કચ્છ : નવ વર્ષ જૂના કેસમાં છ પોલીસ અધિકારીઓ સહિત 19 સામે કેમ ગુનો નોંધાયો? શું છે સમગ્ર કેસ?

પરમાનંદ શીરવાણી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, પરમાનંદ શીરવાણી
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી

કચ્છ જિલ્લાના ભૂજના સીઆઈડી ક્રાઇમ બૉર્ડર ઝોન પોલીસ સ્ટેશનમાં ગત ગુરુવારે છ પોલીસ અધિકારીઓ સહિત 19 સામે અપહરણ અને મારઝૂડના એક કેસમાં ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો સમાચારોમાં છવાઈ ગયો હતો.

વર્ષ 2015ના અંત ભાગમાં કચ્છના આદિપુરના નિવાસી પરમાનંદ શીરવાણી નામના ફરિયાદીએ પોતાનું અપહરણ કરી ગોંધી રાખી મારવા મામલે અમદાવાદની એક ખાનગી કંપનીના માલિક સહિતના કેટલાક સામે આરોપો કર્યા હતા.

આ સમગ્ર મામલાની ફરિયાદ નોંધાવવા માટે ફરિયાદીએ છેક હાઇકોર્ટ સુધી લડત આપી છતાં કથિતપણે જુદા જુદા પોલીસ અધિકારીઓએ ‘જાણીજોઈને’ એફઆઈઆર દાખલ ન કરતાં મારઝૂડ અને અપહરણ કરનારની સાથોસાથ છ પોલીસ અધિકારીઓ પર પણ કેસ નોંધાયો છે.

આ સમગ્ર મામલા અંગે વધુ વિગતવાર માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો.

પોલીસ અધિકારીઓ સામે નોંધાયેલી ફરિયાદ મામલે રાજ્યના પોલીસવડાએ યોગ્ય તપાસ બાદ મામલાની હકીકત સામે આવવાની વાત કરી છે. જ્યારે અન્ય આરોપીઓનો સંપર્ક સાધી શકાયો નથી.

આ મામલે કચ્છના રેન્જ આઈજીએ બીબીસીને આ મામલો ‘ન્યાયાધીન’ હોવાને કારણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

શું હતો સમગ્ર મામલો?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આ મામલે નોંધાયેલી એફઆઈઆરની વિગતો અનુસાર પરમાનંદ શીરવાણી વર્ષ 2011થી 2015 સુધી ઇલેક્ટ્રોથર્મ નામની એક કંપનીમાં નોકરી કરતા હતા.

ફરિયાદની વિગતો અનુસાર વર્ષ 2015માં કંપનીના માલિક શૈલેશ ભંડારીએ પરમાનંદ અને તેમનાં પત્નીને એક કંપનીનાં ડાયરેક્ટર નીમી કંપનીના નામે 400 કરોડ રૂપિયાની લોન લેવાની પેશકશ કરી હતી.

આ વાત માટે પરમાનંદ શીરવાણીએ ઇનકાર કરી રાજીનામું આપવાનું કહેતાં ફરિયાદમાં આપેલી વિગતો અનુસાર ડિસેમ્બર 2015માં કચ્છના આદિપુરથી તેમનું અપહરણ કરી અમદાવાદ લવાયા.

આરોપ મુજબ નોકરીમાંથી રાજીનામું આપવાની વાતથી નારાજ થઈ અમદાવાદ ખાતેના વ્રજગોપી બંગલામાં પરમાનંદ શીરવાણીને કંપનીના માલિક સહિત અન્ય માણસોએ મળીને ઢોર માર માર્યો હતો.

ફરિયાદી પરમાનંદ

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, ફરિયાદી પરમાનંદ શીરવાણી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફરિયાદમાં નોંધાયું છે એ મુજબ આરોપીઓએ નોકરી ચાલુ ન રાખવાની સ્થિતિમાં આજ દિન સુધી કરેલી કમાણી પરત આપવા માટે દબાણ કરાયું હતું.

ફરિયાદ અનુસાર કંપનીની ઑફિસ, બંગલા, ફાર્મ હાઉસ વગેરે સ્થળે લઈ જઈ પરમાનંદને ગોંધી રાખી ઢોર માર મારવાનો આરોપ કરાયો છે. તેમજ મૃત્યુનો ભય બતાવી ફરિયાદીનાં પત્ની પાસેથી કોરા કાગળ અને સ્ટેમ્પ પેપર પર બળજબરીપૂર્વક સહી કરાવી, મિલકત લખાવી લીધાનો આરોપ પણ છે.

આ સિવાય ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક 20 લાખ રૂ.ના સોનાના દાગીના, બૅંકમાંથી 45 લાખ રૂ. અને દસ લાખ રૂ.ની રોકડ અને કાર અને અન્ય વાહનો પડાવી લેવાના આરોપ છે.

ફરિયાદમાં શૈલેષ ભંડારી અને અનુરાગ ભંડારી સહિતના લોકો સામે ઉપરોક્ત પ્રમાણેના ગુના આચરવાનો આરોપ કરાયો છે.

જ્યારે ફરિયાદી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાંથી આ મામલાની ફરિયાદ દાખલ કરવા સંબંધનો હુકમ મેળવ્યો હોવા છતાં ફરિયાદ ન દાખલ કર્યાના આરોપમાં તત્કાલીન પોલીસ અધિકારી પીએસઆઈ એન. કે. ચૌહાણ, નાયબ પોલીસ અધીક્ષક વી. જે. ગઢવી, ડી. એસ. વાઘેલા અને આર. ડી. દેસાઈ સહિત પોલીસ અધીક્ષક જી. વી. બારોટ અને ભાવનાબહેન પટેલ સામે ગુનો નોંધાયો છે.

‘પોલીસે હાઈકોર્ટના હુકમ છતાં ન નોંધી ફરિયાદ’

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, (પ્રતીકાત્મક તસવીર)

ફરિયાદી પરમાનંદે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પોતાના કેસ વિશે વાત કરતાં કહ્યું હતું કે, "હું વર્ષ 2015માં આરોપીઓના ચુંગાલમાંથી માંડ માંડ જીવ બચાવીને ભાગ્યો. ઘટના બાદ મેં સ્થાનિક પોલીસને જાણ કરતાં મને અમદાવાદની સોલા સિવિલ ખાતે દાખલ કરાવ્યો, પરંતુ હું મારા જીવની બીકને કારણે ત્યાંથી નાસી છૂટ્યો."

"કચ્છ આવીને મેં આ મામલાની ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઘણા પ્રયત્નો છતાં મારી એફઆઈઆર ન નોંધાઈ."

તેમણે પોલીસ સામે આરોપ કરતાં ફરિયાદમાં લખાવ્યું છે કે, "એ સમયે આદિપુર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એન. કે. ચૌહાણે મારી પત્નીને પિસ્તોલ દેખાડી ફરિયાદના ક્લોઝર રિપોર્ટ પર સહી કરાવડાવી લીધી."

"એ બાદ અમે ઘણા પોલીસ અધિકારીઓને આ મામલે અરજી કરી પરંતુ તે તમામે ફરિયાદ ન લઈ ક્લોઝર રિપોર્ટ આપી દીધા."

તેઓ આ મામલે પોલીસે એફઆઈઆર ન નોંધતાં ગુજરાત હાઇકોર્ટની શરણે પહોંચ્યા હતા.

એ વિશે તેમણે ફરિયાદમાં લખાવ્યું છે કે, "પોલીસની કામગીરીથી નારાજ થઈ અમે નામદાર હાઇકોર્ટમાં વર્ષ 2017 અને પછી 2019માં રિટ અરજી કરી હતી, જે સંદર્ભે 2019માં જસ્ટિસ સોનિયા ગોકાણી અદાલતે ફરિયાદ કરવાનો આદેશ આપ્યો હતો. છતાં પોલીસ અધિકારીઓએ ફરિયાદ દાખલ ન કરી ક્લોઝર રિપોર્ટ આપ્યો હતો."

"આ આદેશ સામે કંપનીએ પહેલાં હાઇકોર્ટમાં અરજી કરી પરંતુ તેમની અરજી કાઢી નાખી ત્રણ અઠવાડિયાંમાં ફરિયાદ નોંધવાનો હુકમ થયો."

તેઓ ન્યાયિક લડત અંગે પોતાની ફરિયાદની વિગતોમાં આગળ જણાવે છે કે, "2019ના હાઇકોર્ટના આદેશ સામે એક આરોપીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા હુકમ પર તેમને સ્ટેની રાહત મળી. પરંતુ ગત 16 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે સ્ટે ઉઠાવી લેતાં આ ફરિયાદ નોંધાઈ છે."

એફઆઈઆરની વિગતો અનુસાર આ કેસમાં આઈપીસીની કલમ 406, 420, 323, 347, 348, 365, 384, 389, 504, 506(2), 114, 120B, 166A(b) અને હથિયારધારાના સૅક્શન 25(1)(b), 25(1)(a) અંતર્ગત ગુનો નોંધાયો છે.

આ સમગ્ર મામલામાં ઇલેક્ટ્રોથર્મ કંપનીના માલિક અને અધિકારીઓ સાથે વાત કરી તેમનો ખુલાસો જાણવાનો પ્રયાસ કરાતાં વાત કરવાનું ટાળવામાં આવ્યું હતું.

જ્યારે આ સમગ્ર મામલો ‘ન્યાયાધીન’ હોવાનું કહીને કચ્છના રેન્જ આઈજી જે. આર. મોથલિયાએ પણ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

આ મામલા અંગે ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, "આ મામલે પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધાયો છે. મામલાની યોગ્ય તપાસ થશે. મારી પાસેની પ્રાથમિક માહિતી અનુસાર આ બે ખાનગી પાર્ટીઓ વચ્ચેનો મામલો હતો. આમાં સિનિયર પોલીસ અધિકારીઓની ગંભીર સામેલગીરી નથી. જોકે, સંપૂર્ણ સત્ય પોલીસ તપાસ બાદ જ ખબર પડી શકશે. જોકે, ફરિયાદીનો આરોપ છે કે પોલીસે આ મામલે યોગ્યપણે તપાસ નથી કરી."

રેડ લાઇન
રેડ લાઇન