અમેરિકાની એ હાઈસ્કૂલ, જેમાં અભ્યાસ કરતી દરેક ટીનેજર વિદ્યાર્થિની માતા છે

લિન્કન પાર્ક હાઈસ્કૂલ
ઇમેજ કૅપ્શન, લિન્કન પાર્ક હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ
    • લેેખક, એન્જેલિકા કેસસ
    • પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઉન્સવિલ, ટૅક્સાસ
બીબીસી ગુજરાતી
  • અમેરિકામાં તરુણીઓ દ્વારા બાળકના જન્મનું પ્રમાણ છેલ્લા ત્રણ દાયકામાં ઘટ્યું છે
  • ટૅક્સાસના બ્રાઉન્સવિલમાં આવેલી સ્કૂલ કિશોર વયની માતાઓને ભણાવવા માટેની છેલ્લી સ્કૂલો પૈકીની એક છે
  • લિન્ક પાર્ક હાઈસ્કૂલની લગભગ તમામ વિદ્યાર્થિનીઓની વય 14થી 19 વર્ષ વચ્ચેની છે
  • બ્રાઉન્સવિલમાં ટીનેજર પ્રેગ્નન્સીનું પ્રમાણ 12 ટકા છે
બીબીસી ગુજરાતી

આ વર્ષમાં માતૃત્વ અમેરિકામાં લાગણી પ્રચુર ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે ટૅક્સાસની તરુણ વયની છોકરીઓ માટેની એક સ્કૂલે કરી બતાવ્યું છે કે યુવા જિંદગીને કઈ રીતે આધાર અને નવું સ્વરૂપ આપી શકાય.

2021ની શરૂઆત હતી અને હૅલન સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં ભોજન કરી રહી હતી. ટૂંક સમયમાં માતા બનનારી 15 વર્ષની એ તરુણી સમજી શકતી ન હતી કે તેની ભૂખમાં આટલો વધારો કેમ થયો છે.

હૅલને તેની બહેનને પુછ્યું હતું કે, “આવું થાય તે સામાન્ય બાબત છે?” બહેને જવાબ આપ્યો હતો કે હોઈ શકે છે.

જોકે, હૅલન મૂડી પણ હતી અને પરિવારજનો તથા દોસ્તો સાથે તેને વારંવાર ઝઘડા થતા હતા. પછી તેને માસિક આવવામાં મોડું થયું હતું.

હૅલનનો જન્મદિવસ હતો, ત્યારે જ તેને ખબર પડી હતી કે તે ગર્ભવતી છે.

હૅલને કહ્યું હતું કે, “હું માની શકતી ન હતી.”

હૅલન તેના સંતાનના પિતાનું નામ મેળવવા માટે અને “છોકરા શોધવા” માટે તેની ગર્ભાવસ્થાનો ઉપયોગ કરી રહી છે, એવો આક્ષેપ કરીને તેના મિત્રોએ તેને છોડી દીધી હતી તથા સહપાઠીઓએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

હૅલને કહ્યું હતું કે, “હું તેમની સાથે ઝઘડવા માગતી ન હતી.”

આખરે ગર્ભાવસ્થાના અંતે તેણે બીજી સ્કૂલમાં ઍડમિશન લેવાનો નિર્ણય કર્યો હતો.

લિન્કન હાઈસ્કૂલ
ઇમેજ કૅપ્શન, લિન્કન હાઈસ્કૂલ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લિંકન પાર્ક સ્કૂલ બહારથી કોઈ અન્ય અમેરિકન હાઈસ્કૂલ જેવી જ લાગે છે. રેતીની ઇંટોથી બનેલી ઇમારત, સામે પડેલી સ્કૂલ બસો અને હવામાં લહેરાતો અમેરિકાનો રાષ્ટ્રધ્વજ.

જોકે, અંદર જઈએ ત્યારે ક્લાસમાં જતી તરુણીઓના અવાજ ઉપરાંત બાળકોના રડવાનો અવાજ અને કિલકારી પણ સાંભળવા મળે છે.

સ્કૂલની દિવાલો પર કૉલેજમાં અભ્યાસને પ્રોત્સાહિત કરવા ઉપરાંત ગર્ભાવસ્થા સંબંધી સેવાઓ તથા માતૃત્વના વર્ગ સંબંધી પોસ્ટર્સ જોવા મળે છે. મુખ્ય બિલ્ડિંગમાં એક બાળ સંભાળ કેન્દ્ર પણ છે.

અમેરિકા-મેક્સિકોની સરહદ પરના ટૅક્સાસના બ્રાઉન્સવિલમાં આવેલી આ સ્કૂલ કિશોર વયની માતાઓને ભણાવવા માટેની વિશિષ્ટ સેવા આપતી છેલ્લી સ્કૂલો પૈકીની એક છે.

અમેરિકામાં તરુણીઓ દ્વારા બાળકના જન્મનું પ્રમાણ છેલ્લા ત્રણ દાયકામાં ઘટ્યું છે, પરંતુ યુવા હિસ્પેનિક મહિલાઓમાં, તે પ્રમાણ બાકીની વસતીની સરખામણીએ ઘણું વધારે છે.

અન્ય કોઈ પણ સમૂહની સરખામણીએ લેટિન સ્ત્રીઓમાં ટીનેજર પ્રેગ્નન્સીનું પ્રમાણ સૌથી વધુ છે અને નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, ગર્ભપાત સામે રક્ષણના સંઘીય કાયદાને સુપ્રીમ કોર્ટે 2022માં રદ કર્યો પછી આ પ્રમાણ વધવાની શક્યતા છે.

2005થી માત્ર ટીનેજર માતાઓ માટે જ કાર્યરત લિન્ક પાર્ક હાઈસ્કૂલની લગભગ તમામ વિદ્યાર્થિનીઓની વય 14થી 19 વર્ષ વચ્ચેની છે. એ બધી લેટિના છે, જે શહેરની 94 ટકા હિસ્પેનિક લોકોની વસ્તી તથા ટીનેજર પ્રેગ્નન્સીના સૌથી ઊંચા દરને પ્રતિબિંબિત કરે છે. એ પૈકીના મોટાભાગના લોકોની આવક ઓછી છે અને કેટલાક અમેરિકન મૂળના મેક્સિકન નિવાસી છે, જેઓ માટામોરોસ અને તમુલિપાસથી અમેરિકામાં અભ્યાસ માટે જવા રોજ સરહદ ઓળંગે છે.

આ વર્ષે માતૃત્વ અમેરિકાની સાંસ્કૃતિક તથા રાજકીય સંવાદનું કેન્દ્ર બન્યું છે ત્યારે લિંકન પાર્કની આ સ્કૂલ દર્શાવે છે કે જીવનમાં અણધાર્યા અને પ્રચંડ પરિવર્તનના પડકારનો સામનો કરતી યુવા સ્ત્રીઓના જીવનને આકાર કઈ રીતે આપી શકાય.

બીબીસી ગુજરાતી

‘હવે મારે પોતાના વિશે અને મારા સંતાન વિશે વિચાર કરવો પડશે’

સંતાનોની સ્કૂલમાં સારસંભાળ માટે કોઈ ફી લેવામાં આવતી નથી
ઇમેજ કૅપ્શન, સંતાનોની સ્કૂલમાં સારસંભાળ માટે કોઈ ફી લેવામાં આવતી નથી

હૅલનના જણાવ્યા મુજબ, સ્કૂલમાં મારા સંતાનને સાથે લઈ જઈ શકું, એ કારણસર જ મેં લિંકન પાર્ક હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવવાનો નિર્ણય કર્યો હતો.

જૂનમાં સ્કૂલમાં અભ્યાસ દરમિયાન બીબીસી સાથે વાત કરતી હૅલન કાળી આંખોવાળી, અત્યંત શરમાળ છોકરી જેવી દેખાતી હતી. તેણે બ્લૅક ટી-શર્ટ અને આછા ગુલાબી રંગની શોર્ટ્સ પહેરી હતી, પરંતુ તેના પુસ્તકો તથા જર્નલ્સની બાજુમાં પડેલી બેકપેકમાં તેની આઠ મહિનાની દીકરી જેનિનના વસ્ત્રો તથા ડાયપર્સ ભરેલાં હતાં.

હૅલને કહ્યું હતું કે, “પહેલાં માત્ર મારે મારો જ વિચાર કરવાનો હતો, હવે મારે પોતાના તથા દીકરી બાબતે પણ વિચારવું પડે છે.”

હાલ આ સ્કૂલમાં 70 વિદ્યાર્થિનીઓ છે, પણ વર્ષ દરમિયાન નવી પ્રેગનન્ટ વિદ્યાર્થિનીઓ ઉમેરાતી હોવાથી અને કેટલીક યુવા માતાઓ પ્રસવ પછી તેમની મૂળ સ્કૂલમાં પાછી ફરતી હોવાથી તે સંખ્યામાં વધારો-ઘટાડો થતો રહે છે.

બીબીસીએ લિન્કન પાર્ક સ્કૂલની મુલાકાત લીધી, ત્યારે 14 વર્ષથી ઓછી વયની સાત મિડલસ્કૂલ વિદ્યાર્થિનીને તેમજ ત્રણ-ત્રણ સંતાન ધરાવતી અન્ય ત્રણ વિદ્યાર્થિનીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

અહીંનો અભ્યાસક્રમ અન્ય સ્કૂલોમાં હોય છે તેવો જ હોય છે અને દરેક વિદ્યાર્થી પાસ થઈ જાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

આ વિદ્યાર્થિનીઓને જે બસમાં સ્કૂલે લાવવામાં આવે છે, તે બધામાં બાળકો માટેની ખાસ સીટો હોય છે. વિદ્યાર્થિનીઓએ તેમનો તથા તેમના સંતાનનો નાસ્તો લઈને સવારે સ્કૂલે આવવાનું હોય છે. તેમનાં સંતાનોની સ્કૂલમાં સારસંભાળ માટે કોઈ ફી લેવામાં આવતી નથી.

સંતાનોને ડૉક્ટર પાસે લઈ જવાનાં હોય તો વિદ્યાર્થિનીઓને રજા મળી શકે છે. સ્કૂલના એક ઓરડાના ખૂણામાં સાયન્સ ટીચરે બાળકોના વસ્ત્રો માટે ઊંચો વોર્ડરોબ બનાવ્યો છે. વિદ્યાર્થિનીઓ જરૂર પડ્યે તેમાંથી વસ્ત્રો લઈ શકે છે.

બીબીસી ગુજરાતી

આત્મીયતા, દોસ્તી, પીડા અને જીવન

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

હૅલનની માફક ઍલેક્સિસ પણ પંદર વર્ષની હતી, ત્યારે તેને ખબર પડી હતી કે તે ગર્ભવતી છે. તેણે ઘરમાં ત્રણ પ્રેગ્નન્સી ટેસ્ટ્સ કર્યા હતા અને એ બધા પૉઝિટિવ હતા. તેમ છતાં તેણે ડૉક્ટરને બતાવ્યું હતું અને ડૉક્ટરે જણાવ્યું હતું કે, તે એક દીકરાની માતા બનવાની છે.

ઍલેક્સિસે કહ્યું હતું કે, “મારા માટે એ બહુ કઠિન હતું. હું અભ્યાસ છોડવા માગતી ન હતી, કારણ કે પ્રેગ્નન્સી સાથે કામ પાર પાડવાનો તે યોગ્ય માર્ગ નથી એ હું જાણતી હતી.”

એ પછી ઍલેક્સિસે લિન્કન પાર્ક હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે તેનો દીકરો લગભગ એક વર્ષનો થઈ ગયો છે.

વર્ગખંડમાં સૌહાર્દ અને ઊંડી આત્મીયતાનું વાતાવરણ જોવા મળ્યું હતું, જે બહારની વ્યક્તિ માટે આશ્ચર્યજનક હતું. જોકે, અહીંના વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ માટે તે સ્વાભાવિક બાબત છે.

મંગળવારે સવારે ગણિતના ક્લાસમાં અભ્યાસ કરી રહેલી ઍલેક્સિસે તેના શિક્ષક અરેડોન્ડોને જણાવ્યું હતું કે, તેણે આગામી વર્ષ માટે પણ સ્કૂલમાં રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.

ઍલેક્સિસે થમ્સઅપની સંજ્ઞા બતાવીને કહ્યું હતું કે, “તેમાં હું સૌથી મોખરે છું.”

એક વિદ્યાર્થિની ક્લાસમાં મોડી આવી ત્યારે ઍલેક્સિસ અને તેના સહપાઠીઓની નજર દરવાજા તરફ ગઈ હતી. એ વિદ્યાર્થિનીની ગર્ભાવસ્થાનો સમય નજીક આવી રહ્યો હોય એવું લાગતું હતું. તે ધીમે-ધીમે, થોડી ડગમગતી ચાલતી હતી. ક્લાસમાંની તમામ કન્યાઓએ સ્મિત કર્યું હતું અને પોતાની સહપાઠી નજીક આવી ત્યારે ઍલેક્સિસે હાથ પહોળા કર્યા હતા.

તેણે તેને કહ્યું હતું કે, “હું તારા પેટને સ્પર્શવા ઇચ્છું છું.”

શિક્ષક અરેડોન્ડો બાળકને જન્મ આપવાની બાબતમાં વર્ગમાં સૌથી ઓછા અનુભવી છે, પરંતુ તેમણે ઘણી ગર્ભવતી વિદ્યાર્થિનીઓને મહત્ત્વની એક-બે ચીજ જરૂર શીખવી છે.

તેમણે વિદ્યાર્થિનીઓને સવાલ કર્યો હતો કે, “કોઈ છોકરી તમને એમ કહે કે તેને એપિડ્યૂરલની જરૂર પડશે તો તમે શું વિચારશો?”

એક ગર્ભવતી વિદ્યાર્થિનીએ હસીને જવાબ આપ્યો કે,“મને તેની જરૂર પડશે એવું લાગે છે.”

ઍલેક્સિસે હસતાં કહ્યું હતું કે, “એપિડ્યૂરલ એનેસ્થેટિક ન લીધું હોય તો સખત પીડા થાય છે.”

સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના જણાવ્યા અનુસાર, 2020માં 15થી 19 વર્ષની પ્રત્યેક 1,000 છોકરીઓ પૈકીની 15એ બાળકને જન્મ આપ્યો હતો. આ આંકડામાં 15 વર્ષથી ઓછી વયની કન્યાઓ સંબંધી જન્મદરનો સમાવેશ થતો નથી.

રાષ્ટ્રીય સ્તરે ઘટાડો થયો હોવા છતાં, ટૅક્સાસમાં તેનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચુ રહ્યું છે અને તરુણીઓના સંતાન જન્મદરની બાબતમાં ટોચના દસ રાજ્યો પૈકીનું એક બની રહ્યું છે.

બ્રાઉન્સવિલમાં ટીનેજર પ્રેગ્નન્સીનું પ્રમાણ 12 ટકા છે. શહેરમાં જન્મતાં પ્રત્યેક 10 બાળકો પૈકીના એકને ટીનેજર કન્યા જન્મ આપતી હોય છે.

ટીન પ્રેગ્નન્સી દર માટે અનેક કારણ જવાબદાર છે, પણ કેટલાક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ટૅક્સાસમાં ગર્ભપાતનો આકરો કાયદો છે અને સ્કૂલોમાં સેક્સ શિક્ષણને જરૂરી ગણવામાં આવતું નથી.

ધાર્મિક તથા સામુદાયિક નેતાઓના સંગઠન ધ લિબરલ ટૅક્સાસ ફ્રીડમ નેટવર્કના જણાવ્યા અનુસાર, “ટૅક્સાસની 58 ટકા સરકારી સ્કૂલોમાં સેક્સ એજ્યુકેશનના નામે સંયમના પાઠ ભણાવવામાં આવે છે, જ્યારે 25 ટકા સ્કૂલોમાં તો જાતીય શિક્ષણ જ આપવામાં આવતું નથી.”

લિન્કન પાર્ક હાઈસ્કૂલનાં પ્રિન્સિપાલ સીન્થિયા કર્ડેનાસ
ઇમેજ કૅપ્શન, લિન્કન પાર્ક હાઈસ્કૂલનાં પ્રિન્સિપાલ સીન્થિયા કર્ડેનાસ

લિન્કન પાર્ક હાઈસ્કૂલનાં પ્રિન્સિપાલ સીન્થિયા કર્ડેનાસે કહ્યુ હતું કે, “આપણે વિદ્યાર્થીઓને તે માહિતી નહીં આપીએ ત્યાં સુધી તેઓ અજાણ જ રહેશે. સેક્સનું પરિણામ સ્વીકારવા પોતે તૈયાર છે કે નહીં, એ નક્કી કરવાની તક તેમને મળતી નથી.”

ટૅક્સાસમાં જે ટીનેજર છોકરીઓ ગર્ભવતી થાય છે, તેમણે તબીબી સહાય મેળવવા માટે જટિલ જાહેર સ્વાસ્થ્ય પ્રણાલી ભેદીને આગળ વધવું પડે છે અને તેઓ ગર્ભપાતનો નિર્ણય કરે તો તેમણે દેશમાંના ગર્ભપાત સંબંધી આકરા કાયદાનો સામનો કરવો પડે છે.

ઓછી આવક ધરાવતા પરિવારની સ્ત્રીઓને તથા ખાસ કરીને તરૂણીઓને ગર્ભપાત કરાવવા માટે રાજ્યની બહાર જવાનું પરવડતું નથી. તેઓ સ્પષ્ટ નિર્ણય પણ કરી શકતી નથી.

હૅલન તેની ગર્ભાવસ્થાની શરૂઆતના દિવસોમાં ગર્ભપાત કરાવવાનું અથવા પોતાની દીકરી કોઈને દત્તક આપવાનું વિચાર્યું હતું. તેની માતાએ કહ્યું હતું કે, તે હૅલનના નિર્ણયને ટેકો આપશે.

આખરે હૅલને બાળકને જન્મ આપવાનું પસંદ કર્યું હતું. તેણે દીકરીને જન્મ આપ્યો હતો અને તેને પોતાની પાસે જ રાખવાનો નિર્ણય કર્યો હતો.

હૅલને કહ્યું હતું કે, “દીકરીનો જન્મ મારા જીવનમાં બનેલી સૌથી સુખદ ઘટના છે. મારા જીવનનો પ્રેમ મારા હાથમાં છે. તે મારા માટે સર્વસ્વ છે.”

લિન્કન પાર્ક સ્કૂલ ન હોત તો તે શું કર્યું હોત, એવા સવાલના જવાબમાં હૅલને કહ્યું હતું કે, “પ્રામાણિકતાથી કહું તો મને કશી જ ખબર નથી. કદાચ ઘરમાં મારા સંતાન સાથે સંઘર્ષ કરતી હોત.”

બીબીસી ગુજરાતી

કૉલેજમાં અભ્યાસનાં સપનાનું વાવેતર

લિન્કન પાર્ક હાઈસ્કૂલ પ્રેગનન્ટ મહિલાઓ માટે છે
ઇમેજ કૅપ્શન, લિન્કન પાર્ક હાઈસ્કૂલ પ્રેગનન્ટ મહિલાઓ માટે છે, જ્યાં બાળકોને સાથે લઈ જવાય છે

માતૃત્વનો સંઘર્ષ ખાસ કરીને શરૂઆતમાં બહુ મુશ્કેલ હોય છે. અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, કિશોરાવસ્થામાં માતા બનવાથી છોકરી પર ડિપ્રેશનનું જોખમ પણ સર્જાય છે. ડિપ્રેશનનો શિકાર બનતી મહિલાઓમાં 50 ટકાથી વધુ ટીનેજમાં ગર્ભવતી થતી છોકરીઓ હોય છે.

લિન્કન પાર્ક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી કેટલીક ટીનેજ માતાઓ ગરીબી તથા યુવાવસ્થાની તાણને કારણે અભ્યાસ પ્રત્યે ઉદાસીન બની જાય છે અથવા એવું માનવા લાગે છે કે, બાળકને કારણે આગળનો અભ્યાસ કરવાનું અશક્ય બનશે.

બપોરના ભોજનના સમયે ઍલેક્સિસ તથા ત્રણ અન્ય વિદ્યાર્થિની પોતાના સંતાનોના ફોટોગ્રાફ્સ બતાવે છે. એક બાળકે હમણાં જ ચાલવાનું શરૂ કર્યું હતું, જ્યારે બીજાના વાળ હમણાં જ કપાવ્યા હતા.

બધી સ્પેનિશ ભાષામાં એક સાથે બોલી ઊઠી હતી કે, “અહા, કેટલું સુંદર!”

તરૂણીઓ સાથે બપોરના ભોજનમાં કાયમ સામેલ થતાં પ્રિન્સિપાલ કાર્ડેનાસ પણ એ વખતે આવી પહોંચ્યાં હતાં. મોટાભાગની વિદ્યાર્થિનીઓ ગ્રૅજ્યુએટ થવાથી એક વર્ષ જ દૂર હોવાથી તેમણે તેમને પૂછ્યું હતું કે, તમે કૉલેજમાં પ્રવેશની પરીક્ષા આપી છે કે નહીં?

અમેરિકામાં જન્મેલી અને મેક્સિકોમાં રહેતી ઍન્જેલા નામની એક વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, “મને એક સ્કૂલે સ્વીકારી લીધી છે, પરંતુ હું કૉલેજમાં જવા માગતી નથી.”

લિન્કન પાર્ક આવવા માટે તે રોજ સીમા પાર કરે છે. બ્રાઉન્સવિલ અને મેટામોરોસ વચ્ચેના એક ફૂટઓવર બ્રીજ પરથી તેના સંતાનને સ્ટ્રોલરમાં બેસાડીને તે આવે છે. તેનો દિવસ સવારે પાંચ વાગ્યે શરૂ થાય છે. એ ત્યારથી સીમાની દક્ષિણે કતારમાં ઊભી રહી જાય છે.

ઍન્જેલા તેના પરિવારને ટેકો આપવા માટે હાઉસકીપર તરીકે કામ કરે છે. તેથી ક્યારેક સ્કૂલે આવી શકતી નથી, પરંતુ ઍલેક્સિસે તેને કૉલેજ ઇન્ફોર્મેશન સત્રમાં શું શીખ્યું તે જણાવવા તેને અધવચ્ચે અટકાવી હતી. ઍલેક્સિસે કહ્યું હતું કે, “કૉલેજમાં પણ શિશુ સંભાળ કેન્દ્ર છે અને તમારું સંતાન શાંત હોય તો તમે તેને ક્લાસમાં સાથે પણ લઈ જઈ શકો છો.”

એ સાંભળીને ઍન્જેલાની આંખો પહોળી થઈ હતી. “હવે મારે જવું જ પડશે,” એવું તેણે કહ્યું, ત્યારે બધા હસી પડ્યા હતા.

પ્રિન્સિપાલ કાર્ડેનાસે જણાવ્યું હતું કે, “આ છોકરીઓ સામે અનેક સમસ્યાઓ છે, ત્યારે લિન્કન પાર્ક સ્કૂલનું એક લક્ષ્ય વિદ્યાર્થિનીઓને કૉલેજમાં અભ્યાસ માટે પ્રેરિત કરવાનું અને તેમના સંતાનોને સફળતાના પાઠ ભણાવવાનું છે.

ઘણી વિદ્યાર્થિનીઓ વિવિધ પ્રકારની મદદ તથા સલાહ માટે તેમનો સંપર્ક કરતી રહે છે. કાર્ડેનાસે કહ્યું હતું કે, “સંતાનને કેવી રીતે ઉછેરવું તેની તેમને ખબર હતી. તેમનું ભવિષ્ય શિક્ષક તરીકે અમારા હાથમાં છે. અમારે તે જવાબદારી સારી રીતે પાર પાડવી જોઈએ.”

તેઓ, સુપ્રીમ કોર્ટે ગર્ભપાત વિશે આપેલા ચુકાદાને પગલે બદલાતી રાજકીય અને સામાજિક પરિસ્થિતિ વચ્ચે લિન્કન પાર્ક જેવી સ્કૂલોની જરૂરિયાત તથા એવી સ્કૂલોને ટેકો કઈ રીતે આપી શકાય તે વિશે વિચારે છે.

તેમણે કહ્યું હતું કે, “તમામ જિલ્લાઓમાં આવી સ્કૂલો નથી. તમે મને પૂછશો કે આવી શાળાઓ જરૂરી છે, તો હું કહીશ કે હા. અમે માત્ર 10 છોકરીઓનું જીવન બદલી શકીએ તો પણ બહુ થયું.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી