એલચીની ખેતી કેવી રીતે થાય અને શેમાં સૌથી વધારે ખર્ચ આવે?

    • લેેખક, પ્રીતિ ગુપ્તા
    • પદ, ટૅક્નૉલૉજી રિપોર્ટર, મુંબઈ

સામાન્ય રીતે લોકો એલચીને નફાકારક પાક માને છે. કેરળમાં દાયકાઓથી એલચીની ખેતી કરતા સ્ટેનલી પોથન કહે છે, "એવું હોઈ શકે, પરંતુ ખેડૂત માટે તે સૌથી મુશ્કેલ પાક પણ છે."

જેની સુગંધિત અને જટિલ સ્વાદ માટે સદીઓથી કિંમત થતી આવી છે, તેવી એલચી ઉગાડવી ખૂબ જ પડકારજનક છે.

સ્ટેનલી પોથન સમજાવે છે, "એલચીનો છોડ ખૂબ જ નાજુક હોય છે. તે રોગો અને જીવાતોના હુમલા સામે અત્યંત સંવેદનશીલ છે. આને કારણે ખેડૂતે સતત ખેતરમાં હાજર રહેવું પડે છે, દરેક પાન અને દરેક ફૂલ પર સતત નજર રાખવી પડે છે. તેની રોજ માવજત કરવી અનિવાર્ય છે."

હવામાન પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ પાક

એલચી હવામાનની પરિસ્થિતિઓ પ્રત્યે પણ સખત સંવેદનશીલ છે. સ્ટેનલી ઉમેરે છે, "ગયા વર્ષનો ઉનાળો ખૂબ આકરો હતો. ગરમીને કારણે અમારે પાકનો નોંધપાત્ર હિસ્સો ગુમાવવો પડ્યો હતો. વિશ્વના સૌથી મોટા એલચી ઉત્પાદક ગ્વાટેમાલાએ પણ તે સિઝનમાં પોતાનો લગભગ 60% પાક ગુમાવ્યો હતો. અહીં કેરળમાં પણ અમને બહુ મોટી અસર થઈ હતી."

એલચી હંમેશાં મોંઘી રહે છે; વજનની દૃષ્ટિએ, તે સામાન્ય રીતે કેસર અને વેનીલા પછી ત્રીજા ક્રમનો સૌથી મોંઘો મસાલો છે. ઇન્ડિયન સ્પાઇસ બોર્ડના આંકડા મુજબ, ગયા વર્ષે એલચીના ભાવમાં 70% જેટલો વધારો થયો હતો અને તેનો ભાવ પ્રતિ કિલો રૂ. 1,178 રહ્યો હતો.

આના પરથી ખેડૂતો તેનું ઉત્પાદન વધારવા આતુર હોય તે સમજી શકાય છે, પરંતુ તે સહેલું નથી. સ્ટેનલી પોથન સ્પષ્ટતા કરે છે, "એક ખરાબ ઉનાળો કે અણધાર્યો વરસાદ આખા પાકને નષ્ટ કરી શકે છે. એલચીની ખેતીની આ કઠોર વાસ્તવિકતા છે."

ઉત્પાદન વધારવાના પ્રયાસો

એલચીના ઉત્પાદનનો બોજ હળવો કરવાના પ્રયાસો ચાલુ છે. ઇન્ડિયન કાર્ડમમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ICRI), જે ભારત સરકારના સ્પાઇસ બોર્ડ ઑફ ઇન્ડિયાનો એક ભાગ છે, તે સંશોધન કરી રહ્યું છે.

ICRIનાં ડિરેક્ટર ડૉ. એ. બી. રીમા કહે છે, "અમારું ફોકસ પાકસુધારણા, જીવાત અને રોગનિયંત્રણ, જમીનવ્યવસ્થાપન, ક્ષમતાનિર્માણ અને ટેક્નૉલૉજી ટ્રાન્સફર પર છે."

આ પ્રયાસના ભાગરૂપે, એક ઍપ્લિકેશન વિકસાવવામાં આવી છે. આ ઍપ ખેડૂતોને જમીનના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા માટે મદદ કરે છે અને શ્રેષ્ઠ વ્યવસ્થાપન માટે વ્યક્તિગત ભલામણો પણ પૂરી પાડે છે.

ડૉ. રીમા ઉમેરે છે, "ટેક્નૉલૉજી હવે ખેતીથી અલગ નથી. એલચી ઉગાડતા લોકો માટે તે દૈનિક સાધન બની ગયું છે. તેઓ આ ઍપ વડે જમીનના સ્વાસ્થ્યની તપાસથી માંડીને વરસાદ અને રોગસંબંધી ચેતવણી સુધીનું બધું મોબાઇલ ફોન પર મેળવી શકે છે. નાના ખેડૂતો પણ આ ડિજિટલ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે અને હવે તેમણે માત્ર સ્થાનિક સલાહ પર આધાર રાખવો પડતો નથી."

એલચીની સુધારેલી જાતો વિશે સંશોધન

દરમિયાન, વિજ્ઞાનીઓ એલચીની વધુ મજબૂત જાતો શોધવા પર ધ્યાન આપી રહ્યા છે. કેરળ યુનિવર્સિટીના પ્લાન્ટ બ્રીડિંગ અને જિનેટિક્સ વિભાગનાં સહાયક પ્રોફેસર પ્રીતિ ચેટ્ટી કહે છે, "અમે મુખ્યત્વે રોગો અને જીવાતો સામે ટકી રહેવાની સાથે ઉચ્ચ ઉપજ આપતી અને આબોહવા પ્રતિરોધક હોય તેવી એલચીની જાતો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ."

તેમણે ઓછા પાણી વડે ઉગાડી શકાય તેવી એલચીની નવી જાત શોધીને સફળતા મેળવી છે. સંશોધકો ઇચ્છનીય લક્ષણો માટેના જેનેટિક માર્કર્સ શોધવા એલચીની આનુવંશિક રચનાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે, જેથી વધુ ઉત્પાદન આપતા છોડનું સંવર્ધન ઝડપી બની શકે.

ડૉ. ચેટ્ટી જણાવે છે, "અન્ય મસાલાઓથી વિપરીત એલચી પરનો અભ્યાસ, ખાસ કરીને મૉલેક્યુલર સ્તરે, મર્યાદિત છે. રિપ્રોડક્ટિવ અથવા ઉપજનાં લક્ષણો સંદર્ભે મૉલેક્યુલર માર્કર્સનો અભાવ છે, જેના નિરાકરણના પ્રયાસો હવે ચાલી રહ્યા છે."

એલચી સુકાવવાની મહત્ત્વપૂર્ણ પ્રક્રિયામાં 'ગ્રામ્ય' ની ભૂમિકા

એલચીના ઉત્પાદનમાં એક મુખ્ય પ્રક્રિયા તેની શીંગો લણ્યા પછી તેને સૂકવવાની હોય છે. પરંપરાગત રીતે, માત્ર મોટા ખેતરો જ લાકડાના બળતણ વડે ચાલતા પોતાના ડ્રાયર્સ સ્થાપિત બનાવી શકતા હતા.

જોકે, કેરળના ખેડૂતોને મદદ કરવા માટે અન્નુ સનીએ 2016માં 'ગ્રામ્ય' નામના સામાજિક ઉપક્રમની સ્થાપના કરી. તેઓ કહે છે, "નાના ખેડૂતોએ સૂકવણી માટે વચેટિયાઓ અથવા પડોશીઓ પર આધાર રાખવો પડતો હતો, જેની અસર ઘણીવાર એલચીની ગુણવત્તા પર થતી હતી."

ગ્રામ્યએ ખેડૂતોને મદદ કરવા માટે હીટ-પંપ ડ્રાયર્સ બનાવ્યા છે. આ માટે ગ્રામ્ય પ્રતિ કિલો રૂ. 10 ચાર્જ કરે છે, જે લાકડાના ડ્રાયરના પ્રતિ કિલો રૂ. 14 કરતાં નોંધપાત્ર રીતે ઓછો છે.

અન્નુ સની સમજાવે છે, "અંતિમ પ્રોડક્ટ ઘણી સારી હોય છે. તેમાં ધુમાડાની ગંધ કે અસમાન ગરમી હોતી નથી, અને એલચીનો કુદરતી લીલો રંગ જળવાઈ રહે છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે એલચીની કિંમત તેનો રંગ નક્કી કરતો હોય છે."

"એલચી તેજાનાની રાણી અને રોકડિયો પાક હોવાથી ઘણા લોકો તેની ખેતીમાં જોડાઈ રહ્યા છે, પરંતુ એલચી ખૂબ જ મુશ્કેલ પાક છે. એલચીની જરૂરિયાતોને સમજવામાં અને તેની માવજત કરવામાં દસથી બાર વર્ષ થાય છે. દરેક ઋતુ એક નવા પ્રયોગ જેવી હોય છે," એવું તેઓ ઉમેરે છે.

એલચીની ઑર્ગેનિક ખેતીના પ્રયોગો

રાસાયણિક ખાતર અને જંતુનાશકોની મદદ વિના એલચી ઉગાડવી પડકારજનક છે, પરંતુ કેટલાક ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી અપનાવીને એક ડગલું આગળ વધ્યા છે.

2020માં બૅન્કરની નોકરી છોડીને ખેતી તરફ વળેલા મેથ્યુઝ ગેરોજ કહે છે, "મેં શરૂઆત કરી ત્યારે સંશોધન સંસ્થાના વિજ્ઞાનીઓએ મને નિરાશ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઓર્ગેનિક રીતે ઉગાડવા માટે એલચી ખૂબ જ સંવેદનશીલ હોય છે."

પ્રારંભે વિજ્ઞાનીઓની વાત સાચી જણાઈ. મેથ્યુ ગેરોજનો પહેલો લગભગ 90% પાક જંતુઓને કારણે નાશ પામ્યો, અને વેપારીઓએ તેમની એલચીને નબળી ગુણવત્તાવાળી ગણીને ખરીદવાનો ઇનકાર કર્યો.

બે વર્ષના પ્રયોગો પછી, મેથ્યુ ગેરોજ પ્રાચીન ભારતીય ખેતી પદ્ધતિ વૃક્ષાર્યુવેદ તરફ વળ્યા અને તેમને સફળતા મળી. જોકે, તેઓ સ્વીકારે છે કે એલચીની ખેતી આજે પણ આસાન નથી.

"મેં એલચીની ખેતીમાં નિપુણતા મેળવી લીધી છે, એવું આજે પણ નહીં કહું. તે હજુ પણ એક પડકાર છે. કેટલીક ઋતુઓ સારી હોય છે, કેટલીક નથી હોતી, પરંતુ હવે હું પાકના લયને સમજી શકું છું. ક્યારે કામ કરવું, ક્યારે રાહ જોવી, ક્યારે કુદરતને તેનું કામ કરવા દેવું એ હું સમજી શકું છું."

તેઓ માને છે કે ઓર્ગેનિક ખેતી આખરે પરંપરાગત પદ્ધતિઓ સાથે સ્પર્ધા કરી શકશે. "સાતત્યસભર ખેતીનો પ્રારંભ ઉત્પાદન ખર્ચ ઘટાડવા સાથે થાય છે. જો તમે તમારા પોતાના ઇનપુટ બનાવો અને જમીનને સમજી લો તો રસાયણો પર ઓછી નિર્ભરતા સાથે પણ સારી કમાણી કરી શકો છો," તેઓ ભારપૂર્વક કહે છે.

એલચીની ખેતીમાં કુશળ મજૂરોનું મહત્ત્વ

એલચીની ખેતીમાં જે એક પાસું ટૂંક સમયમાં બદલાય તેમ નથી, તે છે કુશળ કામદારોની જરૂરિયાત. સ્ટેનલી પોથનનો અંદાજ છે કે તેમના કુલ ખર્ચ પૈકીનો 75% મજૂરી માટે થાય છે, અને તેમાં પણ મોટા ભાગનો ખર્ચ લણણી વખતે થાય છે.

તેઓ કહે છે, "લણણી ખરેખર કુશળતા માગી લે છે. તે મોટે ભાગે સ્ત્રીઓ કરે છે. કઈ એલચી ચૂંટવા માટે તૈયાર છે અને કઈ નથી, એ તેઓ બરાબર જાણે છે. તેઓ એક ઝૂંડમાંથી એક કે બે જ ચૂંટી શકે છે. 45 દિવસ પછી જ બીજા રાઉન્ડ માટે તેઓ ફરી એ છોડમાંથી એલચી ચૂંટી શકે છે. તેથી લણણી ખૂબ જ શ્રમ-સઘન કામ છે."

અન્નુ સનીના કહેવા મુજબ, આ કામ માણસો માટે જ સચવાઈ રહેવાની શક્યતા છે. "એલચીમાં યાંત્રિકીકરણ મર્યાદિત છે. દવાનો છંટકાવ કે નીંદણ દૂર કરવાનું કામ યંત્ર વડે કરી શકાય, પરંતુ કાપણી કે લણણી નહીં. સંશોધકો આ સમસ્યાના નિરાકરણની વાત કરે છે, પરંતુ એ દિશામાં કશું નક્કર હજુ સુધી થયું નથી."

આ વાત સાથે સહમત થતાં સ્ટેનલી પોથન જણાવે છે કે એલચી માટે માત્ર સારી પ્રોસેસ પૂરતી નથી.

તેઓ નિષ્કર્ષ આપે છે, "એલચી માટે કોઈ શોર્ટકટ નથી. તેમાં બધું ઑટોમેટિક કરી શકાતું નથી. આ એક એવો પાક છે, જેમાં વિજ્ઞાન અને આત્મા બંને જરૂરી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન