25 ડિસેમ્બરે બાંગ્લાદેશમાં શું થવાનું છે કે અમેરિકા-યુરોપે તેના દૂતાવાસ બંધ કરી દીધા

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશમાં જર્મન દૂતાવાસે કહ્યું કે 24 અને 25 ડિસેમ્બરે તેના દૂતાવાસ બંધ રહેશે. ઢાકામાં અમેરિકન દૂતાવાસે પણ 25 ડિસેમ્બર માટે એક ઍડવાઇઝરી જાહેર કરી છે. જોકે, જર્મન દૂતાવાસે 24 અને 25 ડિસેમ્બરે બંધ રાખવાનું કોઈ કારણ આપ્યું નથી.
બીજી બાજુ, અમેરિકન દૂતાવાસે પોતાની ઍડવાઇઝરીનું કારણ આપ્યું છે.
અગાઉ અમેરિકા, બ્રિટન સમેત યુરોપિયન યુનિયનના દેશોએ ઉસ્માન હાદીના મૃત્યુ પર શોકસંવેદના જાહેર કરી હતી.
હવે સવાલ એ થાય છે કે 25 ડિસેમ્બરે બાંગ્લાદેશમાં એવું શું થવાનું છે કે જર્મની અને અમેરિકા આટલા સાવચેત છે.
ઢાકાસ્થિત જર્મન દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કર્યું કે "દૂતાવાસ 24 અને 25 ડિસેમ્બરે બંધ રહેશે અને 28 ડિસેમ્બરે ફરી કામગીરી શરૂ કરાશે."
તો અમેરિકન દૂતાવાસ તરફથી જાહેર કરાયેલી એક ઍડવાઇઝરીમાં કહેવાયું કે, "મીડિયા અહેવાલો અનુસાર, બાંગ્લાદેશ નૅશનલ પાર્ટી (બીએનપી)એ કાર્યવાહક અધ્યક્ષ તારિક રહમાનની વાપસી નિમિત્તે 25 ડિસેમ્બરના રોજ સવારે 11:45 વાગ્યાથી હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટથી ગુલશન સુધી જતા પૂર્વાંચલ ઍક્સપ્રેસવે અને અન્ય રસ્તાઓ પર એક વિશાળ જનસભાનું આયોજન કર્યું છે."
"તેના કારણે ભારે ટ્રાફિકજામની ધારણા છે. આ સમય દરમિયાન ઢાકા અને તેની આસપાસ મુસાફરી કરતા લોકોએ વધુ સમય લઈને નીકળવું જોઈએ અને વૈકલ્પિક માર્ગો પર વિચાર કરવો જોઈએ. હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર જનાર મુસાફરોએ તેમની ઍર ટિકિટ અને મુસાફરી દસ્તાવેજો સાથે રાખવા જોઈએ અને પોલીસચોકીઓ પર તેને બતાવવા તૈયાર રહેવું જોઈએ."
આ દરમિયાન ભારતમાં અમેરિકનના રાજદૂત સર્જિયો ગોરે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનૂસ સાથે વાત કરી છે. બંનેએ બાંગ્લાદેશમાં તાજેતરની ઘટનાઓ અને આગામી ચૂંટણીઓ પર ચર્ચા કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
17 વરસ બાદ તારિક રહમાનની વાપસી

ઇમેજ સ્રોત, Facebook/ @Tarique Rahman
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીએનપીના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહમાન 25 ડિસેમ્બરે બાંગ્લાદેશ પાછા આવવાના હોવાથી ટ્રાવેલ ઍડવાઇઝરી જારી કરી છે.
તેમણે લંડનમાં મોજૂદ બાંગ્લાદેશ હાઈકમિશનમાં આના પાસ માટે અરજી કરી છે.
18 ડિસેમ્બરે બીએનપીએ એક ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, "તારિક 25 ડિસેમ્બરે 11 વાગ્યા ને 45 મિનિટે હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર પહોંચશે."
તારિક રહમાન બીએનપીના સ્થાપક ઝિયાઉર રહમાન અને અધ્યક્ષ ખાલિદા ઝિયાના મોટા પુત્ર છે. 2007માં સેના સમર્થિત કાર્યવાહક સરકારે તેમની ધરપકડ કરી હતી.
2008માં તેઓ સારવાર માટે બ્રિટન ગયા હતા અને ત્યારથી ત્યાં જ રહે છે.
તારિક રહમાનનાં પત્ની ઝુબૈદા રહમાન બાંગ્લાદેશની યાત્રા પછી 20 ડિસેમ્બરે લંડન પરત ફર્યાં હતાં.
ખાલિદા ઝિયા ચાર દાયકાથી વધુ સમયથી બાંગ્લાદેશના રાજકારણમાં છે. તેમના પતિની હત્યા પછી ખાલિદા ઝિયાએ બીએનપીનું નેતૃત્વ સંભાળ્યું હતું.
1981માં ઝિયાઉર રહમાન બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ હતા અને તેમની હત્યા કરાઈ હતી. ખાલિદા ઝિયા બાંગ્લાદેશમાં બહુપક્ષીય લોકશાહીનાં સમર્થક રહ્યાં છે.
બેગમ ઝિયા 1991માં બાંગ્લાદેશનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન બન્યાં હતાં. 1991ની ચૂંટણીમાં બીએનપીની જીત થઈ. તેઓ 2001માં સત્તામાં પાછાં ફર્યાં અને 2006 સુધી સત્તામાં રહ્યાં. બીએનપી છેલ્લી ત્રણ ચૂંટણીનો બહિષ્કાર કરી ચૂકી છે. ખાલિદા ઝિયાએ 2024માં શેખ હસીના વિરુદ્ધ થયેલા આંદોલનને ટેકો આપ્યો હતો. બીએનપી હાલમાં બાંગ્લાદેશનો સૌથી મોટો પક્ષ છે અને એવું કહેવાઈ રહ્યું છે કે આગામી વર્ષની ચૂંટણીમાં તે સત્તામાં આવી શકે છે.
શેખ હસીના જ્યારે વડાં પ્રધાન હતાં ત્યારે ખાલિદા ઝિયા જેલમાં હતાં. ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહમાનને પણ અનેક કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યા હતા, પરંતુ મોહમ્મદ યુનૂસની વચગાળાની સરકારે ખાલિદા અને તેમના પુત્રને નિર્દોષ જાહેર કર્યા હતા.
પશ્ચિમી દૂતાવાસોનું વલણ

ઇમેજ સ્રોત, Getty Images
12 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશમાં ઇન્કલાબ મંચના નેતા શરીફ ઉસ્માન હાદીને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હતી.
હાદીને સારવાર માટે સિંગાપોરની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું.
હાદી 2024માં બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને સત્તા પરથી દૂર કરનારા વિદ્રોહના એક લોકપ્રિય નેતા હતા.
હાદીના મૃત્યુના સમાચાર પછી ફાટી નીકળેલી હિંસામાં ભારતીય હાઈકમિશનને પણ નિશાન બનાવાયું હતું, કારણ કે અફવા ફેલાઈ હતી કે હાદીના હત્યારાઓ ભારત ભાગી ગયા છે.
હાદીના અંતિમ સંસ્કારના દિવસે યુરોપિયન દેશોના દૂતાવાસોએ શોક વ્યક્ત કર્યો હતો અને જર્મન દૂતાવાસે તેનો ધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો હતો.
જોકે, ભારતે હાદીના મૃત્યુ પર કોઈ ટિપ્પણી કરી ન હતી.
ભારતના પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે હાદીના મૃત્યુ અંગે પશ્ચિમી દેશો તરફથી આવેલા પ્રતિભાવ પર સવાલ ઉઠાવ્યા છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, "બાંગ્લાદેશમાં અમેરિકા, યુરોપિયન યુનિયન, જર્મન અને ફ્રેન્ચ દૂતાવાસો વિદ્યાર્થી નેતાની હત્યાને આટલું રાજકીય મહત્ત્વ આપી રહ્યા છે તે રાજદ્વારી રીતે અસામાન્ય છે. દ્વિપક્ષીય કે આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં તેનું મહત્ત્વ સ્પષ્ટ નથી."
"વધુ રસપ્રદ વાત એ છે કે હાદીના ઇસ્લામિક સંબંધો હતા. તેમના ઇન્કલાબ મંચનો ઉદ્દેશ્ય નામમાત્રના ધર્મનિરપેક્ષ બાંગ્લાદેશનું ઇસ્લામીકરણ કરવાનો હતો. તેમનો વર્તન ભારત પ્રત્યેનો વ્યવહાર ઘોર શત્રુતાપૂર્ણ હતો અને તેઓ ભારતના ઉત્તરપૂર્વીય ક્ષેત્ર પર દાવો કરતા હતા. આથી, ક્ષેત્રીય સંદર્ભમાં ભારતને એક વિશેષ સંદેશ મોકલાઈ રહ્યો છે."
તેમણે લખ્યું, "તેમનું સંગઠન અવામી લીગ પર પ્રતિબંધ મૂકવા અને તેને આગામી ચૂંટણીઓમાંથી બાકાત રાખવા ઝુંબેશ ચલાવતું હતું. આ પશ્ચિમી દેશોની ફરિયાદ એ હતી કે શેખ હસીના પૂરતાં લોકતાંત્રિક નહોતાં. જે વ્યક્તિનું સંગઠન બાંગ્લાદેશમાં શરિયા કાયદો લાગુ કરવાનું છે, તેના માટે શોક કરવો એ બાંગ્લાદેશમાં લોકશાહી અને લઘુમતી અધિકારોની વિરુદ્ધ છે. તેમના અનુયાયીઓએ બાંગ્લાદેશના સ્વતંત્રતા સંગ્રામને નકારીને શેખ મુજીબુર રહેમાન સાથે સંકળાયેલી ઇમારતોને વારેવારે બાળી છે."
"શું આ પશ્ચિમી દૂતાવાસો આ બધાને સમર્થન કરે છે? શું આ પશ્ચિમી દેશોનાં બેવડાં ધોરણો અને દંભનું અન્ય એક ઉદાહરણ છે? સામાન્ય રીતે આવાં સત્તાવાર નિવેદનો ત્યારે જારી કરવામાં આવે છે જ્યારે સંબંધિત વ્યક્તિનું આંતરરાષ્ટ્રીય મહત્ત્વ હોય."
જોકે આ દરમિયાન સોમવારે બાંગ્લાદેશમાં રશિયાના રાજદૂત ઍલેકઝાન્ડર ગ્રિગોરીવિચ ખોજિને બાંગ્લાદેશ અને ભારતને તણાવ ઓછા કરવા પર ભાર મૂક્યો.
તેમણે કહ્યું કે આ જેટલું વહેલું થાય એટલું સારું. તેમણે કહ્યું કે તે બંને દેશો દ્વિપક્ષીય સંબંધોમાં દખલ નથી દેતા, પરંતુ તેમનું માનવું છે કે તણાવને તેમના મોજૂદ સ્તરેથી આગળ વધતા રોકવાનો માર્ગ શોધવો એ સમજદારી છે.
ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં તણાવ

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, ગયા વર્ષે બાંગ્લાદેશમાં થયેલાં વિરોધપ્રદર્શનો પછીથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે.
બાંગ્લાદેશમાં વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીના મૃત્યુ બાદ ફાટી નીકળેલી હિંસાથી ભારતવિરોધી ભાવનાને વધુ વેગ મળ્યો છે.
ગયા અઠવાડિયે બાંગ્લાદેશમાં એક હિન્દુ યુવાનની માર મારીને હત્યા કરાઈ હતી.
એ પછી 20 ડિસેમ્બરે નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈકમિશન સામે થયેલા કથિત વિરોધ બાદ ભારત અને બાંગ્લાદેશ સામસામે આવી ગયા હતા.
ખરેખર તો બાંગ્લાદેશ હાઈકમિશન સામે થયેલા કથિત પ્રદર્શન બાદ ભારતીય વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે ભારતે આ ઘટના અંગે કેટલાક બાંગ્લાદેશી મીડિયામાં ફેલાવાતા "ભ્રામક પ્રૉપગેન્ડા"ને જોયો છે.
ભારતીય વિદેશ મંત્રાલય તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, "સત્ય તો એ છે કે 20 ડિસેમ્બરે અંદાજે 20-25 યુવાનો નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈકમિશન સામે એકઠા થયા હતા. તેમણે મૈમનસિંહમાં દીપુચંદ્ર દાસની હત્યા સામે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા અને બાંગ્લાદેશમાં તમામ લઘુમતીઓની સુરક્ષાની માગ કરી હતી."
નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈકમિશન સામે કથિત પ્રદર્શન અંગે ભારતીય વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે આપેલા નિવેદન પર બાંગ્લાદેશે આકરી પ્રતિક્રિયા આપી હતી.
બાંગ્લાદેશે નવી દિલ્હીમાં તેના હાઈકમિશનની બહારના પ્રદર્શનનો વિરોધ કર્યો અને કહ્યું હતું કે તેને ફક્ત "ભ્રામક પ્રૉપગેન્ડા" કહીને નકારી ન શકાય.
બાંગ્લાદેશે કહ્યું હતું કે 20 ડિસેમ્બરે નવી દિલ્હીમાં તેના હાઈકમિશન આવાસ પર બનેલી "અયોગ્ય ઘટના" ખેદજનક છે. તેને "ભ્રામક પ્રૉપગેન્ડા" કહેવાઈ રહ્યું છે, પરંતુ તેને સ્વીકારી ન શકાય.
બાંગ્લાદેશ હાઈ કમિશન સામે કથિત વિરોધ અંગે બાંગ્લાદેશ વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે તે 'અયોગ્ય ઘટના' હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












