મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર, 23 નવેમ્બરે પરિણામ

ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય ચૂંટણીપંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં જ ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બર બુધવારના રોજ મતદાન થશે અને 23 નવેમ્બરના રોજ મતગણતરી થશે.

ઝારખંડમાં બે તબક્કામાં મતદાન 13 નવેમ્બર અને 20 નવેમ્બરે થશે. 23 નવેમ્બરના રોજ મતગણતરી થશે.

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પત્રકારપરિષદ સંબોધી હતી અને ચૂંટણી સંબંધિત તમામ માહિતી આપી હતી.

આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન યોજાયેલી લોકસભાની ચૂંટણી પછી ઘણાં રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણી યોજાવાની છે અને એ રાજ્યોમાં મહારાષ્ટ્ર રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજ્યો પૈકીનું એક છે.

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં ચૂંટણીના સમાપન સાથે હવે મહારાષ્ટ્ર પર દેશનું ધ્યાન કેન્દ્રિત થયું છે. મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં મળેલી સફળતા પર સવાર થઈને મહાવિકાસ આઘાડી (એમવીએ) આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહી છે.

જોકે, હરિયાણામાં કૉંગ્રેસ ન ફાવી અને ભાજપને સતત ત્રીજી વખત ચૂંટીને મતદારોએ આંચકો આપ્યો છે ત્યારે એમવીએનો આત્મવિશ્વાસ પણ જાણે કે ડગી ગયો છે.

સત્તાધારી મહાયુતિ અથવા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) માટે હરિયાણાનું પરિણામ ઉત્સાહવર્ધક છે. તેનાથી મહારાષ્ટ્રમાં નવી ગતિનો સંચાર થયો છે અને તેણે મહારાષ્ટ્રમાં ચૂંટણીને વધારે કસોકસની બનાવી છે.

નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં એકમેકને કટ્ટર વૈચારિક પ્રતિસ્પર્ધી મહાયુતિ અને એમવીએ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે, જે આ ચૂંટણીને તાજેતરની સૌથી અભૂતપૂર્વ ચૂંટણી બનાવી રહી છે.

બંને ગઠબંધનમાં બેઠકોની ચોક્કસ ફાળવણીનો અંતિમ નિર્ણય હજુ સુધી લેવાયો નથી. રાજકીય પેંતરાબાજી પૂરબહારમાં ચાલી રહી છે અને તેમાં નેતાઓ ચૂંટણીની લડાઈ માટે નિષ્ઠા અને ગઠબંધન બદલી રહ્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2014, ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024, ભારતીય ચૂંટણીપંચ, ભાજપ, કૉંગ્રેસ, એનપીસી, શરદ પવાર, અજિત પવાર, એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે

હરિયાણાની ચૂંટણીના પરિણામ બાબતે પ્રતિભાવ આપતાં નાયબ મુખ્ય મંત્રી અને ભાજપ તથા મહાયુતિના એક મહત્ત્વના નેતા દેવેન્દ્ર ફડણવીસે તેને “ફેક નેરેટિવ્ઝ” પરનો વિજય ગણાવ્યું હતું.

તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું, “વિપક્ષને ખોટી કહાણીઓ પર ભરોસો હતો, પરંતુ એ વ્યૂહરચના હરિયાણામાં નિષ્ફળ સાબિત થઈ છે અને મહારાષ્ટ્રમાં તે ચાલવાની નથી.”

હરિયાણાની ચૂંટણીના પરિણામની મહારાષ્ટ્ર પર કોઈ અસર થશે તેવા વિચારને મહારાષ્ટ્ર કૉંગ્રેસના વડા નાના પટોલેએ ફગાવી દીધો હતો.

તેમણે કહ્યું હતું, “ભાજપ હરિયાણામાં ભલે જીત્યો, પરંતુ મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ અલગ છે. અહીંના લોકો ભાજપ-શિવસેના-એનસીપીના ભ્રષ્ટ સરકારથી વાજ આવી ગયા છે. આ સરકાર ભ્રષ્ટાચારની ચરમ સીમા પર પહોંચી ગઈ છે. જ્ઞાતિ અને ધર્મના આધારે સંઘર્ષ ભડકાવવાની ભાજપની વિભાજનકારી વ્યૂહરચના અહીં સફળ નહીં થાય. આ સરકારને હટાવશે નહીં ત્યાં સુધી મહારાષ્ટ્રના લોકો જંપશે નહીં.”

સતત બદલાતું રાજકીય પરિદૃશ્ય

કૉંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, એનસીપી પ્રમુખ શરદ પવાર અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, એનસીપી પ્રમુખ શરદ પવાર અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ગઠબંધનો બદલાઈ રહ્યાં છે, આંતરિક વિવાદો ચાલી રહ્યા છે અને પક્ષપલટાનું જોર છે. રાજ્યનું રાજકીય પરિદૃશ્ય અત્યંત અસ્થિર છે. અહીં અનેક ચડાવઉતાર જોવા મળ્યા છે. પરિણામે અનેક સંકટ સર્જાયાં છે, જેણે ગાઢ છાપ છોડી છે.

મહારાષ્ટ્રની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બર 2024માં પૂર્ણ થવાનો છે. તેની તમામ 288 બેઠકો માટે નવેમ્બર અથવા તેની પહેલાં ચૂંટણી થવાની આશા છે. ભારતીય ચૂંટણીપંચે તેની તારીખોની જાહેરાત હજુ કરી નથી, પરંતુ રાજકીય ગતિવિધિઓ પહેલાંથી જ ઝડપી બની ગઈ છે.

ઉદ્ધવ ઠાકરેએ 2022માં મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યું એ પછી રાજ્યમાં સત્તાનું સુકાન એકનાથ શિંદેના હાથમાં છે અને દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય મંત્રી છે. આ બન્નેએ સાથે મળીને વિશ્વાસના મત વખતે 164 મત મેળવ્યા હતા અને પોતાની સરકાર બચાવી હતી. વિપક્ષ એમવીએને માત્ર 99 મત મળ્યા હતા.

2019માં એમવીએની રચના મહારાષ્ટ્રના રાજકીય ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક હતી. એ વર્ષે વિધાનસભાની ચૂંટણી પછી શિવસેના, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કૉંગ્રેસે હાથ મિલાવ્યા હતા. મહિનાઓ સુધી વાટાઘાટ કર્યા પછી ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.

એ ચૂંટણીમાં કુલ પૈકીના 61.4 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. ભાજપ અને શિવસેનાની યુતિવાળા એનડીએને બહુમતી મળી હતી, પરંતુ સત્તામાં ભાગીદારીના અને ખાસ કરીને મુખ્ય મંત્રીપદ બાબતે મતભેદને કારણે એ યુતિ ભાંગી પડી હતી. તેના પરિણામે રાજકીય મડાગાંઠ સર્જાઈ હતી અને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.

દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર વચ્ચેના ટૂંકા ગાળાના ગઠબંધન બાદ તેઓ અનુક્રમે મુખ્ય મંત્રી તથા નાયબ મુખ્ય મંત્રી બન્યા હતા, પરંતુ વિશ્વાસનો મત મેળવવાના થોડા દિવસ પહેલાં જ તેમણે રાજીનામું આપી દીધું ત્યારે સંકટ ઘેરું બન્યું હતું.

તેને પગલે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ માટે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહાવિકાસ આઘાડી રચવાનો માર્ગ મોકળો થયો હતો.

  • કૉંગ્રેસ,
  • રાષ્ટ્રવાદી કૉંગ્રેસ - શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથ
  • શિવસેના- એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ
  • ભારતીય જનતા પાર્ટી
  • મહારાષ્ટ્ર નવનિર્માણ સેના
  • બહુજન વિકાસ અઘાડી
  • એમઆઈએમઆઈએમ
  • વંચિત બહુજન અઘાડી
  • ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી
  • પ્રહાર
  • શેતકારી કામગાર પક્ષ
  • જનસુરાજ પાર્ટી
  • શેતકારી સંઘ
  • રાષ્ટ્રીય સમાજ પાર્ટી
  • ભારિપ
  • ભારત રાષ્ટ્ર સમિતિ

વિધાનસભાનું ગણિત

હરિયાણાની ચૂંટણીના પરિણામની મહારાષ્ટ્ર પર કોઈ અસર થશે તેવા વિચારને મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેએ ફગાવી દીધો હતો.

ઇમેજ સ્રોત, GETTY IMAGES/SAM PANTHAKY

કુલ 288 બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી માટે 145 બેઠકો જરૂરી હોય છે.

2019ની ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કૉંગ્રેસને 44 બેઠકો મળી હતી. એઆઈએમઆઈએમ, સમાજવાદી પાર્ટી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સહિતના અનેક નાના પક્ષોને પણ કેટલીક બેઠકો મળી હતી.

એ પછીના નાટકીય ઘટનાક્રમમાં અજિત પવારે એનસીપી છોડી હતી અને એકનાથ શિંદે શિવસેનાથી અલગ થઈ ગયા હતા. એ બન્નેએ ભાજપ સાથે મળીને મહાયુતિની રચના કરી હતી. વિરોધ પક્ષમાં એનસીપીના શરદ પવાર જૂથ અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે કૉંગ્રેસ સાથે મળીને એમવીએને મજબૂત બનાવી હતી.

આ સંયોજનના આકાર લેવાની સાથે મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીમાં મહાયુતિ અને એમવીએ વચ્ચે જોરદાર રાજકીય ટક્કર થવાની છે. આ ગઠબંધનો વચ્ચેની વધુને વધુ તીવ્ર બની રહેલી ટક્કર મહારાષ્ટ્રના રાજકીય ભવિષ્યને નવેસરથી પરિભાષિત કરશે તે નક્કી છે.

વર્તમાન રાજ્ય સરકારનો કાર્યકાળ પૂર્ણ થવાની અણી પર છે ત્યારે મહારાષ્ટ્રનું રાજકારણમાં ફરી ઊથલપાથલની સ્થિતિમાં આવી ગયું છે. નવાં ગઠબંધન, નવાં જૂથો અને નવાં સમીકરણો એમ બધાં મેદાનમાં ઝંપલાવવા તૈયાર છે. તેથી એક વાત નક્કી છે કે આ વખતની ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે અત્યંત કસોકસની તેમજ જોરદાર ટક્કર થશે.

2019ની ચૂંટણીમાં શું થયું હતું?

મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર

2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 105 ધારાસભ્યો ચૂંટાયા હતા. તત્કાલીન શિવસેનાના 56 અને એનસીપીના 54 ધારાસભ્યો ચૂંટાયા હતા. કૉંગ્રેસ પાર્ટીને ચૂંટણીમાં ઘણું નુકસાન થયું હતું અને તેના 44 ધારાસભ્યો ચૂંટાયા હતા.

આ ચૂંટણીમાં 13 અપક્ષ ધારાસભ્યો ચૂંટાયા હતા અને અન્ય 16 ધારાસભ્યો ચૂંટાયા હતા. મહારાષ્ટ્રમાં 7 લાખ 42 હજાર 134 મતદારોએ નોટા માટે મતદાન કર્યું હતું.

હવે 2024ની લોકસભા ચૂંટણીનાં પરિણામો બાદ દરેક પાર્ટીએ પોતાની અલગ-અલગ રણનીતિ શરૂ કરી દીધી છે. લોકસભાનાં પરિણામોને પોતપોતાની રીતે સમજ્યા બાદ આ પક્ષો વિધાનસભાના જંગમાં ઊતરવા માટે તૈયાર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.