'ક્રૂડ ઑઇલ નહીં, આ છે સાચું કારણ', રશિયાના મીડિયાએ જણાવ્યું કેમ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા

ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે જાન્યુઆરીમાં બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમનું રશિયા અંગેનું વલણ બાઇડન સરકાર કરતાં અલગ હતું.

યુક્રેન-રશિયા યુદ્ધના મામલે ટ્રમ્પે ઘણી વખત વ્લાદિમીર પુતિનનો સાથ આપ્યો હતો.

બીજી તરફ ફેબ્રુઆરીમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી જ્યારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને મળવા ગયા, ત્યારે તેમની વચ્ચે જોરદાર દલીલો થઈ હતી.

ટ્રમ્પે તે સમયે આરોપ લગાવ્યો હતો કે ઝેલેન્સ્કી શાંતિ નથી ઇચ્છતા અને તેઓ સમાધાન નહીં કરે તો અમેરિકા આ યુદ્ધમાંથી નીકળી જશે.

ટ્રમ્પે એવો દાવો પણ કર્યો હતો કે રશિયા સામેના યુદ્ધમાં યુક્રેન જીત નહીં મેળવી શકે.

એ સમયે જાણકારોને લાગતું હતું કે ભારત અને રશિયાની દોસ્તીથી ટ્રમ્પને કોઈ વાંધો નહીં આવે.

પરંતુ છેલ્લા પાંચ મહિનામાં સ્થિતિ બદલાઈ ગઈ છે.

ટ્રમ્પે હવે રશિયન ઑઇલ ખરીદવા બદલ ભારત પર ટેરિફ બમણો કરીને 50 ટકા કરી નાખ્યો છે.

રશિયાના મીડિયામાં એ બાબતની ચર્ચા થાય છે કે શું ટ્રમ્પ દબાણ વધારીને ભારતને રશિયાથી દૂર કરવા માંગે છે કે કેમ.

રશિયાની સમાચાર સંસ્થા તાસે 9 ઑગસ્ટે ત્યાંના રાજકીય વિશ્લેષકો સમક્ષ આ સવાલ કર્યો હતો.

રશિયાની સુરક્ષા પરિષદમાં વૈજ્ઞાનિક સલાહકાર બોર્ડના સભ્ય ઍન્ડ્રુ સુશેનત્સોવે કહ્યું કે ભારત ટ્રમ્પના દબાણ હેઠળ અમેરિકાની વિદેશનીતિનું પાલન નહીં કરે.

તેમણે કહ્યું કે અમેરિકાની આ પ્રકારની નીતિ ભારતના મામલામાં નિષ્ફળ રહી છે. આવામાં અમેરિકાનું આ દબાણ લાંબા સમય સુધી નહીં રહે.

રશિયન ઑઇલ સિવાયની રમત?

ઍન્ડ્રુ સુશેનત્સોવે તાસને જણાવ્યું કે, "ભારત વિરુદ્ધ ટેરિફ બમણા કરવાનો ટ્રમ્પનો નિર્ણય તેમના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફે મૉસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી તે અગાઉ લેવાયો હતો. ભારત રશિયાથી ઑઇલની આયાત કરે છે તેથી અમેરિકાએ ટેરિફ બમણો કર્યો છે, એ અસલી કારણ નથી. ભારત પર અમેરિકાના દબાણનું કારણ અલગ જ છે."

ઍન્ડ્રુ સુશેનત્સોવના જણાવ્યા પ્રમાણે, "વસતીના મામલે ભારત દુનિયાનો સૌથી મોટો દેશ છે. ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. અમેરિકા ભારતને ચીન સાથે ટકરાવના મામલે વ્યૂહાત્મક ભાગીદાર તરીકે જુએ છે."

"અમેરિકા ઇચ્છે છે કે ભારત તેના નેતૃત્વને સ્વીકારે અને સ્વતંત્ર વિદેશનીતિનો આગ્રહ છોડી દે. પરંતુ અમેરિકાની આ ઇચ્છા પૂરી નહીં થાય. તેથી ભારત પર અમેરિકા લાંબા સમય સુધી દબાણ નહીં જાળવી શકે."

તેમણે કહ્યું કે, "દબાણ વધારવું એ અમેરિકાની વ્યૂહરચનાનો હિસ્સો છે. તેમાં સફળતા ન મળે ત્યારે રાષ્ટ્રપતિ પોતાની જીતની જાહેરાત કરી દે છે અને ચૂપચાપ અગાઉના નિર્ણયો બદલી નાખે છે. અમેરિકા ઉશ્કેરણીની હદ સુધી ટ્રેડને ઢાલ બનાવે છે જેમાં કોઈ પણ સમજૂતી થવાની શક્યતા બહુ ઓછી રહે છે."

"બ્રાઝિલમાં તો ટ્રમ્પે ત્યાંની આંતરિક બાબતોમાં દખલગીરી શરૂ કરી દીધી હતી. ત્યાંના વિપક્ષને ટ્રમ્પ ટેકો આપે છે. તેનો અર્થ એ થાય કે પ્રતિરોધ વધવા લાગે છે. અસરગ્રસ્ત દેશ તેનો જવાબ આપવાના રસ્તા શોધવા લાગે છે."

ટ્રમ્પે 6 ઑગસ્ટે ભારત પર વધુ 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી અને સાતમી ઑગસ્ટે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રશિયા પહોંચ્યા હતા.

અમેરિકાના દબાણ વચ્ચે અજિત ડોભાલની રશિયા મુલાકાત

અજિત ડોભાલે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરી હતી.

આ પ્રવાસ દરમિયાન ડોભાલે કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિન ચાલુ વર્ષના અંત સુધીમાં ભારત આવશે.

ત્યાર પછી પીએમ મોદીએ 8 ઑગસ્ટે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ ચાલુ વર્ષના અંત સુધીમાં ભારતના પ્રવાસે આવશે.

રશિયા ટૂડેએ પણ સાતમી ઑગસ્ટે એક રિપોર્ટ આપ્યો હતો, જેમાં જણાવાયું હતું કે રાષ્ટ્રપતિ પુતિન ચાલુ વર્ષના અંત સુધી નવી દિલ્હી જશે અને ભારતના વિદેશમંત્રી એસ જયશંકર ચાલુ મહિનાના અંતમાં રશિયા જશે.

આરટીએ લખ્યું છે કે, ડોભાલે જ્યારે રશિયાનો પ્રવાસ કર્યો ત્યારે ભારત પર રશિયન ઑઇલ આયાત બંધ કરવાનું દબાણ હતું. ભારત અને રશિયા આર્થિક સંબંધો મજબૂત બનાવવા માટે વાતચીત કરતા હતા. તેમાં રેર અર્થ, ઍરક્રાફ્ટ પાર્ટ્સના ઉત્પાદન અને રેલવે સહયોગ વધારવા પર વાત થઈ રહી છે.

"ભારતીય મીડિયામાં એમ પણ કહેવામાં આવે છે કે ડોભાલ રશિયા પાસેથી વધુ એસ-400 સિસ્ટમ ખરીદવાની વાત કરે છે. ભારત પાસે હજુ ત્રણ એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. ભારતે ઑપરેશન સિંદૂર દરમિયાન તેનો ઉપયોગ કર્યો હતો."

રશિયન મીડિયા સમૂહ રોશિયા સેગોદ્રયાએ મહાનિદેશક દિમિત્રી કિસેલેવે ગયા સપ્તાહમાં સ્પૂતનિક ન્યૂઝને જણાવ્યું હતું કે, "ભારત અને રશિયાની દોસ્તી બંને દેશો માટે ખૂબ જરૂરી છે. અમેરિકન અલ્ટીમેટમના મામલે પણ ભારતનું વલણ તાર્કિક અને સંતુલિત રહ્યું છે. રશિયા સાથે સંબંધોના મામલે ભારત કોઈ પણ દબાણમાં નહીં આવે. ભારત અને રશિયાના સામાન્ય લોકો એક બીજા પર ભરોસો કરે છે."

રશિયાના બદલે ભારતને સજા?

લીગ ટર્નર 2008થી 2012 સુધી યુક્રેનમાં બ્રિટનના રાજદૂત રહ્યા હતા.

ટર્નરે 11 ઑગસ્ટે મૉસ્કો ટાઇમ્સમાં પુતિન અને ટ્રમ્પની આગામી શિખરમંત્રણા વિશે એક વિશ્લેષણ લખ્યું છે.

ટર્નરે મૉસ્કો ટાઇમ્સમાં લખ્યું છે, અગાઉ કહેવામાં આવતું હતું કે અમેરિકા ભારત વિરુદ્ધ 100 ટકા ટેરિફ લગાવશે. પરંતુ હજુ 50 ટકા ટેરિફની જાહેરાત કરી છે. આ ટેરિફ પણ 27 ઑગસ્ટ અગાઉ લાગુ નહીં થાય. તેનાથી અગાઉ 15 ઑગસ્ટે રાષ્ટ્રપતિ પુતિન અને ટ્રમ્પની મુલાકાત થવાની છે. ભારત ઉપરાંત અન્ય કોઈ દેશને રશિયન ઑઇલ ખરીદવા માટે નિશાન બનાવવામાં નથી આવ્યો."

ટર્નરને લાગે છે કે યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી પર ભારતને સજા આપવી એ અમેરિકન વિદેશ નીતિમાં યુ ટર્ન સમાન છે. કારણ કે અગાઉ તો ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપતિને તાનાશાહ કહેતા હતા.

ટ્રમ્પે બીજી વખત સત્તા સંભાળ્યા પછી રશિયાનો પક્ષ લીધો હતો. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ત્યાં સુધી કહ્યું કે યુક્રેનની સરહદ 2014 અગાઉ જેવી હતી તે નહીં મેળવી શકે અને નાટોમાં સામેલ પણ નહીં થઈ શકે.

ટર્નરે લખ્યું છે કે "અમેરિકા પુતિન-ટ્રમ્પ શિખરમંત્રણામાં યુક્રેનના હિતોની ઉપેક્ષા કરીને પણ કોઈ સમજૂતી કરી શકે છે. ટ્રમ્પે રશિયા વિરુદ્ધ નવા ટેરિફ લગાવવા માટે કંઈ નથી કર્યું. પરંતુ એવી ઘણી ચીજો છે જે અમેરિકા કરી શક્યું હોત. અમેરિકાએ રશિયાનાં ઑઇલ ટૅન્કર્સ પર કોઈ કાર્યવાહી નથી કરી. અમેરિકાએ એવી બૅન્કો અને રિફાઇનરી પર અલગથી કોઈ પ્રતિબંધ નથી લગાવ્યો જે રશિયન ઑઇલના વેપારમાં મદદ કરી રહ્યા છે."

ટર્નલ લખે છે કે "હવે તે એવી આશંકા છે કે ટ્રમ્પ કદાચ એ સમજૂતી પર સહમત થશે જેમાં યુક્રેને પોતાની જમીન ગુમાવવી પડશે. જો યુક્રેન આમ કરવાનો ઇનકાર કરે, તો અમેરિકા સહમત થવા માટે દબાણ કરશે."

"જાન્યુઆરીમાં ટ્રમ્પ સત્તા પર આવ્યા ત્યાર પછી અમેરિકા ઘણી વખત આવું કરી ચૂક્યા છે. અમેરિકાએ યુક્રેનમાં હથિયારોની સપ્લાયમાં ઘટાડો કર્યો હતો અને જાસૂસી માહિતી આપવાની પ્રક્રિયામાં પણ અવરોધ પેદા કર્યો હતો. બીજી તરફ રશિયા પર કોઈ દબાણ નાખ્યું ન હતું."

'દબાણ કામ નહીં લાગે'

ભારત વિરુદ્ધ ટ્રમ્પના ટેરિફ પર યુરોસર્બિયા ડૉટ નેટના સંપાદક કૉન્સ્ટેન્ટિન વૉન હૉફમેઇસ્ટરે સાતમી ઑગસ્ટે એક લેખ લખ્યો હતો.

વૉને લખ્યું છે કે, "ભારત અને રશિયા વચ્ચે આર્થિક સંબંધ ઘણા ગાઢ છે. જે દ્વિપક્ષીય વેપાર 2021-22માં માત્ર 13 અબજ ડૉલર હતો તે નાણાકીય વર્ષ 2024-25માં વધીને 68 અબજ ડૉલર સુધી પહોંચી ગયો."

"ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ઑઇલ અને ખાતરની આયાત કરી રહ્યું છે. પરિણામે, રશિયા ભારતના ટોચના વેપાર ભાગીદારોમાંનું એક બની ગયું છે. ભારત હાલમાં તેની કુલ ક્રૂડ ઑઇલ ઇમ્પોર્ટના 35થી 40 ટકા રશિયા પાસેથી આયાત કરી રહ્યું છે. ભારતે નાણાકીય વર્ષ 2024-25માં 50 અબજ ડૉલરની ઍનર્જીની આયાત કરી છે."

વૉને લખ્યું છે કે, "રશિયા અને ભારત દ્વિપક્ષીય વેપારમાં ડૉલર પરની તેમની નિર્ભરતાનો અંત લાવી રહ્યા છે. બંને દેશો પશ્ચિમી નાણાકીય વ્યવસ્થાને બાયપાસ કરીને વ્યવસાય કરી રહ્યા છે. લગભગ 90 ટકા દ્વિપક્ષીય વેપાર સ્થાનિક ચલણોમાં થઈ રહ્યો છે. હવે વેપારની નદી મૉસ્કોથી નવી દિલ્હી તરફ વહે છે. હવે બંને દેશોને સ્વિફ્ટ કૉરિડોરની જરૂર નથી."

રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવ અમેરિકાના વલણની ઘણી વખત ટીકા કરે છે.

28 જુલાઈએ ઍક્સ પરની એક પોસ્ટમાં મેદવેદેવે લખ્યું હતું, ટ્રમ્પ રશિયા સાથે અલ્ટિમેટમ ગેમ રમી રહ્યા છેઃ 50 દિવસ અથવા 10... ટ્રમ્પે બે ચીજો યાદ રાખવી જોઈએઃ

1. રશિયા એ ઇઝરાયલ નથી અને ઈરાન પણ નથી.

2. દરેક નવું અલ્ટિમેટમ એક ધમકી છે અને યુદ્ધની દિશામાં એક પગલું છે. યુક્રેન અને રશિયા વચ્ચે નહીં પરંતુ તેમના પોતાના દેશ તરફ. ઊંઘમાં રહેનાર બાઇડનના રસ્તા પર ટ્રમ્પ આગળ ન વધે.

મેદવેદેવની આ ભાષા પર ટ્રમ્પે સખત વાંધો ઉઠાવ્યો હતો અને તેમને રશિયાના નિષ્ફળ રાષ્ટ્રપતિ કહ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન