ભારત – કૅનેડા વિવાદ : આક્ષેપ-પ્રત્યાક્ષેપ બાદ શું ભારતીયો કૅનેડા જઈ શકશે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
છેલ્લા કેટલાક દિવસોથી ભારત-કૅનેડાના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં દિલ્હી ખાતે ભારતના અધ્યક્ષપદે યોજાયેલી જી-20 સમિટમાં હાજરી આપવા કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પહોંચ્યા હતા. જેના થોડા જ દિવસોમાં બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને નિષ્કાષિત કરી દીધા હતા જેની સાથોસાથ આંતરરાષ્ટ્રીય વાક્યુદ્ધની પણ શરૂઆત થઈ ગઈ હતી.
ગુજરાત સહિત ભારતમાંથી ઘણાં રાજ્યોના યુવાનો અને વિદ્યાર્થીઓ સારા ભવિષ્યની આશા અને ઉચ્ચાભ્યાસના આશય સાથે કૅનેડા જવા પ્રયાસ કરતા જોવા મળે છે.
બીજી તરફ ભારતે વાક્યુદ્ધ બાદથી કૅનડિયનો માટે 21 સપ્ટેમ્બર, 2023થી 'ઑપરેશનલ કારણો'નો હવાલો આપીને વિઝા સર્વિસ મોકૂફ કરી દીધી હતી.
આ સ્થિતિને કારણે ભારતમાંથી કૅનેડા જવા માગતા લોકો, વિદ્યાર્થી અને વાલીઓમાં ચિંતા હોય એ વાજબી છે.
એક અહેવાલ અનુસાર ગત વર્ષે 1.18 લાખ ભારતીયોને કૅનેડામાં કાયમી વસવાટ માટેનો પરવાનો અપાયો હતો. જે કુલ જાહેર કરાયેલા પરવાનામાં આ સંખ્યા 27 ટકા હતી.
આ સિવાય એક અંદાજ અનુસાર ગત વર્ષે લગભગ ત્રણ લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ કૅનેડા પહોંચ્યા હતા.
ભારતમાંથી મોટા પ્રમાણમાં કૅનેડા જવાનું વલણ એ આજકાલ સામાન્ય બાબત બની ગયું છે, પરંતુ શું તાજેતરમાં બનેલી ઘટનાઓની કૅનેડા જવા માગતા ભારતીયો પર કોઈ અસર થશે ખરી?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીયો હજુ કૅનેડા જઈ શકે ખરા?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતના નિર્ણય બાદ કોઈ કૅનેડિયન નાગરિકોને ભારતના વિઝા નહીં અપાય. જેના કારણે કૅનેડાના નાગરિકને ભારત આવવા માટે નવો વિઝા મળી શકશે નહીં.
જોકે, જે લોકો પાસે પહેલાંથી માન્ય વિઝા છે, તેમના પર આ નિર્ણયની કોઈ અસર નહીં થાય.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર જોકે કૅનેડા જવા માગતા ભારતીયો પર આ પ્રતિબંધની કોઈ અસર થશે નહીં. કૅનેડાના માન્ય વિઝા પર ત્યાં પહોંચવા માગતા ભારતીય પ્રવાસીઓ પર કોઈ પ્રતિબંધ નથી.
ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલમાં ઇમિગ્રેશન કાયદાના સ્પેશિયાલિસ્ટ અને લૉન્ગ મંગલજી એલએલપીનાં પાર્ટનર એલિઝાબેથ લૉન્ગે આ મુદ્દે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "કૅનેડામાં ભારતીય અને ભારતીય મૂળના લોકોની હાજરી નોંધપાત્ર છે. તેઓ કૅનેડાના અર્થતંત્રમાં અને રાજકારણમાં સક્રિયપણે ભાગ ભજવે છે. હાલમાં રાજદ્વારી સંબંધોમાં આવેલા બદલાવોની કૅનેડામાં ઇમિગ્રેશન પર કોઈ અસર પડતી દેખાતી નથી."
તેમણે કહ્યું હતું કે જો કૅનેડાની સરકાર રાષ્ટ્રીયતાને આધારે લોકો પર કોઈ પ્રતિબંધ મૂકે કે મર્યાદા જાહેર કરવા માગે તો એ ગેરબંધારણીય ગણાશે.
ઉપરાંત કૅનેડાની બ્યૂરો ફૉર ઇન્ટરનૅશનલ ઍજ્યુકેશન અને ભારતના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે વર્ષ 2021માં ભારતીય વિદ્યાર્થીઓએ કૅનેડાના અર્થતંત્રમાં 4.9 બિલિયન અમેરિકન ડૉલરનું યોગદાન કર્યું હતું.
વિદ્યાર્થી જૂથોની બાબતમાં કૅનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા અન્યોની સરખામણીએ સૌથી વધુ છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ભારતીય વિદ્યાર્થીઓ કૅનેડાના વાર્ષિક બજેટના "25થી 30 ટકાનું યોગદાન કરે છે." એ સિવાય ભારતીયોની વર્કિંગ પૉપ્યુલેશન દેશમાં "સારો એવો ફાળો આપે છે."
કૅનેડા જવા માગતા ભારતીયો પર કોઈ પણ જાતના પ્રતિબંધ કે મર્યાદા અંગે વાત કરતી વખતે ઉપરોક્ત બાબતો ધ્યાને લેવાથી ભવિષ્યની પરિસ્થિતિનો સૂચક અંદાજ મળી શકે છે.
ભારતમાંથી કૅનેડા જતા વિદ્યાર્થીઓ સહિતના અન્ય ભારતીયો માટે પણ સરકારે મુસાફરી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં સાવચેતી રાખવાની અપીલ કરાઈ છે.
ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા અનુસાર કૅનેડામાં જ્યાં ભારતવિરોધી પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો હોય એવાં સ્થળોએ જવાનું ટાળવાનું સૂચવાયું છે.
ભારત કૅનેડામાં કેટલા પ્રકારના વિઝા આપે છે?

ઇમેજ સ્રોત, PIB
ઍન્ટ્રી વિઝાઃ આ વિઝા ભારતીય મૂળના લોકોને આપવામાં આવે છે. તેમાં કૅનેડામાં રહેતા ભારતીય મૂળના લોકો એક વખત ભારતની મુલાકાત લઈ શકે છે.
બિઝનેસ વિઝાઃ કૅનેડામાં રહેવાની લાંબા ગાળાની પરમિટ ધરાવતા કૅનેડાના નાગરિકો અને અન્ય નાગરિકો વેપાર કે વેપાર સંબંધી કામ માટે ભારત આવવા ઇચ્છતા હોય તો તેમને બિઝનેસ વિઝા આપવામાં આવે છે.
ટૂરિસ્ટ વિઝાઃ ભારતની મુલાકાત લેવા ઇચ્છતા કૅનેડાના નાગરિકોને ટૂરિસ્ટ વિઝા આપવામાં આવે છે. અનેક વર્ષોની વેલિડિટી ધરાવતા આ પ્રકારના વિઝા મેળવી શકાય છે.
ઍમ્પ્લૉયમૅન્ટ વિઝાઃ ભારતમાં કામ કરવા ઇચ્છતા લોકોને ઍમ્પ્લૉયમૅન્ટ વિઝા આપવામાં આવે છે. કૅનેડામાં રહેવાની લાંબા ગાળાની પરમિટ ધરાવતા કૅનેડાના અને અન્ય નાગરિકોને આ વિઝા આપવામાં આવે છે.
મેડિકલ વિઝાઃ ભારતમાં તબીબી સારવાર લેવા ઇચ્છતા લોકોને મેડિકલ વિઝા આપવામાં આવે છે. તે દર્દીઓ અને દર્દીઓની સાથે આવતા લોકોને આપવામાં આવે છે. આ વિઝા હેઠળ સંબંધિત વ્યક્તિ ત્રણ મહિના ભારતમાં રહી શકે છે.
ફિલ્મ વિઝાઃ ભારતમા સંશોધન કાર્ય કરવા ઇચ્છતા લોકોને ફિલ્મ વિઝા આપવામાં આવે છે.
સ્ટુડન્ટ વિઝાઃ ભારતમાં માન્યતાપ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવા ઇચ્છતા લોકોને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવે છે. આ એક મલ્ટીપલ ઍન્ટ્રી વિઝા છે. આ વિઝા હેઠળ વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂર્ણ ન કરે ત્યાં સુધી અનેક વખત ભારત આવી શકે છે.
કૉન્ફરન્સ વિઝાઃ ભારતમાં યોજાતી કોઈ પણ કૉન્ફરન્સ અને પરિસંવાદમાં ભાગ લેવા ઇચ્છતા લોકોને કૉન્ફરન્સ વિઝા આપવામાં આવે છે. આ વિઝા કૉન્ફરન્સના સમયગાળા દરમિયાન સિંગલ વિઝિટ માટે આપવામાં આવે છે.
કૅનેડા-ભારતના સંબંધોમાં કેમ આવી કડવાશ?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
જી20 સમિટમાં ભાગ લીધા બાદ કૅનેડા વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો તેમના વિમાનમાં આવેલી ખરાબી બાદ બે દિવસ સુધી દિલ્હીમાં જ રોકાઈ રહ્યા હતા.
સ્વદેશ પરત ફર્યા બાદ ગત 18 સપ્ટેમ્બરે કૅનેડાના વડા પ્રધાને સંસદમાં દેશની ધરતી પર શીખ અલગતાવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ‘ભરાતીય એજન્ટો સામેલ હોવાનાં વિશ્વસનીય કારણો’ હોવાની વાત કરી હતી.
આ આક્ષેપોને ભારત સરકારે ‘વિચિત્ર’ ગણાવી ફગાવી દીધા હતા.
ત્યાર બાદ બંને દેશોના પ્રતિનિધિઓ તરફથી વાક્યુદ્ધની શરૂઆત થઈ.
થોડા દિવસ બાદ ભારત સરકારે કૅનેડિયનો માટે ભારતની વિઝા સર્વિસ મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કરવાની સાથે ‘કૅનેડાને ભારત વિરુદ્ધ અલગતાવાદી પ્રવૃત્તિઓ કરનારા માટેનું અભયારણ્ય’ ગણાવ્યું હતું.














