You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતે પાકિસ્તાન પર તુર્કીના જે ડ્રૉનનો ઉપયોગ કરીને 'હુમલા' કર્યાનો આરોપ કર્યો એ શું છે?
ભારતે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાને ગુરુવારે રાત્રે અલગ અલગ વિસ્તારોને મોટા પાયે ડ્રૉનથી નિશાન બનાવ્યા.
શુક્રવારે ભારતીય વિદેશમંત્રલાયલની પ્રેસ બ્રીફિંગમાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, "પાકિસ્તાની સૈન્યે ગુરુવારની રાત્રે સૈન્યના પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું. પાકિસ્તાન તરફથી 300-400 ડ્રૉન છોડવામાં આવ્યાં."
જોકે, પાકિસ્તાનના સંરક્ષણમંત્રીએ હુમલાની વાતથી ઇન્કાર કરી દીધો.
કર્નલ સોફિયાએ કહ્યું, "લેહથી માંડીને સર ક્રીક સુધી 36 સ્થળોએ 300-400 ડ્રૉનથી ઘૂસણખોરીના પ્રયાસ કરાયા. ભારતીય સુરક્ષાબળોએ કાઇનેટિક અને નૉન કાઇનેટિક સાધનોનો ઉપયોગ કરીને એ પૈકી ઘણાં ડ્રૉન નષ્ટ કરી દીધાં."
તેમણે કહ્યું, "આટલા મોટા પાયે હવાઈ ઘૂસણખોરીનો સંભવિત હેતુ હવાઈ સંરક્ષણ પ્રણાલીનું પરીક્ષણ કરવાનો અને ગુપ્ત જાણકારી એકઠી કરવાનો હતો. ડ્રૉનના કાટમાળની ફોરેન્સિક તપાસ કરાઈ રહી છે. પ્રારંભિક તપાસથી ખબર પડે છે કે એ તુર્કીનાં એસિસગૉર્ડ સોનગર ડ્રૉન છે."
સોનગર ડ્રૉન શું છે?
સોનગર ડ્રૉન હથિયાર લઈ જવામાં સક્ષમ યુએવી એટલે કે માનવરહિત હવાઈ વાહન છે, જેને તુર્કીની ડિફેન્સ ફર્મ આસિસગૉર્ડે ડિઝાઇન અને વિકસિત કર્યાં છે.
તુર્કીની સૈન્ય સાધનો બનાવનારી ફર્મ આસિસગૉર્ડની વેબસાઇટ અનુસાર, સોનગર પાસે ટાર્ગેટને ઓળખવા અને તેને નષ્ટ કરવાની વિશેષ ક્ષમતા છે અને એ તુર્કીની પ્રથમ રાષ્ટ્રીય હથિયારબંધ ડ્રૉન સિસ્ટમ છે.
તેને 2020માં પ્રથમ વખત તુર્કીના સશસ્ત્ર સૈન્યમાં સામેલ કરાયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વેબસાઇટનો દાવો છે કે સોનગારનો ઉપયોગ બૉર્ડર અને ક્રૉસ બૉર્ડર સૈન્ય અભિયાનોમાં જમીન પર રહેલા વાહન સાથે તાલમેલ સાથે છૂપા કે પ્રત્યક્ષ ખતરા વિરુદ્ધ ભારે સંખ્યામાં ગોળાબાર કરવા માટે કરી શકાય છે.
તેમાં કૅમેરા લાગેલા હોય છે, જેથી તેને નજર રાખવા અને રિયલ ટાઇમ તસવીરો ખેંચવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ સિવાય જરૂર પડે ત્યારે હુમલા માટે પણ અસરકારક રીતે તેનો ઉપયોગ કરી શકાય છે.
તેની રેન્જ પાંચથી દસ કિમી સુધી છે અને તેમાં આપમેળે ઉડાણ ભરવાની અને લૅન્ડ કરવાની ક્ષમતા છે.
સોનગાર ડ્રૉન કેવી રીતે કામ કરે છે?
ફર્મના દાવા અનુસાર, સોનગારની એક ખાસ વિશેષતા એ છે કે એ ઑટોમેટિક મશીન ગનથી સજ્જ હોય છે.
તેને દિવસ કે રાત્રે સૈન્ય કે સંરક્ષણ અભિયાનોમાં બાખૂબી ઉપયોગમાં લઈ શકાય છે.
ફર્મની વેબસાઇટમાં દાવો કરાયો છે કે હથિયારબંધ સોનગાર ડ્રૉન્સને અસૉલ્ટ રાઇફલ, ગ્રેનેડ લૉન્ચર, ડ્રમ ગ્રેનેડ લૉન્ચર, મોર્ટાર ગ્રિપર અને ટિયરગૅસના ગોળાથી સજ્જ કરી શકાય છે. એ ત્રણ કિમી દૂરથી જ પોતાના લક્ષ્યને નિશાન બનાવી શકે છે.
ઑટોમેટિક મશીન ગનથી સજ્જ સોનગાર ડ્રોન 200 રાઉન્ડની ગોળીઓ ફાયર કરવામાં સક્ષમ હોય છે.
તે રિયલ ટાઇમ વીડિયો ટ્રાન્સમિશન કરી શકે છે અને તેને જમીનથી નિયંત્રિત કરી શકાય છે અને જીપીએસના માધ્યમથી લક્ષ્ય સુધી સ્વચાલિત કે નિયંત્રિત રીતે પહોંચાડી શકાય છે.
આ ડ્રૉન સૈન્ય ઉપયોગ માટે બનાવાયું હોઈ તેની ચોકસાઈ અંગે પણ ફર્મ દાવો કરે છે.
આ સિવાય આ ડ્રૉનની વધુ એક ખાસિયત એ છે કે જો કૉમ્યુનિકેશનમાં અવરોધ હોય કે બૅટરી ફેલ થવા જેવી સમસ્યા ઊભી થાય તો આ ડ્રૉન આપમેળે પરત ફરવામાં સક્ષમ છે.
ફર્મની વેબસાઇટમાં કહેવાયું છે કે સોનગાર ડ્રૉનને જમીનનાં વાહનો સાથે પણ લગાવી શકાય છે અને એકલા જ યુએવી અભિયાનો પર પણ મોકલી શકાય છે.
વર્ષ 2020માં તેને 4*4 બખ્તરબંધ વાહન પર લગાવાયું, જેથી નિકટની લડાઈ અને નિગરાણીમાં મદદ મળી શકે.
2024માં રેપકૉન ડિફેન્સ સિસ્ટમ્સ કંપનીએ આસિસગૉર્ડ સાથે મળીને 40 એમએમ મલ્ટિપલ ગ્રેનેડ લૉન્ચરથી સોનગાર ડ્રોનને સજ્જ કર્યાં, જેથી તેની ક્ષમતામાં વધારો થયો છે.
પાકિસ્તાનને તુર્કીનો સાથ
પહલગામમાં ચરમપંથી હુમલા બાદ દક્ષિણ એશિયાના બે પરમાણુસંપન્ન પાડોશી દેશો વચ્ચે તણાવ બાદ તુર્કીએ ખૂલીને પાકિસ્તાનનો પક્ષ લીધો છે.
7 મેના રોજ ભારત તરફથી પાકિસ્તાનમાં કરાયેલા હવાઈ હુમલા બાદ તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈય્યપ અર્દોઆને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ સાથે વાત કરી.
તુર્કીના રાષ્ટ્રપતિ કાર્યાલય પ્રમાણે, "અર્દોઆને કહ્યું કે તણાવ વધતો રોકવા માટે તુર્કી જે સંભવ હોય એ કરશે અને આ સંબંધમાં તેમના ડિપ્લોમેટિક સંબંધ ચાલુ રહેશે."
તુર્કીના રાષ્ટ્રપતિએ પહલગામ હુમલાની સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ કરાવવાના પાકિસ્તાનના નિર્ણયનું સમર્થન કર્યું.
અર્દોઆને સોશિયલ મીડિયા પર નાગરિકોનાં મૃત્યુની વધતી જતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતાં લખ્યું, "અમને ચિંતા છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચેનો તણાવ મિસાઇલ હુમલા સાથે ખુલ્લા સંઘર્ષ તરફ આગળ વધી શકે છે, જેના કારણે ઘણા નાગરિકો શહીદ થઈ ગયા છે."
તેમણે કહ્યું, "હું હુમલામાં પોતાના જીવ ગુમાવનારા અમારા ભાઈઓ માટે અલ્લાહની રહેમતની દુઆ કરું છું. અને હું ફરી એક વાર પાકિસ્તાનના ભાઈચારાવાળા લોકો અને સરકાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરું છું."
ગત મહિને 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલા ચરમપંથી હુમલામાં 26 લોકોનાં મૃત્યુ બાદ ભારતે 7 મેના રોજ પાકિસ્તાનમાં નવ સ્થળે હવાઈ હુમલા કર્યા અને દાવો કર્યો હતો કે આ હુમલામાં આતંકી ઠેકાણાં પર નિશાન સાધવામાં આવ્યાં હતાં ના કે સૈન્ય પ્રતિષ્ઠાન કે નાગરિકોની વસતી તરફ.
શુક્રવારે ભારતે દાવો કર્યો કે આઠ મે એટલે કે ગુરુવારની સાંજે જમ્મુ સહિત પશ્ચિમ સીમા ક્ષેત્રમાં પાકિસ્તાનનાં ડ્રૉન્સ અને મિસાઇલોથી હુમલા કરાયા, પાકિસ્તાને ભારતની આ વાતનું ખંડન કર્યું છે.
જોકે, એ બાદ પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે ભારતે તેનાં ત્રણ સૈન્ય હવાઈમથકો પર મિસાઇલો છોડી છે. ભારતે અત્યાર સુધી આ દાવા અંગે કોઈ ટિપ્પણી નથી કરી.
પાકિસ્તાની સૈન્યે આગળ કહ્યું કે તેઓ આનો 'જવાબ આપશે.'
પાકિસ્તાનના સરકારી ટીવી અને સૈન્યના જનસંપર્ક વિભાગે કહ્યું છે કે તેણે ભારત વિરુદ્ધ જવાબી હુમલા શરૂ કરી દીધો છે. ભારતે પાકિસ્તાનના આ દાવા પર અત્યાર સુધી કંઈ કહ્યું નથી.
પાકિસ્તાનના સૈન્યના જનસંપર્ક વિભાગ આઇએસપીઆર પ્રમાણે, પાકિસ્તાને જવાબી કાર્યવાહીને 'ઑપરેશન બુનયાન મરસૂસ' નામ આપ્યું છે.
આ દરમિયાન અમેરિકાથી માંડીને સંયુક્ત રાષ્ટ્ર સુધીના વિવિધ દેશો અને સંગઠનોએ બંને દેશોને તણાવ ઘટાડવાની અપીલ કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન