You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કિંગ ચાર્લ્સે તેમના ભાઈ એન્ડ્ર્યુ પાસેથી 'પ્રિન્સ'ની ઉપાધિ છીનવી, શાહી મહેલમાંથી પણ બહાર કરાશે
- લેેખક, નૂર નાંજી
- પદ, સંસ્કૃતિ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ
બ્રિટનના રાજકુમાર એન્ડ્ર્યુ તેમની 'પ્રિન્સ'ની ઉપાધિ ગુમાવશે અને તેમને વિન્ડસરનો મહેલ 'રૉયલ લૉજ' પણ છોડવો પડશે. યૌન અપરાધના દોષી જેફ્રી ઍપ્સ્ટીન સાથેના તેમના સંબંધોને લઈને ઘણાં અઠવાડિયાઓથી ચાલી રહેલી ઊંડાણભરી તપાસ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુરુવાર રાત્રે જાહેર કરાયેલા નિવેદનમાં બકિંઘમ પૅલેસ તરફથી કહેવામાં આવ્યું છે કે હવે રાજાના ભાઈને 'એન્ડ્ર્યુ માઉન્ટબેટન વિન્ડસર' તરીકે ઓળખવામાં આવશે.
એન્ડ્ર્યુએ તેમના ખાનગી જીવન પર ઉઠેલા પ્રશ્નોની વચ્ચે આ મહિનાની શરૂઆતમાં તેમના બીજા શાહી ખિતાબો પણ છોડી દીધા હતા. જેમાં ડ્યુક ઑફ યૉર્ક પણ સામેલ હતો.
વર્જિનિયા ગીઉફ્રેનાં મૃત્યુ પછીની આત્મકથા આ મહિનાની શરૂઆતમાં પ્રકાશિત થઈ હતી.
પુસ્તકમાં ઘણી જગ્યાએ આ પુષ્ટિ કરવામાં આવી છે કે જ્યારે વર્જિનિયા ટીનએજર હતાં, ત્યારે તેમણે ત્રણ અલગ-અલગ સમયે પ્રિન્સ એન્ડ્ર્યુ સાથે જાતીયસંબંધ બાંધ્યાં હતાં. જોકે, એન્ડ્ર્યુએ આ તમામ દાવાઓથી હંમેશા ઇન્કાર કર્યો છે.
તાજેતરના ઘટનાક્રમ પર પ્રતિસાદ આપતાં ગીઉફ્રેના પરિવારજનોએ કહ્યું કે તેમણે 'તેમની સત્યતા અને અસાધારણ સાહસે એક બ્રિટિશ પ્રિન્સને નમાવ્યા.'
ગીઉફ્રેએ આ વર્ષની શરૂઆતમાં આત્મહત્યા કરી હતી.
તે જ સમયે, બકિંઘમ પૅલેસે નિવેદનમાં કહ્યું કે કિંગે "આજે પ્રિન્સ એન્ડ્ર્યુની ઉપાધિઓ, ખિતાબો અને સન્માનને ઔપચારિક રીતે પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બકિંગહામ પૅલેસે આ પણ કહ્યું કે "હવે રૉયલ લૉજની લીઝ છોડી દેવા માટે ઔપચારિક નોટિસ જારી કરવામાં આવી છે."
એન્ડ્ર્યુને હવે સેન્ડ્રિંઘમ ઍસ્ટેટમાં ખાનગી નિવાસ માટે જગ્યા આપવામાં આવશે. એવું કહેવાય છે કે આ નિવાસનો ખર્ચો કિંગ ચાર્લ્સ પોતે ઉઠાવે છે.
નિવેદન અનુસાર, "આ પગલાં જરૂરી માનવામાં આવ્યાં હતાં, ભલે તેઓ તેમના પર લાગેલા આરોપોને સતત નકારી રહ્યા હોય."
પૅલેસે આ પણ કહ્યું કે તે 'કોઈપણ પ્રકારના શોષણના પીડિતો સાથે ઊભું છે.'
(આત્મહત્યા એ ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવમાંથી પસાર થઈ રહ્યા હોવ તો ભારત સરકારની જીવન આસ્થા હેલ્પલાઇન 1800 233 3330 પર મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)
દીકરીઓની ઉપાધિ યથાવત્ રહેશે
એન્ડ્ર્યુનાં બે પુખ્ત દીકરીઓ યૂજિની અને બિયાટ્રિસને મળેલી 'પ્રિન્સેસ'ની ઉપાધિ યથાવત્ રહેશે અને એન્ડ્ર્યુ હજુ પણ વારસાની યાદીમાં આઠમા ક્રમે છે.
એમ પણ માનવામાં આવે છે કે એન્ડ્ર્યુનાં પૂર્વ પત્ની સારા ફર્ગ્યુસન પણ રૉયલ લૉજ છોડશે અને રહેવા માટે અલગ વ્યવસ્થા કરશે.
આ મહિનાના અંત સુધી સારા પાસે 'ડચેસ ઑફ યૉર્ક'ની ઉપાધિ હતી, પરંતુ એન્ડ્ર્યુએ સ્વેચ્છાએ ડ્યુક ઑફ યૉર્કનો ખિતાબ છોડી દીધા પછી તેમણે લગ્ન પહેલાંનું ઉપનામ ફર્ગ્યુસન ફરી અપનાવ્યું હતું.
એવું માનવામાં આવે છે કે એન્ડ્ર્યુ પાસેથી પ્રિન્સનો ખિતાબ પાછો ખેંચવાના નિર્ણય પર બ્રિટિશ સરકાર સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી અને તેણે આ નિર્ણયને સમર્થન આપ્યું હતું.
બીબીસીના કાર્યક્રમ 'ક્વેશ્ચન ટાઇમ'માં આ સમાચાર પર પ્રતિસાદ આપતાં બ્રિટનનાં સંસ્કૃતિ મંત્રી લિસા નાંડીએ કહ્યું, "આ ગ્રૂમિંગ અને યૌન અપરાધના પીડિતો માટે શક્તિશાળી સંદેશ છે."
તેમણે કહ્યું, "આ એક મોટો ઘટનાક્રમ છે અને કિંગ માટે પણ મોટું પગલું છે. પ્રથમ પ્રતિસાદ તરીકે મને કહેવું પડશે કે હું તેમના આ નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપું છું."
સતત વધતા દબાણનું પરિણામ
એન્ડ્ર્યુના શાહી ખિતાબો પાછા ખેંચવાનો આ નિર્ણય બ્રિટનના શાહી પરિવાર પર છેલ્લાં ઘણાં અઠવાડિયાંઓથી વધતા દબાણનું પરિણામ છે.
તેમના અને યૌન અપરાધી જેફ્રી એપ્સ્ટીનના સંબંધો સાથે જોડાયેલ વિવાદ ફરી એકવાર ત્યારે ઉઠ્યો જ્યારે વર્જિનિયા ગીઉફ્રેની આત્મકથામાં યૌન શોષણના આરોપો ફરીથી સામે આવ્યા.
જોકે, એન્ડ્ર્યુએ હંમેશા ગીઉફ્રેના શોષણના આરોપોને નકારી કાઢ્યા છે, પરંતુ આ મહિનાની શરૂઆતમાં વર્ષ 2011ના કેટલાક ઇમેઇલ્સ સામે આવ્યા, જેમાં જણાયું કે એન્ડ્ર્યુ અને એપ્સ્ટીન વચ્ચેની 'મિત્રતા' સમાપ્ત થવાના દાવાઓ પછી પણ તેમની વચ્ચેનો સંપર્ક ચાલુ રહ્યો હતો.
તાજેતરના દિવસોમાં એન્ડ્ર્યુના જીવનશૈલી અને ખર્ચાએ પણ ધ્યાન ખેંચ્યું. પ્રશ્ન ઉઠ્યો કે કોઈ ઔપચારિક શાહી ભૂમિકા વિના તેઓ કેવી રીતે એટલું વૈભવી જીવન જીવી રહ્યા છે.
એન્ડ્ર્યુ વર્ષ 2004થી રૉયલ લૉજમાં રહે છે. તેના માટે તેમણે વર્ષ 2003માં એક સ્વતંત્ર મિલકત કંપની ક્રાઉન ઍસ્ટેટ સાથે 75 વર્ષની લીઝ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા.
વિન્ડસર ઍસ્ટેટમાં આવેલું આ ગ્રેડ-2 સૂચિબદ્ધ રૉયલ લૉજ ખૂબ જ ભવ્ય છે. તેમાં ગાર્ડનરનું કૉટેજ, ચૅપલ લૉજ, છ બેડરૂમનું કૉટેજ અને સુરક્ષા કર્મચારીઓનાં નિવાસો પણ સામેલ છે.
ગયા અઠવાડિયે, આ માહિતી સામે આવી કે એન્ડ્ર્યુ આ મહેલનો ખર્ચ કેવી રીતે ઉઠાવી રહ્યા છે. બીબીસીએ લીઝ સંબંધિત દસ્તાવેજો જોયા, જેમાંથી જાણવા મળ્યું કે એન્ડ્ર્યુએ માત્ર ટોકન રકમ વાર્ષિક ભાડા તરીકે આપી હતી અને શક્ય છે કે તે પણ જરૂરી ન હતી.
આ ડીલ હેઠળ, વાર્ષિક ભાડું ચૂકવવાને બદલે એન્ડ્ર્યુએ એક સામટે મોટી રકમ ચૂકવી હતી, જેમાં મરામત અને નવીનતાના ખર્ચ પણ સામેલ હતા.
અસલમાં આ ચુકવણી 80 લાખ પાઉન્ડ (93 કરોડ રૂપિયાથી વધુ) કરતાં વધુ હતી. નૅશનલ ઑડિટ ઑફિસના રિપોર્ટમાં તેનો ઉલ્લેખ છે, જેના અનુસાર આ ચુકવણીઓ દ્વારા એન્ડ્ર્યુએ 75 વર્ષની લીઝ માટે ભાડું ચૂકવવાનું ટાળી દીધું હતું.
એક અલગ ઘટનાક્રમમાં આ પણ સામે આવ્યું છે કે વર્ષ 2006માં, જ્યારે જેફ્રી ઍપ્સ્ટીન વિરુદ્ધ નાબાલિગના યૌન શોષણના કેસમાં અમેરિકા ખાતે ધરપકડ વૉરંટ જારી થયું હતું, ત્યારબાદ બે મહિના પછી એન્ડ્ર્યુએ તેમને રૉયલ લૉજમાં તેમનાં દીકરી બિયાટ્રિસના જન્મદિવસની ઉજવણીમાં મહેમાન તરીકે બોલાવ્યા હતા. જોકે, હવે એન્ડ્ર્યુએ આ મામલે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યોં છે.
બકિંઘમ પૅલેસ માટે ગુરુવારે કરાયેલું ઍલાન પ્રિન્સ એન્ડ્ર્યુ અંગે ઊભા થયેલા વિવાદોનો અંત આપવાનો પ્રયાસ છે અને હવે 'પ્રિન્સ એન્ડ્ર્યુ' માત્ર 'એન્ડ્ર્યુ માઉન્ટબેટન વિન્ડસર' બની ગયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન