ભારત પાસે પાકિસ્તાનથી વધારે પરમાણુ હથિયાર, ચીની પરમાણુ હથિયારની સંખ્યામાં થયેલો ધરખમ વધારો શું સંકેત આપે છે?

પરમાણુ હથિયાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ભારત પાસે પાકિસ્તાન કરતા વધારે પરમાણુ હથિયારો છે. જોકે, ચીન પાસે ભારત અને પાકિસ્તાન બંને કરતા વધારે પરમાણુ હથિયારો છે.

સ્વીડિશ થિન્ક ટૅન્ક સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીપરી)એ જાહેર કરેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત પાસે 172 અને પાકિસ્તાન પાસે 170 પરમાણુ વૉરહેડ છે. જોકે, ચીન પાસે 500 પરમાણુ વૉરહેડ હોવાની વાત રિપોર્ટમાં કહેવામાં આવી છે.

સિપરીએ ઇયરબુક 2024માં કહ્યું કે પરમાણુ હથિયાર ધરાવતા નવ દેશ સતત પોતાના પરમાણુ હથિયારોના ભંડારોનું આધુનિકીકરણ કરી રહ્યા છે. આ નવ દેશો અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઇઝરાયલ છે.

કેટલાક દેશોએ તો નવા પરમાણુ હથિયારો તહેનાત કર્યાં છે અથવા તો પરમાણુ હથિયારો લઈ જતી નવી સિસ્ટમો લગાવી છે.

રિપોર્ટ પ્રમાણે જાન્યુઆરી 2024માં આખા વિશ્વમાં 12,221 પરમાણુ વૉરહેડ હતાં. જેમાં નવ હજાર 585 વૉરહેડને ઉપયોગ માટે હથિયાર ભંડારમાં રાખવામાં આવ્યાં છે.

બીબીસી ગુજરાતી

પરમાણુ હથિયારની સ્પર્ધા

રિપોર્ટના આંકડાઓ જોતા લાગે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ હથિયારને લઈને સ્પર્ધા ચાલી રહી છે.

જાન્યુઆરી 2024 સુધી ભારત પાસે 172 પરમાણુ વૉરહેડ હતાં અને પાકિસ્તાન પાસે 170 વૉરહેડ હતાં.

સિપરીના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન ભારતનો મુકાબલો કરવા માટે પરમાણુ હથિયાર વિકસાવી રહ્યો છે.

ભારતનું ધ્યાન લાંબી દૂરીનાં હથિયારોને તહેનાત કરવા પર છે. એવાં હથિયારો જે ચીન પર હુમલો કરી શકે.

ચીન પાસે વધતો પરમાણુ હથિયારનો ભંડાર કેટલી મોટી ચિંતા?

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સિપરીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી 2023માં ચીન પાસે 410 પરમાણુ વૉરહેડનો ભંડાર હતો. જોકે, જાન્યુઆરી 2024 આવતા તેની સંખ્યા 500 થઈ ગઈ છે અને તેમાં હજુ પણ વધારો થઈ શકે છે.

રિપોર્ટ પ્રમાણે ચીને કેટલાક પરમાણુ વૉરહેડ મિસાઇલો પર પણ લગાવ્યા હશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન આવનારા કેટલાંક વર્ષોમાં પોતાની સેનાનું સ્ટ્રક્ચર કેવું રાખે છે તે પણ જોવું રહ્યું. બની શકે છે કે ચીન પણ અમેરિકા અને રશિયાની જેમ જ વધારેમાં વધારે ઇન્ટર કૉન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ તૈનાત કરે.

જોકે, રશિયા અને અમેરિકાની તુલનામાં ચીનનો પરમાણુ હથિયારોનો ભંડાર ઘણો ઓછો છે.

ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયા સતત પોતાની મિસાઇલોમાં પરમાણુ વૉરહેડનો ઉપયોગ કરી શકે તે દિશામાં આગળ વધી રહ્યા છે.

રશિયા, ફ્રાન્સ અને અમેરિકા આ કામ પહેલાંથી કરતા આવ્યા છે અને હાલમાં ચીન પણ કરી રહ્યું છે.

આ કારણે વૉરહેડને તહેનાત કરવામાં ગતિ આવશે. આ કારણે પરમાણુ હથિયાર ધરાવતા દેશોની વિનાશકારી તાકાત ખૂબ વધી જશે.

રાહુલ બેદી ડિફેન્સ મેગેઝીન જેન્સ ડિફેન્સ વીકલીના પૂર્વ દક્ષિણ એશિયા સંવાદદાતા હતા અને સુરક્ષાને લગતા વિષયોના જાણકાર છે.

તેમણે સિપરી રિપોર્ટ પર બીબીસી સંવાદદાતા ઇકબાલ અહમદને કહ્યું, “આ રિપોર્ટની સૌથી મોટી વાત એ છે કે ચીનના પરમાણુ હથિયારોનો ભંડાર વધી રહ્યો છે. આજની તારીખમાં ચીન પાસે 500 પરમાણુ હથિયારો છે. સિપરીનો અંદાજ છે કે 2030 સુધીમાં આ સંખ્યા બમણી થઈ જશે. આ સંખ્યા બમણી થવી એ ચિંતાજનક વિષય છે.”

રશિયા અને અમેરિકાના પરમાણુ હથિયારના ભંડારો કેટલા મોટા છે?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડેન

સિપરીના રિપોર્ટ પ્રમાણે, અમેરિકા અને રશિયા પાસે વિશ્વના કુલ પરમાણુ હથિયારોનો 90 ટકા સ્ટૉક છે.

બંને દેશોએ 2023માં ભલે કોઈ પરમાણુ હથિયાર ભંડારોમાં ઉમેરો ન કર્યો હોય પરંતુ રશિયાએ જાન્યુઆરી 2023માં 36 વૉરહેડ તહેનાત કર્યા હતા.

જોકે, રશિયાએ બેલારૂસની જમીન પર પરમાણુ હથિયારો તહેનાત કર્યા છે તેવા દાવાઓ થઈ રહ્યા છે. જોકે, પરમાણુ વૉરહેડ વિશે એવા કોઈ પુરાવા જોવા મળ્યા નથી.

જોકે, રશિયા અને અમેરિકાએ એક હજાર 200 પરમાણુ હથિયારોને પોતાના ભંડારોમાંથી હટાવી દીધા છે અને તેને ધીમે-ધીમે નષ્ટ કરવામાં આવી રહ્યા છે.

બીબીસીએ રાહુલ બેદીની પૂછ્યું કે પશ્ચિમી દેશો પાસે વિશાળ પરમાણુ હથિયારના ભંડાર છે તો ચીનને રોકવાની વાત કેવી રીતે થઈ શકે? પશ્ચિમના દેશોની તુલનામાં તો ચીન પાસે ઘણાં ઓછાં પરમાણુ હથિયારો છે.

આ સવાલ પર બેદીએ કહ્યું, "પરમાણુ હથિયારોમાં એ વાત મહત્ત્વની નથી કે કયા દેશ પાસે કેટલાં પરમાણુ હથિયારો છે. મહત્ત્વનું એ છે કે આ હથિયારો કેટલાં વિનાશકારી છે."

મિસાઇલમાં લાગેલા કેટલા વૉરહેડ એલર્ટ મોડમાં છે?

પરમાણુ હથિયારો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સિપરીના રિપોર્ટ પ્રમાણે, વિશ્વમાં કુલ 2,100 વૉરહેડને બેલેસ્ટિક મિસાઇલ પર લગાવીને ઑપરેશનલ એલર્ટ સ્થિતિમાં રાખવામાં આવ્યાં છે.

મોટાભાગના એલર્ટ વૉરહેડ રશિયા અને અમેરિકાના છે. જોકે, ચીને પહેલી વખત પોતાના કેટલાક વૉરહેડને ઑપરેશનલ એલર્ટ સ્થિતિમાં રાખ્યા છે.

ઉત્તર કોરિયા પાસે 50 પરમાણુ વૉરહેડ છે. ઉત્તર કોરિયા ઝડપથી વધારે પરમાણુ હથિયારો વિકસિત કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

સિપરીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પરમાણુ હથિયાર વિકસિત કરવા એ ઉત્તર કોરિયાની રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે.

સિપરીનો અંદાજ છે કે ઉત્તર કોરિયા પાસે 90 પરમાણુ વૉરહેડ બનાવવા માટે પરમાણુ સામગ્રી છે.

ઇઝરાયલ પાસે કેટલાં પરમાણુ હથિયાર છે?

ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ

સિપરીએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ઇઝરાયલે સત્તાવાર સ્વીકાર્યું નથી કે તેની પાસે પરમાણુ હથિયાર છે.

જોકે, માનવામાં આવે છે કે ઇઝરાયલ પોતાનાં પરમાણુ હથિયારોના ભંડારનું આધુનિકીકરણ કરી રહ્યું છે.

એવું લાગે છે કે ઇઝરાયલ દિમોનામાં પોતાના પ્લૂટોનિયમ પ્રોડક્શન રિયેક્ટર સાઇટને અપગ્રેડ કરી રહ્યું છે.

પરમાણુ હથિયારોની વધતી સંખ્યા વિશે ચિંતા વ્યકત કરતા સિપરીના નિદેશક ડૈન સ્મિથે કહ્યું, "કોલ્ડ વૉર સમયનાં હથિયારો નષ્ટ કરવામાં આવી રહ્યાં છે એટલે કુલ પરમાણુ હથિયારોની સંખ્યા તો ઘટી રહી છે, પરંતુ અફસોસની વાત એ છે કે દર વર્ષે ઑપરેશનલ પરમાણુ વૉરહેડની સંખ્યા વધી રહી છે."

તેમણે કહ્યું, "એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં પણ ઑપરેશનલ પરમાણુ વૉરહેડની સંખ્યા ઘટશે નહીં. આ હથિયારોની સંખ્યામાં વધારો થશે જે ખૂબ જ ચિંતાજનક છે."

સ્મિથ કહે છે, "આપણે માનવ ઇતિહાસના સૌથી ખતરનાક સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. વર્તમાનમાં દુનિયાની અસ્થિરતાનાં ઘણાં કારણો છે."

"આ કારણો રાજકીય સ્પર્ધા, આર્થિક અસમાનતા, પર્યાવરણના મોરચે વધી રહેલી અસ્થિરતા અને દેશો વચ્ચે વધી રહેલી હથિયારોની સ્પર્ધા. વિશ્વની મોટી તાકતોએ હથિયારોની સ્પર્ધાથી પીછેહઠ કરવી જોઈએ."

રાહુલ બેદી પણ કહે છે કે આ ખતરનાક સમય છે. તેમણે કહ્યું, "રશિયા-યુક્રેન યુદ્ધને લઈને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પરમાણુ હુમલાની ધમકીઓ આપતા રહ્યા છે. ઈરાન પણ પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ઇઝરાયલ પાસે પણ પરમાણુ હથિયાર છે અને તે નવાં હથિયારો વિકસાવી રહ્યું છે. વિશ્વના અસ્તિત્વ માટે આ ખરેખર ચિંતાજનક છે."