ભારતીય લેખિકા બાનુ મુશ્તાકે 'હાર્ટ લૅમ્પ' પુસ્તક માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતીને રચ્યો ઇતિહાસ

    • લેેખક, શેરિલાન મોલાન
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

ભારતીય લેખિકા, વકીલ અને કાર્યકર્તા બાનુ મુશ્તાકે લઘુકથા સંકલન, 'હાર્ટ લૅમ્પ' માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતીને ઇતિહાસ રચ્યો છે.

કન્નડ ભાષામાં લખાયેલું આ પહેલું પુસ્તક છે કે જેને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

હાર્ટ લૅમ્પની કહાનીઓનો અંગ્રેજી અનુવાદ દીપા ભાસ્તીએ કર્યો છે.

1990થી 2023 વચ્ચે બાનુ મુશ્તાકે લખેલી 12 લઘુકથાઓના પુસ્તક 'હાર્ટ લૅમ્પ'માં દક્ષિણ ભારતની મુસ્લિમ મહિલાઓની મુશ્કેલીનું માર્મિક ચિત્રણ કરવામાં આવ્યું છે.

મુશ્તાકને મળેલો આ પુરસ્કાર મહત્ત્વપૂર્ણ છે કારણકે આ પુરસ્કાર માત્ર એમની કલમનો પરિચય નથી કરાવતો પણ ભારતની સમૃદ્ધ પ્રાંતિય સાહિત્યિક પરંપરાને પણ દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં વર્ષ 2022માં ગીંતાજલિ શ્રીના પુસ્તક 'ટૉમ્બ ઑફ સૅન્ડ'ને પણ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પુસ્તકનો હિંદીમાંથી અંગ્રેજી અનુવાદ ડૅઝી રૉકવેલે કર્યો હતો.

પુસ્તક પ્રેમીઓ બાનુ મુશ્તાકની કલમથી ચિર-પરિચિત છે, પણ ઇન્ટરનૅશનલ બુકર પુરસ્કારે એમની જિંદગી અને સાહિત્યને દુનિયાની સામે પ્રસ્તુત કર્યું છે.

એમના સાહિત્યમાં મહિલાઓ સામે ઊભા થનારા એ પડકારોનો ચિતાર મળે છે કે જે ધાર્મિક સંકીર્ણતા અને પિત્તૃસત્તાત્મક સમાજથી પેદા થયા છે.

આ પુસ્તક વિશે ઇન્ડિયન ઍક્સપ્રેસમાં છપાયેલા એક રિવ્યૂમાં લખાયું છે કે "એકતરફ સાહિત્યમાં હંમેશાં મોટા કથાનકને પુરસ્કૃત કરવામાં આવે છે, ત્યારે 'હાર્ટ લૅમ્પ' હાંસિયા પર ધકેલાઈ ગયેલી જિંદગીઓ વિશે છે. આ જ આ પુસ્તકની તાકાત છે. આ બાનુ મુશ્તાકની મૌન તાકાત છે''

મુશ્તાક કર્ણાટકના એક નાના કસબામાં મુસ્લિમ વિસ્તારમાં ઉછેર પામ્યાં હતાં અને પોતાની આસપાસની મોટાભાગની છોકરીઓની જેમ એમણે પણ સ્કૂલમાં ઉર્દૂ ભાષામાં કુરાનનો અભ્યાસ કર્યો હતો.

જ્યારે બાનુ મુશ્તાક આઠ વર્ષનાં હતાં ત્યારે એમના પિતાએ એમને એક કૉન્વેન્ટ સ્કૂલમાં દાખલ કર્યા હતા જ્યાં કન્નડ ભાષા ભણાવાતી હતી.

લગ્ન બાદનું જીવન

સ્કૂલના સમયમાં એમણે લખવાનું શરૂ કર્યું હતું. જ્યારે એમની સખીઓ સંસાર માંડી રહી હતી ત્યારે બાનુ મુશ્તાકે કૉલેજ જવાનો વિકલ્પ પસંદ કર્યો.

મુશ્તાકનું લખાણ છપાવામાં વર્ષો લાગ્યાં અને આ ત્યારે થયું જ્યારે તેઓ પોતાની જિંદગીની મહત્ત્વપૂર્ણ ક્ષણોમાંથી પસાર થઈ રહ્યાં હતાં.

26 વર્ષની ઉંમરમાં પોતાની ગમતી વ્યક્તિ સાથે લગ્ન કર્યાં બાદ એમની લઘુકથા એક સ્થાનિક મૅગેઝિનમાં છપાઈ હતી પણ એમનું પ્રારંભિક જીવન સંઘર્ષમય રહ્યું. આ અંગે એમણે ઘણીવાર ખૂલીને વાત કરી હતી.

'વૉગ મૅગેઝિન'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું, 'હું હંમેશાં લખવા માગતી હતી પણ કશું લખવા માટે હતું નહીં પછી લવ મૅરેજ બાદ અચાનક મને બુરખો પહેરવાનું કહેવામાં આવ્યું અને આખી જિંદગી ઘરેલું કામમાં જોડાઈ જવા કહ્યું. 29 વર્ષની ઉંમરે હું એક ડિપ્રેશનથી પીડિત માતા બની ગઈ'

'ધ વીક' મૅગેઝિનને આપેલાં એક ઇન્ટરવ્યૂમાં એમણે જણાવ્યું કે કંઈ રીતે એમની જિંદગી ઘરની અંદર બંધ થઈ ગઈ.

પરિસ્થિતિ સામે વિદ્રોહ

આ પછી એક ચોંકાવનારા વિદ્રોહે બાનુ મુશ્તાકને મુક્ત કરી દીધાં.

એમણે પત્રિકાને જણાવ્યું, એકવાર ઘોર નિરાશાને કારણે મેં મારા પર પેટ્રોલ છાંટી દીધું હતું.

જોકે, સદનસીબે મારા પતિને ખ્યાલ આવી ગયો. એમણે મને ગળે લગાડી અને (માચીસનું) બૉક્સ દૂર ફેંકી દીધું. મારા પતિએ મારા પગમાં મારાં બાળકને રાખીને પ્રાર્થના કરી કે મહેરબાની કરીને અમને નોંધારા ન મૂક.

'હાર્ટ લૅમ્પ'માં એમનું મહિલા પાત્ર પ્રતિરોધ અને વિદ્રોહની આ લાગણીને પ્રતિબિંબિત કરે છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારમાં છપાયેલા એક રિવ્યૂ પ્રમાણે મુખ્ય ધારાના ભારતીય સાહિત્યમાં મુસ્લિમ મહિલાઓને હંમેશાં એક જેવા સપાટ રૂપકોમાં ઢાળવામાં આવે છે. મુશ્તાકે આ પ્રથાને ફગાવી દીધી. એમનું પાત્ર મહેનતું છે અને વિરોધ પણ નોંધાવે છે. આ વિરોધ એવો છે કે જેનાથી એમની જિંદગીમાં ફરક પડે છે.

મહિલા અધિકારો માટે ઉઠાવ્યો અવાજ

મુશ્તાકે એક અગ્રણી સ્થાનિક ટૅબ્લોઇડમાં રિપોર્ટર તરીકે કામ કર્યુ અને 'બાંદાયા આંદોલન' સાથે પણ જોડાયાં.

આ આંદોલન સાહિત્યના માધ્યમથી સામાજિક અને આર્થિક અન્યાયને દૂર કરવા માટે ચલાવવામાં આવ્યું હતું.

એક દાયકા સુધી પત્રકારત્વ કર્યા બાદ એમણે પોતાના પરિવારની મદદ કરવા માટે વકીલાત શરૂ કરી.

કેટલાય દાયકાની પોતાની શાનદાર કારકિર્દી એમની સારી એવી રચનાઓ પ્રકાશિત થઈ હતી. એમાં છ લઘુકથા સંગ્રહ, એક નિબંધ સંગ્રહ અને એક નવલકથા સામેલ છે.

જોકે એમની તીખી લેખનીએ એમને નફરતનું નિશાન પણ બનાવ્યાં.

'ધ હિન્દુ' અખબારને આપેલી એક મુલાકાત બાદ એમણે જણાવ્યું કે કેવી રીતે વર્ષ 2000માં એમને ધમકીના ફોન આવ્યા હતા. મસ્જિદોમાં મહિલાઓને નમાઝ પઢવા અંગે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. એમની વિરુદ્ધ ફતવો જાહેર કરવામાં આવ્યો અને એક વ્યક્તિએ એમના પર ચાકૂથી હુમલો કરવાની કોશિશ કરી. જોકે એમના પતિએ હુમલાખોરને દબોચી લીધો.

પણ આ ઘટનાઓથી મુશ્તાક ડર્યાં નહીં અને એમણે પ્રમાણિકતાથી લખવાનું ચાલુ રાખ્યું.

'ધ વીક મૅગેઝિન'ને એમણે કહ્યું હતું, "મેં હંમેશાં અંધશ્રદ્ધાને વેગ આપતા ધાર્મિક વ્યાખ્યાઓને પડકાર ફેંક્યો છે. આ મુદ્દા મારા લેખનના કેન્દ્રમાં છે. સમાજ ઘણો બદલાઈ ગયો છે પરંતુ મૂળભૂત મુદ્દાઓ હજુ એ જ છે. ભલે સંદર્ભ બદલાઈ રહ્યો હોય. પણ મહિલાઓ અને હાંસિયા પર પડેલા સમુદાયોનો મૂળભૂત સંઘર્ષ યથાવત્ છે.

પાછલાં કેટલાંક વર્ષોથી મુશ્તાકના લેખનને 'કર્ણાટક સાહિત્ય અકાદમી પુરસ્કાર' અને 'દાણા ચિંતામણિ અતિમાબે પુરસ્કાર' સહિત કેટલાયે પ્રતિષ્ઠિત સ્થાનિક અને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયા છે.

2024માં, 1990 અને 2012ની વચ્ચે પ્રકાશિત મુશ્તાકની પાંચ લઘુકથાનાં સંગ્રહોનું અંગ્રેજી સંકલન, 'હસીના ઍન્ડ અધર સ્ટોરીઝ'ને પ્રતિષ્ઠિત 'પેન ટ્રાન્સલેશન પ્રાઇઝ' પણ આપવામાં આવ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.