You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'શોલે'નાં 50 વર્ષ : હેમા માલિનીને કેમ 'બસંતી'ની ભૂમિકા નહોતી ભજવવી?
- લેેખક, રવિ જૈન
- પદ, બીબીસી માટે
પોતાના જમાનામાં કામયાબીના નવા રેકૉર્ડ સર્જનાર ફિલ્મ 'શોલે' (1975)ને ભારતીય સિનેમામાં સીમાચિહ્ન માનવામાં આવે છે.
બૉક્સ ઑફિસ પર સફળતાની નવી કહાણી લખનાર આ ફિલ્મ 'શોલે'નાં નાનાં મોટાં તમામ પાત્રોને ફિલ્મ રિલીઝ થયાનાં 50 વર્ષ બાદ પણ યાદ કરવામાં આવે છે.
પછી ભલે એ 'જય', 'વીરુ', 'ગબ્બર', 'ઠાકુર', 'બસંતી' હોય કે 'કાલિયા', 'સાંબા', 'મૌસીજી', 'જેલર', કે 'સૂરમા ભોપાલી' જેવાં પાત્રો. ફિલ્મનાં આવાં તમામ પાત્રો આજેય લોકપ્રિય છે.
પરંતુ ઘણા ઓછા લોકોને એ વાતનો ખ્યાલ છે કે 'શોલે'નાં મુખ્ય પાત્રો પૈકી એક, 'બસંતી'ની ભૂમિકા ભજવવામાં હેમા માલિનીને બિલકુલ રસ નહોતો. તેમણે નિર્દેશક રમેશ સિપ્પીને ફિલ્મમાં ભૂમિકા ભજવવાની ના પાડી દીધી હતી.
'શોલે'ની રિલીઝની 50મી વર્ષગાંઠ નિમિત્તે બીબીસી સાથેની ખાસ વાતચીત દરમિયાન હેમા માલિનીએ આ વિશે વિસ્તારપૂર્વક વાત કરી અને તેમણે 'બસંતી'ની વાતોડિયણ બગીવાળીનું પાત્ર ભજવવાની આખરે કેમ ના પાડી હતી.
તેમણે આનું મુખ્ય કારણ 'બસંતી'નું પાત્ર નાનું હોવાની વાતને ગણાવી.
હેમા માલિનીએ કહ્યું, "ફિલ્મ 'શોલે'માં બસંતીની ભૂમિકા ભજવી એ પહેલાં હું નિર્દેશક રમેશ સિપ્પી સાથે 'અંદાજ' અને 'સીતા ઔર ગીતા' જેવી હિટ ફિલ્મોમાં હિરોઇન તરીકે કામ કરી ચૂકી હતી."
"રમેશ સિપ્પીએ જ્યારે મને 'બસંતી'ની ભુમિકા ઑફર કરી તો મેં તેમને કહ્યું કે ભૂમિકા વધુ મોટી નથી અને હું તમારી બે ફિલ્મોમાં હિરોઇન રહી ચૂકી છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેં તેમને કહ્યું, "આટલાં બધાં પાત્રો વચ્ચે આ પ્રકારની એક નાનકડું પાત્ર ભજવવું મારા માટે ઠીક નહીં હોય."
હેમા માલિની ઇનકાર બાદ કેમ માની ગયાં?
પરંતુ બાદમાં એવું શું થયું કે મલ્ટિસ્ટારર ફિલ્મ 'શોલે'માં 'બસંતી'ના પાત્ર માટે તેમણે નિર્દેશક રમેશ સિપ્પીને હા પાડી દીધી.
હેમા માલિની જણાવે છે કે, "પાત્રમાં રસ ન દાખવ્યા છતાં નિર્દેશક રમેશ સિપ્પી ઇચ્છતા હતા કે હું જ 'બસંતી' બનું. તેમણે મને કહ્યું કે આ પાત્ર તું ભજવી લે, નહીંતર બાદમાં તને ઘણો પસ્તાવો થશે. રમેશજી મારા સારા મિત્ર હતા, તેમની સમજાવટ બાદ મેં 'બસંતી'ની ભૂમિકા ભજવવા માટે હા પાડી દીધી."
શરૂઆતમાં હેમા માલિની તરફથી 'બસંતી'ની ભૂમિકા ઠુકરાવી દેવા પાછળ વધુ એક મોટું કારણ હતું.
'શોલે'માં બસંતીની ભૂમિકા ભજવવા પહેલાં તેમણે હિંદી સિનેમાના પડદે ક્યારેય કોઈ ફિલ્મની હિરોઇનને બગી હાંકતી નહોતી જોઈ.
હેમા માલિની જણાવે છે કે ફિલ્મી પૃષ્ઠભૂમિ પણ શહેરી ન હોઈ ગ્રામીણ હતી, તેથી આવી સ્થિતિમાં તેઓ પોતાની જાતને આ પાત્રમાં ફિટ થતાં નહોતાં જોઈ શકી રહ્યાં.
હેમા માલિની કહે છે કે 'શોલે'માં જે પ્રકારે 'બસંતી'ને એક ગ્રામીણ છોકરી અને એ પણ બગીવાલી તરીકે બતાવાઈ છે, હિંદી સિનેમામાં 'શોલે' પહેલાં ક્યારેય આવું ઉદાહરણ નહોતું જોવા મળ્યું.
તેઓ કહે છે કે, "આજથી 50 વર્ષ પહેલાં બસંતીને એક બગીવાળી અને એક આત્મનિર્ભર છોકરી તરીકે રજૂ કરાઈ હતી. એ દરમિયાન ફિલ્મની હિરોઇનોને આ પ્રકારે પડદા પર દર્શાવવાનું ચલણ નહોતું. એક ગ્રામીણ છોકરીને આ પ્રકારે આત્મનિર્ભર બતાવવી એ આ પાત્રની એક મોટી ખાસિયત હતી, જેણે લોકો પર ઊંડી અસર કરી."
હેમા માલિની કહે છે કે તેમને એ વાતની ઘણી ખુશી છે કે બાદમાં તેમણે 'બસંતી'ની ભૂમિકાને સ્વીકારી લીદી અને ફિલ્મમાં કામ કર્યું. તેઓ કહે છે કે એવું ન થયું હોય તો તેમને આખી જિંદગી એક અત્યંત ઉમદા પાત્ર ન ભજવવાનું દુખ રહ્યું હોત.
બસંતીનું પાત્ર કેમ આટલું લોકપ્રિય થયું?
50 વર્ષ બાદ આજેય લોકોમાં 'બસંતી'નું પાત્ર લોકપ્રિય હોવા અંગે વાત કરતાં હેમા માલિની કહે છે કે, "આજેય હું ક્યાંય પણ લોકો વચ્ચે જાઉં ત્યારે લોકો મને તેઓ 'બસંતી'ના નામથી બોલાવવાનું વધુ પસંદ કરે છે."
તેઓ કહે છે કે, "'બસંતી' સાંભળતાં જ મારા ચહેરા પર ખુશીનો ભાવ છલકાઈ આવે છે. એટલું જ નહીં, લોકો જાહેર સભાઓમાં આજેય મારી પાસેથી 'બસંતી'ના સંવાદ બોલાવવાનો આગ્રહ કરે છે અને જ્યારે હું તેમની માગ સ્વીકારી લઉં તો તેઓ ખુશીથી ઝૂમી ઊઠે છે."
હેમા માલિની કહે છે કે તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે 'બસંતી'નું તેમનું પાત્ર આટલું બધું લોકપ્રિય થઈ જશે.
તેઓ કહે છે કે તેમણે શૂટિંગ વખતે એ વાતનો અહેસાસ જરૂર થઈ ગયેલો કે તેઓ એક 'સ્પેશિયલ' ફિલ્મમાં કામ કરી રહ્યાં છે.
હેમા માલિની કહે છે કે આજે જ્યારે તેઓ પાછાં વળીને જુએ છે તો તેમને આ વાતની અત્યંત ખુશી થાય છે કે તેમણે તમામ આશંકાઓ છતાં 'બસંતી'ની ભૂમિકાને અપનાવી અને તેમને પડદા પર શ્રેષ્ઠ રીતે ભજવી.
હેમા માલિની કહે છે કે 'બસંતી'ના પાત્રની લોકપ્રિયતાનું સ્તર એ છે કે કૉમેડી અને લાઇવ શોઝમાં આજેય 'બસંતી'ની મિમિક્રી કરીને લોકોને હસાવવાની કોશિશ કરાય છે.
તેઓ કહે છે કે માત્ર બસંતી જ નહીં બલકે 'શોલે'નાં દરેક નાનાં-મોટાં પાત્રની પોતાની આગવી ખાસિયતો રહી છે અને આ જ કારણ કારણ છે કે ફિલ્મનાં તમામ પાત્ર આજે પણ લોકોની સ્મૃતિમાં જીવિત છે.
'શોલે'ની રેકૉર્ડતોડ સફળતા અંગે હેમા માલિની કહે છે કે, "ફિલ્મની સુંદરતા એ વાતમાં છુપાયેલી છે કે દરેક પાત્રને શ્રેષ્ઠ રીતે રજૂ કરાયું હતું. હું એ ન કહી શકું કે જય-વીરુ, ઠાકુર, ગબ્બર કે પછી બસંતીના કારણે આ ફિલ્મ આટલી બધી પસંદ પડી હતી."
તેઓ કહે છે કે, "કોઈ પાત્રે ભલે એક ડાયલૉગ બોલ્યો હોય કે પછી એકેય નહીં, લોકો એ પાત્રનેય આજ સુધી યાદ કરે છે. આનું સંપૂર્ણ શ્રેય ફિલ્મનાં પાત્રોને ઉમદા રીતે લખનારા સલીમ-જાવેદને આપવું જોઈએ."
'જબ તક હૈ જાન, મૈં નાચૂંગી'નું શૂટિંગ સૌથી પડકારરૂપ અનુભવ'
ફિલ્મ 'શોલે'ની મોટા ભાગનું શૂટિંગ બૅંગ્લોર (હાલનું બૅંગ્લુરુ)ની બહાર, પહાડી અને મેદાની વિસ્તારોમાં થયું હતું. આવી સ્થિતિમાં તમામ કલાકારો માટે શૂટિંગ પડકારજનક હતું.
હેમા માલિનીએ ફિલ્મ 'શોલે'માં તેમના પર ફિલ્માવાયેલા અત્યંત લોકપ્રિય ગીત 'જબ તક હૈ જાન, મૈં નાચૂંગી...'ના શૂટિંગને પોતાના માટે ફિલ્મનો સૌથી પડકારજનક અનુભવ ગણાવ્યો.
હેમા માલિની જણાવે છે કે, "આ ગીતનું શૂટિંગ સતત 15 દિવસ સુધી ચાલ્યું હતું. એ ઉનાળાના દિવસો હતા અને આવી સ્થિતિમાં દરરોજ તડકામાં શૂટિંગ કરવાનું ખૂબ મુશ્કેલ રહેતું. અમે પરસેવાથી તરબતર થઈ જતા અને અમારી ત્વચા પણ કાળી પડી જતી."
"આ ગીતમાં મને ખુલ્લા પગે નાચતી બતાવાઈ છે, જ્યારે પણ લૉન્ગ શૉટ્સમાં મારા ખુલ્લા પગના શૉટ્સ લેવાતા તો મારા માટે તપી રહેલી જમીન પર ગીતનાં સ્ટેપ્સ કરવાનું કામ ખૂબ અઘરું થઈ પડતું."
સેટ પર ધર્મેન્દ્ર અને હેમા માલિનીની નિકટતા
કહેવાય છે કે 'શોલે'ના શૂટિંગ વખતે હેમા માલિની અને ધર્મેન્દ્ર વચ્ચેની નિકટતા ખૂબ વધી ગઈ હતી.
આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણો સમય પસાર કરવાને કારણે બંનેને એકમેકની નિકટ જવાની તક મળી.
હેમા માલિનીએ ફિલ્મના શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્ર સાથે ગાઢ બનતી જતી પોતાની મિત્રતા અને શૂટિંગ દરમિયાન પસાર કરેલી સુંદર ક્ષણોને પણ યાદ કરી.
હેમા માલિનીએ કહ્યું, "હા, આ વાત સાચી છે કે એક સાથે 'શોલે'નું શૂટિંગ કરતી વખતે અમારા બંનેની મિત્રતા વધુ ગાઢ થઈ ગઈ હતી. ફિલ્મમાં અમે એકમેકની ઑપોઝિટ હતાં, તેથી અમને એકમેક સાથે ઘણો સમય પસાર કરવાની તક મળતી. આઉટડોર શૂટિંગમાં ઘણી વાર અમે સાથે હતાં. આવી સ્થિતિમાં એકબીજાની સાથે અમે પોતાની ખુશીઓની સાથોસાથ પોતાનાં દુખ પણ શૅર કરતાં."
ફિલ્મનો ક્લાઇમૅક્સ કેમ બદલી દેવાયો?
'શોલે'નો ક્લાઇમૅક્સ પહેલાં કંઈક અલગ હતો. જ્યારે ફિલ્મ બની ત્યારે તેમાં ફિલ્મના અંતમાં નિવૃત્ત પોલીસ અધિકારી ઠાકુર ગબ્બરને પોતાના પગ તળે કચડીને મારી નાખે છે અને ત્યાં ફિલ્મ પૂરી થાય છે.
પરંતુ 1975માં દેસમાં લદાયેલી કટોકટી દરમિયાન સેન્સર બોર્ડ તરફથી વ્યક્ત કરાયેલી આપત્તિ બાદ 'શોલે'ના ક્લાઇમૅક્સમાં બદલાવ કરાયો હતો.
બદલાવ સાથે રિલીઝ થયેલી આ ફિલ્મમાં બતાવાયું છે હતું કે કેવી રીતે ક્લાઇમૅક્સ દરમિયાન ઠાકુર ગબ્બરને પોલીસને સોંપી દે છે.
બીબીસીએ હેમા માલિની સાથે 'શોલે'ના ક્લાઇમૅક્સ સાથે છેડછાડ કરાયાની વાત અંગે તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું, "એક નિર્દેશક એક કૉન્સેપ્ટના આધારે, ફિલ્મની તમામ કડીઓને જોડીને અને એક સશક્ત વિચાર સાથે ફિલ્મ બનાવે છે. આવી સ્થિતિમાં તેમના વિઝન સાથે છેડછાડ કરવાની વાતને યોગ્ય ન ઠેરવી શકાય."
હેમા માલિનીએ ઇન્ટરવ્યૂના અંતે કહ્યું, "લોકોનાં હૃદયમાં હંમેશાં માટે જગ્યા બનાવનારી 'શોલે' જેવી ફિલ્મો એક વાર જ બને છે અને આવી ફિલ્મને ફરી વાર બનાવવા અંગે વિચારી પણ ન શકાય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન