You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતનું કરભારણ વિનાનું બજેટ, વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટે શું જોગવાઈ?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 'ભૂપેન્દ્ર પટેલ 2.0' સરકારનું પહેલું બજેટ રજૂ કર્યું હતું, જેનું અંદાજે કદ રૂ. ત્રણ લાખ એક હજાર કરોડ છે.
જોકે, આટલા જંગી કદ છતાં નવા કોઈ કરભારણની જાહેરાત નથી કરવામાં આવી અને પીએનજી તથા સીએનજી ઉપરના મૂલ્યવર્ધિત કરનો દર 15 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે.
સરકારનો દાવો છે કે ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને પાયાની સુવિધા અને સામાજિક સુરક્ષા, માનવ સંશાધનનો વિકાસ, વિશ્વસ્તરીય માળખાકીય સુવિધા, રોજગારીની નવી તકોનું સર્જન અને ગ્રીન ગ્રૉથ એમ પાંચ સ્તંભ ઉપર તેમનું બજેટ છે અને આવનારાં વર્ષો દરમિયાન તેના ઉપર ભાર મૂકવામાં આવશે.
તાજેતરની વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે અનેકવિધ જાહેરાતો કરવામાં આવી હતી અને તેને સારો લોકપ્રતિસાદ સાંપડ્યો હતો, જે મતમાં પરિવર્તિત નહોતો થયો, પરંતુ તેણે જનતાની સમસ્યાઓને વાચા આપી હતી એટલે જ તાજેતરના બજેટમાં આ દિશામાં કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હોવાનું જણાય છે.
કદાચ ગુજરાતની સ્થાપના પછી પ્રથમ વખત એવું બન્યું હતું કે વિપક્ષના નેતા વગરનું બજેટસત્ર રહ્યું છે.
182 ધારાસભ્યોવાળી વિધાનસભામાં કૉંગ્રેસ વિપક્ષના નેતા માટે જરૂરી 10 ટકાની સભ્યસંખ્યા મેળવવામાં નિષ્ફળ રહી હતી.
બજેટમાં અલગ-અલગ વર્ગ માટે કરવામાં આવેલી મહત્ત્વપૂર્ણ કે નોંધપાત્ર જોગવાઈઓ આ મુજબ રહી હતી.
જાહેર સાહસની કંપનીઓનું વિનિવેશ
દેસાઈ દ્વારા નવા કોઈ કારણભારણની જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ ઉમેર્યું હતું કે રાજ્ય સરકારના જાહેરસાહસની કંપનીઓનું વિનિવેશ કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્વાભાવિક રીતે લિસ્ટેડ, પરંતુ ખાસ પ્રદર્શન નહીં કરી શકતી કંપનીઓના વેચાણમાં મુશ્કેલી પડી શકે છે, ત્યારે નફો કરતી અને સારી સદ્ધરતા ધરાવતી કંપનીઓનું વિનિવેશ સરળ રહે.
હાલમાં ગુજરાત ગૅસ, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર, ગુજરાત આલ્કલીઝ ઍન્ડ કેમિકલ લિમિટેડ, ગુજરાત મિનરલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર ઍન્ડ કેમિકલ લિમિટેડ, ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફાઇનાન્સિયલ કૉર્પોરેશન જેવી કંપનીઓ લિસ્ટેડ છે, જેનું વધુ વિનિવેશ થઈ શકે છે.
આ સિવાય નફો કરતા, પણ લિસ્ટ નહીં થયેલા જાહેર સાહસના એકમનું જાહેરભરણું લાવવાનો વિકલ્પ પણ રાજ્ય સરકાર પાસે હશે.
શ્રમિકો, ગરીબ અને વંચિતો
સામાજિક સુરક્ષા માટે આગામી પાંચ વર્ષ માટે રૂ. બે લાખ કરોડની જોગવાઈ કરવાની જાહેરાત કરી હતી.
ચાલુ વર્ષે નાગરિક ખાદ્યાન્ન પુરવઠા વિભાગ માટે રૂ. બે હજાર 165 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષે 24 ટકાની વૃદ્ધિ કરવામાં આવી હતી અને આ વખતે 42 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે.
'મુખ્ય મંત્રી શ્રમિક બસેરા યોજના' હેઠળ નિર્માણાધીન સ્થળ નજીક શ્રમિકોને રહેણાક સુવિધા મળી રહે તે માટે નગરપાલિકા તથા જીઆઈડીસી વિસ્તારોમાં શ્રમિક બસેરા ઊભા કરવામાં આવશે, આ માટે રૂ. 500 કરોડની ફાળવણી કરવામાં આવશે.
- શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા 150 કેન્દ્ર ઊભા કરવામાં આવશે, જ્યાં રૂ પાંચમાં ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે
- એનએફએસએ હેઠળ 71 લાખ પરિવારોને રાહતદરે અનાજ આપવા માટે રૂ. 617 કરોડની ફાળવણી
- સાર્વજનિક વિતરણ વ્યવસ્થા હેઠળ તુવેર દાળ માટે રૂ. 277 કરોડ, તેલ માટે રૂ. 128 કરોડ, મહિને એક કિલો ચણા માટે રૂ 87 કરોડ, આઇયોડીનયુક્ત મીઠા માટે રૂ. 68 કરોડ, અને ફોટ્રિફાઇડ ચોખા માટે રૂ. 60 કરોડની જોગવાઈ
- વિકસતી જાતિના 10 લાખ વિદ્યાર્થીઓ માટે રૂ. ચાર હજારથી રૂ. 20 હજાર સુધીની શિષ્યવૃતિ માટે રૂ. 562 કરોડની જોગવાઈ
- અનુસૂચિત તથા વિકસતી જાતિના ધો. 1થી 10ના 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે રૂ. 376 કરોડની જોગવાઈ
- ત્રણ લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે રૂ. 520 કરોડની જોગવાઈ.
- શહેરી આવાસ યોજના માટે રૂ. એક હજાર 66 કરોડ અને ગ્રામીણ આવાસ યોજના માટે રૂ. 932 કરોડની ફાળવણી
ખેડૂતો માટે
ભારતના પ્રયાસોથી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ 2023ને 'મિલેટ યર' તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જે ટેકનિકલી બીજ હોય છે.
ઘઉં અને ચોખા જેવા પ્રચલિત પાકોની સરખામણીમાં જમીનની ગુણવત્તા ઓછી હોય અને પ્રમાણમાં ઓછી સિંચાઈ વ્યવસ્થા હોય ત્યાં પણ તે ઊગી શકે છે.
જુવાર, બાજરો, નાગલી સહિતના અનાજને શ્રીઅન્ન (જાડાં અનાજ કે ખડ ધાન્ય) તરીકે ઓળખવામાં આવે છે.
આગામી વર્ષથી મધ્યાહ્ન ભોજન અને આંગણવાડીમાં શ્રીઅન્નનો ઉપયોગ શરૂ કરાશે. લોકોમાં શ્રીઅન્નનો વપરાશ વધે તે માટે વાજબી ભાવની દુકાનોમાંથી પણ તેનું વિતરણ શરૂ કરવામાં આવશે.
કૃષિમંત્રી રાઘવજી પટેલના સૂચનથી ગુજરાત સરકાર દ્વારા શ્રીઅન્નની ખરીદીનો પ્રયોગાત્મક પ્રારંભ કરવામાં આવશે અને તેના પ્રસારને માટે પ્રયાસ કરવામાં આવશે. દેશના ખાદ્યાન્ન સુરક્ષાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું બની રહેશે.
- ખાતેદાર ખેડૂતોને આકસ્મિત મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપતી યોજના માટે રૂ. 125 કરોડની જોગવાઈ
- ડ્રીપ ઇરિગેશન તથા સ્પ્રિંકલર વસાવવા માટે ખેડૂતોને સહાય માટે રૂ. 1500 કરોડની ફાળવણી
- ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા માટે રૂ. 200 કરોડની જોગવાઈ
- ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે રૂ. એક હજાર 570 કરોડની જોગવાઈ
- પીએમ કુસુમ યોજના હેઠળ સોલાર ઍગ્રીકલ્ચર પમ્પ માટે રૂ. 152 કરોડની ફાળવણી
- સાગરકાંઠા અને આદિજાતીમાં નવા કૃષકજોડાણો અને સબસ્ટેશન માટે કુલ્લે એક હજાર 370 કરોડની ફાળવણી
- કચ્છ સુધી નર્મદાનું વધારાનું પાણી પહોંચે તે માટે રૂ. એક હજાર 970 કરોડની જોગવાઈ
- સૌરાષ્ટ્ર વિસ્તારના ચેકડૅમો સુધી નર્મદાના પાણી પહોંચે તે માટેની સૌની યોજના માટે રૂ.725 કરોડની ફાળવણી
- કસરા-દાંતીવાડા યોજના માટે રૂ. 650 કરોડની જોગવાઈ
- ખારીકટ કેનાલને બોક્ષ કેનાલમાં રૂપાંતરિત કરવા માટે રૂ. 300 કરોડની જોગવાઈ
- ચેકડૅમ અને તળાવોને ઊંડા કરવા માટે રૂ. 272 કરોડની જોગવાઈ
- સાબરમતી નદી ઉપર બૅરોજોની શૃંખલા ઊભી કરવા માટે રૂ. 150 કરોડની ફાળવણી
- સાબરમતી નદી ઉપર ગાંધીનગરમાં ગિફ્ટ સિટી પાસે રિવરફ્રન્ટ બનાવવા માટે રૂ. 150 કરોડની ફાળવણી
- તાપી-કરજણ પાઇપલાઇન લિંક માટે રૂ. 130 કરોડની ફાળવણી
આરોગ્યક્ષેત્ર માટે
'મા' યોજના હેઠળ રાજ્યના 85 લાખ લાભાર્થી પરિવારોને સરકારી અને નેટવર્ક હેઠળની ખાનગી હૉસ્પિટલોમાં રૂ. પાંચ લાખ સુધીના સારવાર મફત મળતી હતી, જેને વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે.
બજેટની ફાળવણીમાં ગત વર્ષની સરખામણીમાં 24 ટકાની વૃદ્ધિ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વિભાગ માટે રૂ. 15 હજાર 181 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
- જાહેર આરોગ્ય અને પરિવા રકલ્યાણ માટે રૂ. નવ હજાર 263 કરોડની ફાળવણી
- નેશનલ હેલ્થ મિશન માટે રૂ. એક હજાર 745 કરોડની ફાળવણી
- મુખ્ય મંત્રી અમૃતમ્ યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર માટે રૂ. એક હજાર 600 કરોડની ફાળવણી
- સરકારી હૉસ્પિટોલમાં નિદાનલક્ષી સુવિધાઓ માટે રૂ. 643 કરોડની ફાળવણી
- વર્લ્ડ બૅન્કની રૂ. ચાર હજાર 200 કરોડની આર્થિક અને પ્રૌદ્યોગિકી સહાય દ્વારા આરોગ્યક્ષેત્રનો વિકાસ કરવામાં આવશે.
- સરકારી અને ગ્રાન્ટ-ઇન શાળાઓના શિક્ષકોને કૅશલેશ આરોગ્યસુવિધા માટે હૅલ્થકાર્ડ આપવામાં આવશે.
- 198 નવી ઍમ્બ્યુલન્સની ખરીદી
- તબીબી શિક્ષણ અને આરોગ્યલક્ષી સુવિધા માટે રૂ. ત્રણ હજાર 997 કરોડની જોગવાઈ
- આયુષની વિવિધ યોજનાઓ માટે રૂ. 377 કરોડની ફાળવણી કરવામાં આવી
શિક્ષણક્ષેત્ર માટે
માનવ સંશાધનના વિકાસ માટે આગામી પાંચ વર્ષ દરમિયાન રૂ. ચાર લાખ કરોડનો ખર્ચ કરવાની નેમ દેસાઈએ વ્યક્ત કરી હતી.
શિક્ષણવિ ભાગ માટે રૂ. 43 હજાર 650 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે ગત વર્ષની સરખામણીમાં 25 ટકા જેટલો વધારો સૂચવે છે.
- 50 હજાર નવા વર્ગખંડ તથા 20 હજાર નવા કમ્પ્યુટર લૅબ ઊભી કરવામાં આવશે
- સ્કૂલ ઑફ ઍક્સલન્સ હેઠળ માળખાકીય તથા અન્ય સુવિધાઓના વિકાસ માટે રૂ. ત્રણ હજાર 108 કરોડની જોગવાઈ
- 10 હજાર વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા માટે આર્થિક સહાય અપાશે
- ધો. એકથી આઠ સુધી રાઇટ-ટુ-ઍજ્યુકેશન હેઠળ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ આગળ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે રૂ. 20 હજારના શાળા વાઉચર આપવામાં આવશે, આ માટે રૂ. 50 કરોડની ફાળવણી
- સૈનિક શાળાઓ જેવી 10 રક્ષાશક્તિ સ્કૂલની સ્થાપના કરવામાં આવશે
- પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી 400 જેટલી 'જ્ઞાન સેતુ' શાળાઓ માટે રૂ. 64 કરોડની જોગવાઈ
- ડિજિટલ લર્નિંગ તથા વિવિધ અભ્યાસોના ગુજરાતીમાં ભાષાંતર માટે રૂ. 401 કરોડની જાહેરાત
- વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ માટે રૂ. 390 કરોડની જોગવાઈ
- દરેક જિલ્લામાં જિલ્લાસ્તરના તથા તાલુકામાં તાલુકાસ્તરના ખેલ કૉમ્પલેક્સ ઊભા કરવામાં આવશે
- ગુજરાત સરકાર તથા તેને સંલગ્ન તબીબી સંસ્થાઓમાં સુવિધા વધારવા માટે રૂ. 355 કરોડની જોગવાઈ
- અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને જામનગરમાં તબીબી ક્ષેત્રે પોસ્ટ ગ્રૅજ્યુએશનની સંખ્યા વધતા સુવિધાવૃદ્ધિ માટે રૂ. 145 કરોડની જોગવાઈ
- અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગમાં નવી મેડિકલ કૉલેજોની સ્થાપના થશે
- રાજ્યમાં પાંચ નવી નર્સિંગ કૉલેજોની સ્થાપના થશે
મહિલાઓ માટે
2001માં ગુજરાતમાં દર એક હજાર કન્યાનો દર 802 હતો, જે વર્ષ 2020માં 965 પર પહોંચ્યો હોવાનો સરકારે દાવો કર્યો છે.
- વિધવા મહિલાઓને આર્થિક સહાય માટે 'ગંગા સ્વરૂપા' યોજના હેઠળ રૂ. એક હજાર 452 કરોડની જોગવાઈ
- આંગણવાડીમાં બાળકોને ભોજન તથા કિશોરી-સગર્ભા અને ધાત્રી માતાઓને ટૅક-હૉમ રાશન માટે રૂ. એક હજાર 452 કરોડની જોગવાઈ
- ઉજ્જવલા યોજના હેઠળ દર વર્ષે બે મફત ગૅસ સિલિન્ડર અપાશે, જેના માટે રૂ. 500 કરોડની જોગવાઈ. 39 લાખ પરિવારનોને તેનો લાભ થશે
- કસ્તૂરબા પોષણ સહાય યોજના અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે રૂ. 324 કરોડની ફાળવણી
ઉદ્યોગો અને માળખાકીય સુવિધાઓ
- કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રૂ. એક હજાર 580 કરોડની જોગવાઈ
- લઘુ અને મધ્યમ ઉદ્યોગોને અલગ-અલગ પ્રકારની સહાય માટે રૂ. 1500 કરોડની ફાળવણી
- ઍગ્રો અને ફૂડ પ્રૉસેસિંગ યુનિટોની સ્થાપનાની સહાયપેટે રૂ. 200 કરોડની જોગવાઈ
- સેમિકંડકટર નીતિ હેઠળ આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે રૂ. 524 કરોડની ફાળવણી
- ગિફ્ટ સિટી ખાતે ફિનટેક હબને પ્રોત્સાહન આપવા માટે રૂ. 76 કરોડની જોગવાઈ
- ઇલેક્ટ્રોનિક પોલિસી હેઠળ રોકાણોને પ્રોત્સાહન આપવા રૂ. 125 કરોડ તથા આઈટી નીતિ હેઠળ રોકાણોને પ્રોત્સાહન આપવા માટે રૂ. 70 કરોડની જોગવાઈ
- દરેક જિલ્લામાં એક-એક પ્રોડક્ટને આગવી ઓળખ આપી તેનું એકતા નગર અને ગાંધીનગરમાં વેચાણ થાય તે માટે યુનિટી મોલની સ્થાપના કરવામાં આવશે.
- મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનાઓ માટે રૂ. બે હજાર 808 કરોડની જોગવાઈ
- અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઈવેને છ માર્ગીય કરવાની કામગીરી માટે રૂ. 615 કરોડની ફાળવણી
- ગ્રામીણ વિસ્તારના રસ્તાને પહોળા કરવા માટે રૂ. 600 કરોડની જોગવાઈ
- જૂના પુલોના બાંધકામ અને તેને મજબૂત કરવા માટે રૂ. 550 કરોડની જોગવાઈ
- ભુજ-ખાવડા-ધર્મશાળા ટુ-લેન રોડ માટે રૂ. 352 કરોડની જોગવાઈ
- સાપુતારાથી એકતાનગરના રસ્તાને પહોળો કરવા માટે રૂ. 140 કરોડની જોગવાઈ
- પરિક્રમ્મા પથ માટે રૂ. 500 કરોડની જોગવાઈ
- વટામણ-પીપળી, સુરત-સચીન-નવસારી, અમદાવાદ-ડાકોર, ભુજ-ભચાઉ અને રાજકોટ-ભાવનગર રસ્તાઓ ઉપર ટ્રાફિક ઘટાડવા હાઈ-સ્પીડ કૉરિડૉર તરીકે વિકસાવવા માટે રૂ. 384 કરોડની ફાળવણી
- અમદાવાદ-મહેસાણા-પાલનપુરને છમાર્ગીય બનાવવાની કામગીરી પેટે રૂ. 160 કરોડની ફાળવણી
- ભરૂચ-દહેજ કંટ્રોલ્ડ એક્સેસ એક્સપ્રેસ-વે માટે રૂ. 160 કરોડની જોગવાઈ
- રાજ્યમાં પ્રવસન ઉદ્યોગના વિકાસ માટે રૂ. બે હજાર 77 કરોડની ફાળવણી
- 2-3-4 ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે રૂ. 217 કરોડની ફાળવણી
- ઊર્જા અને કેમિકલ વિભાગને રૂ. આઠ હજાર 738 કરોડની ફાળવણી
- નલ સે જલ યોજના માટે રૂ. બે હજાર 602 કરોડની જોગવાઈ
- સોલાર રૂફટોપ યોજના માટે રૂ. 824 કરોડની જોગવાઈ
- સુરત ખાતે રેલવે, મહાનગરપાલિકા તથા સ્ટેટ ટ્રાન્સપૉર્ટ દ્વારા મલ્ટિમૉડલ ટ્રાન્સપૉર્ટ હબ ઊભું કરવામાં આવશે
- સબસ્ટેશનની આસપાસની ફાજલ જમીન ઉપર સોલાર પેનલ નાખીને 2500 મૅગાવોટ વીજળીનું ઉત્પાદન કરવા માટે રૂ. એક હજાર 158 કરોડની જોગવાઈ
- મહાનગરપાલિકા, નગરપાલિકા અને શહેરીવિકાસ સત્તામંડળ હેઠળના વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે રૂ. આઠ હજાર 86 કરોડની ફાળવણી
- ઑક્ટ્રોઈ નાબૂદી બાદ વળતર પેટ રૂ. ત્રણ હજાર 41 કરોડની જોગવાઈ
- 'અમૃત 2.0' હેઠળ પાણી પુરવઠા, પાણી નિકાલ અને તળાવોના પુનર્વિકાસ માટે રૂ. એક હજાર 454 કરોડની જોગવાઈ
- શહેરીવિસ્તારોને રેલવે ક્રૉસિંગમુક્ત બનાવવા માટે 100 જેટલા બ્રીજ કે અંડરબ્રિજના નિર્માણ માટે એક હજાર 131 કરોડની ફાળવણી. આ સિવાય 137 જેટલા અન્ય કામો પ્રગતિ હેઠળ.
- સુરત અને અમદાવાદમાં મેટ્રો રેલ માટે 905 કરોડની જોગવાઈ
- સ્માર્ટ સિટી મિશન માટે રૂ. 547 કરોડની ફાળવણી
- શહેરી પરિવહનસેવામાં વૃદ્ધિ માટે ગૅપ ફંડિંગ પેટે રૂ. 300 કરોડની જોગવાઈ
- તાપી જળશુદ્ધિકરણ માટે રૂ. 250 કરોડની જોગવાઈ
ખાટલીભરતને સ્થાન
શુક્રવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત સરકારનું બજેટ રજૂ કર્યું, ત્યારે ગત વર્ષે તેમની પોથી ઉપર વારલી આર્ટને સ્થાન આપનારા દેસાઈએ આ વખતે ખાટલીભરતને સ્થાન આપ્યું હતું. જેની મદદથી મોઢેરાના સૂર્યમંદિરને તૈયાર કરવામાં આવ્યું હતું.
આ સિવાય તેની ઉપર ગુજરાતનો નક્શો અને બજેટમાં સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રો જેમ કે, ઉદ્યોગ, કૃષિ અને પશુપાલન, શિક્ષણ, પ્રવસન, પાણી પુરવઠા, આરોગ્ય અને ઊર્જાને પ્રતીકાત્મક રીતે સ્થાન આપવામાં આવ્યું હતું.
ખાટલીભરતમાં કાપડને ખાટલી ઉપર ગોઠવીને તેની ઉપર ઝરી કે તારથી કામ કરવામાં આવે છે. એક સમયે ગુજરાતમાં પ્રચલિત આ કળા ધીમે-ધીમે લુપ્ત થઈ રહી છે, જેના તરફ ધ્યાન ખેંચવા માટેનો આ પ્રયાસ હતો.