલી ન હતી, એટલે તેમને મિસિંગ માનવામાં આવ્યા હતા.

આવી ઘટના અટકાવવાનો ઉપાય શું છે?

કચ્છનું રણ, કચ્છનું નાનું રણ, ખારાઘોડા, ગુજરાતની ભૂગોળ, કચ્છનો ઇતિહાસ, કચ્છના રણમાં ભૂલા પડવું, અગરિયા, બીબીસી ગુજરાતી, કચ્છ, સફેદ રણ, મીઠાનું ઉત્પાદન, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

કચ્છના રણમાં કોઈ એક નિશ્ચિત જગ્યા શોધવી પણ મુશ્કેલ હોય છે.

ડૉ. પીએસ ઠક્કર પોતાની સાથે બનેલો એક બનાવ યાદ કરતા કહે છે, "અમે ફેલેમિંગો સિટીથી પાછા જ્યારે ફર્યા ત્યારે અમારી બોટ પાણીમાં ફસાઈ ગઈ હતી. અમને કશો જ ખ્યાલ ન હતો કે અમારે કઈ તરફ જવું."

"અમારી સાથે નસીબજોગે બીએસએફના એક ઇન્સ્પેક્ટર સાથે હતા, એમણે વાઇરલૅસ સેટ પર ચોકીએ લાઇટ ચાલુ કરવાની સૂચના આપી. ચાર-પાંચ ચોકીએ લાઇટ થઈ. આનાથી અમે કન્ફયુઝ થઈ ગયા અને અમારે ડાબી બાજુએ જવાનું હતું તેને બદલે અમે જમણી બાજુએ ચાલ્યા ગયા. છીછરાં પાણીમાં બોટ મૂકવી પડી. છાતી સમાણા પાણીમાં રાતે એકાદ વાગ્યે આખરે અમે ભેડિયાઘાટ પહોંચ્યાં હતા."

અંબુ પટેલના કહેવા પ્રમાણે, ખારાઘોડા ઝોન, ઝીંઝુવાડા ઝોન સાંતલપુર ઝોન ત્રીસ લાખ મેટ્રિક ટન મીઠું પાકે છે. અંદાજે ત્રણ હજાર પરિવારો મીઠું પકવવા પર નભે છે. મીઠાની ગુણો ભરેલા ટ્રકો પણ રણમાં દિશાનિર્દેશને કારણે ભૂલા પડી જાય છે. એમને માટે યોગ્ય દિશાનિર્દેશની વ્યવસ્થા નથી.

તેઓ કહે છે, "હું રણની ભયાનકતા વિશે 1930થી વાંચતો આવ્યો છું, પણ તમે રણને ક્યાં સુધી ભયાનક રહેવા દેશો? આવી ઘટના દરરોજ નથી બનવાની પણ જો આ યુગમાં પણ રણમાં ભૂલો પડીને માણસ મૃત્યુ પામે તો ટેકનોલૉજીનો કોઈ અર્થ રહેતો નથી."

"ટેકનોલૉજી વધી એમ બનાવો વધ્યા છે, કારણ કે ખિસ્સામાં પડેલા મોબાઇલથી માણસ વધારે પડતા આત્મવિશ્વાસમાં આવી જાય છે. પણ મોબાઇલ રણમાં કામ આવતો નથી. આવા બનાવોને અટકાવવા માટે જેમ દરીયાકાંઠે ઊંચી હાઇટવાળી દીવાદાંડી હોય છે એમ રણમાં જંબો ફોક્સ ગોઠવી શકાય જેના કારણે કમસે કમ રાતે લોકોના જીવ બચી શકે."

ડૉ. પી.એસ. ઠક્કર કહે છે, "રણમાં સારા રસ્તા બનાવવામાં આવે ઉપરાંત જે પણ રણમાં નીકળે છે એમણે સાવચેતીપૂર્વક નીકળવું જોઈએ, પૂરતાં સાધનો-પાણી લઈને નીકળવું જોઈએ અને એકલદોકલ જવાનું ટાળવું જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.