માનવ શરીરની રચનામાં પ્રકૃતિએ કેટલી ભૂલો કરી છે?

    • લેેખક, માર્શિયલ એસ્ક્યુડેરો
    • પદ, ધ કન્વર્શન

ઑસ્ટ્રિયન ન્યુરોલૉજિસ્ટ અને માનસવિશ્લેષણ (સાઇકોઍનાલિસિસ)ના શોધક સિગમંડ ફ્રોઈડે કહ્યું હતું કે, લોકોની વિચારવાની પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર બે વૈજ્ઞાનિક શોધને કારણે થયો છે. પહેલી શોધ - બ્રહ્માંડનું કેન્દ્ર પૃથ્વી નથી. બીજી શોધ – પૃથ્વી ભલે 450 મિલિયન વર્ષ જૂની હોય, પરંતુ માણસનો જન્મ થોડાં લાખ વર્ષો પહેલાં જ થયો હતો.

માણસ ન હતો ત્યારે પણ પૃથ્વીનું અસ્તિત્વ હતું, પરંતુ આપણી આંખ બહુ મોડી ઊઘડી.

બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે માનવ શરીરની રચના કે ડિઝાઇન સારી રીતે કરવામાં આવી નથી. પ્રકૃતિએ કરેલી આ રચનામાં પણ અનેક ખામી છે.

પુરુષના પ્રજનનતંત્રને અન્યાય

આપણું શરીર કેટલી ખરાબ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે તેનું એક ઉદાહરણ પુરુષનું પ્રજનનતંત્ર છે. આવું નાજુક અંગ ચોંટાડવામાં આવ્યું હોય તે સ્માર્ટ ડિઝાઈન જેવું લાગતું નથી. હૃદય અને ફેફસાંની જેમ તે ત્વચાની અંદર સલામત હોય તો વધું સારું થાત.

સમસ્યા એ છે કે માનવ શરીરના 98.6 ફેરનહાઇટ ડિગ્રી તાપમાન પુરુષોમાં શુક્રાણુઓ યોગ્ય રીતે વિકસિત થતાં નથી. તે તાપમાન થોડું ઓછું કરવાના ઉપાય આપણે જાણીએ છીએ.

શરીરના તાપમાનને નિયંત્રિત ન કરી શકતા જીવો દેડકાં અને માછલી જેવાં ઠંડા લોહીવાળાં પ્રાણીઓ છે. તેમાં નર પ્રજનન અંગો સલામત હોય છે.

માણસોની માફક પોતાના શરીરનું તાપમાન નિયંત્રિત કરી શકતા હાથી અને પક્ષીઓ જેવાં ગરમ લોહીવાળા જીવો પણ તેમના લિંગને સલામત રાખી શકે છે.

કરોડરજ્જુનો દુખાવો માણસોને જ શા માટે થાય છે?

આપણું શરીર કેટલું કઠોર છે તેનું સચોટ ઉદાહરણ આપણી કરોડરજ્જુ છે. જેને કમર કે પીઠમાં ક્યારેય પીડા ન થઈ હોય એવો કોઈ માણસ પૃથ્વીના પટ પર નથી. માનવ શરીર ખામીયુક્ત હોવાનો આ બીજો પુરાવો છે.

ચાર પગે ચાલતાં સસ્તન પ્રાણીઓમાં કરોડરજ્જુ ત્રાંસી હોય છે. કરોડરજ્જુની વક્રતા અનુસાર શરીરનો બાકીનો હિસ્સો વળાંક લેતો હોય છે, પરંતુ માણસ બેપગું પ્રાણી હોવાથી તેની કરોડરજ્જુ ટટ્ટાર રહે છે. તેની કરોડરજ્જુમાં મણકા એકમેકની ઉપર હોય છે.

તેને કારણે કરોડરજ્જુના નીચલા હિસ્સા પર વધુ બોજ પડે છે. ત્યાંના મણકાઓએ શરીરને જુદી જુદી રીતે ઊર્જા પૂરી પાડવાની હોય છે. તેથી માણસને પીઠમાં દુખાવો થાય જ. તે કુદરતના નિયમ જેવું છે.

આંખોમાં બ્લાઇન્ડ સ્પોટ

માનવ શરીરની ખામીયુક્ત રચનાનું અન્ય એક ઉદાહરણ આંખોમાંના બ્લાઇન્ડ સ્પોટ છે. નેત્રપટલ ફોટોરિસેપ્ટર્સથી ઢંકાયેલું હોય છે. તે પ્રકાશનો તાગ મેળવે છે અને તે ઑપ્ટિક નર્વ દ્વારા મગજ સુધી પહોંચે છે.

અલબત, ઑપ્ટિક નર્વ નેત્રપટલને ક્રૉસ કરી જાય તો માર્ગમાં કોઈ ફોટોરિસેપ્ટર્સ હોતાં નથી. તેનો અર્થ એ કે એ સમયે પ્રકાશને પામી શકાતો નથી. એ સમયે આપણે દૃષ્ટિહીન બની જઈએ છીએ. તેને બ્લાઇન્ડ સ્પૉટ કહેવામાં આવે છે.

આપણાં જેવી જ આંખની રચના ધરાવતાં અન્ય પ્રાણીઓમાં આવું થતું નથી. તેમની આંખોમાં બ્લાઇન્ડ સ્પૉટ નથી હોતાં.

દાખલા તરીકે, ઑક્ટોપસની આંખોમાં ઑપ્ટિક નર્વ્સ નેત્રપટલની પાછળ હોય છે. તેમની દૃષ્ટિમાં નેત્રપટલ કોઈ સમસ્યા સર્જતું નથી. તેથી તેમની આંખોમાં બ્લાઇન્ડ સ્પૉટ હોતાં નથી.

ગળું અને ગૂંગળામણ

ગળું પણ ખરાબ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ગળામાં કોઈ અવરોધ હોય કે ગળામાં ચાંદા પડ્યાં હોય તો સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિ પણ મૃત્યુ પામી શકે છે.

સામાન્ય રીતે પાણી અને ખોરાક બહારથી અન્નનળીમાં જાય છે, જ્યારે હવા શ્વાસનળીમાંથી અંદર જાય છે, પરંતુ ક્યારેય ગડબડ થઈ જાય છે.

માનવીઓમાં અકુદરતી મૃત્યુના પ્રારંભિક કારણો પૈકીનું એક કારણ ગૂંગળામણ હોય છે. ગયા વર્ષે સ્પેનમાં કાર ઍક્સિડન્ટોમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યાની સરખામણીએ બમણા લોકો ગળું દબાવવાથી અને ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા.

માનવ શરીરમાં ખોરાક તથા હવાનું વહન કરતી નળીઓ બહુ જોખમી સ્થિતિમાં એક ચોક્કસ બિંદુ પર આવેલી છે. તેમાં અન્નનળી મુખ્ય છે.

આગળ જણાવ્યું તેમ ગળામાંથી પસાર થતો ખોરાક અને પાણી અન્નનળીમાંથી પસાર થાય છે, જ્યારે શ્વાસનળીમાંથી હવાની આવનજાવન થાય છે, પરંતુ ખોરાક આકસ્મિક રીતે શ્વાસનળીમાં પ્રવેશી જાય ત્યારે હવાનો પ્રવાહ અવરોધાય છે. તેને લીધે શ્વાસ રૂંધાવાથી મૃત્યુની સંભાવના પણ સર્જાય છે.

આપણે બધો ખોરાક ઝડપથી ખાઈ શકતા નથી. એકસાથે અનેક દ્રાક્ષ મોઢામાં નાખો તો ગળામાં અવરોધ સર્જાય છે. આપણા શરીરની રચના યોગ્ય નથી તેનો આ વધુ એક પુરાવો છે.

મેગેલનનું અભિયાન અને વિટામિન સી

લગભગ 500 વર્ષ પહેલાં પોર્ટુગીઝ દરિયાઈ સંશોધક મૅગેલન અને ઍલ્કો સહિતના 250 ખલાસીઓ પૃથ્વીની પરિક્રમા કરવા નીકળ્યા હતા. તેમાંથી માત્ર 18 જ પરિક્રમા પૂરી કરી શક્યા હતા.

દરિયાઈ સફર દરમિયાન સ્કર્વી નામનો રોગ મોટી સમસ્યા હોય છે. તે લાંબા સમય સુધી તાજો ખોરાક ન ખાવાને કારણે, વિટામિન સીની ઊણપને કારણે થાય છે.

શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન સી ન મળે તો કૉલૅજન નામના પ્રોટીનનું સંશ્લેષણ બગડે છે. શરીરની ઘણી પેશીઓને પ્રોટીનની જરૂર હોય છે.

માનવ શરીરમાં વિટામિન સીના સંયોજનની વ્યવસ્થા અપૂરતી છે. તેથી આપણું શરીર વિટામિન સી પેદા કરી શકતું નથી. વિટામિન સી ખોરાક મારફત જ લેવું પડે છે. તાજા શાકભાજી અને ફળોમાં વિટામિન સી હોય છે.

બિલાડી જેવાં પ્રાણીઓમાં આ સમસ્યા હોતી નથી, કારણ કે તેમનું શરીર વિટામિન સી બનાવી શકે છે. તેમને સ્કર્વી જેવી બીમારી થતી નથી.

ઉત્કાંતિ અને બૌદ્ધિક બંધારણ

કેટલાંક ઉદાહરણ ઉપર જણાવ્યાં છે. બધા જાણે છે તેમ માનવ શરીરમાં બીજા અનેક અવયવો છે. તેમાં સ્ત્રીના જનન માર્ગ, પગમાં અયોગ્ય રીતે વળેલાં હાડકાં, બ્લડ ક્લૉટ્સ, નર્સમેઇડ્સ ઍલ્બો એટલે કે અયોગ્ય રીતે વળેલી કોણી અને માનવ જનીન વગેરેનો સમાવેશ થાય છે.

ઉત્ક્રાંતિ દરમિયાન માનવ શરીરની રચના યોગ્ય રીતે ન કરવામાં આવી હોવાના બીજા ઘણા પુરાવા છે.

અન્ય તત્કાલીન તમામ જીવો જેવું જ શારીરિક સામર્થ્ય અને પ્રાજ્ઞ માનવી ધરાવતો હતો. ઉત્ક્રાંતિ ચોક્કસ પેટર્નને અનુસરી નથી. તેવું થઈ શક્યું હોત, પરંતુ તેમાં મનુનો કોઈ વાંક નથી. અન્ય જીવોની માફક માણસ પણ ધીમે ધીમે વિકાસ પામ્યો છે.

(માર્શિયલ ઍસ્ક્યુડેરો, સ્પેનની યુનિવર્સિટી ઑફ સેવિલે ખાતે પ્લાન્ટ બાયોલૉજી અને ઇકોલૉજી વિભાગમાં ઍસોસિએટ પ્રોફેસર છે. આ લેખ ધ કન્વર્શન વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તે ક્રિએટિવ કોમન લાઈસન્સ હેઠળ અહીં પ્રકાશિત કરવામાં આવ્યો છે)