You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાના એવા જીવડાએ ભારતમાં વર્ષોથી થતી ખેતીમાં કેવો ફાયદો કરાવ્યો?
- લેેખક, પ્રવીણ શુભમ
- પદ, બીબીસી તેલુગુ માટે
માથાની જૂના આકારના આફ્રિકાના જીવડાએ ભારતમાં રસોઈના તેલનું ઉત્પાદન વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને દેશમાં ખાવાના તેલના ઇતિહાસમાં નવું પ્રકરણ લખ્યું છે.
આ જીવાતનું નામ આફ્રિકન ઑઇલ પામ વેવિલ છે (Elaeidobius kamerunicus) છે.
અનેક અભ્યાસો પરથી એવું જાણવા મળ્યું છે કે ભારતનાં પામ વૃક્ષોના વાવેતરમાં આ 'નાનકડા મહેમાન'ના આગમનને કારણે બે પામ વૃક્ષો વચ્ચેનું કુદરતી પરાગનયનમાં ઝડપી બન્યું, જેના કારણે પામોલીનનાં તેલનું ઉત્પાદન અને વિસ્તાર વધ્યો છે.
ભારત ખાવાનું તેલ બનાવવા માટે પરંપરાગત તેલીબિયાં ઉપર આધાર રાખે છે, પરંતુ ભારતમાં આ તેલની માંગ સતત વધી રહી છે, ભારતની વિશાળ વસતી માટે આ મુદ્દો પડકારરૂપ છે.
આજે ભારત ખાવાના તેલનું વિશ્વનું સૌથી મોટો આયાતકર્તા દેશ છે. હવે, ભારતે આયાત ઘટાડવા અને ઉત્પાદન વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
અન્ય તેલીબિયાંની સરખામણીમાં પામના તેલદાણાનો પાક પાંચ ગણો ઊતરે છે અને સમગ્ર વર્ષ દરમિયાન તેનો પાક લઈ શકાય છે.
પામોલીનને મનાય છે તેલની સમસ્યાનો ઉકેલ
અવારનવાર દુકાળ કે અતિવૃષ્ટિને કારણે તલ, મગફળી, એરંડા અને નાળિયેર જેવા પરંપરાગ તેલીબિયાંના પાકમાં એકધારું ઉત્પાદન ન મળે, એવું પણ બને. ત્યારે પામતેલને ભરોસાપાત્ર પાક અને તેલની સમસ્યાના ઉકેલ તરીકે જોવામાં આવે છે.
દેશની ભાવિ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021માં 'નૅશનલ મિશન ઑન એડિબલ ઑઇલ-ઑઇલ પામ' (NMEO–OP) શરૂ કરવામાં આવ્યું હતું, જેથી કરીને પામનાં (તાડ) વાવેતરનો વિસ્તાર વધારી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતનું હવામાન પામના વાવેતર માટે સાનુકૂળ છે, એટલે દેશભરમાં અલગ-અલગ રાજ્યોમાં 28 લાખ હેક્ટર સુધી વાવેતર લઈ જવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે.
લોકસભામાં પુછાયેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે વર્ષ 1991- 92 દરમિયાન દેશના માત્ર આઠ હજાર હેક્ટરમાં પામનો પાક લેવાતો હતો. જે વધીને માર્ચ-2025માં પાંચ લાખ 56 હજાર હેક્ટર પર પહોંચી ગયો હતો.
NMEO–OP મિશન વર્ષ-2026ના અંત ભાગ સુધીમાં પામનો વાવેતર વિસ્તાર વધારીને દસ લાખ હેક્ટર સુધી લઈ જવા માંગે છે.
આફ્રિકન જીવડાને કારણે ઉત્પાદનમાં વૃદ્ધિ
પશ્ચિમ આફ્રિકા ખંડને 'પામ વૃક્ષોનું જન્મસ્થાન' માનવામાં આવે છે. મલેશિયાના કૃષિ વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા અભ્યાસના તારણ પ્રમાણે, વેવિલની ઉપરોક્ત પ્રજાતિ પામમાં કુદરતી પરાગનયન (પોલિનેશન) માટે જવાબદાર છે.
ભૂતકાળમાં ભારત અને મલેશિયામાં નર વૃક્ષો પરથી પરાગરજને એકઠી કરીને માદા વૃક્ષોની ઉપર તેનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
વર્ષ 1981માં આ કીડાને આફ્રિકાથી મલેશિયા લાવવામાં આવ્યા અને પામના વાવેતર વિસ્તારમાં છૂટા મૂકવામાં આવ્યા હતા, જેનાં કારણે ઉત્પાદનમાં નાટ્યાત્મક વૃદ્ધિ થઈ હતી.
ભારતે પણ મલેશિયાના અનુભવને આધારે તેનું અનુસરણ કર્યું. તામિલનાડુ ઍગ્રિકલ્ચર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, વર્ષ 1985માં કેરળમાં સૌપ્રથમ વખત આ કીડા છૂટા મૂકવામાં આવ્યા હતા.
વર્ષ 1988માં તત્કાલીન અવિભાજિત આંધ્ર પ્રદેશના પેડાવેગીસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑઇલ પામ રિસર્ચ (IIOPR) દ્વારા પામના વાવેતરમાં આ જીવના જીવનચક્ર અંગે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
બે વર્ષ પછીના અભ્યાસમાં માલૂમ પડ્યું હતું કે આફ્રિકન ઑઇલ પામ વેવિલના ભારતમાં આગમન બાદ પામના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી હતી. દરેક વૃક્ષ પર ફળોનાં ઝૂમખાંમાં 25થી 50 ટકાનો વધારો થયો હતો. આ સિવાય દરેક લૂમમાં ફળોની સંખ્યામાં 40થી 80 ટકા જેટલી વૃદ્ધિ થઈ હતી.
પામનાં બીની ગુણવતા પણ સુધરી હતી, જેના કારણે પામોલીન તેલનું ઉત્પાદન 18 ટકા જેટલું વધ્યું હતું. અગાઉ પરાગરજ એકઠી કરવી પડતી હતી, પરંતુ આ જીવડાને કારણે તેની જરૂર નહોતી રહી.
તેલંગણાના જગતિયાલ જિલ્લાના હોર્ટિકલ્ચર ઑફિસર શ્યામપ્રસાદે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "પામના વૃક્ષમાં નર અને માતા ફૂલ અલગ-અલગ હોય છે. પહેલા નર ફૂલ ખીલે છે. આ કીડા પુરુષ પરથી પરાગરજ લઈને સ્ત્રી ફૂલ ઉપર બેસે છે, જેથી પરાગનયન થાય છે."
આંકડામાં ઉત્પાદન
હાલ દેશમાં સૌથી વધુ પામ વાવેતર વિસ્તાર કેરળ, આંધ્ર પ્રદેશ તથા તેલંગણામાં થાય છે. આ ત્રણ રાજ્યો મળીને દેશના કુલ ઉત્પાદનના 98 ટકા જેટલા પામ તેલ દાણા પકવે છે.
વર્ષ 2020ના આંકડા પ્રમાણે, આંધ્ર પ્રદેશમાં ઑઇલ પામનું વાવેતર (એક લાખ 86 હજાર હેક્ટર) અને તેલંગણામાં (એક લાખ 12 હજાર હેક્ટર) જેટલું છે.
NMEO-OPના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2020- '21 દરમિયાન દેશમાં 25 મિલિયન ટન કરતાં વધુ ખાવાના તેલનો વપરાશ થયો હતો, જેમાંથી ઘરઆંગણે માત્ર 12.28 મિલિયન ટન ઉત્પાદન થયું હતું.
રૂ. 80 હજાર કરોડનું 13.35 મિલિયન ટન ખાદ્યતેલ આયાત કરવું પડ્યું હતું, જેમાં પામોલીન તેલનો હિસ્સો લગભગ 56 ટકા જેટલો હતો.
આ અહેવાલ મુજબ, વર્ષ 2012- '13 દરમિયાન પરિવારદીઠ વાર્ષિક 15 કિલો 800 ગ્રામ તેલ વપરાતું હતું, વર્ષ 2020- '21માં આ આંકડો વધીને 19 કિલોગ્રામ પર પહોંચી ગયો હતો.
ઉપલબ્ધ ડેટા ઉપર નજર કરીએ તો વર્ષ 2015- '21 દરમિયાનના છ વર્ષના ગાળા દરમિયાન ભારતે તેની ખાવાના તેલની જરૂરિયાતના અડધોઅડધ જથ્થો આયાત કર્યો હતો.
ઑઇલ પામ ભારતમાં કેવી રીતે પહોંચ્યાં?
બ્રિટિશરો 19મી સદી દરમિયાન પામના છોડને તત્કાલીન કલકત્તાના નૅશનલ બોટાનિક ગાર્ડન ખાતે લાવ્યા હતા. એ પછી ભારતના કેટલાક ભાગોમાં પામનું અસ્તિત્વ મળી આવ્યું હતું. આ વાવેતર મહદંશે વનસ્પતિશાસ્ત્રીય અભ્યાસ અભ્યાસને લગતું કરવામાં આવ્યું હતું.
વર્ષ 1960માં કેરળે આયોજનબદ્ધ રીતે ઑઇલ પામનું વાવેતર શરૂ કર્યું હતું. આમ કરનાર કેરળ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું હતું. થોડુપુઝા ખાતે 40 હેક્ટર વિસ્તારમાં તેનું વાવેતર કરવામાં આવ્યું હતું.
વર્ષ 1987માં પૂર્વ ગોદાવરીના પેડાવેગી વિસ્તારમાં 86 સીમાંત ખેડૂતોએ 160 હેક્ટર વિસ્તારમાં સૌપ્રથમ વખત ઑઇલ પામનું વાવેતર કર્યું હતું. એ પછી અહીં આઇઆઇઓપીઆરની સ્થાપના કરવામાં આવી હતી.
સેન્ટ્રલ પ્લાન્ટેશન કૉર્પ્સ રિસર્સ ઇન્સ્ટિટ્યૂટના (સીપીસીઆરઆઇ) વર્ષ 1992ના અહેવાલ પ્રમાણે, મહારાષ્ટ્રમાં સિંચાઈ કૅનાલોના કાંઠાને મજબૂત કરવા માટે ઑઇલ પામના છોડનું વાવેતર કરવામનાં આવ્યું હતું.
હાલ ઉત્તર તેલંગણામાં પામનું વાવેતર વધી રહ્યું છે. તેલંગણાના જગતલ વિસ્તારમાં આફ્રિકન ઑઇલ પામ વેવિલ્સને પામનું વાવેતર થયું હોય, તેવી જગ્યાએ છોડવામાં આવ્યા હતા.
શ્યામપ્રસાદે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ વિલાયતી જીવ છે, છતાં તે સ્થાનિક પાકને નુકસાન નથી કરતું અને ઑઇલ પામના ફૂલ ઉપર જ તેનું જીવન સમાપ્ત કરી દે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન