હજની એવી પાંચ ખાસ વાતો, જેની તમને કદાચ ખબર નહીં હોય

ઇમેજ સ્રોત, Getty Images
બુધવારથી સાઉદી અરેબિયાની હજયાત્રા શરૂ થઈ ગઈ. દર વર્ષે વિશ્વભરમાંથી લાખો મુસ્લિમ તેમના સર્વોચ્ચ પવિત્ર સ્થળની જિયારત કરવા માટે પહોંચે છે.
તે ઇસ્લામના પાંચ સ્તંભો પૈકી એક છે અને દરેક મુસ્લિમ, જે શારીરિક અને આર્થિક રીતે સક્ષમ હોય, તે પોતાના જીવનમાં ઓછામાં ઓછા એક વાર હજ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
હજ એ વિશ્વનાં સૌથી મોટાં વાર્ષિક ધાર્મિક આયોજનોમાં એક છે, જેમાં વિશ્વભરના મુસ્લિમો મક્કાની યાત્રા કરે છે.

મક્કા એ ઇસ્લામના પયગંબર હઝરત મોહમ્મદસાહેબનું જન્મસ્થળ છે અને અહીં તેમને મુસ્લિમોના ધાર્મિક પુસ્તક કુરાનનો પહેલો સંદેશ મળ્યો હતો.
અહીં કાબા પણ આવેલું છે, જે કાળા કાપડથી ઢંકાયેલું ઘન આકારનું માળખું છે. તે મક્કાની મસ્જિદ અલ-હરમની મધ્યમાં આવેલું છે, જેને ઇસ્લામમાં સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે.
હજ વિશે એવી પાંચ વાતો જાણો જે તમને કદાચ ખબર નહીં હોય.

હજનો ઉલ્લેખ ઇસ્લામના પયગંબર મોહમ્મદસાહેબના સંદર્ભમાં કરવામાં આવે છે, પરંતુ તેની કેટલીક બાબતો પયગંબર ઇબ્રાહીમના સમયની છે.
ઇસ્લામની માન્યતા પ્રમાણે કાબાનું નિર્માણ પયગંબર ઇબ્રાહીમ અને તેમના પુત્ર ઇસ્માઇલે કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હજ દરમિયાન કરવામાં આવતી ઘણી ધાર્મિક વિધિઓ એ ઘટનાની યાદમાં ઊજવવામાં આવે છે જ્યારે અલ્લાહના આદેશને અનુસરીને ઇબ્રાહીમ પોતાના પુત્ર ઇસ્માઇલની કુરબાની આપવાની અણી પર હતા. પરંતુ માન્યતાઓ અનુસાર, પાછળથી દિવ્ય હસ્તક્ષેપ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા.
ખ્રિસ્તી અને ઇબ્રાહીમ ધર્મમાં તેને અબ્રાહમ કહેવાય છે. આ ત્રણેય ધર્મમાં ઇબ્રાહીમ અથવા અબ્રાહમનું કેન્દ્રીય સ્થાન છે.

મુસ્લિમોની મોટા ભાગની પ્રથાઓમાં સ્ત્રી અને પુરુષો માટે અલગ-અલગ પ્રવેશદ્વાર અથવા પ્રાર્થનાની જગ્યા હોય છે, પરંતુ હજ દરમિયાન કોઈ ભેદભાવ હોતો નથી.
મહિલાઓ અને પુરુષો એક સાથે હજની પ્રક્રિયા કરે છે. તે સમાનતાનું પ્રતીક છે.

હજ કરનારા હાજીઓ માટે એક વિશેષ ડ્રેસ કોડ હોય છે જે આધ્યાત્મિક સમાનતા દેખાડે છે.
પુરુષો સિલાઈ વગરનું, સફેદ કાપડ પહેરે છે જેને અહરામ કહેવામાં આવે છે. તે દર્શાવે છે કે હજ કરવા આવેલા બધા લોકો સમાન છે, પછી તેમનો સામાજિક કે આર્થિક દરજ્જો ભલે ગમે તે હોય.
મહિલાઓ સફેદ અહરામ નથી પહેરતાં, પરંતુ તેઓ ઢીલા અને શરીરને આખા ઢાંકે તેવાં કપડાં પહેરે છે. તેઓ માથું ઢાંકી રાખે છે, પરંતુ હજ વખતે તેમનો ચહેરો દેખાવો જોઈએ.

હજમાં તવાફ એ સૌથી મહત્ત્વનો હિસ્સો છે. તેમાં મુસ્લિમો કાબાની ચારે તરફ સાત વખત ઘડિયાલથી ઊંધી દિશામાં પ્રદક્ષિણા કરે છે. આ હજયાત્રાની શરૂઆત અને અંતમાં કરવામાં આવે છે.
આ ઉપરાંત સફા અને મરવા નામના બે પહાડો વચ્ચે સાત વખત ચાલવું એ પણ હજનો મહત્ત્વનો હિસ્સો છે.
આ બીબી હાજરા (પયગંબર ઇબ્રાહીમનાં પત્ની)ની યાદમાં આ વિધિ કરવામાં આવે છે. બીબી હાજરાએ પોતાના પુત્ર ઇસ્માઇલ માટે પાણીની શોધમાં આ પહાડીઓમાં સાત ચક્કર લગાવ્યા હતા.

કાબા એ હજમાં સૌથી મુખ્ય કેન્દ્ર છે, પરંતુ મક્કાની બહાર એક રણવિસ્તારમાં મેદાન પર આવેલા અરાફાત પહાડને આધ્યાત્મિક ચરમબિંદુ માનવામાં આવે છે.
અહીં શ્રદ્ધાળુ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પ્રાર્થના કરે છે અને કુરાનનું પઠન કરે છે.
ઇસ્લામમાં આ સ્થળનું ખાસ મહત્ત્વ છે, કારણ કે આ જગ્યાએ જ પયગંબર મોહમ્મદે પોતાનો અંતિમ ઉપદેશ (ખુતબા) આપ્યો હતો એવું માનવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












