You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્ઞાનવાપીની જેમ કોર્ટે સરસ્વતી મંદિર મનાતી ભોજશાળાના ASI સર્વેનો આદેશ કેમ આપ્યો?
- લેેખક, સ્નેહા
- પદ, બીબીસી સંવાદદાતા
બનારસમાં જ્ઞાનવાપી કેસનો વિવાદ અટક્યો નથી, પરંતુ હવે મધ્યપ્રદેશમાં ભોજશાળા સંકુલનો વિવાદ વધતો જણાઈ રહ્યો છે. આવી માંગ ઉત્તર પ્રદેશના મથુરામાં પણ થઈ રહી છે.
દરમિયાન, મધ્યપ્રદેશ હાઈકોર્ટે સોમવારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ને ધાર જિલ્લામાં ભોજશાળા સંકુલનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવા નિર્દેશ આપ્યો હતો.
આ ઇમારત અંગે હિંદુ પક્ષે કોર્ટમાં દાવો કર્યો છે કે તે વાગ્દેવી (સરસ્વતી)નું મંદિર છે, જ્યારે મુસ્લિમ પક્ષ તેને કમાલ મૌલા મસ્જિદ કહે છે.
આ ઇમારત એએસઆઈનાં નિયંત્રણ હેઠળ છે.
11 માર્ચે હાઈકોર્ટની ઇન્દોર બેન્ચના જસ્ટિસ એસ. એ. ધર્માધિકારી અને ન્યાયમૂર્તિ દેવનારાયણ મિશ્રાએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે, "ભોજશાળા મંદિર અને કમાલ મૌલા મસ્જિદ સંકુલનું શક્ય તેટલું જલદી વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને અભ્યાસ હાથ ધરવા એએસઆઈની બંધારણીય અને કાનૂની જવાબદારી છે."
કોર્ટે આ નિર્ણય 'હિન્દુ ફ્રન્ટ ફૉર જસ્ટિસ'ની અરજી પર આપ્યો છે. કેસની આગામી સુનાવણી 29 એપ્રિલે થશે.
મધ્યપ્રદેશમાં ભોજશાળાનો મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવ્યો છે. વર્ષ 2003માં ASIએ ઉકેલ શોધી કાઢ્યો અને હિન્દુઓને મંગળવારે નમાજ અદા કરવાની મંજૂરી આપી, જ્યારે મુસ્લિમ સમુદાયને શુક્રવારે નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં આવી.
આ સાથે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી કે વસંત પંચમીના દિવસે હિન્દુઓ અહીં પૂજા કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિંદુ ફ્રન્ટ ફૉર જસ્ટિસે બીજી મે 2022ના રોજ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ASIના આદેશને પડકાર્યો હતો.
તેઓએ કહ્યું કે, ભોજશાળા પરિસરમાં માત્ર હિન્દુ સમુદાયના લોકોને જ પૂજા કરવાનો અધિકાર છે.
હવે સોમવારે મધ્યપ્રદેશ હાઈકોર્ટે એએસઆઈને ભોજશાળા પરિસરનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે.
હિન્દુ ફ્રન્ટ ફૉર જસ્ટિસની દલીલ શું છે?
હિંદુ ફ્રન્ટ ફૉર જસ્ટિસે કોર્ટમાં તેની અરજીમાં જણાવ્યું હતું કે, "13મી-14મી સદીમાં અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન 'પ્રાચીન મંદિરની રચનાઓ' તોડીને પૂર્વમાં આવેલા ભોજશાળા મંદિર પર મસ્જિદ બનાવવામાં આવી હતી."
મધ્યપ્રદેશમાં હિન્દુ ફ્રન્ટ ફૉર જસ્ટિસના ઉપાધ્યક્ષ આશિષ ગોયલે બીબીસી હિન્દી સાથે વાત કરતા કહ્યું, "હિન્દુ સમાજ માટે આ એક મોટી જીત છે. આ આનંદ અને ખુશીનો પ્રસંગ છે. મા સરસ્વતી મંદિરમાં પૂજા કરવાનો અધિકાર ભોજશાળા કોઈપણ શરત વિના આપવામાં આવે છે. હિન્દુ સમાજ વર્ષોથી આ માટે પ્રયત્નશીલ છે."
"અમે કોર્ટમાં ASI સર્વે માટે અરજી કરી હતી અને માનનીય કોર્ટે સર્વે કરવાનો આદેશ આપ્યો છે. આનાથી સત્ય બહાર આવશે અને મા સરસ્વતી મંદિર ભોજશાળામાં પ્રામાણિકતા સાથે ફરીથી મા વાગ્દેવીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે."
આ કેસના વકીલ વિષ્ણુ શંકર જૈને આ નિર્ણયનું સ્વાગત કર્યું અને કહ્યું કે, ભોજશાળાની ધાર્મિક પ્રકૃતિ નક્કી કરવામાં આ એક મોટું સીમાચિહ્ન છે.
તેમણે કહ્યું, "કોર્ટે અરજી સ્વીકારી લીધી છે અને ASI સર્વેક્ષણનો આદેશ આપ્યો છે. આ ASI સર્વેમાં, ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર દ્વારા સર્વે કરવામાં આવશે. ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી બંને પક્ષકારોની હાજરીમાં કરવામાં આવશે."
વિષ્ણુ શંકર જૈન વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા કરવાના અધિકારની માગણી કરનારા અરજદારોના વકીલ પણ છે. ASI દ્વારા જ્ઞાનવાપી મસ્જિદમાં પણ સર્વે કરવામાં આવ્યો છે.
મુસ્લિમ પક્ષનું શું કહેવું છે?
ધાર શહેર કાઝી (મુસ્લિમ સમુદાયના સ્થાનિક વડા) વકાર સાદીકે કોર્ટના આ નિર્ણય પર બીબીસી હિન્દી સાથે વાત કરતા કહ્યું, "અમને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે. મને માનનીય અદાલતનું સન્માન છે પરંતુ આ નિર્ણય અમને સ્વીકાર્ય નથી."
તેમણે કહ્યું કે, આ મુદ્દાને વારંવાર ઉઠાવીને સાંપ્રદાયિક સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ મુસ્લિમ સમુદાય આવું થવા દેશે નહીં.
તેમણે કહ્યું, "આ મામલાને અયોધ્યાનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લગભગ 800 વર્ષોથી અહીં મુસ્લિમો નમાઝ અદા કરે છે. હવે તેનું સ્વરૂપ બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મને લાગે છે કે જેમના હાથમાં સત્તા છે. તેઓ જ આ બધું ચલાવી રહ્યા છે અને પરિસ્થિતિને વધુ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે."
ASIએ પણ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI) વતી કોર્ટમાં હાજર રહેલા આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ હિમાંશુ જોશીએ કહ્યું, “જુલાઈ 2003માં પસાર કરાયેલા આદેશમાં, તત્કાલીન નિષ્ણાત સંસ્થાના નેજા હેઠળ વર્ષ 1902-03માં તૈયાર કરાયેલ અહેવાલ માનવામાં આવતો નથી. આ અહેવાલ સ્પષ્ટપણે વાગ્દેવીના ભોજશાળા મંદિરના પૂર્વ અસ્તિત્વ વિશે જણાવે છે અને તે જ ગુરુકુળ અને વૈદિક અભ્યાસના મંદિર વિશે પણ કહેવામાં આવ્યું હતું."
તેમના કહેવા પ્રમાણે, "આ અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ મંદિરને ઇસ્લામિક આક્રમણકારોએ તોડી પાડ્યું હતું અને બાદમાં સત્તા સંભાળ્યા પછી, તેઓએ અહીં એક મસ્જિદ બનાવી હતી."
આ અંગે મુસ્લિમ પક્ષના વકીલ અજય બગડિયાએ કોર્ટમાં દલીલ કરી હતી કે રાજ્ય સરકાર અને ASI દેખીતી રીતે સરકારના પ્રભાવ અને દબાણ હેઠળ ચોક્કસ પક્ષ લઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે, હવે નિર્ણયનો વિગતવાર અભ્યાસ કર્યા પછી જ આગળનું પગલું લેવામાં આવશે.
'તેને શંકાના બંધનમાંથી મુક્ત કરવાની જરૂર છે'
હાઈકોર્ટની ઇન્દોર બેન્ચના જસ્ટિસ એસ. એ. ધર્માધિકારી અને ન્યાયમૂર્તિ દેવનારાયણ મિશ્રાએ ASI દ્વારા વૈજ્ઞાનિક સર્વેક્ષણનો આદેશ આપતાં કહ્યું હતું કે, આ સમગ્ર સ્થળની પ્રકૃતિમાંથી રહસ્ય દૂર કરવાની અને તેને શંકાના બંધનમાંથી મુક્ત કરવાની જરૂર છે.
કોર્ટે કહ્યું, "ટૂંકમાં, ભોજશાળા મંદિર અને કમાલ મૌલા મસ્જિદને લઈને જે રહસ્ય ઊભું થયું છે તેનાથી વિવાદ વધી ગયો છે."
કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, એએસઆઈના ડાયરેક્ટર અથવા એડિશનલ ડાયરેક્ટરના નેતૃત્વમાં એસએસઆઈના પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવે અને તેનો રિપોર્ટ છ સપ્તાહમાં રજૂ કરવામાં આવે.
કોર્ટે ASIને શું સૂચના આપી?
કોર્ટે કહ્યું કે, નિષ્ણાત સમિતિમાં (જો રૅન્ક અને હોદ્દા પ્રમાણે ઉપલબ્ધ હોય તો) બંને સમુદાયના અધિકારીઓનો સમાવેશ થાય તેવા પ્રયાસો કરવા જોઈએ.
ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી બંને પક્ષોના નામાંકિત પ્રતિનિધિઓની હાજરીમાં થવી જોઈએ.
એએસઆઈએ સમગ્ર સંકુલના બંધ ઓરડા, હૉલ અને તમામ કલાકૃતિઓ, મૂર્તિઓ, બંધારણોની યાદી બનાવવા અને વૈજ્ઞાનિક તપાસ કરવા જણાવ્યું છે.
કોર્ટે કહ્યું છે કે, કાર્બન ડેટિંગ સહિતની આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને વિવિધ બંધારણોની ઉંમરનો અંદાજ લગાવવો જોઈએ.
ભોજશાળાનો ઇતિહાસ
ધાર મધ્યપ્રદેશનો એક જિલ્લો છે. તે રાજધાની ભોપાલથી લગભગ 260 કિલોમીટર દૂર છે. ધારને મહેલોનું શહેર કહેવામાં આવે છે. અહીં ઘણાં પ્રવાસન સ્થળો છે.
ધાર જિલ્લાની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે, રાજા ભોજે ધારમાં એક કૉલેજની સ્થાપના કરી હતી જે પાછળથી ભોજશાળા તરીકે ઓળખાવા લાગી.
એવું કહેવાય છે કે ભોજશાળા અથવા સરસ્વતી મંદિરના અવશેષો આજે પણ પ્રસિદ્ધ કમાલ મૌલા મસ્જિદમાં જોઈ શકાય છે. જેનું નિર્માણ ધારના તત્કાલીન મુસ્લિમ શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું.
મસ્જિદમાં એક વિશાળ ખુલ્લું પ્રાંગણ છે, જેની આસપાસ થાંભલાઓથી સુશોભિત વરંડા છે અને તેની પાછળ પશ્ચિમમાં પ્રાર્થના હૉલ આવેલો છે.
પરંપરાગત રીતે અહીં વર્ષમાં માત્ર એક જ વાર સરસ્વતીની પૂજા કરવામાં આવે છે અને મુસ્લિમો દર શુક્રવારે નમાઝ અદા કરે છે.
પરંતુ વર્ષ 2003માં હિન્દુ જાગરણ મંચે ત્યાં હિન્દુઓના નિયમિત પ્રવેશની માંગણી સાથે આંદોલન શરૂ કર્યું.
આ આંદોલન હિંસક બન્યું અને સાંપ્રદાયિક તણાવ ઊભો થયો. જેના કારણે ધારમાં ઘણા દિવસો સુધી સતત કર્ફ્યુ લગાવવો પડ્યો હતો. આ પછી પણ તણાવના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ અહીં કમાલ અલ દિનની કબર છે. તે ચિશ્તી સંત છે અને ફરીદ અલ-દિન ગંજ-એ શકર અને નિઝામુદ્દીન ઓલિયાના અનુયાયી હતા.
તેમની કબર આ મસ્જિદની નજીક છે 'જે મંદિરના ભાગોમાંથી બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે.'
2012 માં રૉયલ એશિયાટિક સોસાયટીમાં પ્રકાશિત માઇકલ વિલિસના સંશોધન પત્ર મુજબ, ભોજશાળા 'હૉલ ઑફ ભોજ' શબ્દ રાજ ભોજ સાથે સંકળાયેલો છે અને તેનો ઉપયોગ રાજા ભોજના 'સંસ્કૃત અભ્યાસનાં કેન્દ્ર' માટે થાય છે. રાજા ભોજ પરમાર વંશના શાસક હતા.
વિલિસ તેમના અહેવાલમાં લખે છે, "20મી સદીનાં શરૂઆતનાં વર્ષોથી, કમાલુદ્દીન ચિશ્તીની કબરની નજીક સ્થિત મસ્જિદની ઓળખ બૅન્ક્વેટ હૉલ તરીકે કરવામાં આવી હતી, જેના પછી 'આ ઇમારત ધાર્મિક, સામાજિક અને રાજકીય તણાવનાં કેન્દ્રમાં ફેરવાઈ ગઈ હતી.'
ધાર જિલ્લાની વેબસાઇટ અનુસાર, રાજા ભોજે ધારમાં એક કૉલેજની સ્થાપના કરી હતી જે પાછળથી ભોજશાળા તરીકે ઓળખાઈ.
વિલિસના રિસર્ચ પેપર 'ધાર, ભોજ એન્ડ સરસ્વતીઃ ફ્રોમ ઇન્ડોલૉજી ટુ પોલિટિકલ માઇથૉલૉજી એન્ડ બૅક'માં તેમણે લખ્યું છે કે, આ ઇમારતના નિર્માણમાં અનેક પ્રકારના સ્તંભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહીં, ભોંયતળિયા પર કોતરેલી તકતીઓ અને દિવાલો પર કોતરણી હજી પણ જોઈ શકાય છે. આ દર્શાવે છે કે આ ઇમારત માટે વપરાતી સામગ્રી વિશાળ વિસ્તાર પરનાં પ્રાચીન સ્થળો પરથી એકત્રિત કરવામાં આવી હતી."
આ મસ્જિદનો ઉલ્લેખ 1822માં અંગ્રેજી લેખક જ્હોન માલ્કમ અને 1844માં વિલિયમ કિનકેડનાં લખાણોમાં પણ જોવા મળે છે. તેમણે રાજા ભોજ સંબંધિત લોકપ્રિય વાર્તાઓનું દસ્તાવેજીકરણ કર્યું હતું પરંતુ તેમના લખાણોમાં ભોજશાળાનો કોઈ ઉલ્લેખ નથી.