ચૂંટણીપંચે શું 'મત ચોરી અને એસઆઈઆર'ના મુદ્દે આ ચાર સવાલનો જવાબ આપ્યો?

રવિવારે કૉંગ્રેસનેતા રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા બિહારના સાસારામમાં ચૂંટણીપંચ પર 'વોટ ચોરી'નો આરોપ લગાડીને એક રેલીને સંબોધિત કરી હતી.

તેમની રેલીની અમુક મિનિટ બાદ જ સાસારામથી લગભગ 900 કિમી દૂર દેશના પાટનગર દિલ્હીમાં ચૂંટણીપંચ તરફથી આ આરોપોનો જવાબ આપવા માટે એક પ્રેસ કૉન્ફરન્સ કરાઈ.

રાહુલ ગાંધીએ આરોપ કર્યો કે ભાજપ અને ચૂંટણીપંચ સાથે મળીને 'વોટ ચોરી' કરી રહ્યાં છે અને 'બિહારમાં સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન (એસઆઈઆર) વોટ ચોરી કરવાની કોશિશ' છે.

રવિવારે જ ચૂંટણીપંચ તરફથી પ્રેસ કૉન્ફરન્સ કરાઈ અને વિપક્ષનાં દળોને 'વોટ ચોરી' સાથે સંકળાયેલા આરોપોના જવાબ અપાયા.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે કહ્યું, "કાયદા અંતર્ગત દરેક રાજકીય દળનો જન્મ ચૂંટણીપંચમાં રજિસ્ટ્રેશનથી જ થાય છે, તો પછી ચૂંટણીપંચ એ જ રાજકીય દળો સાથે કેવી રીતે ભેદભાવ કરી શકે."

જ્ઞાનેશકુમારનું કહેવું છે કે ચૂંટણીપંચના ખભે બંદૂક મૂકીને રાજકારણ રમાઈ રહ્યું છે અને રાહુલ ગાંધીએ સોગંદનામું આપવું પડશે અથવા દેશની માફી માગવી પડશે.

પંચની પ્રેસ કૉન્ફરન્સ બાદ કૉંગ્રેસે કહ્યું કે આ પ્રેસ કૉન્ફરન્સમાં વિપક્ષ દવારા ઉઠાવાયેલા સવાલોનો સીધો જવાબ ન અપાયો.

1. બિહાર ચૂંટણી પહેલાં એસઆઈઆર કેમ?

રવિવારે સાસારામમાં આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે બિહાર ચૂંટણીની ઠીક પહેલાં ભાજપ ચૂંટણીપંચ સાથે મળીને મત આપવાનો અધિકાર છીનવી રહ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું, "તેમનું અંતિમ કાવતરું એ છે કે બિહારમાં એસઆઈઆર કરીને નવા મતદારોને જોડીને, મતદારોને દૂર કરીને તેઓ (ભાજપ-આરએસએસ) બિહારની ચૂંટણી ચોરી કરે. અમે આ ચૂંટણી ચોરી નહીં થવા દઈએ."

ચૂંટણીપંચનું કહેવું છે કે એસઆઈઆર પ્રક્રિયાને ચોરી કે ઉતાવળમાં કરાવવા જેવી વાતો કરીને ભ્રમ ફેલાવાઈ રહ્યો છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે કહ્યું, "મતદારયાદી ચૂંટણીની ઠીક પહેલાં યોગ્ય કરવી જોઈએ કે ચૂંટણી બાદ તેને ઠીક કરવી જોઈએ? સ્વાભાવિકપણે - ચૂંટણી પહેલાં. આ વાત ચૂંટણીપંચ નથી કહી રહ્યું, આ લોકપ્રતિનિધિત્વ કાયદો કહી રહ્યો છે કે દરેક ચૂંટણી પહેલાં તમારે મતદારયાદી શુદ્ધ કરવાની રહેશે. આ ચૂંટણીપંચની કાયદાકીય જવાબદારી છે."

આરજેડીની તરફથી એવો સવાલ ઉઠાવાયો હતો કે એસઆઈઆરની પ્રક્રિયા એવા સમયે કેમ કરાઈ રહી છે જ્યારે બિહાર પૂરગ્રસ્ત છે. આ સિવાય રવિવારે ચૂંટણીપંચની પ્રેસ કૉન્ફરન્સમાં પણ તમામ પત્રકારોએ ચૂંટણીપંચને આ જ પ્રશ્ન કર્યો હતો.

આ અંગે પંચે કહ્યું, "બિહારમાં 2003માં પણ એસઆઈઆરની પ્રક્રિયા થઈ હતી અને તેની તારીખ હતી 14 જુલાઈથી 14 ઑગસ્ટ. ત્યારે પણ સફળતાપૂર્વક થઈ હતી અને આ વખતે પણ સફળતાપૂર્વક થઈ છે."

2. ડુપ્લિકેટ એપિક શા માટે?

એપિક અંગે ચૂંટણીપંચે બે પ્રકારની 'સમસ્યાઓ' જણાવી છે -

  • એપિક એક, વ્યક્તિ અનેક
  • વ્યક્તિ એક, એપિક અનેક

ચૂંટણીપંચનો દાવો છે કે દેશમાં લગભગ ત્રણ લાખ લોકો એવા છે જેમની એપિક સંખ્યા એકબીજા સાથે મળતી આવતી છે. એ બાદ તેમની એપિક સંખ્યામાં બદલાવ કરાયા, જેથી એપિક સંખ્યા એક ન હોય.

જ્ઞાનેશકુમાર કહે છે કે, "બીજા પ્રકારની ડુપ્લિકસી ત્યારે આવે છે જ્યારે એક જ વ્યક્તિનું એક કરતાં વધુ જગ્યાઓએ મતદારયાદીમાં નામ હોય અને તેનો એપિક નંબર અલગ હોય, અર્થાંત્ વ્યક્તિ એક, એપિક અનેક."

ચૂંટણીપંચનું કહેવું છે કે આવી સ્થિતિ એટલા માટે થઈ કારણ કે વ્યક્તિએ જગ્યા બદલી નાખી, પરંતું જૂની યાદીમાંથી પોતાનું નામ ન હઠાવાયું.

રાહુલ ગાંધીએ પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં કેટલાંક ઉદાહરણ આપીને સવાલ ઉઠાવ્યો હતો કે આવા મતદારોનાં નામ ચૂંટણીપંચ બીજી જગ્યાથી કેમ નથી હઠાવતું?

આના જવાબમાં ચૂંટણીપંચે કહ્યું કે, "ચૂંટણીપંચ કોઈના કહેવાથી કોઈનું નામ ન કાઢી શકે, કારણ કે એક જ નામના ઘણા લોકો હોય છે. તેથી આ કાર્યવાહી ઉતાવળે ન કરી શકાય. વ્યક્તિ ઇચ્છે તો એ જાતે નામ હઠાવી શકે છે અને એસઆઈઆર દ્વારા આને ઠીક કરી શકાય છે."

3. નકલી વોટર અને ઝીરો હાઉસ નંબર પર ચૂંટણીપંચે શું કહ્યું?

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે 2024ના લોકસભા અને મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મતદારયાદીમાં મોટા પાયે 'હેરફેર' થઈ, જેનાથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને લાભ થયો.

વિશેષપણે, તેમણે બૅંગ્લુરૂની મહાદેવપુરા વિધાનસભામાં એક લાખ કરતાં વધુ નકલી મતદાર અને ઘણાં અમાન્ય સરનામાં હોવાના આરોપ કર્યા હતા. રાહુલ ગાંધીએ ડુપ્લિકેટ મતદારો (જેમ કે, એક જ વ્યક્તિનું નામ ઘણાં રાજ્યોમાં મતદાર તરીકે રિજસ્ટર્ડ) અને ખોટાં સરનામાં ( જેમ કે, એક નાના રૂમમાં સેંકડો મતદાર)નાં ઉદાહરણ આપ્યાં.

ચૂંટણીપંચે આ આરોપોને 'નિરાધાર' અને 'બેજવાબદાર' ગણાવીને ફગાવી દીધા. પંચે કહ્યું કે 'વોટ ચોરી' જેવા શબ્દોનો ઉપયોગ કરોડો મતદારો અને લાખો ચૂંટણીકર્મીની પ્રામાણિકતા પર હુમલો છે.

મહારાષ્ટ્ર અંગે ચૂંટણીપંચે કહ્યું કે સમય હતો અને જ્યારે ડ્રાફ્ટ યાદી હતી ત્યારે કેમ વાંધો ન ઉઠાવાયો અને પરિણામો બાદ જ ગરબડની વાત સામે આવી ગઈ.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ઝીરો હાઉસ નંબરવાળા આરોપ અંગે ચૂંટણીપંચે કહ્યું, "જેમની પાસે ઘર નથી હોતું, પરંતુ તેમનું નામ મતદારયાદીમાં હોય છે. આવી સ્થિતિમાં એનું સરનામું એ હોય છે, જ્યાં એ રાત્રે સૂવા માટે આવે છે. ઘણી વાર સડકના બાજુમાં કે ઘણી વાર પુલની નીચે. જો તેમને નકલી મતદાર કહેવાય તો એ ગરીબ ભાઈ, બહેનો અને વડીલ મતદારો સાથે અન્યાય છે."

"કરોડો લોકોનાં ઘરોની આગળ ઝીરો નંબર છે, કારણ કે પંચાયત, નગરનિગમે તેમના ઘરનું નંબર નથી લીધું. શહેરોમાં અનાધિકૃત કૉલોનીઓ છે, જ્યાં તેમને નંબર નથી મળ્યાં. તો તેઓ પોતાનાં ફૉર્મમાં શું સરનામું નાખે? આ અંગે ચૂંટણીપંચના નિર્દેશ જણાવે છે કે જો કોઈ પણ આવો મતદાર છે તો ચૂંટણીપંચ તેની સાથે ઊભું છે અને તેને નોશનલ નંબર આપશે. તેની જ્યારે કમ્પ્યૂટરમાં ઍન્ટ્રી કરાય છે તો એ ઝીરો દેખાય છે."

પંચનું કહેવું છે કે મતદાર બનવા માટે સરનામા કરતાં વધુ 18 વર્ષની વય અને નાગરિકત્વ આવશ્યક છે.

4. મારી પાસેથી જ કેમ સોગંદનામું માગ્યું : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી વારંવાર કહી રહ્યા છે કે ચૂંટણીપંચે માત્ર તેમની પાસેથી જ શપથપત્રની માગણી કરી છે.

રવિવારે બિહારમાં પણ તેમણે આ વાત ઉઠાવી. રાહુલ ગાંધીએ કહ્યું, "ચૂંટણીપંચે મને સોગંદનામું કરવા કહ્યું છે અને બીજા કોઈ પાસેથી સોગંદનામું નથી માગ્યું. થોડા સમય પહેલાં ભાજપના લોકો પ્રેસ કૉન્ફરન્સ કરે છે તો તેમની પાસેથી કોઈ સોગંદનામું નથી માગ્યું. મને કહે છે કે તમે સોગંદનામું આપો અને કહો કે જે ડેટા તમે મૂક્યો છે એ સાચો છે. તેમનો (ચૂંટણીપંચ)ડેટા છે અને મારી પાસેથી સોગંદનામું માગી રહ્યા છે."

ચૂંટણીપંચનું આ વાત અંગે કહેવું છે કે જો તમે સંબંધિત વિસ્તારના મતદાર નથી તો તમારે શપથપત્ર આપવું પડશે.

જ્ઞાનેશકુમારે કહ્યું, "તમે જ્યાં ગરબડની વાત કરી રહ્યા છો અને તમે એ વિધાનસભાક્ષેત્રના મતદાર નથી તો કાયદા પ્રમાણે તમારે શપથપત્ર આપવું પડશે. તમે સાક્ષી તરીકે પોતાની ફરિયાદ કરાવી શકો છો અને ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસરને તમારે એક શપથ લેવાના રહેશે અને એ શપથ જે વ્યક્તિ વિરુદ્ધ તમે ફરિયાદ કરી છે, તેમની સામે કરવાના રહેશે. આ કાયદો ઘણાં વરસ જૂનો છે અને બધા માટે સમાનપણે લાગુ થાય છે."

મુખ્ય ચૂંટણી કમિશનરનું કહેવું છે કે, "સોગંદનામું આપવું પડશે કે દેશની માફી માગવી પડશે. કોઈ ત્રીજો વિકલ્પ નથી. જો સાત દિવસની અંદર સોગંદનામું નહીં મળે તો તેનો અર્થ એ થશે કે તમામ આરોપ નિરાધાર છે."

શું ખતમ થઈ જશે 'વોટ ચોરી'નો સવાલ?

કૉંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું છે કે ચૂંટણીપંચે વિપક્ષના સવાલોના સીધા જવાબ નથી આપ્યા. પવન ખેડાએ કહ્યું, "શું જ્ઞાનેશ ગુપ્તા (મુખ્ય ચૂંટણી કમિશનર)એ એક લાખ મતદારો વિશે કોઈ જવાબ આપ્યો જેમનો અમે મહાદેવપુરામાં પર્દાફાશ કર્યો હતો? ના આપ્યો."

તેમણે કહ્યું, "અમે આશા કરી હતી કે આજે જ્ઞાનેશકુમાર અમારા પ્રશ્નોના જવાબ આપશે... એવું લાગી રહ્યું હતું કે (પ્રેસ કૉન્ફરન્સમાં) બીજેપીના એક નેતા બોલી રહ્યા છે."

વરિષ્ઠ પત્રકાર પરંજૉય ગુહા ઠાકુરતા ચૂંઠણીપંચની પ્રેસ કૉન્ફરન્સમાં હાજર હતા. તેમનું માનવું છે કે હાલ જે સ્પષ્ટતા ચૂંટણીપચે કરી છે તેનાથી આ મુદ્ધો ખતમ થતો નથી દેખાતો.

બીબીસી સાથેની વાતચીતમાં પરંજૉય ગુહા ઠાકુરતા કહે છે કે, "પ્રેસ કૉન્ફરન્સમાં કેટલાક સવાલોના જવાબ નથી મળ્યા. જેમ કે મેં પૂછ્યું હતું કે શું એ બાબત સાચી છે કે મહારાષ્ટ્રમાં તમે 40 લાખ નવા લોકોને સામેલ કર્યા? આ અંગે કમિશને કહ્યું કે એ સમયે કોઈએ આપત્તિ નહોતી નોંધાવી. મેં વધુ એક સવાલ પૂછ્યો કે શું લોકો કરતાં વધુ નામ મતદારયાદીમાં હતાં, તો એનો જવાબ મને ન મળ્યો."

"આ પ્રકારના ઘણા અન્ય સવાલ છે જેના જવાબ નથી મળ્યા અને તેથી પણ વિપક્ષ 'વોટ ચોરી'ના મુદ્દાથી પીછેહઠ નહીં કરે."

વરિષ્ઠ પત્રકાર સ્મિતા ગુપ્તાનું માનવું છે કે ઓછામાં ઓછી બિહાર ચૂંટણી સુધી વિપક્ષ તરફથી આ મુદ્દો ખતમ નહીં થાય.

સ્મિતા ગુપ્તા કહે છે કે, "ચૂંટણીપંચે બિહાર ડ્રાફ્ટ લિસ્ટથી લગભગ 65 લાખ મતદાર હઠાવ્યા છે. આ એક મોટી સંખ્યા છે અને વિપક્ષ સતત આને મુદ્દો બનાવી રહ્યો છે. આજે બિહારમાં થયેલી ઇન્ડિયા ગઠબંધનની મોટી રેલી આનું ઉદાહરણ છે. મહારાષ્ટ્ર અંગે રાહુલ ગાંધીએ જે સવાલ ઉઠાવ્યા હતા, એ આજેય ઊભા જ છે. તેથી ચૂંટણીપંચ ભલે કંઈ પણ કહે પણ વિપક્ષ આ વાતને બિહાર ચૂંટણીમાં મુદ્દો જરૂર બનાવશે."

વરિષ્ઠ પત્રકાર પ્રમોદ જોશી રાહુલ ગાંધીના આરોપોને સંસ્થાગતની સાથોસાથ રાજકીય પ્રશ્ન પણ માને છે, તેથી તેમનું કેહવું છે કે આ મુદ્દો આટલી સરળતાથી નહીં બદલાય.

બીબીસી સાથેની વાતચીતમાં પ્રમોદ જોશી કહે છે કે, "રાહુલ ગાંધીના આરોપ ચૂંટણીપંચ અને સરકાર બંને પર છે. પરંતુ જવાબ માત્ર ચૂંટણીપંચે આપ્યા છે. પંચનું કહેવું છે કે રાહુલ ગાંધી સાત દિવસની અંદર સોગંદનામું દાખલ કરે, પરંતુ મને લાગે છે કે રાહુલ ગાંધી આવું નહીં કરે. આ મામલો રાજકીય જમીન પર પણ લડાશે અને આટલી સરળતાથી ઇન્ડિયા ગઠબંધનવાળા નહીં માને."

પંચની પ્રેસ કૉન્ફરન્સની ટાઇમિંગ પર પણ ઊઠ્યા સવાલ?

7 ઑગસ્ટના રોજ લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ચૂંટણીપંચ પર ગંભીર આરોપ કર્યા હતા.

તેમણે દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી, મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં 'મતદારયાદીમાં મોટા પાયે ગરબડ' કરાઈ.

આ સાથે જ એક અઠવાડિયા બાદ સુપ્રીમ કોર્ટે પણ ચૂંટણીપંચને કહ્યું કે તેઓ બિહારમાંથી કમી કરાયેલાં એ 65 લાખ મતદારોનાં નામની યાદી સોંપે.

રાહુલ ગાંધીના આરોપોના લગભગ બે અઠવાડિયાં બાદ ચૂંટણીપંચે પ્રેસ કૉન્ફરન્સ કરી છે. આ પ્રેસ કૉન્ફરન્સના ત્યારે થઈ જ્યારે બિહારમાં ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓ 'વોટ ચોરી' વિરુદ્ધ રેલી કરી રહી હતી.

પરંજૉય ગુહા ઠાકુરતા કહે છે કે, "ચૂંટણીપંચ આ પહેલાં ક્યારેય આ પ્રકારે પ્રેસ કૉન્ફરન્સ કરવા સામે નહોતું આવ્યું. આજે જ બિહારમાં ઇન્ડિયા ગઠબંધનની રેલી થઈ રહી છે. આનાથી પણ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે આ મહિનાની 14 તારીખે સુપ્રીમ કોર્ટમાં એક પ્રકારે ચૂંટણીપંચને ઠપકો આપતાં કહ્યું કે યાદીમાંથી બહાર કરાયેલા 65 લાખ લોકોનાં નામ સાર્વજનિક કરો. એવી રીતે આપો કે લોકો મશીન મારફતે રિડેબલ સર્ચ કરી શકે."

બીજી તરફ પ્રમોદ જોશીનું માનવું છે કે ચૂંટણીપંચના જવાબને રાજકીય સંદર્ભમાં જોવાની જરૂર છે.

પ્રમોદ જોશી કહે છે કે, "ટાઇમિંગની વાત કરીએ તો નિશ્ચિતપણે ચૂંટણીપંચનો જવાબ રાજકીય છે. જ્યારે રાહુલ ગાંધી અને તમની પાર્ટી આને બિહારમાં રાજકીય બનાવી રહ્યાં છે બરાબર એ જ તારીખે સરકાર તરફથી ચૂંટણીપંચે પોતાનો પક્ષ સામે મૂક્યો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન