સોમનાથ ડિમોલિશન : સુપ્રીમ કોર્ટે કાર્યવાહી પર રોકનો ઇનકાર કર્યો, ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો

સોમનાથ મંદિર પાસેના મેગા ડિમોલિશનની કાર્યવાહીએ સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બની છે

ઇમેજ સ્રોત, DILIP MORI

ઇમેજ કૅપ્શન, સોમનાથ મંદિર પાસેના મેગા ડિમોલિશનની કાર્યવાહીએ સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બની છે

વહીવટીતંત્ર દ્વારા સોમનાથ મંદિરની આસપાસનું ગેરકાયદેસર દબાણ તોડી પાડવાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એક અરજીની સુનાવણી કરતા અદાલતે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર સુપ્રીમ કોર્ટે ડિમોલિશન પર સ્ટે મૂકવાનો ઇન્કાર કર્યો છે. પરંતુ કોર્ટે સ્પષ્ટતા પણ કરી છે કે, જો આ મામલામાં તેના આદેશનું ઉલ્લંઘન થયાનું જણાશે તો તે સંબંધિત અધિકારીઓને જેલમાં મોકલશે. એટલું જ નહીં, તોડી પાડવામાં આવેલા માળખાને ફરીથી યથાસ્થિતિમાં લાવવાનો આદેશ પણ આપશે.

જસ્ટિસ બી.આર.ગવઈ અને કે.વી.વિશ્વનાથને અરજીની સુનાવણી કરતા આ ટિપ્પણી કરી હતી.

સમસ્ત પટણી મુસ્લિમ જમાતે સુપ્રીમ કોર્ટમાં આ મામલે અરજી કરી હતી, જેની સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટ આ મામલાની આગળની સુનાવણી 16 ઑક્ટોબર પર નિયત કરી છે.

સમસ્ત પટણી મુસ્લિમ જમાત વતી વકીલ સંજય હેગડે અને અનસ તનવીરે કોર્ટમાં દલીલ કરી હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું કે ગુજરાત સરકારે વહેલી સવારે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સદીઓ જૂની મસ્જિદ, દરગાહ, ઈદગાહ અને કબ્ર તોડી પાડવામાં આવ્યાં હતાં. વકીલો અનુસાર ડિમોલિશન માટે કોઈ નોટિસ પાઠવવામાં આવી નહોતી અને મિલ્કતદારોને પોતાની વાત રજૂ કરવાની તક પણ અપાઈ નહોતી.

ગુજરાત સરકાર વતી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં દલીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, જમીન ખાલી કરાવવાની પ્રક્રિયા સાલ 2023માં શરૂ કરવામાં આવી હતી અને બધી જમીન સરકારની માલિકીની છે. તેમણે એ પણ કહ્યું કે જે પણ મિલ્કત તોડી પાડવામાં આવી છે તે જળસ્ત્રોતની નજીક હતી.

સોમનાથ મંદિર પાસેના મેગા ડિમોલિશનની કાર્યવાહીએ સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બની છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે જ્યારે આ ડિમોલિશન હાથ ધરાયું હતું ત્યારે સેંકડો લોકો તેના વિરોધ માટે ભેગા થઈ ગયા હતા. આ ડિમોલિશન હાથ ધરવા માટે પોલીસદળના ધાડેધાડાં ઉતારી દેવામાં આવ્યાં હતાં.

સમસ્ત પટની મુસ્લિમ જમાતે અરજી કરીને ગુજરાત સરકાર સામે 17 સપ્ટેમ્બરના સુપ્રીમ કોર્ટના આદેશના ઉલ્લંઘન મામલે અવમાનનાની કાર્યવાહીની માગ કરી છે.

17 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે આગલી સુનાવણી સુધી દેશમાં કોર્ટની મંજૂરી વગર ડિમોલિશનની કોઈ કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો. જોકે અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે તેનો આદેશ જાહેર સ્થળે ગેરકાયદેસર બાંધકામ જેમને રસ્તા, ફૂટપાથ, રેલવેલાઇન નજીક કે નદી અથવા અન્ય જળસ્રોતોની નજીક અથવા અદાલતમાંથી ડિમોલિશનનો આદેશ આપેલો હોય, એવા મામલામાં લાગુ થતો નથી.

સોમનાથ ડિમોલિશનનો મામલો શું છે?

સુપ્રીમ કોર્ટે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

29 સપ્ટેમ્બરે વહેલી સવારે સોમનાથ મંદિર પાસે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં દરગાહ, મસ્જિદ, નાનાં-નાનાં મુસાફરખાનાં અને મકાનોનાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતા.

ડિમોલિશન બાદ સ્થાનિક મુસ્લિમ સમાજ તેના વિરોધમાં સામે આવ્યો હતો. સમાજના આગેવાનોનો આરોપ છે કે તેમને સમગ્ર ડિમોલિશન વિશે કોઈ માહિતી આપવામાં આવી નહોતી.

ત્રણ પેઢીઓથી પ્રભાસ પાટણમાં રહેતા ઇસ્માઈલ મન્સૂરીએ બીબીસીને જણાવ્યું હતું, "અહીં 35 જેટલી નાની દરગાહ તોડી પાડવામાં આવી છે, જેમાં 7 મોટી દરગાહ છે."

તેઓ વધુમાં જણાવ્યું હતું કે માત્ર દરગાહ જ નહીં પરંતુ કબ્રસ્તાનની જગ્યામાં પણ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. દરગાહમાં બનાવવામાં આવેલાં 40-45 મુસાફરખાનાં (મુલાકાતીઓના રહેવા માટેની નાની ઓરડીઓ) અને દરગાહ અને મસ્જિદની રખેવાળી કરતા લોકોનાં ઘરો પણ તોડી પાડવામાં આવ્યાં છે.

જોકે, પ્રશાસને કહ્યું હતું કે આ કાર્યવાહીમાં બે કિલોમીટરની રૅન્જમાં આવેલ મસ્જિદો સહિતનાં 9 જેટલાં મોટાં ધાર્મિકસ્થળો અને ત્રણ જેટલાં નાનાં ધાર્મિકસ્થળોનાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવ્યાં. સાથે 45 પાકાં મકાનોનાં દબાણોને પણ દૂર કરવામાં આવ્યાં છે.

ડિમોલિશનની કાર્યવાહી બાદની પરિસ્થિતિ
ઇમેજ કૅપ્શન, ડિમોલિશનની કાર્યવાહી બાદની પરિસ્થિતિ

સ્થાનિકો અનુસાર છેલ્લા એક વર્ષમાં આ વિસ્તારમાં ત્રીજી વખત ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને દરેક વખતે લઘુમતી સમાજના લોકોની મિલ્કતોને ગેરકાયદેસર ઠેરવીને તોડી પાડવામાં આવી છે.

સ્થાનિક લઘુમતી સમાજના આક્ષેપ વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર કહે છે કે જે પણ ગેરકાયદેસર બાંધકામ હતું તેનું જ ડિમોલિશન કરવામાં આવ્યું હતું.

જોકે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ''ડિમોલિશનનમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યાં છે. કુલ 102 એકર જમીનો પર ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યાં છે. જેનો બજારભાવ લગભગ 320 કરોડ રૂપિયા છે. આ જમીનો સોમનાથ મંદિરની બાજુમાં જ આવેલી છે.''

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાયદા અનુસાર જ કાર્યવાહી કરવામાં આવી છે. સોમનાથ મંદિર પાછળ દબાણ હટાવવાની કામગીરી 2023થી શરૂ થઈ હતી અને આ કાર્યવાહીમાં બે ધર્મના લોકોનાં દબાણ દૂર કરવામાં આવ્યાં છે.

હાઇકોર્ટમાં શું થયું?

સોમનાથ મંદિરની આસપાસ થયેલા ડિમોલિશનનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.

દરગાહો અને કબ્રસ્તાન પર ઓલિયા-એ-દીન કમિટીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરીને યથાસ્થિતિ જાળવી રાખવાની માગ કરી હતી. કમિટી તરફથી અરજી સાકિબ અંસારીએ દાખલ કરી હતી. તેમના વકીલ મિરાલ ઠાકોરે અદાલતને કહ્યું કે જ્યાં સુધી સંપત્તિ સાર્વજનિક સ્થાને ન હોય અથવા તો અદાલતનો આદેશ ન હોય ત્યાં સુધી કોઈ ડિમોલિશન નહીં થવું જોઈએ.

જોકે સામે પક્ષે સરકારી વકીલે કહ્યું કે 1951માં તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારની અધિસૂચના અનુસાર આ ભૂમિને સાર્વજનિક ઘોષિત કરવામાં આવી હતી. વર્તમાન સરકારે આ સાર્વજનિક સ્થાનેથી અતિક્રમણ હઠાવી દીધું છે.

તો વકીલ મિરાલ ઠાકોરે તર્ક આપ્યો કે દરગાહની આસપાસ નાની ઓરડીઓ કે મુસાફરખાનાંને હઠાવવા માટે નોટિસ જાહેર કરવામાં આવી હતી પરંતુ દરગાહને તોડી ન શકાય.

તેમણે કહ્યું કે હાજી મંગરોલી દરગાહ અને કબ્રસ્તાનને તોડવા અંગે એક પણ દસ્તાવેજ જાહેર કરવામાં નથી આવ્યો. તેમણે અદાલત સમક્ષ માગ કરી કે પ્રશાસને જ્યારે ઢાંચો પાડી દીધો છે ત્યારે જ્યાં સુધી આ મામલે ઉકેલ નહીં આવે ત્યાં સુધી તોડી પાડવામાં આવેલા આ ઢાંચાની આસપાસ દીવાલ બનાવવાની સરકારને અનુમતિ નહીં આપવામાં આવે.

જોકે સરકારી વકીલે કહ્યું કે વાડ લગાવી દેવામાં આવી છે અને જમીન સરકારી કબજામાં છે જોકે અદાલતે આ મામલે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.