You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિપક્ષના 'મત ચોરી'ના આરોપ પર મુખ્ય ચૂંટણી કમિશનરે શું જવાબ આપ્યા?
વિપક્ષ તરફથી 'મત ચોરી'ના આરોપો પર રવિવારે ભારતના ચૂંટણીપંચે એક પત્રકારપરિષદ કરી હતી. આ પત્રકારપરિષદને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે સંબોધિત કરી.
જ્ઞાનેશકુમારે કહ્યું કે "કાયદા હેઠળ દરેક રાજકીય પક્ષનો જન્મ ચૂંટણીપંચમાં નોંધણી થવાથી થાય છે, તો પછી ચૂંટણીપંચ એ જ રાજકીય પક્ષો વચ્ચે ભેદભાવ કેવી રીતે કરી શકે?"
તેમણે કહ્યું કે, "ચૂંટણીપંચના ખભા પર બંદૂક રાખીને રાજકારણ કરાઈ રહ્યું છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે "ચૂંટણીપંચ માટે ન તો કોઈ વિપક્ષ છે, ન તો કોઈ પક્ષ, બધા સમકક્ષ છે."
ચૂંટણીપંચના જણાવ્યા મુજબ, રાજકીય પક્ષોની માગને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવીઝન (એસઆઈઆર)ની પ્રક્રિયા શરૂ કરાઈ છે.
જ્ઞાનેશકુમારે કહ્યું કે "લગભગ તમામ રાજકીય પક્ષો મતદારયાદીમાં ભૂલો સુધારવાની માગ કરતાં રહ્યાં છે. આ જ માગને પૂર્ણ કરવા જ ચૂંટણીપંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવીઝન એટલે કે એસઆઈઆરની શરૂઆત બિહારથી કરી છે."
બિહારમાં એસઆઈઆર પ્રક્રિયા વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે "એસઆઈઆર પ્રક્રિયામાં તમામ મતદારો, બૂથ લેવલ ઑફિસરો અને તમામ રાજકીય પક્ષો દ્વારા નિમાયેલા 1.6 લાખ બીએલએ (બૂથ લેવલ એજન્ટ)એ મળીને એક પ્રારંભિક યાદી તૈયાર કરી છે."
"દરેક બૂથ પર જ્યારે આ પ્રારંભિક યાદી તૈયાર થઈ રહી હતી, ત્યારે તમામ પક્ષોના બૂથ લેવલ એજન્ટે તેના પર સહી કરીને પ્રમાણિત કરી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોએ બિહારમાં અપનાવવામાં આવેલી એસઆઈઆર પ્રક્રિયા પર પ્રશ્ન ઉઠાવ્યા છે.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ અને ચૂંટણીપંચ મળીને 'મત ચોરી' કરી રહ્યાં છે અને 'બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવીઝન (એસઆઈઆર) મત ચોરી કરવાનો પ્રયાસ' છે.
ચૂંટણીપંચે વિપક્ષના આરોપોને ગણાવ્યો 'ભ્રમ ફેલાવવાનો પ્રયાસ'
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઇઆર અંગે વિપક્ષના આરોપને 'ભ્રમ ફેલાવવાનો પ્રયાસ' ગણાવ્યો છે.
તેમણે કહ્યું, "પાયાના સ્તરે તમામ મતદાર, તમામ રાજકીય દળ અને તમામ બૂથ લેવલ ઑફિસર્સ મળીને પારદર્શિતાથી કામ કરી રહ્યાં છે."
જ્ઞાનેશકુમારનું કહેવું છે કે એસઆઇઆર સાથે સંકળાયેલા દસ્તાવેજની રાજકીય દળો તરફથી નૉમિનેટેડ બૂથ લેવલ એજન્ટ્સ પણ ખરાઈ કરી રહ્યા છે.
તેમણે કહ્યું, "એ ગંભીર ચિંતાનો વિષય છે કે રાજકીય દળોના જિલ્લાધ્યક્ષો અને તેમના દ્વારા નૉમિનેટેડ બીએલએ દ્વારા ખરાઈ કરાયેલા દસ્તાવેજ, પુરાવા તેમના સ્વયં કે રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સુધી કાં તો નથી પહોંચાડી શકી રહ્યા અને કાં તો પાયાના સ્તરના સત્યને નજરઅંદાજ કરીને ભ્રમ ફેલાવવાની કોશિશ' કરાઈ રહી છે."
નોંધનીય છે કે કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી દલોએ બિહારમાં અપનાવાયેલ એસઆઇઆરની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે.
બીજી તરફ હાલમાં જ સુપ્રીમ કોર્ટે બિહાર એસઆઇઆરને પડકારતી અરજીઓની સુનાવણી દરમિયાન એક વચગાળાનો આદેશ આપ્યો છે.
કોર્ટે ચૂંટણીપંચને કહ્યું છે કે તેઓ ડ્રાફ્ટ લિસ્ટમાં સામેલ ન હોય એવા 65 લાખ મતદારોની યાદી જાહેર કરે.
ભાજપ અને ચૂંટણીપંચ મળીને 'વોટ ચોરી' કરી રહ્યાં છે : રાહુલ ગાંધી
કૉંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધને રવિવારે બિહારના સાસારામથી 'વોટર અધિકાર યાત્રા'ની શરૂઆત કરી છે.
આ દરમિયાન કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વાર વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં 'વોટ ચોરી'નો આરોપ મૂક્યો છે.
રાહુલ ગાંધીએ આરોપ કર્યો છે કે ભાજપ અને ચૂંટણીપંચ સાથે મળીને 'વોટ ચોરી' કરી રહ્યાં છે અને 'બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવીઝન (એસઆઇઆર) વોટ ચોરી કરવાની કોશિશ છે.'
રાહુલ ગાંધીએ કહ્યું, "આખા ભારતમાં વિધાનસભા ચૂંટણી, લોકસભા ચૂંટણી ચોરી કરાઈ રહી છે અને તેમનું કાવતરું છે કે બિહારમાં એસઆઇઆર કરીને નવા મતદારો જોડીને, મતદારોને ઘટાડીને કે આ બિહાર ચૂંટણીની ચોરી કરવામાં આવે. અમે તેમને આ ચૂંટણી નહીં ચોરવા દઈએ."
બીજી તરફ ભાજપ સાંસદ દિનેશ શર્માએ કહ્યું, "આ એક અનર્ગળ દુષ્પ્રચાર છે અને રાહુલ ગાંધીની કોઈ પણ યાત્રા સફળ નથી થવાની."
પત્રકારપરિષદ પર કૉંગ્રેસ અને ભાજપની પ્રતિક્રિયા
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની પત્રકારપરિષદ પર કૉંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કૉંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે આ પત્રકારપરિષદમાં વિપક્ષે ઉઠાવેલા સવાલનો સીધો જવાબ અપાયો નથી.
પવન ખેડાએ કહ્યું, "શું જ્ઞાનેશ ગુપ્તા (મુખ્ય ચૂંટણી કમિશનર)એ તે એક લાખ મતદારો અંગે કોઈ જવાબ આપ્યો, જેને અમે મહાદેવપુરામાં ઉઘાડા પાડ્યા હતા? નથી આપ્યો."
તેમણે કહ્યું કે અમને આશા હતી કે આજે જ્ઞાનેશકુમાર અમારા સવાલોનો જવાબ આપશે... એવું લાગતું હતું કે (પત્રકારપરિષદમાં) ભાજપના એક નેતા બોલી રહ્યા છે."
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે રવિવારે પત્રકારપરિષદમાં મશીન રીડેબલ મતદારયાદીના સવાલ પર કહ્યું કે સુપ્રીમ કોર્ટ 2019માં જ કહી ચૂકી છે કે આ મતદારની ગોપનીયતાનું ઉલ્લંઘન હોઈ શકે છે.
આના પર પવન ખેડાએ કહ્યું કે છ લોકસભા વિસ્તારોમાં ડિજિટલ મતદારસૂચિ અનુરાગ ઠાકુરને મળી ગઈ, પરંતુ આ સૂચિ (ચૂંટણીપંચ) અમને નથી આપતું. આજે પંચ કહે છે કે ડિજિટલ મતદારસૂચિ આપવાથી લોકોની ગોપનીયતાનો ભંગ થાય છે."
તો ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે "ચૂંટણીપંચે એ લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે, જે ચૂંટણીપંચ જેવી બંધારણીય સંસ્થા પર આરોપ કરી રહ્યા છે. ચૂંટણીપંચે સ્પષ્ટ કહ્યું છે કે તેના માટે પક્ષ અને વિપક્ષ નથી, તે બધાને એક નજરથી જુએ છે."
તેમણે કહ્યું કે વિપક્ષે જે રીતે ભ્રમ પેદા કર્યો, તેનો ચૂંટણીપંચે જવાબ આપ્યો છે.
શાહનવાઝ હુસૈને કહ્યું, "બિહારના જે મતદારોનાં નામ નથી, તેમના માટે સમય છે, તેઓ તેમાં પોતાનું નામ જોડાવી શકે છે."
સુપ્રીમ કોર્ટે અગાઉ શું કહ્યું હતું?
બિહારમાં એસઆઈઆર (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવીઝન)ને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં ત્રીજા દિવસે પણ સુનાવણી થઈ હતી. ત્યાર બાદ અદાલતે એક વચગાળાનો આદેશ આપ્યો હતો.
અદાલતે ચૂંટણીપંચને કહ્યું હતું છે કે તે 65 લાખ એવા મતદારોની યાદી જાહેર કરે, જેમને ડ્રાફ્ટ યાદીમાં સામેલ કરાયા નથી.
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે આ માહિતી બૂથ વાર હશે અને દરેક મતદાતા ઇપીઆઈસી નંબરથી શોધી શકશે.
અદાલતે ચૂંટણીપંચને આ યાદી મંગળવાર, 19 ઑગસ્ટ સાંજના 5 વાગ્યા સુધી જાહેર કરવાની સમયમર્યાદા આપી છે.
ચૂંટણીપંચને એ પણ કહેવાયું હતું છે કે જે લોકોનાં નામ ડ્રાફ્ટમાં સામેલ નથી, તે કયા આધાર પર નથી, તેનો સ્પષ્ટ ઉલ્લેખ પણ હોવો જોઈએ.
કોર્ટે જણાવ્યું હતું કે "આ યાદી દરેક જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઇટ પર (જિલ્લા-વાર) દર્શાવવામાં આવે. યાદીમાં નામ ન જોડાવાનું કારણ પણ જણાવવું પડશે."
ચૂંટણીપંચ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ જણાવ્યું કે ડ્રાફ્ટ યાદીમાં નામ ન હોવાનાં કારણોમાં મૃત્યુ, સ્થળાંતર અને નામની પુનરાવૃત્તિ જેવા મુદ્દાઓ સામેલ છે.
આ ઉપરાંત અદાલતે કહ્યું હતું કે ચૂંટણીપંચે આ માહિતી જાહેર કરવી જોઈએ કે યાદી પ્રકાશિત થઈ ગઈ છે.
બેન્ચે કહ્યું હતું કે "બિહાર રાજ્યમાં દૈનિક અખબારોમાં સ્થાનિક ભાષા અને અંગ્રેજી બંનેમાં આ માહિતીનો વ્યાપક પ્રચાર થવો જોઈએ. ઉપરાંત ટીવી અને રેડિયો ચૅનલો પર પણ તેનું પ્રસારણ થવું જોઈએ."
અદાલતે કહ્યું હતું કે જો જિલ્લા ચૂંટણી અધિકારીઓ પાસે કોઈ સોશિયલ મીડિયા પેજ છે, તો ત્યાં પણ આ માહિતી દર્શાવવી જોઈએ.
આ 65 લાખ લોકોની યાદી બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ પર પણ મૂકવી પડશે અને તેને પંચાયત ભવન અને પ્રખંડ પંચાયત કચેરીઓમાં ચોંટાડવી ફરજિયાત રહેશે.
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે જાહેર સૂચનામાં સ્પષ્ટ રીતે જણાવવું જોઈએ કે જેમનાં નામ ડ્રાફ્ટ યાદીમાં નથી, તેઓ આધાર કાર્ડની નકલ સાથે ચૂંટણીપંચનો સંપર્ક કરી શકે છે.
ચૂંટણીપંચે આ કામગીરી 19 ઑગસ્ટ, સાંજના 5 વાગ્યા સુધી પૂર્ણ કરવી પડશે અને ત્યાર બાદ અદાલતમાં અનુપાલન અહેવાલ રજૂ કરવો પડશે.
આગામી સુનાવણી 22 ઑગસ્ટ બપોરે 2 વાગ્યે થશે.
રાહુલ ગાંધીએ અગાઉ શું આક્ષેપ કર્યા હતા?
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારના એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ચૂંટણીપંચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
તેમણે દાવો કર્યો કે લોકસભા ચૂંટણી, મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં 'મતદાર યાદીમાં મોટા પાયે ગોટાળો કરવામાં આવ્યો' હતો.
તેમણે કહ્યું કે, "મશીન-રીડેબલ વોટર લિસ્ટ ન આપવી એ વાતનો પુરાવો છે કે ચૂંટણીપંચે મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં 'ચોરી' માટે ભાજપ સાથે મિલીભગત કરી હતી."
ભારતીય ચૂંટણીપંચે રાહુલ ગાંધીના આરોપોને 'ગેરમાર્ગે દોરનાર' ગણાવ્યા છે. ચૂંટણીપંચે કહ્યું છે કે તેઓ પોતાની ફરિયાદ લેખિતમાં કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીને આપે.
ચૂંટણીપંચે કહ્યું કે જો રાહુલ ગાંધી સમજે છે કે જે તેઓ કહી રહ્યા છે તે સત્ય છે તો તેઓ શપથપત્ર પર હસ્તાક્ષર કરીને ફરિયાદ આપે અથવા પછી ભારતની જનતાને ગેરમાર્ગે ન દોરે.
રાહુલ ગાંધીએ ગરબડના આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે -
મહારાષ્ટ્રમાં અમે જાહેરમાં ચૂંટણીપંચને જણાવ્યું હતું કે પાંચ મહિનામાં જેટલા નવા મતદારો જોડવામાં આવ્યા તેઓ છેલ્લાં પાંચ વર્ષમાં જોડવામાં આવેલા મતદારો કરતાં પણ વધારે હતા, જેનાથી શંકા પેદા થાય છે.
નવા મતદારોની સંખ્યા તો મહારાષ્ટ્રની વસ્તીથી પણ વધારે થઈ ગઈ, જે બહુ આશ્ચર્યજનક વાત હતી.
પછી પાંચ વર્ષ પછી અચાનક મતદાન ટકાવારીમાં મોટો ઉછાળ આવ્યો.
વિધાનસભા ચૂંટણીમાં અમારું ગઠબંધન પૂર્ણ રીતે સાફ થઈ ગયું જ્યારે કેટલાક મહિના પહેલાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં આ જ ગઠબંધન જીતી ગયું હતું. આ બહુ શંકાસ્પદ વાત હતી.
મહારાષ્ટ્રમાં રાજ્ય સ્તર પર આપણે જોયું કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચે એક કરોડ નવા મતદારો જોડાયા હતા. આની ફરિયાદ ચૂંટણીપંચને પણ કરવામાં આવી હતી.
રાજ્યમાં 40 લાખ નકલી મતદારો શોધવામાં આવ્યા.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે કર્ણાટક લોકસભા ચૂંટણીમાં ઇન્ટરનલ પોલ્સે 16 બેઠકો જીતવાનું અનુમાન આપ્યું હતું પણ કૉંગ્રેસને માત્ર નવ બેઠકો મળી.
કૉંગ્રેસની તપાસમાં જાણવા મળ્યું કે કર્ણાટકની મહાદેવપુરા બેઠક પર એક લાખથી વધારે ડુપ્લિકેટ મતદારો, નકલી સરનામાં અને બલ્ક વોટર હતા.
કર્ણાટકમાં બેંગ્લુરુની મહાદેવપુરા વિધાનસભા બેઠક પર 6.5 લાખ મતદારોમાં એક લાખથી વધારે મતોની ચોરી થઈ.
કર્ણાટકમાં 11 હજાર જેટલા મતદારો એવા મળ્યા જેમણે અલગ-અલગ બૂથ અને અલગ-અલગ રાજ્યોમાં પણ મતદાન કર્યું.
આ મતદારોનાં નામ, બૂથ નંબર અને સરનામાની યાદી અમારી પાસે છે.
ભાજપે શું કહ્યું હતું?
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતચોરી અંગે રાહુલ ગાંધીના દાવાને ફગાવી દીધો છે.
તેમણે કહ્યું કે, "રાહુલ ગાંધી સતત જૂઠ બોલી રહ્યા છે અને ખોટી નિવેદનબાજી કરી રહ્યા છે. તેમણે ગત વખતે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં 75 લાખ મત વધ્યા અને હવે કહી રહ્યા છે કે એક કરોડ મત વધ્યા. તેઓ જૂઠ બોલીને પોતાની હારને દબાવવાની કોશિશ કરી રહ્યા છે. તેમને ખ્યાલ છે કે તેમની પાર્ટી અસ્તિત્વ ગુમાવી ચૂકી છે. હું આનો વિરોધ કરું છું. જનતા આગામી ચૂંટણીમાં તેમને પાઠ ભણાવશે."
કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું, "મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તમે હાર્યા. લોકસભામાં તમે હજુ વધુ બેઠકો ગુમાવી, એનડીએએ સારું પ્રદર્શન કર્યું. કર્ણાટકમાં વિધાનસભામાં પરિણામો તમારા પક્ષમાં રહ્યાં, પરંતુ લોકસભામાં નહીં. મહારાષ્ટ્રમાં ન વિધાનસભામાં અને ન લોકસભામાં તમારી જીત થઈ. તો તમે દેશ અને દુનિયા સામે શું દેખાડવા માગો છો."
"તર્ક અને બુદ્ધિ પણ કોઈક વસ્તુ હોય છે. શું તમે વિશ્વને બતાવવા માગો છો કે ભારતમાં ચૂંટણી યોગ્ય રીતે નથી થતી? રાહુલ ગાંધી વિદેશ જઈને ભારતીય સંસ્થાઓને બદનામ કરે છે. જો ચૂંટણીમાં ગરબડ થાય છે તો તમારા ઉમેદવાર ઝારખંડમાં કેવી રીતે જીત્યા? જમ્મુ-કાશ્મીરમાં તમારી જીત કેવી રીતે થઈ?"
ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કહ્યું, "આજે રાહુલ ગાંધીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી અને તેમણે મતદારયાદી પર પણ વાત કરી. રાહુલ ગાંધી આ પહેલી વખત બંધારણીય સંસ્થા પર હુમલો નથી કરી રહ્યા. પરંતુ જે રાજ્યોમાં તેમની જીત થાય છે, રાહુલ ગાંધી એ રાજ્યોની મતદારયાદીને અમારી સામે કેમ નથી રજૂ કરતા?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન