You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડામાં મતદાન શરૂ : વડા પ્રધાનની પસંદગી ત્યાં કેવી રીતે થાય છે?
ગયા મહિને લિબરલ પાર્ટીના નેતા ચૂંટાઈ ગયા પછી પૂર્વ બૅન્કર માર્ક કાર્નીએ કૅનેડાના નવા વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા, પરંતુ ત્યાર પછી તરત જ તેમણે ચૂંટણી માટેની તૈયારી શરૂ કરવી પડી.
જાન્યુઆરીમાં પૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ લિબરલ પાર્ટીના નેતાપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર પછીથી જ કૅનેડામાં ઘણા નેતાઓ મતદાન કરાવવાની માગણી કરી રહ્યા હતા.
પરંતુ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૅનેડા ઉપર લગાવેલા ટેરિફ અને ટ્રેડ વૉર પછી કૅનેડા માટે વહેલી ચૂંટણી કરાવવી શક્ય નહોતી.
ભારતીય સમય પ્રમાણે, સોમવારે સાંજે કૅનેડામાં મતદાન શરૂ થઈ ગયું.
કૅનેડામાં કાયદાકીય રીતે બે ફેડરલ ચૂંટણી વચ્ચે વધુમાં વધુ પાંચ વર્ષનું અંતર હોવું જોઈએ.
સત્તાવાર રીતે કૅનેડામાં 20 ઑક્ટોબર 2025એ ચૂંટણી થવાની હતી, પરંતુ પરિસ્થિતિ કંઈક એવી ઊભી થઈ જેના કારણે અહીં વહેલી ચૂંટણી કરાવાય છે.
કૅનેડામાં વહેલી ચૂંટણી ત્યારે થાય છે, જ્યારે કાં તો ગવર્નર જનરલ વડા પ્રધાનની સલાહ માનીને સંસદનો ભંગ કરી દે, અથવા તો સંસદમાં સરકારનો બહુમત સાબિત ન થાય ત્યાર પછી ગવર્નર જનરલ વડા પ્રધાનનું રાજીનામું સ્વીકારી લે.
માર્ક કાર્નીએ પ્રથમ વિકલ્પ પસંદ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લા કેટલાક સમયથી ભારત અને કૅને઼ડાના સંબંધ તળિયે ગયા છે, ત્યારે નવી સરકારના કાર્યકાળમાં આ દિશામાં કેવી પ્રગતિ થાય છે, તેની ઉપર પણ ભારતીયોની નજર રહેશે.
મોટી સંખ્યામાં ગુજરાતીઓ અહીં નિવાસ કરે છે તથા વિદ્યાર્થીઓ અહીં ભણવા જાય છે, જેથી પણ આ ચૂંટણી પ્રત્યે ઉત્સુકતા જોવા મળી રહી છે.
કૅનેડામાં વડા પ્રધાન કેવી રીતે ચૂંટાય છે?
કૅનેડાની ફેડરલ ચૂંટણીમાં મતદાર સીધા પીએમ માટે મતદાન નથી કરતા. તેઓ સંસદના સભ્યો માટે મત આપે છે.
તેનો અર્થ એ છે કે, કાર્નીએ ચૂંટણી લડવી પડશે. બીજી તરફ, વિપક્ષી નેતા પિયરે પોલિવિયરે પણ ચૂંટણીમાં હશે.
જ્યારે ન્યૂ ડેમૉક્રેટિક પાર્ટીના નેતા જગમીતસિંહે પણ ચૂંટણી લડવી પડશે.
એક સવાલ એ છે કે, કયા પક્ષો પોતાના ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારી શકે છે?
કૅનેડાની આ વખતની ચૂંટણીમાં ચાર મુખ્ય પક્ષ ભાગ લઈ રહ્યા છે. તેમાં લિબરલ્સ, કન્ઝર્વેટિવ, ન્યૂ ડેમૉક્રેટિક અને બ્લૉક ક્યૂબેકૉઇસનો સમાવેશ થાય છે.
લિબરલ પાર્ટી 2015થી સત્તામાં છે (ત્યારે પીએમ તરીકે જસ્ટિન ટ્રૂડોને પસંદ કરાયા હતા).
જ્યારે સંસદને ભંગ કરવામાં આવી ત્યારે લિબરલ પાર્ટી પાસે 153 બેઠકો હતી, જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટી 120 બેઠકો સાથે મુખ્ય વિપક્ષી દળ બની હતી.
33 બેઠકો સાથે બ્લૉક ક્યૂબેકૉઇસ સંસદમાં ત્રીજી મોટી પાર્ટી હતી અને એનડીપીના ભાગમાં 24 બેઠકો હતી.
અગાઉની ચૂંટણીમાં ગ્રીન પાર્ટીને ફક્ત બે સીટ્સ પર જીત મળી હતી.
ઓપિનિયન પોલ્સમાં પહેલાં કન્ઝર્વેટિવ પાર્ટીને સરસાઈ મળતી દેખાતી હતી, પરંતુ ટ્રૂડોએ રાજીનામું આપ્યા પછી ઓપિનિયન પોલ્સમાં બંને પાર્ટી, એટલે કે, લિબરલ્સ અને કન્ઝર્વેટિવના આંકડા વચ્ચે ખાસ તફાવત જોવા નથી મળતો.
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણય પછી કૅનેડાની ચૂંટણીમાં ઉમેદવારો વચ્ચેની ટક્કર અત્યંત જોરદાર જોવા મળી રહી છે. એપ્રિલના મધ્યમાં નૅશનલ પોલ્સમાં લિબરલ્સને સામાન્ય સરસાઈ મળતી જોવા મળી.
ઓપિનિયન પોલ્સ શું કહે છે?
2025ની શરૂઆતમાં જ્યારે ટ્રૂડોએ પીએમપદ પરથી રાજીનામું આપ્યું ત્યારે તેમના પર પોતાની જ પાર્ટી તરફથી ખૂબ દબાણ હતું. એવું મનાતું હતું કે તેમની લોકપ્રિયતા ઘટવાનું પરિણામ લિબરલ્સે ભોગવવું પડી શકે તેમ છે અને આગામી ચૂંટણી જીતવાની તેમની આશા ઘટતી જાય છે.
કૅનેડા બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશને નૅશનલ પોલિંગ ઍવરેજનો જે ડેટા રજૂ કર્યો, તેના અનુસાર 2023 અને 2024માં લિબરલ્સ પાર્ટીના સમર્થનમાં સતત ઘટાડો નોંધાયો.
બિલકુલ એ જ સમય દરમિયાન કન્ઝર્વેટિવના સમર્થનમાં વધારો જોવા મળ્યો. 20 જાન્યુઆરી 2025એ જ્યારે ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા, તે દિવસે કન્ઝર્વેટિવનો ગ્રાફ 44.8 ટકા પર હતો, જ્યારે લિબરલ્સનો ગ્રાફ માત્ર 21.9 ટકા પર હતો.
પરંતુ ત્યાર પછી જોવા મળી રહેલા પોલમાં લિબરલ્સના સમર્થનમાં વધારો જોવા મળ્યો છે. તાજા આંકડા દર્શાવે છે કે, લિબરલ પાર્ટી પાસે 40 ટકાથી થોડી વધુ સરસાઈ છે. જ્યારે કન્ઝર્વેટિવને 40 ટકાથી થોડું ઓછું સમર્થન મળ્યું છે.
ત્રણ વર્ષમાં આ પહેલો પ્રસંગ છે જેમાં લિબરલ્સને પોલ્સમાં સરસાઈ મળી છે.
વેપારના મુદ્દે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ધમકીઓ, વધતી જતી મોંઘવારી અને ઘરોની સંખ્યા કૅનેડાના મતદારો માટે મુખ્ય ચૂંટણીમુદ્દા છે.
કૅનેડામાં ફેડરલ ચૂંટણી કઈ રીતે કાર્ય કરે છે?
કૅનેડામાં 343 ફેડરલ ક્ષેત્ર છે, જેને ચૂંટણી ક્ષેત્ર કે ચૂંટણીનો જિલ્લો પણ કહેવામાં આવે છે. દરેક ચૂંટણી જિલ્લા પાસે હાઉસ ઑફ કૉમન્સમાં એક સીટ હોય છે.
નીચલા ગૃહમાં, એટલે કે હાઉસ ઑફ કૉમન્સની દરેક સીટ માટે ચૂંટણી થાય છે.
જ્યારે ઉપલા ગૃહમાં સૅનેટના સભ્યોની પસંદગી કરવામાં આવે છે, તેઓ ચૂંટણી નથી લડતા.
બ્રિટનની જેમ કૅનેડામાં પણ 'ફર્સ્ટ-પાસ્ટ-ધ-પોસ્ટ' ચૂંટણીપ્રદ્ધતિ છે.
દરેક ક્ષેત્રમાં જે ઉમેદવારને સૌથી વધુ મત મળે છે, તે જીત નોંધાવવામાં સફળ રહે છે અને સાંસદ બને છે. તેમને નાખવામાં આવેલા કુલ મતોમાંથી બહુમત મેળવવાની જરૂર નથી હોતી.
જે પાર્ટીને સૌથી વધારે સીટ મળે છે, તેના નેતા સરકાર બનાવવાનો દાવો રજૂ કરે છે, જ્યારે બીજો સૌથી મોટો પક્ષ મુખ્ય વિપક્ષી પાર્ટીનો દરજ્જો મેળવે છે.
જો કોઈ પણ પક્ષને બહુમત ન મળે, તો પરિણામને હંગ પાર્લામેન્ટ ગણવામાં આવે છે, અથવા તો માઇનોરિટી સરકારનું ગઠન થાય છે.
આનો મતલબ એ કે, સૌથી વધારે સીટ મેળવનાર પાર્ટી બીજા પક્ષોના સહયોગ વિના કોઈ પણ બિલ પાસ નથી કરી શકતી.
માર્ક કાર્ની
60 વર્ષના માર્ક કાર્ની કૅનેડાના પીએમ છે. જોકે, તેમણે પદ સંભાળ્યાને થોડોક જ સમય થયો છે.
માર્કને જ્યારે લિબરલ પાર્ટીના નેતા બનાવવામાં આવ્યા, ત્યારે તેમને પાર્ટીના 85 ટકા મત મળ્યા.
કૅનેડા અને બ્રિટનમાં કેટલાક લોકો માટે કાર્ની એક જાણીતો ચહેરો રહ્યા છે. તેઓ ફાઇનાન્સિયલ બાબતોના ઍક્સ્પર્ટ છે અને બૅન્ક ઑફ કૅનેડા અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના પ્રમુખ રહ્યા છે.
તેમનો જન્મ ફોર્ટ સ્મિથમાં થયો અને તેઓ નૉર્થ ભાગમાંથી આવતા કૅનેડાના પહેલા પીએમ છે.
કાર્નીએ હાર્વર્ડ અને ઑક્સફૉર્ડ જેવી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. કાર્નીએ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મજબૂત સ્ટૅન્ડ લીધું છે અને કહ્યું છે કે તેઓ કૅનેડાને અમેરિકાનું 51મું રાજ્ય ક્યારેય નહીં બનવા દે.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે, તેઓ કૅનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા માગે છે.
પરંતુ અત્યાર સુધી એક પણ વાર કાર્ની કૅનેડાની પબ્લિક ઑફિસ માટે પસંદ નથી થયા. વિરોધીઓની સરખામણીએ તેમની ફ્રેન્ચ પણ વધુ સારી નથી. કૅનેડાના ક્યૂબેક પ્રાંતમાં ફ્રેન્ચ ભાષા આવડવી સામાન્ય બાબત છે.
ચૂંટણી અભિયાન દરમિયાન વધુ બ્રેક લેવાના કારણે તેમણે ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો છે.
પિયરે પોલિવિયરે
45 વર્ષીય પિયરે પોલિવિયરે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા છે. તેઓ અલબર્ટાના કૅલગરીના છે અને છેલ્લા બે દાયકાથી કૅનેડાના રાજકારણમાં સક્રિય છે.
25 વર્ષની ઉંમરે તેઓ પહેલી વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. તે સમયે તેઓ કૅનેડાના સૌથી યુવા સાંસદ હતા.
તે સમયથી તેઓ સામાન્ય નાગરિકો પરનો ટૅક્સનો બોજ ઘટાડવાની અને નાની સરકારની તરફેણ કરતા રહ્યા છે.
પોલિવિયરે લિબરલ પાર્ટીને નિશાન બનાવતા રહ્યા છે. તેમનો આરોપ છે કે ટ્રૂડોની નીતિના કારણે કૅનેડાના લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે.
જુલાઈ 2023 પછી માર્ચ 2025 સુધીના પોલ્સમાં પોલિવિયરેને સરસાઈ મળતી જોવા મળી છે, પરંતુ, ટ્રૂડોના રાજીનામા પછી તેમના માટે આગળનો માર્ગ મુશ્કેલ બનતો જોવા મળી રહ્યો છે.
બ્લૉક ક્યૂબેકૉઇસ પાર્ટીના નેતા
બ્લૉક ક્યૂબેકૉઇસ પાર્ટી માત્ર એવાં ક્ષેત્રોમાં ચૂંટણી લડે છે જ્યાં ફ્રેન્ચ બોલાય છે.
બ્લૉક ક્યૂબેકૉઇસ પાર્ટીના નેતાની પીએમ બનવાની કશી સંભાવના નથી દેખાતી. જોકે, ચૂંટણીમાં આ પાર્ટીની ભૂમિકા મહત્ત્વ ધરાવે છે.
જો કોઈ પક્ષને બહુમત ન મળે, તો બ્લૉક ક્યૂબેકૉઇસની ભૂમિકા નિર્ણાયક બની જાય છે.
બ્લૅંચેટ 2019થી પાર્ટીનું નેતૃત્વ કરે છે. તેમણે પણ ટ્રમ્પના એ નિવેદનની ટીકા કરી હતી, જેમાં ટ્રમ્પે કહેલું કે તેઓ કૅનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા માગે છે.
બ્લૅંચેટ ઘરેલુ બાબતોમાં ટ્રેડ પાર્ટનર્સને પ્રોત્સાહિત કરવાની વાત કરે છે અને તેઓ માને છે કે તેનાથી કૅનેડાની અર્થવ્યવસ્થા પાટા પર આવી શકે છે.
જગમીતસિંહ
જગમીતસિંહ 46 વર્ષના છે અને એનડીપીના નેતા છે. તેમનું રાજકીય ફોકસ વર્કર્સ અને મજૂરોના મુદ્દાની આસપાસ છે.
2017માં, જ્યારે તેઓ કૅનેડામાં એક મુખ્ય રાજકીય પાર્ટીનું નેતૃત્વ કરનાર અલ્પસંખ્યક અને શીખ સમુદાયમાંથી આવતા પ્રથમ નેતા બન્યા, ત્યારે તેમણે ઇતિહાસ રચ્યો હતો.
2019માં તેઓ સાંસદ તરીકે ચૂંટાયા. 2021થી એનડીપીએ ટ્રૂડોની લિબરલ પાર્ટીને સરકાર જાળવી રાખવામાં મદદ કરી.
પરંતુ હાલના સમયની વાત કરવામાં આવે તો તેમની પાર્ટીને વધારે સમર્થન નથી. એપ્રિલના મધ્યમાં થયેલા પોલ્સમાં 8.5 ટકા લોકોએ એનડીપીને મત આપવાની ઇચ્છા જાહેર કરી હતી.
સવાલ એ છે કે શું એનડીપી એટલી બેઠકો મેળવી શકશે, જેટલી ગઈ વખતે મળી હતી, અને શું તેની પાસે સત્તાવાર પાર્ટીનો દરજ્જો જળવાઈ રહેશે?
2010 સુધી એનડીપી એટલી સીટો જીતવામાં સફળ થઈ જતી હતી જેનાથી તેને મુખ્ય વિપક્ષી પાર્ટીનો દરજ્જો મળી જતો હતો. પરંતુ, હવે પાર્ટી પાસે 338માંથી 24 જ સાંસદ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન