ફિફા વર્લ્ડકપ 2022 : કતારમાં ફૂટબૉલ વર્લ્ડકપની શરૂઆત, કતાર અને ઍક્વાડોર વચ્ચે પ્રથમ મૅચ

કતારમાં રંગારંગ કાર્યક્રમ સાથે ફૂટબૉલ વર્લ્ડકપ શરૂ થઈ ગયો છે. કે પૉપ બૅન્ડ બીટીએસના જંગ કૂક અને પ્રખ્યાત અભિનેતા મૉર્ગન ફ્રીમૅને કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

યજમાન કતાર અને ઍક્વાડોર વચ્ચે ઉદ્ધાટન મૅચ ભારતીય સમયાનુસાર રાત્રે સાડા નવ વાગ્યે શરૂ થઈ. આ વખતે સૌની નજર આર્જેન્ટિનાના કૅપ્ટન લિયોનૉલ મેસ્સી અને પૉર્ટુગલના કૅપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર હશે.

આર્જેન્ટિના 22 નવેમ્બરે સાઉદી અરેબિયા સામે પોતાની પ્રથમ મૅચ રમશે. જ્યારે રોનાલ્ડોની પૉર્ટુગલનો સામનો 24 નવેમ્બરે ઘાના સામે થશે.

આ વખતે હાલનું ચૅમ્પિયન ફ્રાન્સ પોતાનું ટાઇટલ યથાવત્ રાખવા જોર લગાવશે.

આ સિવાય બ્રાઝિલ, આર્જેન્ટિના, જર્મની, ઇંગ્લૅન્ડ, સ્પેન, બેલ્જિયમ, નેધરલૅન્ડ્સ, ડેનમાર્ક, પૉર્ટુગલ અને ગયા વર્લ્ડકપની ઉપવિજેતા ટીમ ક્રોએશિયાની ટીમો વિજેતા બનવા માટે પ્રબળ દાવેદાર છે.

20 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધી ચાલનારો આ વર્લ્ડકપ 1978માં આર્જેન્ટિનામાં યોજાયેલા વર્લ્ડકપ બાદ સૌથી ઓછી સમયાવધિ ધરાવતો વર્લ્ડકપ હશે. એટલે કે તે માત્ર 29 દિવસ માટે ચાલશે.

બીટીએસના સિંગરનું પર્ફોમન્સ

કતારમાં યોજાઈ રહેલા ફિફા ફૂટબૉલ વર્લ્ડકપમાં પ્રખ્યાત બૅન્ડ બીટીએસના સ્ટાર સિંગર જંગ કૂકે પર્ફોર્મ કર્યું હતું. તેમણે પોતાના નવા ગીત 'ડ્રીમર્સ'થી ઉદ્ઘાટન સમારોહને અભિભૂત કર્યો હતો.

આ ગીત પહેલાં અત્યાર સુધી યોજાયેલા તમામ વર્લ્ડકપનાં ગીતો ગાવામાં આવ્યાં. જંગ કૂકે પોતાના ફૅન્સ માટે અદભુત પર્ફોર્મન્સ આપ્યું હતું.

મંચ પર જોવા મળ્યા મૉર્ગન ફ્રીમૅન

જંગ કૂક સિવાય પ્રખ્યાત અભિનેતા મૉર્ગન ફ્રીમૅન પણ ઉદ્ધાટન સમારોહનો ભાગ બન્યા હતા.

તેમણે તમામને જોડવાની ભાવના, એકતા, આશા અને સહિષ્ણુતાનો સંદેશ આપીને લોકોનું દિલ જીતી લીધું હતું.

આ સિવાય સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાન પ્રથમ હરોળમાં ફિફાના પ્રેસિડન્ટ ગિયાની ઇન્ફૅન્ટિનોની બાજુમાં બેસેલા જોવા મળ્યા.

સાત સ્ટેડિયમોમાં ટુર્નામેન્ટ બાદ ખુરશીઓ હઠાવી લેવાશે અને સ્ટેડિયમ 974 સંપૂર્ણપણે ધરાશાયી કરી દેવામાં આવશે. જેને શિપિંગ કન્ટેનરોમાંથી બનાવવામાં આવ્યું છે.

ટુર્નામેન્ટ બાદ ફૂટબૉલ ટીમ માટે માત્ર એક સ્ટેડિયમ યથાવત્ રહેશે.

ફાઇનલ મૅચ બાદ બે લાખ ખુરશીઓને હઠાવી લેવામાં આવશે અને આયોજકોનું કહેવું છે કે તેને વિકાસશીલ દેશોને આપી દેવામાં આવશે.

કતારમાં કરાયેલાં આયોજન

આ ટુર્નામેન્ટની યજમાની માટે કતારે મોટી સંખ્યામાં માળખાકીય સુવિધાઓનું નિર્માણ કર્યું છે.

સ્ટેડિયમો સિવાય 100 નવી હૉટલ્સ બનાવવામાં આવી છે અને નવા રસ્તા અને એક મેટ્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

લુસૈલમાં અંતિમ સ્ટેડિયમની ચારેબાજુ એક નવું શહેર જ બનાવવામાં આવ્યું છે.

સ્ટેડિયમો અને ટ્રેનિંગ સેન્ટરોનું જ બજેટ 5.3 અબજ પાઉન્ડ એટલે કે અંદાજે 48,816 અબજ રૂપિયા છે.