અમદાવાદ અને સુરત દુનિયાનાં પાંચ સૌથી ઝડપથી ડૂબતાં શહેરોમાં સામેલ, શું કારણો છે?

    • લેેખક, એગ્નિયા અટસ્કિયા, એન્ડ્રો સૈની, અરવિન સબરીદી, આયુ ઈત્ઝાજા
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

સિંગાપોરની નાન્યાંગ ટેકનૉલૉજીકલ યુનિવર્સિટીએ (એનટીયુ) હાથ ધરેલા એક અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે વિશ્વભરના દરિયાકાંઠાનાં શહેરો ભયજનક દરે ધીમે ધીમે સમુદ્રમાં ગરકાવ થઈ રહ્યાં છે.

એનટીયુની ટીમે એશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકાના દરિયાકાંઠાનાં 48 મહાનગરોનો અભ્યાસ કર્યો હતો.

આ શહેરોમાં એવા વિસ્તારો છે જેના પર, આબોહવા પરિવર્તનને લીધે દરિયાની સપાટીમાં વધારો થવાથી ડૂબી જવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

બીબીસીનું અનુમાન છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં આશરે 16 કરોડ લોકોની વસ્તી છે. વસ્તીનો આ આંકડો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે.

પૂરનું જોખમ તોળાઈ રહ્યું હોય તેવાં શહેરોમાં ચીનનું તિયાનજિન શહેર મોખરે છે. આ શહેરના કેટલાક ભાગો 2014થી 2020 સુધીમાં સરેરાશ 18.7 સેન્ટિમીટરના દરે ડૂબી રહ્યા છે.

એનટીયુએ જે 48 શહેરોનો અભ્યાસ હાથ ધર્યો હતો તેમાં ભારતનાં પાંચ શહેરોનો સમાવેશ થાય છે. આ ભારતીય શહેરોની સ્થિતિ શું છે?

અમદાવાદ ઝડપથી ડૂબી રહ્યું છે

એનટીયુના અભ્યાસ મુજબ 2014થી 2020 દરમિયાન અમદાવાદના કેટલાક વિસ્તારો પ્રતિ વર્ષ સરેરાશ 0.01 સેન્ટિમીટરથી 5.1 સેન્ટિમીટર ડૂબ્યા છે.

બીબીસીના અંદાજ મુજબ, ડૂબતા એ વિસ્તારોમાં 51 લાખ લોકો રહે છે.

અમદાવાદના પીપળજ વિસ્તારમાં મોટી સંખ્યામાં કાપડ મિલો આવેલી છે અને તે સૌથી ઝડપથી ડૂબતા વિસ્તારો પૈકીનો એક છે. તે દર વર્ષે સરેરાશ 4.2 સેન્ટિમીટર ડૂબી રહ્યો છે.

અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાના વિશ્લેષણ મુજબ, 2024માં સમુદ્રની સપાટીના સ્તરમાં પણ 0.59 ટકા સુધીનો વધારો થયો હતો.

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ભૂગર્ભમાંથી જંગી પ્રમાણમાં પાણી ખેંચવાથી. સમુદ્રની સપાટીના સ્તરમાં વૃદ્ધિથી અને વધારે વરસાદને કારણે આ ક્ષેત્રોમાં ભવિષ્યમાં વારંવાર પૂર આવવાની શક્યતા છે.

આ સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન વરસાદી પાણીના સંરક્ષણ અને ભૂગર્ભજળ રિચાર્જિંગ જેવાં લક્ષ્યો સાથે 'ક્લાયમેટ રેઝિલિયન્ટ સિટી ઍક્શન પ્લાન' બનાવી રહ્યું છે.

સુરતની હાલત કેવી છે

એનટીયુના અભ્યાસના તારણ મુજબ, સુરતના કેટલાક વિસ્તારો 2014થી 2020 દરમિયાન 0.01 સેન્ટિમીટરથી 6.7 સેન્ટિમીટર સુધી ડૂબી ગયા હતા.

આ વિસ્તારમાં 30 લાખ લોકો રહેતા હોવાનો બીબીસીનો અંદાજ છે.

અહીંનું કરંજ સૌથી ઝડપથી ડૂબતા વિસ્તારો પૈકીનું એક છે. તે દર વર્ષે સરેરાશ 6.7 સેન્ટિમીટરના દરે ડૂબી રહ્યું છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કૃષિ અને ઔદ્યોગિક શહેર સુરતમાં આ પરિસ્થિતિ સર્જાવાનું કારણ ખેતી, કાપડ ઉદ્યોગ અને આવાસ સંબંધી જરૂરિયાતો માટે ભૂગર્ભજળનું મોટા પાયે શોષણ છે.

આ શહેરમાં પૂર અટકાવવા માટે સ્થાનિક વહીવટીતંત્રે અનેક પગલાં લીધાં છે.

ઉકાઈ ડેમનું સંપૂર્ણપણે નવીનીકરણ કરવામાં આવ્યું છે. વરસાદની આગાહી અને પૂરની વહેલી ચેતવણી માટે એક ખાસ વ્યવસ્થા બનાવવામાં આવી છે.

મુંબઈ, મહારાષ્ટ્ર

એનટીયુના અહેવાલ મુજબ, 2014થી 2020 સુધીમાં મુંબઈના કેટલાક વિસ્તારો 0.01 સેન્ટિમીટરથી 5.9 સેન્ટિમીટર સુધી ડૂબી ગયા હતા.

આ વિસ્તારમાં 32 લાખ લોકો રહેતા હોવાનો બીબીસીનો અંદાજ છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે માટુંગા પૂર્વ વિસ્તારમાં કિંગ્ઝ સર્કલ રેલવે સ્ટેશનની આસપાસનો એરિયા સૌથી ઝડપથી, દર વર્ષે 2.8 સેન્ટિમીટરના સરેરાશ દરે ડૂબી રહ્યો છે.

નાસાના વિશ્લેષણ મુજબ, 2024માં અહીં સમુદ્રનું સ્તર 0.59 સેન્ટિમીટર વધ્યું હતું.

નિષ્ણાતો જણાવે છે કે ભૂગર્ભજળમાં અતિશય ઘટાડો, ગગનચુંબી ઇમારતો, મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ, સરકારી ગતિવિધિઓ અને ઉદ્યોગોએ સર્જેલી આદ્ર ભૂમિ તેનાં કારણો છે.

ચેન્નાઈ, તામિલનાડુ

એનટીયુના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 2014થી 2020 સુધીમાં ચેન્નાઈ શહેરના કેટલાક વિસ્તારો સરેરાશ 0.01 સેન્ટિમીટરથી 3.7 સેન્ટિમીટર સુધી ડૂબી ગયા હતા.

એ વિસ્તારોમાં 14 લાખ લોકો રહેતા હોવાનો બીબીસીનો અંદાજ છે.

અહીં સૌથી ઝડપથી ડૂબતો વિસ્તાર તારામણિ છે. આ વિસ્તાર દર વર્ષે સરેરાશ 3.7 સેન્ટિમીટર ડૂબી રહ્યો છે.

નાસાના અભ્યાસ મુજબ, 2024માં આ વિસ્તારમાં સમુદ્રની સપાટીનું સ્તર 0.59 સેન્ટિમીટર વધ્યું હતું.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કૃષિ, ઔદ્યોગિક અને ઘરેલુ જરૂરિયાત માટે મોટા પ્રમાણમાં ભૂગર્ભજળ ખેંચી કાઢવાને કારણે આવું થયું છે.

આ અસર ઘટાડવા માટે સરકારે ભૂગર્ભજળ વ્યવસ્થાપનમાં સુધારા, જળ સંસાધનોની ઓળખ અને પર્યાવરણીય અસરના ડેટાને ધ્યાનમાં રાખીને નિર્માણ કાર્ય કરવા જેવાં પગલાં લીધાં છે.

કોલકાતા, પશ્ચિમ બંગાળ

એનટીયુના અભ્યાસના તારણ મુજબ, કોલકાતાના કેટલાક વિસ્તારો 2014થી 2020 દરમિયાન 0.01 સેન્ટિમીટરથી 2.8 સેન્ટિમીટર સુધી ડૂબી ગયા છે.

આ વિસ્તારોમાં 90 લાખ લોકો રહેતા હોવાનો બીબીસીનો અંદાજ છે.

અહીંનો ભાટપારા વિસ્તાર સૌથી ઝડપથી ડૂબી રહ્યો છે. તેની વાર્ષિક સરેરાશ 2.6 સેન્ટિમીટર છે.

2024 સુધીમાં અહીં દરિયાની સપાટીનું સ્તર 0.59 સેન્ટિમીટર વધ્યું હોવાનું નાસાનું વિશ્લેષણ જણાવે છે.

જમીન ડૂબમાં જતી હોવાને કારણે ભૂકંપ, પૂર અને દરિયાઈ પાણીના પ્રવેશવા જેવા પરિણામની ચેતવણી આપવામાં આવી છે.

આમ થતું રોકવા માટે કેન્દ્ર સરકારે પર્યાવરણ પ્રભાવ અહેવાલ મુજબ ભૂગર્ભજળ સંવર્ધન, જળસ્રોતોની ઓળખ અને નિર્માણ કાર્યો પર નજર રાખવા જેવા કાર્યક્રમો શરૂ કર્યા છે.

ટોક્યોએ કેવી રીતે સમાધાન કર્યું?

જાપાનની રાજધાની ટોક્યોના કેટલાક વિસ્તારો ડૂબી રહ્યા હોવાનું સામે આવતાં, શહેરના વહીવટી તંત્રે આ સમસ્યાના ઉકેલ માટે એક અલગ રસ્તો કાઢ્યો.

1970ના દાયકામાં ભૂગર્ભજળના ઉપયોગ પર કડક નિયમો લાગુ કરવામાં આવ્યા પછી ટોક્યો શહેરમાં જળસ્ખલન અને ભૂસ્ખલનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

ટોક્યોમાં પાણી પુરવઠા વ્યવસ્થાપન માટે પ્રણાલી પણ બનાવવામાં આવી હતી. વૈજ્ઞાનિકો અનુસાર ભૂસ્ખલન અથવા જમીન ધંસતી અટકાવવાનો આ સૌથી અસરકારક રસ્તો છે.

એનટીયુના એક અભ્યાસ અનુસાર 2014થી 2020 વચ્ચે ટોક્યોના કેટલાક નાના વિસ્તારો દર વર્ષે સરેરાશ 0.01 સેન્ટિમીટરથી 2.4 સેન્ટિમીટર ડૂબી ગયા હોવા છતાં, ટોક્યો શહેર વધુ સ્થિર છે.

શહેરોને બચાવવાની અન્ય રીતો

ચીનના શાંઘાઈ, યાંગ્ત્ઝે નદીમાંથી શુદ્ધ પાણી કૂવા મારફતે જમીનમાં પમ્પ કરવામાં આવતું હતું. પહેલાં આ કૂવાઓનો ઉપયોગ ભૂગર્ભજળ કાઢવા માટે થતો હતો.

ચીનમાં ચોંગકિંગ અને અલ સાલ્વાડોરમાં સાન સાલ્વાડોર જેવાં અન્ય શહેરોએ સ્પૉન્જ સિટી સિદ્ધાંતને અનુસર્યો છે.

ફૂટપાથ અને અન્ય વિસ્તારો માટે છિદ્રાળુ કૉન્ક્રિટ અને ડામરનો ઉપયોગ કરવાને બદલે, સ્પૉન્જ સિટી કુદરતી રીતે શોષી લે તેવી સપાટીઓનો ઉપયોગ કરે છે. આમાં માટી, ઘાસ અને વૃક્ષોનો સમાવેશ થાય છે.

ઉદ્યાનો, ભીનાં મેદાનો અને હરિયાળી જગ્યાઓના નિર્માણને પ્રાથમિકતા આપવામાં આવે છે. તે જ સમયે એવાં તળાવોને પ્રાથમિકતા આપવામાં આવે છે જે ચોમાસા દરમિયાન પાણી વાળીને સંગ્રહ કરી શકે છે.

વર્જિનિયા ટેક યુનિવર્સિટીના પ્રોફેસર મનુચેહર શિરાઝી કહે છે કે, આનાથી બાંધ તૈયાર કરવાના ખર્ચના માત્ર દસમા ભાગનો ખર્ચ આવે અને તે એક લાંબા ગાળાનો ટકાઉ ઉકેલ બની શકે છે.

જોકે ટીકાકારો અનુસાર હાલના વિકાસ અથવા બાંધકામમાં આ સુવિધાઓ ઉમેરવી એ એક મુશ્કેલ કાર્ય છે. ઉપરાંત, તેનો અમલ મોટા પાયે થઈ રહ્યો નથી જેનાથી મોટો ફેર પડે છે.

પ્રોફેસર શિર્ઝેઈ કહે છે કે કોઈ પણ રોકાણ પાછળ, લાંબા ગાળાની રાજકીય પ્રતિબદ્ધતા હોવી જોઈએ.

તેઓ કહે છે કે, "ભૂસ્ખલન સમય સાથે ધીમેધીમે થાય છે. તેથી આપણે તેનો સામનો કરવા માટે કઠણ નિર્ણયો લેવાની જરૂર છે."

તેઓ ઉમેરે છે કે, "પ્રારંભિક તબક્કામાં ભૂગર્ભજળના નિષ્કર્ષણ પરનાં નિયંત્રણો, ભલે પાણી માટે કૂવાઓ અને બોરવેલ પર આધાર રાખતા મતદારોમાં બહુ લોકપ્રિય નથી પણ તેનો અમલ થવો જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન