You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ પર હુમલાની કોશિશ, પીએમ મોદીએ કહ્યું, 'ઘટનાથી તમામ ભારતીય ગુસ્સામાં'
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ પર સોમવારે હુમલો કરવાનો પ્રયાસ થયો હતો.
કોર્ટમાં હાજર વકીલ અનસ તનવીરે બીબીસી સંવાદદાતા ઉમંગ પોદ્દારને આ ઘટનાની પુષ્ટિ કરી હતી.
આ ઘટના વિશે માહિતી આપતાં અનસ તનવીરે કહ્યું, "આજે સુપ્રીમ કોર્ટમાં થોડીવાર માટે હંગામો થયો જ્યારે એક વકીલે ચીફ જસ્ટિસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર પછી વકીલને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, ભારત 'સનાતનનું અપમાન' સહન નહીં કરે."
અનસ તનવીર કહે છે કે આ ઘટના દરમિયાન જસ્ટિસ ગવઈ શાંત રહ્યા અને સુનાવણી ચાલુ રાખી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર સીજેઆઈ સાથે વાત કરી. પીએમ મોદીએ ઍક્સ પર લખ્યું કે "મેં ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બી. આર. ગવઈજી સાથે વાત કરી. આજે સવારે સુપ્રીમ કોર્ટના પરિસરમાં તેમના પર થયેલા હુમલાથી દરેક ભારતીયમાં આક્રોશ છે. આપણા સમાજમાં આ પ્રકારનાં નિંદનીય કૃત્યો માટે કોઈ સ્થાન નથી. આ સંપૂર્ણ રીતે નિંદાને પાત્ર છે."
"મેં આવી સ્થિતિમાં જસ્ટિસ ગવઈ દ્વારા દેખાડવામાં આવેલી શાંતિની સરાહના કરી. તે તેમના દ્વારા ન્યાયનાં મૂલ્યો અને આપણા સંવિધાનની ભાવનાને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે."
સુપ્રીમ કોર્ટ ઍડ્વોકેટ્સ-ઑન-રેકૉર્ડ ઍસોસિએશન (SCOARA) અને કૉંગ્રેસ પાર્ટીએ આ હુમલાની નિંદા કરી છે.
હુમલો કરનાર વકીલ રાકેશ કિશોરને બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ હુમલાના પ્રયાસ સમયે ઍડ્વોકેટ રવિ ઝા પણ કોર્ટમાં હાજર હતા.
તેમણે બીબીસી સંવાદદાતા ઉમંગ પોદ્દારને જણાવ્યું કે, "વકીલે પોતાનું જૂતું ફેંક્યું અને હાથ ઊંચો કરીને કહ્યું કે તેણે તે ફેંક્યું છે. મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશ ચંદ્રનની પાછળ જૂતું પડ્યું હતું. ત્યારબાદ હુમલાખોરે માફી માંગી અને કહ્યું કે તે ફક્ત મુખ્ય ન્યાયાધીશને જ નિશાન બનાવવા માગતો હતો. કોર્ટરૂમના સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશે વકીલોને ઘટનાથી વિચલિત થયા વિના તેમની દલીલો ચાલુ રાખવા કહ્યું."
કોર્ટની અંદર શું થયું?
બાર એન્ડ બૅન્ચના અહેવાલ મુજબ "ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બૅન્ચ કેસોની સુનાવણી કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વકીલ પોડિયમ પાસે ગયા અને પોતાનું પગરખું કાઢીને જજ પર ફેંકવાનો પ્રયાસ કર્યો. જોકે, કોર્ટમાં હાજર સુરક્ષા કર્મચારીઓએ સમયસર હસ્તક્ષેપ કર્યો અને વકીલને બહાર ફેંકી દીધો."
લાઈવ લૉનો અહેવાલ કહે છે કે નજરે જોનારા કેટલાક લોકો મુજબ જૂતું ફેંકવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક કહે છે કે કાગળનો રૉલ ફેંકવામાં આવ્યો હતો.
અંગ્રેજી અખબાર ઈન્ડિયન ઍક્સપ્રેસે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે કોર્ટ નંબર 1માં સવારે લગભગ 11:35 વાગ્યે કાર્યવાહી દરમિયાન રાકેશ કિશોર નામના વકીલે પોતાના સ્પૉર્ટ્સ શૂઝ કાઢીને સીજેઆઈ ગવઈ પર ફેંક્યાં હતાં.
જોકે, બીબીસી આ દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી કરતું નથી.
રોહિત પાંડે સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિએશનના ભૂતપૂર્વ કાર્યકારી સચિવ છે.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા રોહિત પાંડેએ કહ્યું, "આ ખૂબ જ દુઃખદ ઘટના છે. હુમલો કરનાર વકીલ 2011થી સુપ્રીમ કોર્ટ બારના સભ્ય છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ પર ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી નારાજ થયા બાદ તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો."
હું બધા ધર્મોનું સન્માન કરું છું : સીજેઆઈ
હકીકતમાં 16 સપ્ટેમ્બરે સીજેઆઈ બી. આર. ગવઈ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બૅન્ચે મધ્ય પ્રદેશના ખજુરાહોમાં એક મંદિરમાં ભગવાન વિષ્ણુની તૂટેલી મૂર્તિના સમારકામ અને જાળવણી માટે આદેશ માંગતી અરજીને ફગાવી દીધી હતી.
બૅન્ચે જણાવ્યું હતું કે આ મામલો કોર્ટના નહીં પણ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના અધિકારક્ષેત્રમાં આવે છે. બૅન્ચે તેને "પબ્લિસિટી માટે કરવામાં આવેલી અરજી" ગણાવીને અરજદારને કહ્યું કે "જો તેઓ ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હોય તો તેને જ પ્રાર્થના કરે અને થોડું ધ્યાન લગાવે."
સીજેઆઈની આ ટિપ્પણીએ વિવાદ ઉભો કર્યો. વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)એ તેમને બોલવામાં સંયમ રાખવાની સલાહ આપી.
ત્યાર બાદ ભગવાન વિષ્ણુની મૂર્તિના સમારકામની માંગ કરતી અરજીની સુનાવણી દરમિયાન પોતાની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતા સીજેઆઈએ કોર્ટને કહ્યું, "આજકાલ સોશિયલ મીડિયા પર કંઈપણ થઈ શકે છે. ગઈકાલે કોઈએ મને કહ્યું કે તમે કંઈક અપમાનજનક બોલ્યા છો."
તેમણે કહ્યું, "હું બધા ધર્મોમાં માનું છું અને તમામ ધર્મોનો આદર કરું છું."
આ અંગે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એમ પણ કહ્યું કે, "હું છેલ્લાં 10 વર્ષથી સીજેઆઈને ઓળખું છું. તેઓ સંપૂર્ણ ભક્તિભાવથી તમામ ધર્મોનાં મંદિરો અને ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે."
આ દરમિયાન, મુખ્ય ન્યાયાધીશે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની ટિપ્પણીઓનો સંદર્ભ માત્ર એટલો હતો કે મંદિર આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI)ના અધિકારક્ષેત્રમાં આવે છે.
હુમલાની નિંદા
સુપ્રીમ કોર્ટ ઍડ્વોકેટ્સ-ઑન-રેકૉર્ડ ઍસોસિએશને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે એક વકીલના બેકાબૂ અને અસંસ્કારી વર્તન પર સર્વસંમતિથી અમારી ઊંડી વ્યથા અને અસહમતિ વ્યક્ત કરીએ છીએ, જેમાં તેમણે ભારતના માનનીય મુખ્ય ન્યાયાધીશ અને તેમના સાથી ન્યાયાધીશોના પદ અને સત્તાનો અનાદર કરવાનો પ્રયાસ કર્યો હતો."
"આવું વર્તન બારના સભ્ય માટે અયોગ્ય છે. તે ન્યાયતંત્ર અને કાનૂની વ્યવસાય વચ્ચેના પરસ્પર સન્માનના પાયાને નબળી પાડે છે."
સુપ્રીમ કોર્ટ ઍડ્વોકેટ્સ-ઑન-રેકૉર્ડ ઍસોસિએશને વધુમાં જણાવ્યું કે, તેના મત પ્રમાણે ભારતની સર્વોચ્ચ અદાલતે આ ઘટનાનું પોતાની જાતે સંજ્ઞાન લેવું જોઈએ અને તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવી જોઈએ કારણ કે આ સુપ્રીમ કોર્ટની ગરિમાને કલંકિત કરવાનો અને જનતાની નજરમાં તેની પ્રતિષ્ઠાને ઓછી કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે.
કૉંગ્રેસે કહ્યું કે ન્યાયના મંદિરમાં આવી ઘટના બની તે શરમજનક છે.
ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અજય રાયે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે, "લોકો સુપ્રીમ કોર્ટને ન્યાયનું મંદિર માને છે અને આવી ઘટના શરમજનક છે. થોડા દિવસો પહેલાં જ મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે આ દેશ બુલડોઝરથી નહીં, કાયદાથી ચાલશે. તેથી હું માનું છું કે આ સમગ્ર ન્યાયતંત્રનું અપમાન છે."
વરિષ્ઠ ઍડ્વોકેટ ઇન્દિરા જયસિંહ આને ન્યાયતંત્ર પર હુમલો ગણે છે અને આ મામલાની તપાસની માંગ કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન