દુનિયામાં આ દુર્લભ બ્લડ ગ્રૂપ ધરાવતી એક જ મહિલા કોણ છે, ક્યાં રહે છે?

બ્લડ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, શરદ વી.
    • પદ, બીબીસી સંવાદદાતા

વિશ્વમાં 48મા બ્લડ ગ્રૂપની શોધ કરવામાં આવી છે. તેને 'ગ્વાડા નેગેટિવ' નામ આપવામાં આવ્યું છે. દુનિયામાં એકમાત્ર મહિલા આ બ્લડ ગ્રૂપ ધરાવતાં હોવાનું અત્યાર સુધીમાં જાણવા મળ્યું છે.

ફ્રાન્સના કબજા હેઠળના ગ્વાડેલુપ ટાપુનાં એક મહિલાનું રક્ત આ ગ્રૂપનું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનના સંદર્ભમાં આ બ્લડ ગ્રૂપનું નામ ગ્વાડેલુપ નૅગેટિવ રાખવામાં આવ્યું છે.

ફ્રાન્સના રાષ્ટ્રીય રક્ત સંગઠન ઍસ્ટાબ્લિશમેન્ટ ફ્રાન્સેસ ડૂ સાંગ (ઈએફએસ)એ આ બ્લડ ગ્રૂપ શોધ્યું છે. આ શોધને ઇન્ટરનૅશનલ સોસાયટી ફૉર બ્લડ ટ્રાન્સફ્યુઝને સ્વીકૃતિ આપી છે. તેને 48મા બ્લડ ગ્રૂપ તરીકે સ્વીકૃતિ આપવામાં આવી છે. આ બ્લડ ગ્રૂપને પીઆઈજી7 પણ કહેવામાં આવે છે.

જૂન, 2025 સુધી ઉપલબ્ધ માહિતી અનુસાર, આવું બ્લડ ગ્રૂપ વિશ્વમાં એક જ વ્યક્તિ ધરાવે છે

દુર્લભ બ્લડ ગ્રૂપનો અર્થ

કોઈ બ્લડ ગ્રૂપ 1,000માંથી એકથી ઓછી વ્યક્તિઓમાં જોવા મળે તો તેને દુર્લભ બ્લડ ગ્રૂપ કહેવામાં આવે છે.

કોઈ બ્લડ ગ્રૂપ દુર્લભ છે કે નહીં તે નક્કી કરવા માટે તેમાં ઈએમએમ એન્ટિજેન છે કે નહીં તે નક્કી કરવું જરૂરી હોય છે.

આ ઈએમએમ એન્ટિજેન સામાન્ય રીતે દરેકના લોહીમાં હોય છે અને તે લાલ રક્ત કોશિકાઓ પર જોવા મળે છે.

આ એન્ટિજેન રક્ત કોશિકાઓમાં ચોક્કસ પ્રોટીનને એકસાથે રાખવામાં મદદ કરે છે.

નવા શોધાયેલા દુર્લભ બ્લડ ગ્રૂપની વિશેષતા એ છે કે તેમાં ઈએમએમ એન્ટિજેન નથી.

આ એન્ટિજેન શરીર માટે 'કોડ' તરીકે કાર્ય કરે છે. રક્ત કોશિકાઓ તેને પોતાના કોષો તરીકે ઓળખે છે.

આ કેવી રીતે નક્કી કરવામાં આવ્યું?

બ્લડ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગ્વાડેલુપનાં એક 54 વર્ષીય મહિલાએ 2011માં સર્જરી પહેલાં કેટલાંક રક્ત પરીક્ષણો કરાવ્યાં હતાં. તે સમયે ફ્રેન્ચ ડૉક્ટરોને મહિલાના લોહીમાં કેટલાક અસામાન્ય તત્ત્વો જોવા મળ્યાં હતાં.

મહિલાનું લોહી કોઈ અન્ય બ્લડ ગ્રૂપ સાથે મેળ ખાતું ન હતું, પરંતુ મહિલાનું લોહી આવું શા માટે છે તે શોધવા માટે કોઈ અદ્યતન તકનીક ઉપલબ્ધ ન હતી.

ફ્રેન્ચ નૅશનલ બ્લડ ઇન્સ્ટિટ્યૂટના થિઅરી બર્નાર્ડ અને સ્લિમ એસોસી સહિતના સંશોધકોની ટીમે આ બાબતે અનેક અભ્યાસ કર્યા હતા.

2019માં જીનોમ સિક્વન્સિંગમાં અદ્યતન પદ્ધતિની શરૂઆત કરવામાં આવી હતી.

સંશોધક થિઅરી બર્નાર્ડે જણાવ્યું હતું કે ઝડપથી અને ક્રમિક રીતે મોટી સંખ્યામાં જનીનો દાખલ કરવાની તકનીક ઉપલબ્ધ થઈ ત્યારે જ રક્તના નવા પ્રકાર માટે જવાબદાર આનુવંશિક સંસ્કરણની ઓળખ થઈ શકી હતી.

તે આનુવંશિક ભિન્નતા ઈએમએમ એન્ટિજેનના ઉત્પાદનને અટકાવે છે.

આ દુર્લભ બ્લડ ગ્રૂપ આવ્યું કેવી રીતે?

બ્લડ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ક્વાડ્રા બ્લડ ગ્રૂપની આ મહિલાનાં માતા-પિતા બંનેમાં ઉપરોક્ત આનુવંશિક ભિન્નતા જોવા મળી છે.

તેથી મહિલાને તે આનુવંશિક ભિન્નતા વારસામાં મળી હતી. થિઅરી બર્નાર્ડે જણાવ્યું હતું કે તે મહિલા આ બ્લડ ગ્રૂપ ધરાવતી વિશ્વની એકમાત્ર વ્યક્તિ છે. તેઓ બીજા કોઈ પાસેથી રક્તદાન મેળવી શકે તેમ નથી.

તેનું કારણ એ છે કે બધા લોકોમાં ઈએમએમ એન્ટિજેન હોવાથી એ મહિલા અન્ય કોઈ પાસેથી રક્તદાન મારફતે લોહી મેળવી શકે તેમ નથી.

આ ઉપરાંત મહિલાના વતન ગ્વાડેલુપ ટાપુ પર અથવા તેની આસપાસ સમાન બ્લડ ગ્રૂપ ધરાવતા અન્ય લોકો છે કે કેમ તે શોધવાના પ્રયાસ પણ ચાલી રહ્યા છે.

દુર્લભ બ્લડ ગ્રૂપ ધરાવતા લોકો સામેના પડકારો

બ્લડ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

દુર્લભ બ્લડ ગ્રૂપ ધરાવતા લોકો સમાન બ્લડ ગ્રૂપ ધરાવતા લોકો પાસેથી જ લોહી મેળવી શકે છે.

તેમને કોઈ અન્ય વ્યક્તિનું રક્ત ચડાવવામાં આવે તો તે વ્યક્તિના રક્તમાંના એન્ટિજેન રક્ત મેળવનાર વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે. શરીર તે એન્ટિજેન સ્વીકારતું નથી.

માઇક્રોબાયોલૉજિસ્ટ શન્મુખ પ્રિયા કહે છે, "બીજા બ્લડ ગ્રૂપનું રક્ત ચડાવવું ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. બૉમ્બે બ્લડ ગ્રૂપ નામના દુર્લભ બ્લડ ગ્રૂપમાં એચ એન્ટિજેન હોતું નથી. આપણામાંના લગભગ બધામાં આ એન્ટિજેન હોય છે. તેથી બૉમ્બે બ્લડ ગ્રૂપ ધરાવતા લોકોએ બ્લડ ટ્રાન્સફ્યુઝન વખતે સાવધાની રાખવી જોઈએ. અલબત, દુર્લભ બ્લડ ગ્રૂપ ધરાવતા લોકો પોતાના બ્લડનું જ ટ્રાન્સફ્યુઝન કરાવી શકે એવી રીત છે."

તેઓ ઉમેરે છે, "આવા લોકો રક્તદાન કરી શકે છે અને તેનો સંગ્રહ કરાવી શકે છે. લોહીના વિવિધ ઘટકોને અલગ-અલગ સંગ્રહિત કરી શકાય છે. કેટલાક ઘટકો એક વર્ષ સુધી સંગ્રહિત કરી શકાય છે. એન્ટિજેન-મુક્ત પ્લાઝમા જેવા ઘટકો કોઈ પણ દાતા પાસેથી મેળવી શકાય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન