ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, સિસ્ટમે વળાંક લીધો, સીધી રાજ્ય તરફ આવશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર વાવાઝોડું ડિપ્રેશન સૌરાષ્ટ્ર કચ્છ

ઇમેજ સ્રોત, imd

આખા ગુજરાતમાં રવિવારથી વરસાદનો માહોલ ફરીથી જામ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં કેટલીક જગ્યાએ વાદળછાયું હવામાન છે અને કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે.

હાલની સ્થિતિ જોવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથના ઉનામાં 1.42 ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે ભાવનગરના મહુવામાં 1.14 ઇંચ વરસાદ નોંધાયો છે.

ભાવનગરના તળાજામાં 0.94 ઇંચ, નર્મદાના ગરુડેશ્વરમાં 0.79 ઇંચ, તિલકવાડામાં 0.79 ઇંચ, પાલીતાણામાં 0.79 ઇંચ, નર્મદાના નાંદોદમાં 0.67 ઇંચ, સિહોરમાં 0.67 ઇંચ, ભાવનગરમાં 0.59 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત છોટા ઉદેપુરના નસવાડી, સાવરકુંડલા, ઉમરાળા, કોડિનાર, ગારિયાધાર, જાફરાબાદ, રાજુલા, ભેસાણમાં પણ 0.35 ઇંચથી 0.50 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ જણાવે છે કે છેલ્લા એક દિવસમાં નવસારી, ગીર સોમનાથ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, જ્યારે દીવ અને કચ્છમાં હવામાન સૂકું છે.

અરબી સમુદ્રની સિસ્ટમે વળાંક લીધો, ગુજરાતમાં અસર

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર વાવાઝોડું ડિપ્રેશન સૌરાષ્ટ્ર કચ્છ

ઇમેજ સ્રોત, Getty Images

અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમની અસર હેઠળ ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાન પલટાઈ ગયું છે. આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે.

હાલ આ સિસ્ટમે ફરી વળાંક લીધો છે, હવે સિસ્ટમ સીધી ગુજરાત તરફ આગળ વધી રહી છે અને આગામી 24 કલાક સુધી તે ગુજરાત તરફ જ આગળ વધે તેવી સંભાવના છે. જેમ સિસ્ટમ નજીક આવશે તેમ ગુજરાતમાં પવનની ગતિ વધવાની શક્યતા છે અને વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને બીજા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે તે હજી પણ દરિયામાં ત્રણથી ચાર દિવસ સુધી રહેવાની શક્યતા છે એટલે રાજ્યમાં હજી પણ એકાદ અઠવાડિયા સુધી વરસાદ પડવાની સંભાવના છે.

આ સિસ્ટમની વધારે સૌથી પહેલાં અસર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો તથા તે બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં થવાની શક્યતા છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં 40થી લઈને 60 કિલોમીટર પ્રતિકલાક સુધી પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે.

ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર વાવાઝોડું ડિપ્રેશન સૌરાષ્ટ્ર કચ્છ

ઇમેજ સ્રોત, Faruq Qadri

ઇમેજ કૅપ્શન, વરસાદ ચાલુ રહેવાથી અમરેલીનો રાયડી ડૅમ છલકાયો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

27 ઑક્ટોબર, સોમવારે અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અનેક જગ્યાએ ભારેથી ભારે વરસાદ પડે તેવી આગાહી છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં છૂટીછવાઈ જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.

આ સિવાય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં પણ સોમવારે હળવો વરસાદ પડવાની સંભાવના છે, આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.

28 ઑક્ટોબર, મંગળવારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યના બાકીના જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.

29 ઑક્ટોબર, બુધવારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

ગુરુવાર, 30 ઑક્ટોબરે પણ હવામાનની સ્થિતિ આવી જ રહેશે. ગુરુવારે દીવ, ગીર સોમનાથ, અમરેલી, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

કમોસમી વરસાદથી ખેતીને નુકસાનની ભીતિ

વીડિયો કૅપ્શન, અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનથી ગુજરાત પર ખતરો, આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા

સોમવારે સવારની સ્થિતિ પ્રમાણે અમરેલી જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ ચાલુ છે. રાયડી ડૅમના પાંચ દરવાજા બે ફૂટ ખોલવા પડ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને ઍલર્ટ કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમાં આખી રાત ઝરમર વરસાદ ચાલુ હતો જે સવારે પણ ચાલુ છે.

અમદાવાદમાં પણ રાતથી ધીમી ગતિએ વરસાદ ચાલુ થયો હતો જે સવારે પણ ચાલુ છે.

સુરેન્દ્રનગર અને બોટાદમાં કમોસમી વરસાદના કારણે કપાસ, મગફળી, જુવાર, બાજરી જેવા પાકને નુકસાન થયું હોવાની બીક છે.

ભાવનગરના મહુવામાં માવઠાના કારણે રસ્તા પર પાણી ભરાયાં છે. કપાસ, સિંગ, ઘાસચારા અને સોયાબીનને નુકસાન થવાની બીક છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન