You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ.આર.રહેમાન અને સાયરાબાનોએ 29 વર્ષ પછી છૂટાછેડા લેવાનું શું કારણ આપ્યું?
ઑસ્કાર વિજેતા સંગીતકાર એ.આર.રહેમાન અને તેમનાં પત્ની સાયરાબાનોએ લગ્નનાં 29 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય કર્યો છે.
બંનેનાં વકીલે 19 નવેમ્બરના દિવસે આ બાબતે એક નિવેદન જાહેર કર્યું હતું.
તલાકથી જોડાયેલા મામલાનાં જાણીતાં વકીલ વંદના શાહે એક નિવેદનમાં કહ્યું કે, "સંબંધોમાં ભાવનાત્મક તણાવને કારણે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો."
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, "લગ્નનાં કેટલાંક વર્ષો પછી સાયરા અને તેમના પતિ એ.આર.રહેમાને એકબીજાથી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. સંબંધોમાં ભાવનાત્મક તણાવને કારણે બંનેએ આ નિર્ણય લીધો છે."
વંદના શાહે કહ્યું કે, "એકબીજા પ્રત્યે ઊંડો પ્રેમ હોવા છતાં બંનેના સંબંધમાં તણાવ હતો. મુશ્કેલીઓ એ હદ સુધી વધી ગઈ હતી કે અંતર મિટાવવું શક્ય નહોતું. અંતરને ખતમ કરવા બંનેમાંથી કોઈ પણ સક્ષમ નહોતા."
રહેમાને મંગળવારે મધરાતે સોશિયલ મીડિયા અકાઉન્ટ એક્સ પર આની માહિતી આપી હતી.
એ.આર. રહમાને શું કહ્યું?
રહેમાન લખે છે કે , "અમને આશા હતી કે લગ્નનાં શાનદાર 30 વર્ષ પૂરાં કરીશું પણ એવું લાગે છે કે બધાનો એક અદૃશ્ય અંત હોય છે. એટલે સુધી કે તૂટેલાં દિલોનાં ભારથી ઈશ્વરનું સિંહાસન હલી જાય છે. ભલે ટુકડાઓને ફરી યથાસ્થાને ગોઠવી ન શકીએ એમ છતાં પણ આ વિખેરાયેલી સ્થિતિમાં અમે અમારો અર્થ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."
સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા અનુસાર, "અલગ થવાની જાહેરાત સૌપ્રથમ સાયરાબાનોએ કરી હતી અને પછી બંનેનું સંયુક્ત નિવેદન આવ્યું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિવેદનમાં સાયરા અને રહેમાને કહ્યું હતું કે, અલગ થવાનો નિર્ણય પીડા અને વેદનાથી ભરેલો હતો. બંનેએ લોકોને વિનંતી કરી છે કે લોકો અમારી અંગત લાગણી અને નિર્ણયને આદર આપે જેથી જીવનના આ મુશ્કેલ તબક્કામાંથી તેઓ બહાર આવી શકે.
સાયરાબાનો અને એઆર રહેમાન (57)નાં લગ્ન 1995માં થયાં હતાં. બંનેને ત્રણ સંતાન છે. જેમાં એક પુત્ર અમીન અને બે પુત્રી ખતીજા અને રહીમા છે.
અમીને સોશિયલ મીડિયા અકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાંં લખ્યું છે કે, આ તકલીફના સમયમાં અમારી અંગત બાબાતોને આદર આપવા માટે તમને વિનંતી કરીએ છીએ. આ સમજણ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
ઑસ્કર અને ગ્રેમી જેવા પ્રતિષ્ઠિત અવૉર્ડ્સથી સન્માનિત સંગીતકાર એ.આર.રહેમાન
ઑસ્કર અને ગ્રેમી જેવા સંગીતજગતના પ્રતિષ્ઠિત ઍવૉર્ડથી સન્માનિત એ.આર. રહેમાનને ભારતીય સંગીતની દુનિયામાં લગભગ 32 વર્ષ પૂર્ણ કર્યાં છે. બંનેનું દામ્પત્ય જીવન પણ લગભગ સરખું જ રહ્યું છે.
એ.આર. રહેમાને 1989માં 23 વર્ષની ઉંમરે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. રહેમાને કહ્યું હતું કે તેમના માટે ઇસ્લામનો અર્થ છે સાદું જીવન જીવવું અને માનવતા સર્વોપરી છે.
સમાચાર સંસ્થા રૉઈટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, "ઇસ્લામ એક મહાસાગર છે. તેમાં 70 થી વધુ સંપ્રદાય છે. હું સૂફી ફિલસૂફીને અનુસરું છું, જે પ્રેમ વિશે છે. હું જે પણ છું, હું અને મારો પરિવાર જે ફિલોસોફીનું પાલન કરે છે તેના કારણે જ છું. દેખીતી રીતે જોઈ શકાય છે કે ઘણું બધું થઈ રહ્યું છે અને તેમાંનું મોટા ભાગનું રાજકીય છે."
રહેમાને સંખ્યાબંધ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. જેમાં લગાન અને તાલ જેવી ફિલ્મોની સાથે ઓસ્કાર વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરનો સમાવેશ થાય છે.
રહેમાને દુનિયાના મોટા કલાકારો સાથે કામ કર્યું છે. ઓછું બોલતા કલાકાર એ આર રહેમાને કહ્યું હતું કે, "તેમને આશા છે કે સંગીત લોકોને એક સાથે લાવવામાં મદદ કરશે."
રહેમાને કહ્યું હતું કે, "જો તમે ઑર્કેસ્ટ્રામાં હો, તો ત્યાં એક પ્રકારનો વિશેષાધિકાર તમારી પાસે હોય છે અને નથી પણ હોતો. કારણ કે તમે સાથે પરફોર્મ કરી રહ્યા છો. એકસાથે પ્રદર્શન કરવું એટલે જુદી-જુદી રેસમાં દોડવું. અમે જુદા-જુદા ધર્મના છીએ અને સાથે મળીને પ્રદર્શન કરીએ છીએ. આપણી અંદરથી એક જ અવાજ આવે છે. તમે લય સાથે કામ કરો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન