સાઉદી અરેબિયાના મક્કામાં હજ વખતે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ કેમ ગોઠવવી પડી?

ઇમેજ સ્રોત, @modgovksa/X
સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર મુસ્લિમોના સૌથી પવિત્ર શહેર મક્કામાં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને સૈન્ય હેલિકૉપ્ટરની હાજરીની તસવીરો પોસ્ટ કરી છે. અહીં મસ્જિદ અલ-હરામ (કાબા) પર હેલિકૉપ્ટરો દેખરેખ રાખી રહ્યાં છે.
સાઉદી સંરક્ષણ મંત્રાલયે આ તસવીરે શૅર કરતા લખ્યું છે, "ઍર ડિફેન્સ ફોર્સિસ, જે ક્યારેય આંખો ઝપકાવતી નથી અને તેનું મિશન ખુદાના મહેમાનોનું રક્ષણ કરવાનું છે."
સાઉદી સંરક્ષણ મંત્રાલયે ઍક્સ પર જે તસવીરો મૂકી છે તેમાં મક્કામાં જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ શહેરની ચારેય બાજુ તહેનાત હોય તેવું જોવા મળે છે. પાછળની બાજુએ અલ-હરામ મસ્જિદની સામે વિખ્યાત ઈમારત સાઉદી ક્લૉક ટાવર પણ દેખાય છે.
બીજી પોસ્ટમાં એક સૈન્ય હેલિકૉપ્ટર જોવા મળે છે જે મસ્જિદ અલ-હરામની ચારે તરફના વિસ્તારમાં ફરે છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે લગભગ સાડા બાર લાખ યાત્રાળુઓ હજ કરવા માટે આવ્યા છે.
સાઉદી સંરક્ષણ મંત્રાલયે શૅર કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. સોશિયલ મીડિયા યૂઝર્સ સવાલ કરી રહ્યા છે કે હજ દરમિયાન સાઉદી અરેબિયાની સરકારે આ ઍર ડિફેન્સ સિસ્ટમ ગોઠવવાની જરૂર કેમ પડી.
કેટલાક લોકો એવી પણ ચર્ચા કરે છે કે યમનના હુતી હુમલાખોરોથી બચવા માટે સાઉદી અરેબિયાએ હજના પ્રસંગે મક્કામાં આ ઍર ડિફેન્સ સિસ્ટમ ગોઠવી છે.
સાઉદી અરેબિયાના નેતૃત્વમાં હુતીઓ સામે સૈન્યકાર્યવાહી થયા પછી હુતી લડવૈયાઓએ ઘણી વખત સાઉદી અરેબિયાનાં શહેરોને મિસાઇલથી નિશાન બનાવવાનો દાવો કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ સાઉદી અરેબિયાએ ભૂતકાળમાં હુતીઓ પર મક્કામાં મિસાઇલથી હુમલો કરવાનો આરોપ પણ લગાવ્યો છે. જોકે, હુતીઓએ મુસ્લિમોના સૌથી પવિત્ર શહેર પર હુમલાના આરોપો ફગાવ્યા છે.
સાઉદી અરેબિયાની સરકાર શું કહે છે?

ઇમેજ સ્રોત, @modgovksa/X
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સાઉદી અરેબિયાના મીડિયા પ્રમાણે સાઉદી અરેબિયાએ હજયાત્રીઓની સુરક્ષા માટે મક્કામાં ચારે બાજુ જમીન પરથી હવામાં પ્રહાર કરતી અમેરિકન પેટ્રિયટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ગોઠવી છે.
સાઉદી સરકારની સમાચાર એજન્સી પ્રમાણે ગૃહ મંત્રાલયે આ અઠવાડિયે હજ નિમિત્તે યાત્રાળુઓની સુરક્ષા અને વધુ સારી વ્યવસ્થા માટે એક માહિતી આપવા એક પત્રકારપરિષદ યોજી હતી. તેમાં સુરક્ષા અધિકારીઓએ હજ દરમિયાન સુરક્ષા માટે કેવાં પગલાં લેવાશે તેની માહિતી આપી હતી.
પત્રકારપરિષદમાં સાઉદી અરેબિયાના પબ્લિક સિક્યૉરિટી ડાયરેક્ટર લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અલ-બસામીએ મીડિયાને જણાવ્યું કે હજયાત્રીઓની સુરક્ષિત અને સુવ્યવસ્થિત માહોલ બનાવવા સાઉદી અરેબિયા પ્રતિબદ્ધ છે અને તેના માટે સંયુક્ત સુરક્ષા પ્રણાલી તૈયાર કરવામાં આવી છે.
તેના હેઠળ સુરક્ષા, શાંતિ વ્યવસ્થા, ક્રાઉડ મૅનેજમૅન્ટ, ટ્રાફિક અને ઇમરજન્સીની સ્થિતિનો સામનો કરવા વ્યવસ્થા કરવામાં આવશે. તેનો હેતુ મક્કા અને મદીનામાં હજ દરમિયાન યાત્રાળુઓને વધુ સારી સુવિધા આપવાનો છે.
તેમણે કહ્યું કે હજયાત્રીઓની સુરક્ષા અને ઇમરજન્સીની સ્થિતિમાં તત્કાળ મદદ પહોંચાડવા ડ્રોન્સથી નજર રાખવામાં આવી રહી છે. હજયાત્રીઓ માટે પાંચ હજાર કૅમેરા ગોઠવવામાં આવ્યા છે.
સાઉદી પ્રેસ એજન્સી પ્રમાણે સાઉદી ઍરફોર્સ પણ હજ દરમિયાન સુરક્ષા અને ઇમરજન્સીની સ્થિતિનો સામનો કરવાની વ્યવસ્થામાં સામેલ છે.
તેમણે કહ્યું કે સાઉદી ઍરફોર્સ પવિત્ર સ્થળોને સુરક્ષિત રાખવા હવાઈ સરહદની નિગરાણી અને ઍરટ્રાફિક સંભાળવા સહિત જમીન પર હાજર સેનાઓને લૉજિસ્ટિક મદદ આપી રહી છે.
ગયા વર્ષે હજ દરમિયાન વ્યવસ્થામાં ખામી અને સુવિધાની અછતની ફરિયાદ થઈ હતી. અસહ્ય ગરમીના કારણે ઘણા હજયાત્રીઓના મૃત્યુ થયાના અહેવાલ આવ્યા હતા.
પેટ્રિયટ મિસાઇલ સિસ્ટમ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયે શૅર કરેલી તસવીરોમાં દેખાતી ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ પેટ્રિયટ MIM 104 છે. આ એક મિસાઇલ અને વિમાનવિરોધી સંરક્ષણ પ્રણાલી છે. તેને અમેરિકન કંપનીઓ રેથિયૉન અને લૉકહીડ માર્ટિન દ્વારા વિકસાવાઈ છે.
MIM પેટ્રિયટ 104 એ લાંબા અંતરની મિસાઇલ સિસ્ટમ છે, જે જહાજો, ક્રૂઝ મિસાઇલો અને બૅલિસ્ટિક મિસાઇલો સહિત વિવિધ હવાઈ જોખમોને અટકાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
તે પોતાના આધુનિક રડાર માટે જાણીતી છે જેમાં એકસાથે અનેક લક્ષ્યોને ટ્રેક કરવાની અને તેનો નાશ કરવાની ક્ષમતા સામેલ છે. આ મિસાઇલ સિસ્ટમ ખૂબ જ ઓછા સમયમાં કાર્યરત્ થઈ જાય છે અને તેમાં ઇલેક્ટ્રોનિક જામિંગ અટકાવવાની ક્ષમતા પણ છે.
નાટો અનુસાર આ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ 150 કિલોમીટરથી વધુના અંતરમાં સચોટ રીતે પોતાના લક્ષ્યને શોધી કાઢવાની અને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ ડિફેન્સ પ્રણાલીને સૌપ્રથમ એંસીના દાયકામાં અમેરિકન આર્મીમાં સામેલ કરવામાં આવી હતી. ત્યારથી તેમાં સતત સુધારો કરાઈ રહ્યો છે.
વિશ્વભરનાં ઘણાં ડિફેન્સ સામયિકો આ મિસાઇલ સિસ્ટમને ટોચની દસ આધુનિક ડિફેન્સ સિસ્ટમમાં સ્થાન આપે છે.
આ મિસાઇલ સિસ્ટમે 1990ના દાયકાની શરૂઆતમાં ઇરાક-કુવૈત યુદ્ધમાં સારું પ્રદર્શન કરીને લશ્કરી નિષ્ણાતોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
આ મિસાઇલ સિસ્ટમનું ઉત્પાદન કરતી અમેરિકન કંપની રેથિયૉનની વેબસાઇટ અનુસાર, તે એવી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે જેમાં રડાર, કમાન્ડ અને કંટ્રોલ ટેકનોલૉજી અને અનેક પ્રકારના ઇન્ટરસેપ્ટરનો સમાવેશ થાય છે. તે વ્યૂહાત્મક બૅલિસ્ટિક મિસાઇલો, ક્રૂઝ મિસાઇલો, ડ્રોન, અદ્યતન વિમાનો અને અન્ય જોખમો શોધી કાઢવાં, ઓળખવાં અને નાશ કરવાની ક્ષમતા ધરાવે છે.
કંપનીની વેબસાઇટ પ્રમાણે જાન્યુઆરી 2015થી અત્યાર સુધીમાં પેટ્રિયટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમે વિશ્વભરમાં યુદ્ધ દરમિયાન 150થી વધુ બૅલિસ્ટિક મિસાઇલોને હવામાં જ નષ્ટ કરી દીધી છે. અમેરિકા સહિત વિશ્વના 19 દેશો પાસે આ ડિફેન્સ સિસ્ટમ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












