મુફતી અઝહરીના જૂનાગઢ, કચ્છ બાદ હવે મોડાસામાં રિમાન્ડ લેવાયા એ કેસ શું છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Mufti Salman Azhari Official/Youtube

પાછલા કેટલાક દિવસથી મુફતી સલમાન અઝહરીની કાયદાકીય મુશ્કેલીઓમાં સતત વધારો થતો જણાઈ રહ્યો છે.

ગત 31 જાન્યુઆરીના રોજ જૂનાગઢના એક કાર્યક્રમમાં કથિતપણે ‘ભડકાઉ ભાષણ’ આપવાના આરોપમાં પહેલાં જૂનાગઢ પછી કચ્છ પોલીસ દ્વારા ધરપકડ અને બાદ હવે મોડાસામાં મુફતી સામે ત્રીજો કેસ નોંધાયો હતો.

મોડાસામાં થયેલા કેસમાં મુફતી પર 24 ડિસેમ્બરના રોજ એક ધાર્મિક કાર્યક્રમમાં ‘ધાર્મિક લાગણી દુભાય’ તેમજ ‘અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી’ કરવાનો આરોપ મુકાયો છે.

આ કેસમાં 12 ફેબ્રુઆરીના રોજ મોડાસા કોર્ટમાં મુફતીને હાજર કરાતા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

મોડાસાના કેસમાં મુફતીના વકીલે કોર્ટમાં થયેલી દલીલો અંગે વાત કરતાં કહ્યું હતું કે, “કોર્ટમાં જરૂરી ખુલાસા કરાયા છે. ઍટ્રોસિટીની કલમ સંદર્ભે રણવીર સચ્ચર કમિટીના અહેવાલને ટાંકીને જાતિનું અપમાન ન થયું હોવાની દલીલ કરાઈ છે.”

તેમજ આ કેસમાં સરકારી વકલી ડી. એસ. પટેલે કહ્યું હતું કે, “કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ કરાયો હતો. કાર્યક્રમમાં કોનું ફંડિંગ હતું વગેરે જાણકારી મેળવવા માટે રિમાન્ડ મંજૂર કરાયા છે.”

'ભડકાઉ ભાષણ' અને એટ્રોસિટીના આરોપ

આ પહેલાં જૂનાગઢની સ્થાનિક કોર્ટે ઇસ્લામિક ઉપદેશક મુફતી સલમાન અઝહરીને જામીન આપ્યા હતા.

જૂનાગઢમાં કથિતપણે ‘ભડકાઉ ભાષણ’ આપવાના આરોપી મુફતીને ગત મંગળવારે સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે મુફતીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ કથિત ભાષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જૂનાગઢ પોલીસે કાર્યવાહી કરીને આ મામલે એફઆઇઆર નોંધીને ગત રવિવારે મુંબઈ ખાતેથી તેમની ધરપકડ કરી હતી.

અઝહરી સહિત બે અન્ય આરોપીઓને જૂનાગઢ કોર્ટમાં રજૂ કર્યા બાદ સરકાર પક્ષે અને આરોપીના વકીલ મારફતે દલીલો થઈ હતી.

મુફતી સલમાન અઝહરીના વકીલ શબ્બીર એ. શેખે મીડિયાને જણાવ્યું કે "આ સંવેદનશીલ કેસમાં મૌલાના અને તેમના બે સાથીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મૅજિસ્ટ્રેટ સામે રજૂ કર્યા બાદ જામીન માટે અરજી કરી હતી. પછી સરકાર પક્ષ અને અમારા પક્ષે થયેલી દલીલોને સાંભળીને કોર્ટે ત્રણેય આરોપીને 15-15 રૂપિયાના જામીન પર મુક્ત કર્યા છે."

તેમણે કોર્ટમાં થયેલી દલીલો અંગે કહ્યું કે "કોઈ કોમ કે જ્ઞાતિને લઈને તેઓ શબ્દો બોલ્યા નથી, એમણે કોઈને ટાર્ગેટ કર્યા નથી. શબ્દોનો મર્મ શું છે? તેની કોઈ સમાજ પર કોઈ અસર થઈ છે કે કેમ? એવા સવાલો અંગેની દલીલની સાથોસાથ એવું પણ કહેવાયું હતું કે મુફતીના ભાષણ બાદ સમાજમાં કોઈ વર્ગવિગ્રહ નથી થયો. આ તમામ દલીલોને અંતે કોર્ટે તેમને જામીન આપ્યા છે."

શકીલ એ. શેખે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું આ મામલે શું વલણ છે એ બાબતોની કોર્ટમાં વાત કરી હતી. જામીન માટે પાંચ શરતો પણ મૂકી હતી. ફરિયાદ પક્ષના કોઈ પુરાવાનો નાશ કરવો નહીં, ધમકી આપવી નહીં, પાસપોર્ટ હોય તો જમા કરાવવો, ન હોય તો કોર્ટમાં સોગંદનામાથી જાહેર કરવું- વગેરે શરતો પર જામીન આપ્યા છે."

આ દરમિયાન મુફતી સલમાન અઝહરી પર કચ્છના સામખિયાળી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો હતો અને તેમને કચ્છ લવાયા હતા.

બીબીસીના સહયોગી પ્રશાંત ગુપ્તાના જણાવ્યા અનુસાર, મુફતી સલમાન અઝહરીને કચ્છ પોલીસ દ્વારા ભચાઉ સેશન્સ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને કોર્ટે મુફતી સલમાન અઝહરીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ભચાઉની કોર્ટે આ કેસમાં રવિવારે મુફતીને જામીન આપ્યા બાદ આરોપીને રાજકોટ સેન્ટ્રલ જેલ ખસેડાયા હતા. જ્યાંથી મુફતીની ત્રીજા કેસમાં અરવલ્લી પોલીસે ધરપકડ કરી હતી. નોંધનીય છે કે આ કેસમાં મોડાસા ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. કે. વાઘેલા ફરિયાદી બન્યા હતા.

જૂનાગઢ બાદ હવે કચ્છમાં ગુનો નોંધાયો

બીબીસી ગુજરાતી મુફતી અઝહરી

ઇમેજ સ્રોત, Mufti Salman Azhari Official/Youtube

એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર જૂનાગઢ અને કચ્છમાં અઝહરી સામે બે ધાર્મિક જૂથો વચ્ચે દ્વેષભાવને પ્રોત્સાહિત કરવાના આરોપસર ઇન્ડિયન પીનલ કોડની કલમ 153(બી) અને જાહેર વાતાવરણને ડહોળે એવાં નિવેદનો કરવાના આરોપસર કલમ 505 (2) અંતર્ગત ગુનો નોંધાયો હતો.

જ્યારે મોડાસામાં ઉપરોક્ત સિવાય મુફતી સામે “ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી જાણીજોઈને” કરવાના આરોપસર કલમ 298નો ઉમેરો કરાયો છે. તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) કાયદાની જોગવાઈઓ અનુસાર અનુસૂચિત જાતિ વિરુદ્ધ ‘વાંધાજનક ટિપ્પણી’ કરવા સંબંધી કલમો જોડવામાં આવી છે.

મુફતી સલમાન અઝહરી કોણ છે?

મુફતી સલમાન અઝહરી

ઇમેજ સ્રોત, YT/MUFTISALMANAZHARIOFFICIAL

મુફતી સલમાન અઝહરીની અધિકૃત યૂટ્યૂબ ચેનલ પર આપેલી માહિતી અનુસાર મુફતી સલમાન અલ-અઝહરી મુંબઈસ્થિત સુન્ની ઇસ્લામિક રિસર્ચ સ્કોલર છે. તેઓ ધાર્મિક ઉપદેશક અને મોટિવેશનલ સ્પીકર તરીકે ખ્યાતિ ધરાવે છે.

તેમણે ‘ઇસ્લામિક દાવા’ઓ પર જામિયા અલ-અઝહર, ઇજિપ્તથી ગ્રૅજ્યુએશન કર્યું છે.

મુફતી સલમાન અઝહરી જામિયા રિયાઝુલ જન્નાહ, અલ-અમાન ઍજ્યુકેશન ઍન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારૂલ અમાનના સ્થાપક છે.

તેઓ મુખ્યત્વે સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. મુસ્લિમ સમુદાયમાં તેમણે તેમનાં ભાષણો અને માર્ગદર્શનથી ઘણી પ્રસિદ્ધિ મેળવી છે.

તેમની યૂટ્યૂબ ચેનલ પર તેમના 4.6 લાખથી વધુ ફૉલૉઅર્સ છે.

મુફતી સલમાન અઝહરીનો વિવાદ શું હતો?

મુફતી સલમાન અઝહરી

ઇમેજ સ્રોત, ANI

જૂનાગઢના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે એક કાર્યક્રમમાં મુફતી સલમાન અઝહરીએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં તેમણે આપેલા ભાષણની એક 21 સેકન્ડની ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી હતી.

કાર્યક્રમમાં તેમણે આપેલા ભાષણનો આખો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.

આ કાર્યક્રમમાં તેઓ ઇરાક, પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન, આરબ દેશોમાં મુસ્લિમોની થઈ રહેલી હત્યાઓ વિશે બોલી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આપણા માર્યા જવાથી ઇસ્લામ ખતમ નહીં થાય.

તેઓ કહે છે, "દુનિયા આજે આપણને સંભળાવે છે કે તમે જો એટલા જ સાચા છો તો કેમ મરી રહ્યા છો. પેલેસ્ટાઈનમાં કેમ તમારા આટલાં બધાં મૃત્યુ થયાં? ઇરાક, યમન, પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન, આરબ દેશો અને મ્યાનમાર...દરેક જગ્યાએ કેમ તમે મરી રહ્યા છો?"

"જો આપણને ક્યાંય મારવામાં આવે છે, તો એક વાત યાદ રાખો કે આપણા માર્યા જવાથી ઇસ્લામ ખતમ નથી થતો. જો ઇસ્લામ ખતમ થવાનો હોત તો કરબલામાં જ થઈ જાત. ઇસ્લામનું સત્ય એ છે કે ઇસ્લામ જીવંત રહે છે... દરેક કરબલા પછી પણ જીવંત રહે છે."

એવું કહેવાઈ રહ્યું છે કે તેમના આ નિવેદનને કારણે વિવાદ થયો છે.

ગુજરાત પોલીસની એફઆઇઆરમાં શું હતું?

મુફતી સલમાન અઝહરી

ઇમેજ સ્રોત, FB/MUFTI SALMAN AZHARI

ગુજરાત પોલીસે મુફતી સલમાન અઝહરી અને બંને આયોજકો મોહમ્મદ યુસુફ મલેક, અઝીમ હબીબ ઓડેદરા સામે કલમ 153-બી (વિવિધ ધાર્મિક સમુદાયો વચ્ચે દ્વેષ ફેલાવવો), 505(2) હેઠળ ગુનો નોંધ્યો હતો.

એફઆઇઆર પ્રમાણે આયોજકોએ જૂનાગઢની નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં સભાનું આયોજન કર્યું હતું જેમાં તેમણે મુસ્લિમ સમુદાયના આગેવાનોને તેમજ મૌલાનાઓને આમંત્રણ આપ્યું હતું.

આ કાર્યક્રમમાં મૌલાના અલહાજ મુફતી સલમાન અઝહરીએ ધાર્મિક ભાષણના બહાને કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવાના ઇરાદે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે રીતે ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હોવાનો આરોપ એફઆઇઆરમાં મૂકવામાં આવ્યો હતો.

એફઆઇઆર પ્રમાણે તેમણે આ કાર્યક્રમની મંજૂરી નશામુક્તિ અંગેની જાગૃતિ ફેલાવવા માટે લીધી હતી.

તેમના પર આરોપ છે કે તેમણે સરકાર વિરુદ્ધ દ્વેષભાવ ઉત્પન્ન કરી મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરવાના ઇરાદે ભડકાવનારું ભાષણ કર્યું હતું.

બીબીસી
બીબીસી