પરમાણુ પરીક્ષણ પછીના અવશેષો આપણા શરીરમાં રહી ગયા છે?

- લેેખક, રિચર્ડ ફિશર
- પદ, બીબીસી ફ્યુચર

એ તમારા દાંતમાં છે, તમારી આંખો અને તમારા મગજમાં પણ. વિજ્ઞાનીઓ તેને બૉમ્બ સ્પાઇક અથવા બૉમ્બ પલ્સ કહે છે અને તે અડધી સદી કરતાં પણ વધારે સમયથી માનવ શરીરની અંદર હાજર છે.
1950ના દાયકામાં જમીન પર એટલા બધા પરમાણુ બૉમ્બવિસ્ફોટ થયા હતા કે તેનાથી વાતાવરણની રાસાયણિક રચના બદલાઈ ગઈ હતી. મહાસાગરો અને સ્ટેલેક્ટાઇટ્સ સહિતની બાબતો ઉપરાંત પૃથ્વી પરના જીવનના કાર્બન સંયોજનમાં પણ મોટો ફેરફાર થયો છે.
વિસ્ફોટોની પ્રત્યક્ષ કિરણોત્સર્ગી અસરથી વિપરીત, બૉમ્બ સ્પાઇક હાનિકારક નથી. વાસ્તવમાં તાજેતરનાં વર્ષોમાં તે વિજ્ઞાનીઓ માટે આશ્ચર્યજનક રીતે મદદરૂપ સાબિત થઈ છે. કેટલાક લોકો તેને મશરૂમ જેવા વાદળની રૂપેરી કોર તરીકે વર્ણવે છે.
શા માટે? પલ્સના પુરાવા એટલા સર્વવ્યાપક છે કે તે અન્ય ઊંડી સમજની સાથે ફોરેન્સિક વિજ્ઞાનીઓને એ પણ જણાવી શકે છે કે વ્યક્તિ ક્યારે જન્મી હતી (અથવા મૃત્યુ પામી હતી). તે આપણા મગજમાંના ન્યૂરોન્સની વય વિશેની, શિકાર કરાયેલા વન્ય જીવનની ઉત્પત્તિની વિશેની નવી માહિતી આપી શકે છે. રેડ વાઇન કેટલો જૂનો છે તે જણાવી શકે છે અને સદીઓ પુરાણી શાર્કની સાચી ઉંમર પણ જણાવી શકે છે.
હવે તે નવા ભૂસ્તરશાસ્ત્રીય યુગને વ્યાખ્યાયિત કરવામાં મદદ પણ કરી શકે છે પૃથ્વી વિજ્ઞાનીઓના એક જૂથે જુલાઈમાં ભલામણ કરી હતી કે વીસમી સદીની મધ્યમાં માનવસર્જિત અન્ય માર્કર્સની સાથેની કૅનેડિયન તળાવમાંની તેની ઉપસ્થિતિએ એન્થ્રોપોસીનની સત્તાવાર શરૂઆતનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ.

બૉમ્બ સ્પાઇક ખરેખર શું છે અને આપણા અને વિશ્વ બાબતે તે શું જણાવી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
1963ની પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર હસ્તાક્ષર કરનારા દેશોને ભૂગર્ભમાં પરમાણુ બૉમ્બનું પરીક્ષણ કરવાની ફરજ પડી તે પહેલાં વિશ્વનાં અનેક રાષ્ટ્રોએ પરમાણુ શસ્ત્રોનો ખુલ્લી હવામાં વિસ્ફોટ કર્યો હતો.
એ પૈકીના 500થી વધુ વિસ્ફોટોએ તેમની સામગ્રી વાતાવરણમાં ફેલાવી દીધી હતી. એ વિસ્ફોટો મુખ્યત્વે અમેરિકા અને રશિયાએ કર્યા હતા.
આવાં પરીક્ષણો કિરણોત્સર્ગી સામગ્રીને દૂર દૂર સુધી ફેલાવે છે, મનુષ્યો તથા વન્ય જીવનને નુકસાન પહોંચાડે છે અને સમગ્ર પ્રદેશને વસવાટ યોગ્ય રહેવા દેતી નથી. એ વાત સારી રીતે સ્થાપિત થયેલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વૈજ્ઞાનિક પ્રયોગશાળાની બહાર ઓછી જાણીતી હકીકત એ છે કે પરમાણુ બૉમ્બ નેચરલ નાઇટ્રોજન, ખાસ કરીને કાર્બન-14 સાથે નવા આઇસોટોપ્સ બનાવવા માટેની પ્રતિક્રિયા પણ કરે છે.
પરમાણુ બૉમ્બના ધરતી પરના પરીક્ષણે 1960ના દાયકા સુધીમાં અગાઉની સ્તરની તુલનાએ વાતાવરણમાં બમણો કાર્બન-14 ઉત્પન્ન કર્યો હતો. આઇસોટોપ પ્રથમ પાણી, કાંપ અને વનસ્પતિમાં પ્રવેશ્યા હતા. પછી તે ફૂડ ચેઇન મારફત મનુષ્યોમાં પહોંચ્યા હતા. તે સમુદ્રના સૌથી નીચલા હિસ્સામાં રહેતા જીવો સુધી પણ પહોંચ્યા હતા.
વિયેના યુનિવર્સિટીના વોલ્ટર કુટશેરા લખે છે, “ટૂંકસાર એટલો છે કે પૃથ્વી પરના દરેક કાર્બન પૂલ, જે 1950ના દાયકાના અંતથી વાતાવરણીય CO2 સાથે બદલાતા હતા તેને, બૉમ્બ કાર્બન-14 દ્વારા લેબલ કરવામાં આવ્યા છે.”
વોલ્ટર કુટશેરાએ કરેલી સ્પાઇકના વૈજ્ઞાનિક ઍપ્લિકેશનોની સમીક્ષા રેડિયોકાર્બન જર્નલમાં 2022માં પ્રકાશિત કરવામાં આવી હતી.
વીસમી સદીની મધ્યમાં વાતાવરણીય પરીક્ષણ બંધ થઈ ગયું ત્યારે વિજ્ઞાનીઓએ કાર્બન-14 સ્પાઇકની નોંધ લીધી હતી, પરંતુ એલિવેટેડ સ્તર ઉપયોગી હોઈ શકે તે સમજવામાં તેમને દાયકાઓ લાગ્યા હતા.
1950ના દાયકાથી તેઓ કાર્બન-14નો ઉપયોગ પેલેઓથિલિક અવશેષો અથવા પ્રાચીન ગ્રંથોના સમય નિર્ધારણ માટે કરી રહ્યા હતા. એ રેડિયોકાર્બન ડેટિંગ તરીકે જાણીતા તેના રેડિયોએક્ટિવ ડીકે પર આધારિત હતું. આઇસોટોપ અસ્થિર હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેની હાફ-લાઇફ 5,370 વર્ષની છે અને તે ધીમે ધીમે નાઇટ્રોજનમાં ક્ષીણ થાય છે. દાખલા તરીકે, નિએન્ડર્થલ (પ્રાચીન પાષાણયુગીન યુરોપના મનુષ્ય) મૃત્યુ પામ્યા ત્યારે તેમનાં હાડકાં અને દાંતમાં કાર્બન-14નું પ્રમાણ ધીમે ધીમે ઘટવા લાગ્યું હતું. તે ઘટાડાનું પ્રમાણ માપવાથી નિએન્ડર્થલના મૃત્યુની તારીખ મળી શકે.
જોકે, આઇસોટોપના ક્ષીણ થવાના ધીમા દરને કારણે રેડિયોકાર્બન ડેટિંગ 300 વર્ષથી વધુ જૂના નમૂનાઓ પૂરતું મર્યાદિત હોય છે. કોઈ પણ સટીક તારીખ માટે તે પૂરતા પ્રમાણમાં ક્ષીણ થયું નથી. ઔદ્યોગિક ક્રાંતિ બાદ માનવજાત દ્વારા વાતાવરણમાં વધારાનું CO2 ઉમેરાવાને લીધે હાલનું ડેટિંગ વધારે ગંદું થઈ ગયું છે.
અલબત્ત, સદીના અંતની આસપાસ શોધકર્તાઓને સમજાયું હતું કે બૉમ્બ સ્પાઇક તેમને કાર્બન-14નો એક અલગ રીતે ઉપયોગ કરવામાં મદદરૂપ થઈ શકે છે. તેનાથી પાછલાં 70-80 વર્ષના ડેટિંગ પણ શક્ય છે.
1950ના દાયકાના ચરમ સ્તર પછી પ્રકૃતિ અને મનુષ્યોમાં આઇસોટોપના સ્તરમાં ધીમે ધીમે ઘટાડો થયો છે. તેથી વિજ્ઞાનીઓ કોઈ પણ કાર્બનિક પદાર્થમાં કાર્બન-14ના પ્રમાણનું વિશ્લેષણ કરી શકે છે અને તે એકથી બે વર્ષ સુધી રિઝોલ્યુશન સુધી આકાર પામ્યું હોય તેનો નિર્દેશ કરી શકે છે.
આ પ્રક્રિયામાં મારો અને તમારો પણ સમાવેશ થાય છે. તમારો જન્મ 1950ના દાયકામાં થયો હશે તો તમારા ટિસ્યૂમાં, 1980ના દાયકામાં જન્મેલાં બાળકો કરતાં વધારે કાર્બન-14 એકત્ર થયું હશે, પરંતુ હવે તેનું સ્તર પરમાણુ પૂર્વેની અવસ્થાની નજીક પહોંચી રહ્યું છે.

ફોરેન્સિક વિશ્લેષણ

ઇમેજ સ્રોત, Getty Images
બૉમ્બ સ્પાઇકના પ્રારંભિક ઉપયોગ પૈકીનો એક અજ્ઞાત માનવ અવશેષોની વય નક્કી કરતા અપરાધ તપાસકર્તાઓને મદદ કરવાનો હતો.
મોનાશ યુનિવર્સિટીના ઇડન સેન્ટેઇન જોનસ્ટૉન-બેલફૉર્ડ અને ઑસ્ટ્રેલિયાની વિક્ટોરિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન્સિક મેડિસિનના સોરેન બ્લાઉના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે દાંત, હાડકાં, વાળ અને આંખમાંના લૅન્સ સુધી બૉમ્બ કાર્બન-14ને માપી શકાય છે, જેથી કોઈ વ્યક્તિની વય કેટલી હતી કે તેનું મૃત્યુ ક્યારે થયું હતું તેનું અનુમાન કરવામાં મદદ મળી શકે.
બૉમ્બ સ્પાઇકને લીધે પોલીસના સવાલોના જવાબ મળ્યા હોય તેવાં અનેક ઉદાહરણ ઇડન સેન્ટેઇન જોનસ્ટૉન-બેલફૉર્ડ અને સોરેન બ્લાઉએ 2019ના રિવ્યૂમાં આપ્યા હતા.
દાખલા તરીકે, તપાસકર્તાઓએ 2010માં તેનો ઉપયોગ નૉર્ધન ઈટાલિયન લૅકમાંથી મળી આવેલા એક મૃતદેહની પુષ્ટિ કરવા માટે કર્યો હતો. એ મૃતદેહને હત્યારાએ 2009માં તળાવમાં ફેંકી દીધું હતું.
આ બન્ને એ પણ જણાવે છે કે યુદ્ધ અપરાધ, નરસંહાર અને ન્યાયેતર હત્યા જેવા કિસ્સાઓમાં માનવાધિકારોના દુરુપયોગના નિર્ધારણ માટે મૃત્યુ બાદનો સમય જાણવાનું બહુ મહત્ત્વનું સાબિત થઈ શકે છે.
દાખલા તરીકે, 2004માં યુક્રેનમાં એક સામૂહિક કબરમાંથી લેવાયેલા વાળના નમૂનાના બૉમ્બ સ્પાઇક ડેટિંગથી તપાસકર્તાઓ 1941 અને 1952 વચ્ચે થયેલા નાઝી યુદ્ધ અપરાધોની ઓળખ કરી શક્યા હતા.
બૉમ્બ સ્પાઇકે નવી વૈજ્ઞાનિક શોધના દરવાજા પણ ખોલી નાખ્યા છે. તેનાથી આપણા શરીર તથા મસ્તકમાંના કોષો વિશે ઘણી નવી જાણકારી મળી છે.
સ્વિડનની કારોલિંસ્કા ઇન્સ્ટિટ્યૂટના જીવવિજ્ઞાની કિર્સ્ટી સ્પાલ્ડિંગ અને તેમના સહયોગીઓએ દર્શાવ્યું હતું કે આપણા કોષોની અંદર બૉમ્બ કાર્બન-14નું વિશ્લેષણ કરીને તેની સાપેક્ષ વય શોધી શકાય છે.
એ પછીના અનેક અભ્યાસમાં તેમણે આ ટેકનિકનો ઉપયોગ, આપણા શરીરમાં ચોક્કસ કોષો જન્મથી જ હોય છે કે કેમ અથવા જૂના કોષોના સ્થાને નવા કોષો સતત આવતા રહે છે કે કેમ, તે સવાલનો જવાબ આપવા માટે કર્યો હતો.


ઇમેજ સ્રોત, Getty Images
દાખલા તરીકે, સ્પાલ્ડિંગ અને તેમના સહયોગીઓએ 2008માં દર્શાવ્યું હતું કે કોષોનો નાશ થતો રહે છે તેમ તેમ શરીર એડિપોસાઇટ્સ નામના નવા ફેટ સેલ્સ બનાવતું રહે છે. તેમને જાણવા મળ્યું હતું કે આ ફેટ સેલ્સની સંખ્યા વયસ્કતા દરમિયાન સ્થિર રહે છે, જે સ્થૂળતાથી છુટકારો મેળવવાની નવી રીતની આશા આપે છે.
તેઓ કહે છે, “આ એક ગતિશીલ પ્રક્રિયા છે તે સમજવાથી થૅરપી માટે નવા માર્ગ ઊઘડે છે. તેમાં સ્થૂળતામાં ફેટ સેલ્સની સંખ્યા ઘટાડવા માટે વ્યાયામ તથા સંતુલિત આહારના સંયોજન વડે ફેટ સેલ્સના જન્મ કે મૃત્યુદરમાં ફેરફાર કરવાનો સમાવેશ થઈ શકે.”
મગજના કોષોના વ્યવહારને સમજવા માટે સ્પાલ્ડિંગ અને તેમના સહયોગીઓએ 2013માં બૉમ્બ સ્પાઇકનો ઉપયોગ કર્યો હતો. સંશોધકો ઘણાં વર્ષોથી એવું માનતા હતા કે ચેતાકોષોની સંખ્યા બાળપણમાં જ નક્કી થઈ જતી હોય છે અને તેમના અગાઉના સંશોધન સૂચવે છે કે કોર્ટેક્સ જેવા પ્રદેશમાં આવું હોય છે.
જોકે, હિપ્પોકૅમ્પસમાંના ચેતાકોષો સંબંધી માહિતી મેળવવા માટે કાર્બન-14નો ઉપયોગ કરીને તેમની ટીમે એ વાતની પુષ્ટિ કરી હતી કે પુખ્ત વયના જીવનકાળ દરમિયાન નવા ન્યૂરોન્સ ઉત્પન્ન થતાં રહે છે.
અન્ય સંશોધનોમાં સમર્થન મળવાની સાથે ‘એડલ્ટ ન્યુરોજેનેસિસ’નું સંભવિત અસ્તિત્વ છેલ્લાં 20 વર્ષમાંની ન્યૂરોસાયન્સની સૌથી મહત્ત્વપૂર્ણ શોધ પૈકીનું એક પુરવાર થયું છે.
વૈજ્ઞાનિક સંશોધન ક્યારેય અટકતું નથી. તેણે રોગને લીધે ચેતાકોષોને થતા નુકસાનને અટકાવી શકે અથવા તો નવા ચેતાકોષોના ઉત્પાદનમાં વધારો કરી શકે તેવી તબીબી વ્યૂહરચના માટે નવા માર્ગ સૂચવ્યા છે.
માનવ પ્રવૃત્તિ દ્વારા વ્યાખ્યાયિત નવા ભૂસ્તરશાસ્ત્રીય યુગ – એન્થ્રોપોસીનના પ્રભાતને સત્તાવાર રીતે ઓળખવામાં મદદરૂપ થઈ શકે તેવા અનેક માર્કર્સ પૈકીના એક તરીકે બૉમ્બ સ્પાઇકનું તાજેતરમાં નામાંકન કરવામાં આવ્યું છે.
એન્થ્રોપોસીનનો વિચાર વહેતો મુકાયાના થોડા સમય પછી ભૂસ્તરશાસ્ત્રીઓએ, જ્યાંથી સ્ટ્રેટગ્રાફિક રેકોર્ડમાં નવો કાળખંડ શરૂ થાય છે તે કહેવાતા ‘ગોલ્ડન સ્પાઇક’- એક ખડક, આઇસ કોર અથવા કાંપના સ્તર સાથે પૃથ્વી પર તેનું સ્થાન કેવી રીતે વ્યાખ્યાયિત કરવું તે વિશેની ચર્ચા શરૂ કરી હતી. હોલોસીનની શરૂઆત ગ્રીનલૅન્ડના કેન્દ્રમાંની એક ચોક્કસ આઇસ કોરથી ચિહ્નિત છે.
જુરાસિકનો બેઝ ઑસ્ટ્રિયન આલ્પ્સમાં, કારવેન્ડેલ પર્વતોમાં કુહજોચ પાસ ખાતેથી શરૂ થાય છે, જ્યાં સાઇલોસેરાસ એમોનાઇટ પ્રથમ જોવા મળ્યાં હતાં. પૃથ્વી પરના સૌથી જૂના ગોલ્ડન સ્પાઇક્સ ઑસ્ટ્રેલિયાના ફિલન્ડર્સ પર્વતોમાં મળે છે, જે 600 મિલિયન વર્ષ પહેલાં એડિયાકરનની શરૂઆતને ચિહ્નિત કરે છે. એ સમયગાળો જ્યારે આબોહવા સમયાંતરે સ્નોબોલ અર્થમાં સરી પડતી હતી.

બૉમ્બ સ્પાઇક લાંબો સમય ચાલશે?

ઇમેજ સ્રોત, Getty Images
માનવ ગતિવિધિના વિવિધ સંકેતોનું અન્વેષણ એન્થ્રોપોસીનના પ્રારંભને ચિહ્નિત કરવાની સંભાવના સ્વરૂપે વર્ષોથી કરવામાં આવતું રહ્યું છે. તે હજારો વર્ષો પહેલાં પ્રારંભિક ખેતીને કારણે મિથેનમાં વૃદ્ધિ હોઈ શકે છે, ખનનના પ્રારંભિક સીસાના પ્રદૂષણના પુરાવા અને 3,000 વર્ષ પહેલાં સ્મેલ્ટિંગ અથવા ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન અશ્મિભૂત ઈંધણની આડપેદાશોમાં વૃદ્ધિ હોઈ શકે છે.
જોકે, એન્થ્રોપોસીન વર્કિંગ ગ્રૂપે (એડબલ્યુજી) 1950ના દાયકામાં ભલામણ કરી ત્યારે પ્લુટોનિયમ ફોલઆઉટ અને સિઝિયમ-137 તથા સ્ટ્રોટિયમ-90 જેવા આઇસોટોપ્સ તેમજ ઉચ્ચ તાપમાન પર કોલસા સળગાવવાને લીધે સર્જાતી કાર્બોનેસિયસ કણો જેવી રાખ જેવા અન્ય ન્યુક્લિયર માર્કર્સની સાથે 14 બૉમ્બ સ્પાઇક ભૂસ્તરશાસ્ત્રીય રેકૉર્ડમાં નોંધાઈ ચૂક્યા હતા.
1950ના દાયકાની પસંદગી સાથે બધા લોકો સંમત ન હતા. તેના વિરોધમાં વર્કિંગ ગ્રૂપના એક સભ્યે એવી દલીલ સાથે રાજીનામું આપ્યું હતું કે પ્રચુર માનવીય પ્રભાવ બહુ પહેલાં શરૂ થયો હતો. અલબત્ત, વર્કિંગ ગ્રૂપનો પ્રસ્તાવ એવો હતો કે વીસમી સદીના મધ્યનો સમયગાળો ભૂસ્તરશાસ્ત્રીય સ્તરમાં સ્પષ્ટ, ઓળખી શકાય તેવા બિંદુને ચિહ્નિત કરે છે.
એ વખતે માનવજાતે સમગ્ર વિશ્વમાં પોતાની ઉપસ્થિતિ સાચા અર્થમાં અને સંપૂર્ણ રીતે નોંધાવી હતી. તેમના કહેવા મુજબ, તે ‘મહાન પ્રવેગ’ સાથે પણ એકરૂપ છે, જ્યારે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન, પાણી તથા જમીનના ઉપયોગ, સમુદ્રના એસિડીકરણ, મત્સ્યોદ્યોગ, ઉષ્ણકટિબંધીય વનોને નુકસાનમાં વધારા સહિતની બાબતોને પૃથ્વી પર વિસ્ફોટક અસર થઈ હતી.
બૉમ્બ સ્પાઇક લાંબો સમય ચાલશે, જેનાથી ભૂસ્તરશાસ્ત્રીઓ તેનું હજારો વર્ષનું આકલન કરી શકશે. એડબલ્યુજીના અધ્યક્ષ અને લેસેસ્ટર યુનિવર્સિટીના ભૂવિજ્ઞાની કોલિન વોલ્ટર્સ કહે છે, “રેડિયોકાર્બન સિગ્નલ્સ લગભગ 60,000 વર્ષ સુધી શોધી શકાય તેવાં હશે અને તે રાબેતા મુજબનું વિશ્લેષણ છે.”

ઇમેજ સ્રોત, Getty Images
એડબલ્યુજીએ ગોલ્ડન સ્પાઇકની યજમાની કરી શકે તેવાં 12 સ્થળનો અભ્યાસ કર્યો છે. તેમાં ઈટાલીની એક ગુફા પણ સામેલ છે, જ્યાં બૉમ્બ પલ્સ અને અન્ય માર્કર્સ સ્ટેલેક્ટાઇસમાં બંધાયેલાં છે. તેમાં વિયેનાના પુરાતત્ત્વીય ખોદકામ, ચેક ગણરાજ્યની સરહદ નજીકનો પીટલૅન્ડનો હિસ્સો અને પોલૅન્ડ તથા ઑસ્ટ્રેલિયાના ઉત્તર-પૂર્વ કિનારા પરની કોરલ રીફનો પણ સમાવેશ થાય છે.
હજુ થોડા સમય પહેલાં જ તેમણે (કદાચ ટૂંક સમયમાં કુખ્યાત થનારા) એક ‘વિજેતા’ની ભલામણ કરી હતી. તે કૅનેડાના ઓન્ટારિયોમાંનું ક્રાફર્ડ લેક છે. કાદવયુક્ત તળાવના એકદમ અંદરના ભાગમાં કાર્બન-14 પ્લુટોનિયમ માર્કર અને માનવનિર્મિત અન્ય ચીજો સામેલ છે. તેને કૅનેડાની રાજધાની ઓટોવા ખાતેના એક સંગ્રહાલયમાં પીતળની પટ્ટી સાથે રાખવામાં આવશે.
તળાવનો તદ્દન અંદરનો હિસ્સો સત્તાવાર માન્યતા માટે તૈયાર છે ત્યારે તેને મંજૂરી મળશે તો ટેકનિકલી તેનો અર્થ એવો થશે કે આપણે પણ આપણા કોષોમાં એન્થ્રોપોસીનની શરૂઆતના માર્કર્સ પૈકીને એકને પકડી રાખીશું.
ભવિષ્યની પેઢીઓ એવું નહીં કરે, કારણ કે એલિવેટેડ કાર્બન-14 લગભગ પાછલા સ્તરે આવી ગયું છે. તેથી આવતી કાલના પુરાતત્ત્વવિદો આપણા સાચવવામાં આવેલા શારીરિક અવશેષોનો અભ્યાસ કરશે તો તેમને ઇતિહાસના એક અનોખા મુદ્દા વિશે, પરમાણુ બૉમ્બના સમય, એક મહાન પ્રવેગ અને એવી સદી, જ્યારે માનવીએ પ્રકૃતિ પર પહેલાથી વિપરીત અસર કરવાનું શરૂ કર્યું એ વિશેની માહિતી મળશે.
(રિચર્ડ ફિશર ‘ધ લોંગ વ્યૂઃ વ્હાય વી નીડ ટુ ટ્રાન્સફોર્મ હાઉ ધ વર્લ્ડ સીઝ ટાઇમ’ પુસ્તકના લેખક અને બીબીસી ફ્યુચરના વરિષ્ઠ પત્રકાર છે)














