દુનિયાનો સૌથી મોટો અરીસો: એવી જગ્યા જ્યાં સેંકડો કિલોમીટર સુધી દેખાય છે પ્રતિબિંબ

    • લેેખક, ફેલ્લિપ એબ્રેઉ અને લુઇઝ ફેલિપ સિલ્વા
    • પદ, સાલાર દે ઉયુની, બોલિવિયાથી

આ એવી જગ્યા છે જ્યાં વિશાળ મેદાનોમાં તમને કાયમ મૃગજળની સ્થિતિનો આભાસ થયા કરે છે.

દક્ષિણ-પશ્ચિમ બોલીવિયામાં આવેલા આ ઉયુની નામના ખારાપાટ (મીઠાના મેદાનો)માં ક્ષિતિજ દેખાય એ દૃશ્ય ક્યારેક માનવામાં આવતું નથી.

અહીં આકાશ અને ધરતીને વિભાજિત કરતી ક્ષિતિજરેખા દેખાય છે એ ક્યારેક તો પણ નક્કી કરી શકાતું નથી કે દેખાઈ રહેલું દૃશ્ય વાસ્તવિક છે કે પછી માત્ર પ્રતિબિંબ છે.

વિશ્વના સૌથી મોટા મીઠાના આ રણમાં વર્ષમાં કેટલાક સમયે એવો જ આભાસ થાય છે કે અહીંની જમીન જાણે કે એક વિશાળ અરીસો છે અને જ્યારે તે અરીસો ન દેખાય એ સમયે આ જમીન જાણે એક વિશાળ સફેદ કૅનવાસ બની જાય છે.

આ વિશાળ રણનું ક્ષેત્રફળ અંદાજે 12 હજાર વર્ગ કિલોમીટર છે.

આ વિશાળ સફેદ વિસ્તારની આસપાસ રહેતા લોકો માટે જમીનની આ સપાટીમાંથી મીઠું કાઢવું એ તેમની મુખ્ય ગતિવિધિઓમાંથી એક છે.

પરંતુ આ ક્ષેત્ર અનેક પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પર્યટકોને આવી ભૌગોલિક સંરચનાઓ જોવાની ઇચ્છા અને રસ હોય છે.

આ ભૂમિવિસ્તારમાં દૂરદૂર સુધી ષટકોણીય આકૃતિઓ ફેલાયેલી જોવા મળે છે.

પરંતુ અહીં જીવન પણ ધબકતું જોવા મળે છે. મીઠાંના આ મેદાનો એ ગુલાબી ફ્લૅમિંગો માટે પ્રજનનસ્થળ છે.

ઊંચા થોર પણ અહીં ઠેરઠેર ફેલાયેલા જોવા મળે છે.

મોટાભાગના પ્રવાસીઓ અહીંની પોતાની યાત્રાને ટ્રેનના કબ્રસ્તાનથી શરૂ કરે છે.

તેની પાછળની કહાણી કંઇક આવી છે.

ઉયુની એ બોલીવિયાને ચિલી સાથે જોડતા રેલમાર્ગ પર આવેલું હતું.

સોનું, ચાંદી અને અન્ય ધાતુઓને લઈ જનારી રેલગાડીઓ પ્રશાંત મહાસાગરના પૉર્ટસિટી ઍન્ટોફગાસ્ટા સુધી જતી હતી. ત્યાંથી આ કિંમતી ધાતુઓને તેને જે સ્થળે આ ધાતુઓની માગ વધારે હોય એ સ્થળે મોકલી દેવામાં આવતી હતી.

હવે આ જગ્યાએ ખાલી ડબ્બાઓ અને ઍન્જિન જ પથરાયેલાં જોવા મળે છે. તેમાંથી કેટલાંક ઉપર તો ચિત્રો પણ બનાવેલાં જોવા મળે છે.

પ્રવાસીઓ ત્યારબાદ ડકાર રૅલી પાસે આવેલા સ્મારકસ્થળે પહોંચે છે. આ જગ્યા રણના કિનારે આવેલી છે.

પરંતુ મોટાભાગના પર્યટકો માટે અહીં થતો સૂર્યાસ્ત જોવો એ મોટું આકર્ષણ હોય છે. અફાટ રણના પરિદૃશ્યમાં સૂર્યાસ્તના ચમકદાર રંગો જોઈને જાણે કે તેઓ ગદગદિત થઈ જાય છે.

તો કેટલાક લોકો દાલી રણમાં રચાતી આકૃતિઓને જોઇને અચંબિત થઈ જાય છે. આ જગ્યાનું નામ એક અતિશય યથાર્થવાદી સ્પેનિશ ચિત્રકારના નામ પર આપવામાં આવ્યું છે. તેમના ચિત્રો જાણે કે અહીંના ચટ્ટાનો સાથે આબેહૂબ મેળ ખાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.