You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
1971ના યુદ્ધમાં લોંગેવાલાની એ લડાઈ જેમાં ભારતની સેનાએ પાકિસ્તાનની 45 પૈકી 36 ટૅન્ક બરબાદ કરી નાખી હતી
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી ન્યૂઝ
એવું કહેવાય છે કે વાયુસેનાની મદદથી તમે યુદ્ધ જીતી શકો અથવા ના પણ જીતો, પરંતુ તેની ગેરહાજરીમાં તમારી હાર નિશ્ચિત છે.
1971ના યુદ્ધમાં પાકિસ્તાને મહત્ત્વાકાંક્ષી પહેલ કરતા તેના લગભગ 2000 સૈનિકોને ટૅન્કો સાથે જેસલમેર સેક્ટરમાં મોકલ્યા. તેમનો ઉદ્દેશ અચાનક હુમલો કરીને રામગઢ અને જેસલમેર કબજે કરવાનો હતો.
ડિસેમ્બરની શરૂઆતથી જ ગબ્બર નજીકનાં ગામડાંમાં અફવા ફેલાઈ રહી હતી કે પાકિસ્તાનીઓ 4 ડિસેમ્બરે જેસલમેરમાં નાસ્તો કરશે.
ત્રણ ડિસેમ્બરના રોજ પાકિસ્તાને ભારતના અનેક વાયુસેના મથકો પર હુમલો કરીને 'ઑપરેશન ચંગીઝ ખાન' શરૂ કર્યું. 5 ડિસેમ્બર, 1971 એ ભારતીય લશ્કરી ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ તારીખ માનવામાં આવે છે.
4-5 ડિસેમ્બરની રાત એક ચાંદની રાત હતી. લોંગેવાલાની આસપાસ હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો. 23 પંજાબની આલ્ફા કંપની લોંગેવાલા પોસ્ટ પર તહેનાત હતી.
આ સ્થળ જેસલમેરથી 120 કિલોમીટર, રામગઢથી 55 કિલોમીટર અને આંતરરાષ્ટ્રીય સરહદથી 20 કિલોમીટર દૂર હતું.
પોસ્ટથી 700 મીટર દૂર લોંગેવાલા-રામગઢ રોડ પર એક સપાટ જમીન પર હેલિપેડ બનાવવામાં આવ્યું હતું.
ભારતીય સૈનિકો પાસે બે મધ્યમ મશીનગન, બે 81 મીમી મૉર્ટાર, ચાર ખભાથી ચલાવી શકાય તેવાં રૉકેટ લોન્ચર અને હુમલાખોર ટૅન્કો સામે રક્ષણ માટે એક રિકોઇલેસ બંદૂક હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની પાસે કેટલીક લૅન્ડમાઇન્સ હતી જે અત્યાર સુધી બિછાવી ન હતી.
પેટ્રોલિંગ ટુકડીએ ટૅન્કોનો અવાજ સાંભળ્યો
પોસ્ટ ઇન્ચાર્જ મેજર કુલદીપસિંહ ચાંદપુરીએ કૅપ્ટન ધર્મવીર ભાનના નેતૃત્વમાં કેટલાક સૈનિકોને વધુ પેટ્રોલિંગ માટે મોકલ્યા હતા.
પાછળથી ધરમવીર ભાને એક મુલાકાતમાં ઍર માર્શલ ભરતકુમારને કહ્યું, "ટૅન્કોના એંજિન દ્વારા ઉત્પન્ન થતા નરમ અવાજ અને તેમનાં ધીમી આગળ વધવાથી થતા ગડગડાટને કારણે રાત્રિની શાંતિમાં અચાનક ભંગ પડ્યો. શરૂઆતમાં, અમે અનુમાન કરી શક્યા નહીં કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે."
"અમારી આખી પ્લાટૂન તે અવાજ ધ્યાનથી સાંભળી રહી હતી. જ્યારે અવાજ વધતો ગયો, ત્યારે મેં વાયરલેસ પર કંપની કમાન્ડર મેજર કુલદીપસિંહ ચાંદપુરીનો સંપર્ક કર્યો. તેમણે મને કહ્યું, કદાચ કોઈ વાહન રેતીમાં ફસાઈ ગયું છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમના શબ્દો હતા, 'જાઓ અને સૂઈ જાઓ'."
પાકિસ્તાની ટૅન્કોની ધીમી ગતિ
12 વાગ્યા પછી કૅપ્ટન ધરમવીરની નજર સામે પાકિસ્તાની ટૅન્કો આવી ગઈ. આ ટૅન્કો ખૂબ જ ધીમે-ધીમે આગળ વધી રહી હતી અને તેની લાઇટો પણ બંધ હતી. આ ટૅન્ક ધીમે-ધીમે આગળ વધી રહી હતી, કારણ કે તે પાકા રસ્તા પર નહીં પણ રેતીમાં ચાલીને આગળ વધી રહી હતી.
શરૂઆતમાં, જ્યારે કૅપ્ટન ધરમવીરે તેના કંપની કમાન્ડરને આ વિશે ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે તેમનો સંપર્ક કરી શક્યો નહીં.
સવારે ચાર વાગ્યે તેમણે તેમના બટાલિયન હેડક્વાર્ટરનો સંપર્ક કર્યો અને તેમને જાણ કરી કે પાકિસ્તાની ટૅન્કો ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ગઈ છે અને તે લોંગેવાલા તરફ આગળ વધી રહી છે.
મેજર ચાંદપુરીએ બટાલિયન હેડક્વાર્ટરને ફોન કર્યો અને વધુ મજબૂતીકરણ અને શસ્ત્રો માંગ્યા.
લગભગ 12.30 કલાકે પાકિસ્તાની ટૅન્કોએ ગોળીબાર શરૂ કર્યો. તે એ જગ્યાએ રોકાઈ ગઈ જ્યાં કાંટાળો તાર હતો. તેઓ સમજી ગયો કે ત્યાં લૅન્ડમાઇન બિછાવેલી હોઈ શકે છે.
ડૉ. યુપી થાપલિયાલ તેમના પુસ્તક 'ધ 1971 વૉર એન ઇલસ્ટ્રેટેડ હિસ્ટ્રી'માં લખે છે, "આનો ફાયદો ઉઠાવીને ભારતીય સૈનિકોએ પોતાની સ્થિતિ થોડી મજબૂત કરી. સૂર્યનાં પહેલા કિરણો પડતાની સાથે જ પાકિસ્તાની સૈનિકોએ ભારતીય ચોકી પર હુમલો કર્યો."
વાયુસેનાની મદદ લેવાનો નિર્ણય
જ્યારે મેજર જનરલ આર.એફ. ખંભાતાને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ આ અચાનક થયેલા હુમલાથી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને તરત જ ખ્યાલ આવી ગયો કે આ એક ગંભીર પરિસ્થિતિ છે અને તેમની પાસે આનો સામનો કરવા માટેનાં પુરતાં સંસાધનો નથી.
તેમની આશાનું કિરણ વાયુસેના હતું. સવારે લગભગ 2 વાગ્યે તેમણે વાયરલેસ રેડિયો દ્વારા જેસલમેર ઍર બેઝના વિંગ કમાન્ડર એમ.એસ. બાવા સાથે સંપર્ક કર્યો.
ઍર માર્શલ ભરતકુમાર તેમના પુસ્તક 'ધ ઍપિક બૅટલ ઑફ લોંગેવાલા' માં લખે છે, "જૈસલમેર ઍર બેઝ પર હાજર હન્ટર ઍરક્રાફ્ટ્સ રાત્રે ઉડી શકતાં ન હતાં, તેથી તેઓએ સવાર સુધી રાહ જોઈ."
"બેઝ કમાન્ડરે મેજર જનરલ ખંભતા સાથે વાત કરી અને તેમને ખાતરી આપી કે હન્ટર ઍરક્રાફ્ટ્સ સવારે સુરજનાં પહેલા કિરણ પડતા જ ઉડાન ભરશે અને પાકિસ્તાની ટૅન્કોને શોધવાનો અને ખતરાને ખાળવાનો પ્રયાસ કરશે. સવારે 4 વાગ્યે બાવાએ સ્ક્વૉડ્રન લીડર આર.એન. બાલીને માહિતી આપી."
રીકોઇલેસ બંદૂકથી ટૅન્કો પર ગોળીબાર
દરમિયાન સવારે 5:15 વાગ્યે મેજર ચાંદપુરીએ બ્રિગેડિયર રામદાસનો સંપર્ક કર્યો.
રામદાસે પાછળથી પરિસ્થિતિનું વર્ણન કરતાં કહ્યું, "જ્યારે પાકિસ્તાનની લીડ ટૅન્કો લોંગેવાલા પોસ્ટથી દક્ષિણપશ્ચિમમાં ગોટારુ રોડ પર માત્ર એક કિલોમીટર દૂર હતી, ત્યારે ચાંદપુરીએ તેની રીકોઇલેસ બંદૂકથી તેના પર ગોળીબાર કર્યો. પરંતુ લક્ષ્ય સચોટ નહોતું."
"બદલામાં પાકિસ્તાની ટૅન્કે પોસ્ટને ગોળા દાગી કાટમાળમાં ફેરવી દીધી. ફક્ત તેની બાજુમાં ઊભેલું મંદિર જ બચ્યું. પછી તેણે ઊંટો માટે રાખવામાં આવેલા ચારામાં આગ લગાવી દીધી."
અગાઉ પાકિસ્તાની ટૅન્કોને સરહદથી 16 કિલોમીટરનું અંતર કાપવામાં છ કલાક લાગી ગયા હતા.
પાકિસ્તાનના 18મી કેવેલરીના રેજિમેન્ટલ કમાન્ડર બ્રિગેડિયર ઝેડ. એ. ખાને તેમના પુસ્તક 'ધ વે ઈટ વોઝ, ઇનસાઇડ ધ પાકિસ્તાની આર્મી' માં લખ્યું છે કે, "હું જીપમાં નેતૃત્વ કરી રહ્યો હતો અને લોંગેવાલા પોસ્ટની દક્ષિણે આવેલી પહાડી પર પહોંચ્યો હતો. લગભગ 7.30 વાગ્યે મેં લોંગેવાલા દિશામાંથી વિસ્ફોટોનો અવાજ સાંભળ્યો અને આખા આકાશમાં ધુમાડો છવાઈ ગયો."
હન્ટર વિમાનો પર હુમલો થયો
જ્યારે પાકિસ્તાની ટૅન્કો લોંગેવાલા પોસ્ટ પર આગામી હુમલાની તૈયારી કરી રહી હતી, ત્યારે જેસલમેરથી ઉડતું ભારતીય હન્ટર વિમાન તેમની ઉપર આવી ચડ્યું.
તે સમયે પાકિસ્તાનની ટૅન્ક પોસ્ટથી માત્ર 1000 યાર્ડ દૂર હતી. હન્ટર વિમાનને જોતાંની સાથે જ પાકિસ્તાની ટૅન્ક વર્તુળમાં ફરવા લાગી અને ધુમાડો છોડવા લાગી. હન્ટર ફાઇટરને ઍરક્રાફ્ટ સ્ક્વૉડ્રન લીડર ડી.કે. દાસ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ રમેશ ગોસાઇ ઉડાડી રહ્યા હતા.
પાછળથી ડી.કે. દાસે એક મુલાકાતમાં કહ્યું, "જ્યારે અમે લોંગેવાલા પહોંચ્યા, ત્યારે મેં નીચે જે દૃશ્ય જોયું તે હું ક્યારેય ભૂલીશ નહીં. જમીન પર દુશ્મનનાં ટૅન્ક કાળા મૅચબૉક્સ જેવી દેખાતી હતી. તેમાંથી કેટલીક ઊભી હતી અને કેટલીક આગળ વધી રહી હતી. હું જોઈ શકતો હતો કે અમારા પર ફાયર થઈ રહ્યું હતું."
દાસે કહ્યું કે તેમણે પહેલાં ઍન્ટિ-ઍરક્રાફ્ટ ગનની રેન્જથી બચવા માટે પોતાની ઊંચાઈ વધારી અને પછી અચાનક ડાઇવ કરીને અને દિશા બદલીને હુમલો કરવાનું નક્કી કર્યું.
દાસ યાદ કરે છે, "મારા રૉકેટ ટૅન્ક પર પડતાની સાથે જ અચાનક બધી ટૅન્કો આગળ વધતી બંધ થઈ ગઈ. આ પછી રમેશનો વારો આવ્યો. મારી જેમ તેઓ પણ નીચે આવ્યા અને તેમણે એક ટૅન્કનો નાશ કર્યો."
હન્ટર વિમાનો દ્વારા સતત હુમલા
આ પછી દાસ અને રમેશે વધુ બે વાર ટૅન્કો પર હુમલો કર્યો. પોતાના પરના હુમલાથી બચવા માટે પાકિસ્તાની ટૅન્કો ગોળાકાર રીતે આગળ વધવા લાગી. આનાથી ધૂળ ઉડી અને ભારતીય પાઇલટ્સ માટે ટૅન્કોને નિશાન બનાવવાનું મુશ્કેલ બન્યું.
રૉકેટ ખલાસ થઈ ગયા પછી સ્ક્વૉડ્રન લીડર દાસે એક ટૅન્ક પર 30 મીમી ADAM ગનથી વિસ્ફોટક ગોળીબાર કર્યો, જેનાથી તે સળગી ગઈ. આ પછી ભારતીય વિમાનો સૂર્યાસ્ત સુધી સમયાંતરે પાકિસ્તાની ટૅન્કો પર હુમલો કરતાં રહ્યાં.
બપોર સુધીમાં ભારતીય વાયુસેનાએ 17 પાકિસ્તાની ટૅન્ક અને અન્ય 23 વાહનોનો નાશ કર્યો હતો.
પાકિસ્તાની બ્રિગેડિયર ઝેડ. એ. ખાને લખ્યું, "સવારે 7 વાગ્યાથી ભારતીય વાયુસેનાના ચાર હન્ટર વિમાનો દિવસભર કોઈપણ પ્રતિકાર વિના અમારા પર બૉમ્બમારો કરતાં રહ્યાં. રાત પડતાની સાથે જ હવાઈ હુમલાઓ બંધ થઈ ગયા. તે સમયે પાકિસ્તાન પાસે બે વિકલ્પો હતા. નંબર એક તેણે તેની સરહદમાં પાછા ફરવું જોઈએ અથવા ફરીથી સંગઠિત થવું જોઈએ અને રામગઢ અને જેસલમેરના તેના મુખ્ય ઉદ્દેશ્યને કબજે કરવાનો ફરીથી પ્રયાસ કરવો જોઈએ."
વધારે ગરમીનાં કારણે ટૅન્કો ગરમ થઈ ગઈ
એવું લાગે છે કે તેમણે રામગઢ અને જેસલમેર કબજે કરવાનો વિચાર છોડી દીધો હતો. તે જ રાત્રે 22મી કેવેલરીના પાકિસ્તાની સૈનિકો મસિતવારી ભીટ અને ગબ્બરના વિસ્તારોમાં પીછેહઠ કરી ગયા, પરંતુ હજુ પણ તેમની પાસે લોંગેવાલાને કબજે કરવાનો વિકલ્પ હતો.
બ્રિગેડિયર જહાંઝેબ અરબના નેતૃત્વમાં પાકિસ્તાની બ્રિગેડે બીજા દિવસે સવારે ફરીથી લોંગેવાલા પર હુમલો કરવાની યોજના બનાવી. 28 બલૂચને લોંગેવાલા-જૈસલમેર રોડ પર આગળ વધવા અને ઘોટારુને કબજે કરવાનું પણ કહેવામાં આવ્યું.
સાંજ સુધીમાં લોંગેવાલાનું યુદ્ધ પૂરું થઈ ગયું. આ યુદ્ધમાં પાકિસ્તાની સૈનિકોની હારનું કારણ રણમાં તેમના શૅરમન અને T-59 ચીની ટૅન્કોની ખૂબ જ ધીમી ગતિ હતી.
ઘણા પાકિસ્તાની ટૅન્કોનાં એંજિનો વધુ ગરમ થવાને કારણે ખોટવાઈ ગયાં અને પાકિસ્તાની સૈનિકોએ તેમને છોડી દેવી પડી.
બીજું પાકિસ્તાન પાસે આટલા મોટા ઑપરેશન માટે તેમની ઉપર કોઈ હવાઈ કવર નહોતું, તેથી જ્યારે ભારતીય વિમાનોએ તેમના પર હુમલો કર્યો, ત્યારે તેમનો 'બેઠેલા બતક'ની જેમ શિકાર થઈ ગયો.
આ યુદ્ધમાં કુલ 45 પાકિસ્તાની ટૅન્કોમાંથી 36 નાશ પામી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી કોઈ પણ દેશે એક જ મોરચે આટલી બધી ટૅન્ક ગુમાવી ન હતી.
બ્રિગેડિયર ઝેડ. એ. ખાને લખ્યું, "અમારા પાંચ ટૅન્ક કમાન્ડરો પગથી જામ થયેલી મશીનગન ખોલવાનો પ્રયાસ કરતી વખતે માર્યા ગયા હતા. આ પછી મશીનગનને ડીઝલથી ધોઈને રિપેર કરવામાં આવી હતી. આ ઉપરાંત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાતી 12.7 મીમી ઍન્ટિ-ઍરક્રાફ્ટ ગન હવે આધુનિક ફાઇટર પ્લેનનો સામનો કરવા સક્ષમ રહી ન હતી."
આ યુદ્ધનું પરિણામ એ આવ્યું કે ભારતે તેની સંપૂર્ણ લશ્કરી તાકાત પૂર્વીય ક્ષેત્રમાં તહેનાત કરી દીધી.
આ યુદ્ધ ફક્ત એટલા માટે યાદ રાખવામાં આવશે નહીં કે તેમાં પાકિસ્તાનની ઘણી ટૅન્ક નાશ પામી હતી, પરંતુ એટલા માટે પણ યાદ રાખવામાં આવશે કે આ યુદ્ધે પાકિસ્તાની સેનાના મનોબળને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું.
યુદ્ધમાં તેમની બહાદુરી માટે ભારતીય કંપની કમાન્ડર કુલદીપસિંહ ચાંદપુરીને મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા, જે બહાદુરી માટેનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જ્યારે પાકિસ્તાનના ડિવિઝનલ કમાન્ડર મેજર જનરલ બી.એમ. મુસ્તફાને તપાસ બાદ તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
બૉર્ડર ફિલ્મમાં ભારતીય વાયુસેનાની ભૂમિકા યોગ્ય રીતે દર્શાવવામાં આવી નથી
આ યુદ્ધની જીતમાં ભારતીય વાયુસેનાએ સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
જોકે, જ્યારે 1997માં આ યુદ્ધ પર આધારિત ફિલ્મ 'બૉર્ડર' રિલીઝ થઈ, ત્યારે બતાવવામાં આવ્યું કે આ યુદ્ધ મુખ્યત્વે સેના દ્વારા જીતવામાં આવ્યું હતું અને આ જીતમાં વાયુસેનાની ફક્ત સહાયક ભૂમિકા હતી.
ઍર માર્શલ ભરતકુમાર લખે છે, "બૉર્ડર ફિલ્મમાં લોંગેવાલાનું યુદ્ધ ગમે તે રીતે બતાવવામાં આવ્યું હોય, વાસ્તવિકતા એ છે કે લોંગેવાલાનું યુદ્ધ હંમેશા ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ માનવામાં આવશે, જેમાં વાયુસેનાના ફક્ત ચાર હન્ટર વિમાનોએ 45 ટૅન્કો સાથે લગભગ 2000 પાકિસ્તાની સૈનિકોને શરણાગતિ સ્વીકારવા મજબૂર કર્યા હતા."
યુદ્ધના છ વર્ષ પછી ત્યાં વિજયસ્તંભ બનાવવામાં આવ્યો હતો, જેનું ઉદ્ઘાટન યુદ્ધ દરમિયાન સંરક્ષણ પ્રધાન જગજીવન રામ દ્વારા કરવામાં આવ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન