You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ તારીખ પહેલાં જ બેસી જશે ચોમાસું, અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે નહીં અને કઈ તરફ જશે સિસ્ટમ?
ભારતમાં ચોમાસાની શરૂઆત આ વખતે ધાર્યા કરતાં પણ વહેલી થવા જઈ રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે 4થી 5 દિવસમાં ભારતમાં ચોમાસું બેસી જશે.
બીજી તરફ અરબી સમુદ્રમાં કર્ણાટકના દરિયાકાંઠા પાસે 21 મેના રોજ સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તે બાદ આ સિસ્ટમ મજબૂત બનીને 22 મેના રોજ લૉ-પ્રેશર એરિયા બનશે.
જે બાદ સિસ્ટમ અરબી સમુદ્રમાં જ આગળ વધશે અને ગુજરાત તરફ આવશે. જેથી તેની અસર પણ ગુજરાત પર થશે અને કેટલાક જિલ્લાઓમાં વધારે તો કેટલાક જિલ્લાઓમાં ઓછી અસર થવાની શક્યતા છે.
આ સાથે જ ગુજરાતમાં પણ તેની અસરની શરૂઆત થઈ જશે. હવામાન વિભાગે ગુજરાતમાં 'ભારેથી અતિભારે' વરસાદની આગાહી કરી છે.
આગામી દિવસોમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી શકે છે અને વરસાદનું જોર પણ વધવાની શક્યતા છે. કેરળમાં લગભગ 27 મે પહેલાં જ ચોમાસાની શરૂઆત થઈ જાય તેવી સંભાવના છે.
વાવાઝોડું સર્જાશે કે નહીં અને તે ગુજરાતને ક્યારે અસર કરશે?
હવામાન વિભાગના કહેવા પ્રમાણે અરબી સમુદ્રમાં લૉ-પ્રેશર એરિયા બની ગયા બાદ તે સિસ્ટમ આગળ વધશે અને વધારે મજબૂત થશે.
હાલની સ્થિતિ મુજબ આ સિસ્ટમ લગભગ 24 મેની આસપાસ ડીપ્રેશન બની જાય તેવી શક્યતા છે. હાલની સ્થિતિ પ્રમાણે હવામાનનાં કેટલાંક મૉડલો દર્શાવે છે કે આ સિસ્ટમ વાવાઝોડું બની શકે છે.
જોકે, હવામાન વિભાગે આ મામલે હજી કોઈ જાણકારી આપી નથી કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામાન્ય રીતે હવામાનની આવી સિસ્ટમ જ્યારે દરિયામાં વધારે રહે તો તેને તાકાત મળતી હોય છે. પરંતુ જો જમીન પર જલદી આવી જાય તો તે નબળી પડી જતી હોય છે.
કેટલાંક મૉડલો પ્રમાણે તે ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે અને મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા તથા ગુજરાતને તેની વધારે અસર થવાની સંભાવના છે.
હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાન વિભાગના મૉડલ પ્રમાણે ગુજરાતમાં આ સિસ્ટમની અસર 24 મેની આસપાસથી શરૂ થવાની શક્યતા છે અને 28 મે સુધી તેની અસર વિવિધ વિસ્તારો પર રહેશે.
ગુજરાતમાં આ સિસ્ટમને કારણે લગભગ 24-25 મેના રોજ પવનની ગતિમાં થોડો વધારો થવાની શક્યતા છે અને વરસાદનું પ્રમાણ પણ વધવાની શક્યતા છે.
આ સિસ્ટમ બન્યા બાદ કઈ તરફ જશે?
હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ સિસ્ટમ ડિપ્રેશન બનશે અને શરૂઆતમાં ઉત્તર તરફ આગળ વધશે. એનો અર્થ એ થયો કે કર્ણાટકના દરિયાકિનારા પાસે સિસ્ટમ બન્યા બાદ તે ગુજરાત તરફ આગળ વધશે.
યુરોપિયન સેન્ટર ફૉર મિડિયમ રેન્જ ફૉરકાસ્ટ (ECMWF) મુજબ આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાની પાસેથી થઈને વળાંક લઈ લેશે અને ત્યારબાદ અરબી સમુદ્રમાં આગળ વધશે. જોકે, હજી આ પૂર્વાનુમાનમાં ફેરફાર થશે.
ગ્લોબલ ફૉરકાસ્ટિંગ સિસ્ટમ (GFS) અનુસાર પણ આ સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની આસપાસ પહોંચે છે, સાવ નજીક પહોંચ્યા બાદ વળાંક લઈને તે અરબી સમુદ્રમાં આગળ વધી જાય છે.
જોકે, હાલ મૉડલ્સનાં અનુમાન છે અને હવામાન વિભાગે આનો કોઈ નકશો બહાર પાડ્યો નથી. હજી આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે તે બાદ હવામાન વિભાગ તે કઈ તરફ આગળ વધશે તેનો ટ્રૅક જાહેર કરશે.
જો આ સિસ્ટમ વાવાઝોડું ના બને તો પવનની ગતિ ઓછી હશે પરંતુ હજી સિસ્ટમ બની ગયા બાદ જ જાણ થશે કે કેટલી ઝડપથી પવન ફૂંકાશે.
હાલની સ્થિતિ પ્રમાણે સિસ્ટમ જ્યારે નજીક પહોંચશે ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ થોડો વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતના કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ?
અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે એની સાથે જ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થઈ જશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં 21મેથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ જશે.
સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 21 મેથી વરસાદની શરૂઆત થઈ જશે અને 24 મે સુધીમાં ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. જો સિસ્ટમ નજીક આવી તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં હાલની સ્થિતિ પ્રમાણે 26 તારીખ સુધી વરસાદ પડવાની શક્યતા છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ 21થી 26 મે સુધી અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે તથા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે.
હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્રમાં 23-24 મે અને દક્ષિણ ગુજરાતમાં 22થી 24 મે સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
ચોમાસું કેરળમાં શરૂ થાય તે પહેલાં જ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આ વખતે વરસાદ વહેલો શરૂ થઈ જતા ઉનાળું પાક લઈ રહેલા ખેડૂતો તથા બાગાયતી ખેતીને વધારે નુકસાન થશે.
ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં મુંબઈ સહિતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ગોવા તથા કર્ણાટકમાં પણ આગામી બેથી ત્રણ દિવસમાં ભારે વરસાદ થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન