દર સાત મિનિટે એક મૃત્યુ : ગર્ભવતી માટે આ દેશ વિશ્વનો સૌથી ખતરનાક કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, માકુઓચી ઓકાફોર
- પદ, બીબીસી આફ્રિકા આરોગ્ય સંવાદદાતા, લાગોસ
24 વર્ષની ઉંમરે નફીસા સાલાહુ નાઇજીરિયામાં એક આંકડો બની જવાના ભયમાં હતાં, જ્યાં સરેરાશ દર સાત મિનિટે એક મહિલા પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામે છે.
ડૉક્ટરોની હડતાળ દરમિયાન પ્રસૂતિ કરવાનો અર્થ એ હતો કે હૉસ્પિટલ હોવા છતાં કોઈ જટિલતા ઊભી થાય તો કોઈ નિષ્ણાતની મદદ ઉપલબ્ધ નહોતી.
પ્રસૂતિ દરમિયાન તેમના બાળકનું માથું ફસાઈ ગયું હતું. તેમને પ્રસૂતિ દરમિયાન સ્થિર સૂવાનું કહેવાયું હતું, જે ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું.
આખરે સિઝેરિયન ઑપરેશનની સલાહ આપવામાં આવી, આને માટે એક ડૉક્ટર શોધવામાં આવ્યા જેઓ આમ કરવા તૈયાર હતા.
સાલાહુએ દેશના ઉત્તરમાં આવેલા કાનોમાંથી બીબીસીને જણાવ્યું, "મેં ભગવાનનો આભાર માન્યો, કારણ કે હું લગભગ મરી રહી હતી. મારી પાસે કોઈ શક્તિ બચી ન હતી, મારી પાસે કંઈ બચ્યું ન હતું."
સલાહુ બચી ગયાં, પરંતુ દુઃખદ રીતે તેમનું બાળક મૃત્યુ પામ્યું.
અગિયાર વર્ષમાં સલાહુ ઘણી વખત પ્રસૂતિ માટે હૉસ્પિટલમાં ગયાં હતાં અને આમ કરવા માટે પ્રારબ્ધવાદી મનોવૃત્તિ જોઈએ.
સાલહુ કહે છે, "મને ખબર હતી કે (દરેક વખતે) હું જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાતી હતી, પણ હવે મને ડર એનો નહોતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાઇજીરિયાની સ્થિતિ આંકડાઓમાં

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સલાહુનો આ અનુભવ સાવ અસામાન્ય નથી. નાઇજીરિયા બાળકોને જન્મ આપવા માટે વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણાય છે.
યુએનનો (સંયુક્ત રાષ્ટ્રો) તાજેતરનો અંદાજ વર્ષ 2023ના આંકડા પરથી સંકલિત કરવામાં આવ્યો છે. દર 100માંથી એક મહિલા પ્રસૂતિ દરમિયાન અથવા તો તેના પછીના દિવસોમાં મૃત્યુ પામે છે.
2023માં નાઇજીરિયા વિશ્વભરમાં તમામ માતાના મૃત્યુના એક ચતુર્થાંશથી વધુ (29% ) જવાબદાર હતું.
દર વર્ષે અંદાજે 75,000 સ્ત્રીઓ બાળકને જન્મ આપવા દરમિયાન મૃત્યુ પામે છે, જેનો અર્થ એ થાય કે દર સાત મિનિટે એક મૃત્યુ થાય છે.
ઘણા લોકો માટે હતાશાજનક એ છે કે બાળજન્મ પછી રક્તસ્રાવ (જેને પ્રસવોત્તર રક્તસ્રાવ તરીકે ઓળખવામાં આવે છે) જેવી બાબતોથી થતા મૃત્યુને મોટી સંખ્યામાં ગણાવી શકાય છે.
પાંચ વર્ષ પહેલાં દક્ષિણ-પૂર્વીય શહેર ઓનિત્શાની એક હૉસ્પિટલમાં જ્યારે ચિનેન્યે ન્વેઝનું લોહી વહેવાથી મૃત્યુ થયું, ત્યારે તેઓ 36 વર્ષનાં હતાં.
તેમના ભાઈ હેનરી એડેહ એ સમયને યાદ કરતા કહે છે, "ડૉક્ટરોને લોહીની જરૂર હતી."
"તેમની પાસે જે લોહી હતું તે પૂરતું ન હતું અને તેઓ તેના માટે દોડાદોડ કરી રહ્યા હતા. મારી બહેન અને મારા મિત્રને ગુમાવવાં એ એવી પીડા છે કે જે હું કોઈ દુશ્મન માટે પણ ન ઇચ્છું. આ પીડા અસહ્ય છે."
બાળમરણ દર માટે જવાબદાર કારણો

ઇમેજ સ્રોત, Getty Images
માતાના મૃત્યુનાં અન્ય સામાન્ય કારણોમાં અવરોધિત પ્રસૂતિ, હાઈ બ્લડપ્રેશર અને અસુરક્ષિત ગર્ભપાતનો સમાવેશ થાય છે.
યુએનના બાળકોના સંગઠન, યુનિસેફના નાઇજીરિયા કાર્યાલયના માર્ટિન ડોહલ્સ્ટેનના મતે, નાઇજીરિયાનો "ખૂબ જ ઊંચો" માતા મૃત્યુદર અનેક પરિબળોના સંયોજનનું પરિણામ છે.
તેઓ કહે છે કે આમાં નબળી આરોગ્ય માળખાકીય સુવિધાઓ, ડૉક્ટરોની અછત, મોંઘી સારવાર (જે ઘણા લોકોને પરવડી શકતી નથી), સાંસ્કૃતિક પ્રથાઓ છે જે કેટલાક અવિશ્વાસપાત્ર તબીબી વ્યાવસાયિકો અને અસુરક્ષાનું કારણ બની શકે છે.
વુમન ઑફ પર્પઝ ડેવલપમૅન્ટ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય સંયોજક મેબેલ ઓનવુમેના કહે છે, "કોઈ પણ સ્ત્રી બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામવી ના જોઈએ."
તેઓ સમજાવે છે કે કેટલીક મહિલાઓ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, "એવું માને છે કે હૉસ્પિટલોમાં જવું એ સમયનો બગાડ છે" અને "તબીબી મદદ મેળવવાને બદલે પરંપરાગત ઉપાયો પસંદ કરે છે, જે જીવન બચાવવાની સંભાળમાં વિલંબ ઊભો કરે છે."
કેટલાક માટે પરિવહનના અભાવને કારણે હૉસ્પિટલ અથવા ક્લિનિક સુધી પહોંચવું લગભગ અશક્ય હોય છે, પરંતુ ઓનવુમેના માને છે કે જો તેઓ આમાં સફળ થઈ જાય, તો પણ તેમની સમસ્યાઓનો અંત આવતો નથી.
ઘણી આરોગ્ય સંભાળ સુવિધાઓમાં મૂળભૂત સાધનો, પુરવઠો અને પ્રશિક્ષિત કર્મચારીઓનો અભાવ હોય છે, જેના કારણે ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવી મુશ્કેલ બને છે.
નિષ્ણાત તબીબો અને આરોગ્યકર્મીઓનો અભાવ

ઇમેજ સ્રોત, Henry Edeh
નાઇજીરિયાની સંઘીય સરકાર હાલમાં તેના બજેટના માત્ર 5% આરોગ્ય પર ખર્ચ કરે છે, જે 2001ની આફ્રિકન યુનિયન સંધિમાં દેશ દ્વારા પ્રતિબદ્ધ 15% લક્ષ્ય કરતાં ઘણું ઓછું છે.
2021માં 218 મિલિયનની વસ્તી માટે 121,000 દાયણ હતી અને તમામ જન્મમાંથી અડધાથી ઓછાં બાળકોને કુશળ આરોગ્ય કાર્યકરની દેખરેખમાં રાખવામાં આવ્યાં હતાં. એવો અંદાજ છે કે વિશ્વ આરોગ્ય સંગઠને ભલામણ કરેલા ગુણોત્તરને પૂર્ણ કરવા માટે દેશને વધુ 700,000 નર્સો અને દાયણોની જરૂર છે. ડૉક્ટરોનો પણ ભારે અભાવ છે.
સ્ટાફ અને સુવિધાઓની અછતને કારણે કેટલાકને વ્યાવસાયિક મદદ લેવી મુશ્કેલ બને છે.
28 વર્ષીય જમીલા ઇશાક કહે છે, "હું પ્રામાણિકપણે હૉસ્પિટલો પર વધુ વિશ્વાસ કરતી નથી, ખાસ કરીને જાહેર હૉસ્પિટલોમાં બેદરકારીની ઘણી બધી વાતો છે."
જમીલા ઇશાક સમજાવે છે, "ઉદાહરણ તરીકે જ્યારે હું મારા ચોથા બાળકને જન્મ આપી રહી હતી, ત્યારે પ્રસૂતિ દરમિયાન મુશ્કેલીઓ હતી. સ્થાનિક બર્થ ઍટેન્ડન્ટે અમને હૉસ્પિટલમાં જવાની સલાહ આપી હતી, પરંતુ જ્યારે અમે ત્યાં પહોંચ્યા, ત્યારે મને મદદ કરવા માટે કોઈ આરોગ્ય સંભાળ કાર્યકર ઉપલબ્ધ ન હતો. મારે ઘરે પાછા ફરવું પડ્યું અને ત્યાં જ મેં આખરે જન્મ આપ્યો."
જમીલા નાઇજીરિયાના કાનો પ્રાંતમાં નિવાસ કરે છે અને પાંચમી વખત માતા બનવાના છે.
તેઓ ઉમેરે છે કે તે ખાનગી ક્લિનિકમાં જવાનું વિચારશે, પરંતુ તેનો ખર્ચ ખૂબ જ વધારે છે.
પરિસ્થિતિ બદલાઈ રહી છે

ઇમેજ સ્રોત, Getty Images
ચિનવેન્ડુ ઓબીજેસી જે તેમના ત્રીજા બાળકની અપેક્ષા રાખે છે, તેઓ હૉસ્પિટલમાં ખાનગી આરોગ્ય સંભાળ માટે ચુકવણી કરી શકે છે અને "બીજે ક્યાંય જન્મ આપવાનું વિચારતાં નથી".
તેઓ કહે છે કે તેમની સખીઓ અને પરિવારમાં પ્રસૂતિ સમયે માતાનું મૃત્યુ એ હવે જ્વલ્લે જ બનતી ઘટના છે. અગાઉ તેના વિશે વારંવાર વાત સંભળાતી હતી.
તેઓ અબુજાના એક સમૃદ્ધ ઉપનગરમાં રહે છે, જ્યાં હૉસ્પિટલો પહોંચવામાં સરળતા છે, રસ્તાઓ વધુ સારા છે અને કટોકટી સેવાઓ ઉપલબ્ધ છે. શહેરમાં વધુ મહિલાઓ શિક્ષિત પણ છે અને તેઓ હૉસ્પિટલ જવાનું મહત્ત્વ જાણે છે.
ઓબીજેસી બીબીસીને કહે છે, "હું હંમેશાં પ્રસૂતિ પહેલાંની સંભાળમાં કાળજી રાખું છું. તે મને નિયમિતપણે ડૉક્ટરો સાથે વાત કરવા, મહત્ત્વપૂર્ણ પરીક્ષણો અને સ્કૅન કરાવવા અને મારા અને બાળકના સ્વાસ્થ્ય બંને પર નજર રાખી શકે છે."
"દાખલા તરીકે મારી બીજી ગર્ભાવસ્થા દરમિયાન તેમને અપેક્ષા હતી કે મને ભારે રક્તસ્રાવ થઈ શકે છે, તેથી જો ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે તો તેઓએ વધારાનું લોહી તૈયાર રાખ્યું. સદનસીબે, મને તેની જરૂર નહોતી અને બધું બરાબર રહ્યું."
જોકે, તેમના એક પારિવારિક મિત્ર એટલાં નસીબદાર નહોતાં.
તેમની બીજી પ્રસૂતિ દરમિયાન, "જન્મ સહાયક બાળકને જન્મ આપી શક્યાં નહીં અને તેને બળજબરીથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. બાળકનું મૃત્યુ થયું. જ્યારે તેમને હૉસ્પિટલ લઈ જવાયાં, ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. બાળકના શરીરને જન્મ આપવા માટે તેમની હજુ પણ શસ્ત્રક્રિયા કરવી પડી હતી. તે હૃદયદ્રાવક હતું."

ઇમેજ સ્રોત, Getty Images
દેશની રાષ્ટ્રીય પ્રાથમિક આરોગ્ય સંભાળ વિકાસ એજન્સી (NPHCDA) ખાતે સમુદાય આરોગ્ય સેવાઓના નિદેશક ડૉ. નાના સંદાહ-અબુબાકર સ્વીકારે છે કે પરિસ્થિતિ ગંભીર છે, પરંતુ કહે છે કે કેટલીક સમસ્યાઓને ઉકેલવા માટે એક નવી યોજના બનાવાઈ રહી છે.
ગયા નવેમ્બરમાં નાઇજીરિયાની સરકારે માતા મૃત્યુદર ઘટાડા ઇનૉવેશન ઇનિશિયેટિવ (મામી)ના પાઇલટ તબક્કાની શરૂઆત કરી હતી. આખરે આ 33 રાજ્યોના 172 સ્થાનિક સરકારી વિસ્તારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, જે દેશમાં બાળજન્મ સંબંધિત તમામ મૃત્યુના અડધાથી વધુ માટે જવાબદાર છે.
ડૉ. સંદાહ-અબુબાકર કહે છે, "અમે દરેક સગર્ભા સ્ત્રીને ઓળખીએ છીએ, જાણીએ છીએ કે તે ક્યાં રહે છે અને ગર્ભાવસ્થા, બાળજન્મ અને તે પછી તેને ટેકો આપીએ છીએ."
ઘરે-ઘરે સર્વેક્ષણથી અત્યાર સુધીમાં છ રાજ્યોમાં ચાર લાખથી વધુ સગર્ભા સ્ત્રીઓ હોવાનું માલૂમ પડ્યુ છે.
તેઓ કહે છે, "આ યોજના થકી તેમને પ્રસૂતિ પહેલાં (વર્ગમાં હાજરી આપી રહી છે કે નહીં તેની વિગતો સાથે)ની સેવાઓ સાથે જોડવાની છે, જેથી ખાતરી કરી શકાય કે તેમને (જરૂરી) સંભાળ મળે અને તેઓ સુરક્ષિત રીતે પ્રસૂતિ કરે."
મામી સ્થાનિક પરિવહન નેટવર્ક્સ સાથે કામ કરવાનો પ્રયાસ કરશે, જેથી વધુ મહિલાઓને ક્લિનિક્સમાં લઈ જવાનો પ્રયાસ કરી શકાય અને લોકોને ઓછા ખર્ચે જાહેર આરોગ્ય વીમા માટે સાઇન-અપ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય.
આની કોઈ અસર થઈ છે કે નહીં તે કહેવું હજુ વહેલું છે, પરંતુ અધિકારીઓને આશા છે કે દેશ આખરે બાકીના વિશ્વના વલણને અનુસરી શકે છે.
વર્ષ 2000થી આરોગ્ય સંભાળની સુવિધામાં વધારો થવાને કારણે વૈશ્વિક સ્તરે માતા મૃત્યુદરમાં 40 ટકા જેટલો ઘટાડો થયો છે. નાઇજીરિયામાં પણ આ જ સમયગાળા દરમિયાન આ સંખ્યામાં સુધારો થયો છે, પરંતુ તે ફક્ત 13% જ છે.
મામી અને અન્ય કાર્યક્રમો આવકાર્ય પહેલ હોવા છતાં કેટલાક નિષ્ણાતો માને છે કે હજુ ઘણું વધુ કરવાની જરૂર છે.
યુનિસેફના ડોહલ્સ્ટન કહે છે, "તેમની સફળતા સતત ભંડોળ, અસરકારક અમલીકરણ અને સતત દેખરેખ પર આધાર રાખે છે, જેથી ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થાય તેની ખાતરી કરી શકાય."
આ દરમિયાન નાઇજીરિયામાં દરેક માતાનું મૃત્યુ, દરરોજ તેમની સાથે સંકળાયેલા લગભગ 200 પરિવારો માટે એક દુર્ઘટના સમાન જ બની રહેશે.
એદેહ માટે તેમની બહેનના મૃત્યુનું દુઃખ હજુ પણ તાજું છે.
ડોહલ્સ્ટન કહે છે કે તે અમારા માટે આધારસ્તંભ અને કરોડરજ્જુ બનવા આગળ વધી, કારણ કે અમે મોટા થઈ રહ્યા હતા ત્યારે અમારાં માતાપિતા ગુમાવ્યાં હતાં.
"હું જ્યારે એકલો હોઉ છું, ત્યારે તે મને યાદ આવે છે. ત્યારે હું ખૂબ રડું છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












