ઑપરેશન ટ્રાઇડન્ટ : જ્યારે ભારતીય નેવીએ કરાચીના બંદર પર 'તબાહી' મચાવી ત્યારે ત્રણ દિવસ શું થયું હતું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, અમદાવાદ

ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ માટે સહમતિ સધાઈ છે છતાં બંને દેશો વચ્ચે હાલમાં તણાવ ચાલી રહ્યો છે, ત્યારે બે દિવસ પહેલાં ભારતીય મીડિયા અને સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની લાઇફલાઇન ગણાતા કરાચી બંદર પર હુમલાના અહેવાલ વહેતા થયા હતા, જેની નક્કર કે સ્વતંત્ર પુષ્ટિ નહોતી.

જોકે, આ ઘટનાક્રમે વર્ષ 1971ના યુદ્ધ દરમિયાન ભારતીય નૌકાદળ સાથે જોડાયેલા ઐતિહાસિક પ્રકરણની યાદો તાજી કરી દીધી હતી, જ્યારે ભારતીય નૌકાદળે કરાચીના બંદર પર 'તબાહી' મચાવી હતી.

એક તબક્કે 'સાત દિવસ સુધી કરાચી બંદર સળગતું રહ્યું હતું અને ત્રણ દિવસ સુધી કરાચીવાસીઓને સૂરજ દેખાયો ન હતો.'

જોકે તેના પાયામાં ગુજરાતમાં વર્ષ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ગુજરાતના દરિયાકિનારે ભારતીય નૌકાદળને મળેલી નિષ્ફળતા હતી. જેણે છ વર્ષ બાદ કરાચી બંદર પર હુમલો થયો.

ગુજરાત પર હુમલો અને પાકિસ્તાનનો નેવી ડે

પાકિસ્તાન નૌકાદળના ઇતિહાસ પ્રમાણે, 'તા. સાતમી સપ્ટેમ્બર, 1965ના પાકિસ્તાન નૌકાદળનાં જહાજો (પીએનએસ) સામાન્ય પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. ત્યારે તેમને નૌકાદળના મુખ્યાલય પાસેથી સંદેશ મળ્યો.'

'પીએનએસ બાબર, પીએનએસ ખૈબર, પીએનએસ બદર, પીએનએસ જહાંગીર, પીએનએસ આલમગીર, પીએનએસ શાહજહાં અને પીએનએસ ટીપુ સુલતાનને ગુજરાતના દ્વારકાના સમુદ્રકિનારા પર હુમલો કરવાનું ટાસ્ક સોંપવામાં આવ્યું હતું.'

'દરેક જહાજે 50-50 રાઉન્ડ ફાયર કરવા અને રાત્રે સાડા બાર વાગ્યે પોત-પોતાના પેટ્રોલિંગ એરિયામાં પરત આવવાં માટે પૂરપાટ ઝડપે નીકળી જવું. માર્ગમાં ભારતીય વાયુદળનાં વિમાન ઉપરાંત નૌકાદળનાં એક-બે જહાજોનો સામનો થઈ શકે છે, એવું અનુમાન મૂકવામાં આવ્યું હતું.'

'દ્વારકાથી સાડા પાંચ થી 6.3 માઇલના અંતરે તમામ જહાજો ગોઠવાઈ ગયાં હતાં. દ્વારકામાં બ્લૅકઆઉટ હોવાને કારણે રડારના આધારે જ જહાજોએ નિશાન સાધવાનાં હતાં.'

'રાત્રે 12 વાગ્યા અને 24 મિનિટે હુમલો કરવાના આદેશ છૂટ્યા. લગભગ ચાર મિનિટમાં 350 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. કોઈપણ ક્ષતિને હાનિ વગર પાકિસ્તાની જહાજો પાછાં વળી ગયાં હતાં. દુશ્મન દેશ (ભારત) દ્વારા કોઈ પ્રતિકાર કરવામાં આવ્યો ન હતો અને આઠમી તારીખે સવારે સાડા છ વાગ્યે આ જહાજો તેમના પેટ્રોલ એરિયામાં પરત ફરી ગયાં હતાં.'

જોકે, આ હુમલામાં દ્વારકા જગત મંદિરને કોઈ નુકસાન થયું ન હતું, એટલે જ સ્થાનિક ગુગળી બ્રાહ્મણ સમાજ સમાજ દ્વારા દરવર્ષે 'વામન દ્વાદશી'ના દિવસે 'વિજયધ્વજા' ચઢાવવામાં આવે છે, જેમાં 'ભારતીય સુરક્ષાબળોના જવાનોના વિજય અને સુરક્ષાની પ્રાર્થના' કરવામાં આવે છે.

ભારતીય નૌકાદળની પીછેહઠ અને પછી આગેકૂચ

તા. છ સપ્ટેમ્બરના ભારતીય સેના જમીનમાર્ગે લાહોર તરફ આગળ વધી હતી. ભારતીય વાયુદળ તેને સપૉર્ટ કરી રહ્યું હતું, આ સંજોગોમાં ભારતીય વ્યૂહરચનાકારો નવો દરિયાઈ મોરચો ખોલવા માગતા ન હતા. આવા સમયે પાકિસ્તાનના નૌકાદળે હુમલો કર્યો હતો.

પાકિસ્તાનના મતે આ એક 'સફળ હુમલો' હતો, જે નૌસૈનિકોના 'સમર્પણ, જુસ્સા તથા બહાદુરી'ને કારણે શક્ય બન્યો હતો.

પાકિસ્તાની જહાજો કરાચીથી નીકળીને ભારતીય જળસીમાની નજીક પ્રવેશી જાય અને કલાકો સુધી તેમને કોઈ પડકાર ન મળે, તે ભારતીય નૌકાદળ માટે ક્ષોભજનક સ્થિતિ હતી જ, તેની ઉપર 'ભારે માછલાં ધોવાયાં' હતાં.

આના પગલે ભારતીય નૌકાદળે નવાં જહાજ, લૅન્ડિંગ શિપ, પેટ્રોલ બોટ, સબમરીન, સબમરીન રૅસ્ક્યૂ શિપ તથા મિસાઇલ બોટ્સ જેવી ખરીદી કરી હતી.

બચાવ માટેની મિસાઇલ બોટોનો હુમલા માટે ઉપયોગ

તત્કાલીન કૅપ્ટન કે. કે. નૈયરના નેતૃત્વમાં ભારતીય નૌસૈનિક અધિકારીઓનું એક દળ સોવિયેટ સંઘ મોકલવામાં આવ્યું હતું. એ સમયથી જ તત્કાલીન કૅપ્ટન નૈયરના મનમાં આ મિસાઇલ બોટ્સનો રક્ષણના બદલે આક્રમણ માટે ઉપયોગ કરવા અંગે વિચાર ચાલી રહ્યો હતો.

આ અંગે એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો, જે નૌકાદળના મુખ્યાલયમાં નેવલ ઑપ્સ ઍન્ડ પ્લાન્સને મોકલી દેવાયો.

મેજર જનરલ ઇયાન કારડોજોએ પોતાના પુસ્તક '1971: સ્ટોરીઝ ઑફ ગ્રિટ ઍન્ડ ગ્લૉરી ફ્રૉમ ઇન્ડિયા પાકિસ્તાન વૉર'માં લખ્યું છે:

"એ બોટ્સ સ્પીડવાળી તો હતી પણ એ ખુલ્લા સમુદ્રમાં ઘણે દૂર સુધી જવા માટે ડિઝાઇન નહોતી કરાઈ. "ઝડપી હોવાને કારણે એમાં ઇંધણ વધારે વપરાતું હતું અને કંઈ પણ કરો, 500 નૉટિકલ માઇલથી આગળ નહોતી જઈ શકતી. એ ઉપરાંત એ નીચી નૌકાઓ હતી."

1971ના જાન્યુઆરીમાં 180 ટનની આવી આઠ મિસાઇલ બોટ્સને સોવિયેટ સંઘથી ભારત લાવવામાં આવી.

આ મિસાઇલ બોટ્સની રડાર રેન્જ અને એનાં મિસાઇલ્સનાં સટિક નિશાન જોઈને નૌકાદળના અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પછી એવું નક્કી કરવામાં આવ્યું કે જો ભારત–પાકિસ્તાનનું યુદ્ધ થાય તો આ મિસાઇલ બોટ્સનો ઉપયોગ કરાચી પર હુમલો કરવા માટે કરાશે.

તા. ચોથી ડિસેમ્બરની રાત્રે હુમલો

તા. 3 ડિસેમ્બર 1971ના નૌકાદળને તક મળી. આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું.

ચોથી ડિસેમ્બર 1971ની રાત્રે નિપાત, નિર્ઘટ અને વીર નામની ત્રણ મિસાઇલ બોટ્સ સાથે 'ઑપરેશન ટ્રાઇડન્ટ' લૉન્ચ કરવામાં આવ્યું. એમને કિલ્ટન અને કછાલ નામની બે પેટ્યા-ક્લાસ ફ્રિગેટ ટૉ કરીને કરાચીની નજીક લઈ ગઈ.

ઍડ્મિરલ એસ.એમ. નંદાએ પોતાની આત્મકથા 'ધ મૅન હૂ બૉમ્બ્ડ કરાચી'માં લખ્યું છે, "એવી આશંકા હતી કે કરાચીના તટ પર કાર્યરત રડાર્સ દિવસના ભાગમાં એ મિસાઇલ બોટ્સની હિલચાલને પકડી લેશે અને તેમની ઉપર હવાઈહુમલો થાય એમ હતો."

"એટલે એવું નક્કી થયું કે હુમલો રાત્રે કરાશે. સૂરજ આથમતાં સુધી એ મિસાઇલ બોટ્સ કરાચીમાં તહેનાત ફાઇટર વિમાનોની પહોંચથી દૂર રહેશે. રાત્રે ઝડપથી પોતાનું કામ પૂરું કરીને પરોઢ થાય તે પહેલાં પાકિસ્તાની વાયુસેનાની પહોંચથી દૂર નીકળી જાય."

સૌ પહેલાં પીએનએસ ખૈબર ડૂબ્યૂં

પાકિસ્તાન નૌકાદળના જે જહાજોએ વર્ષ 1965માં દ્વારકાના દરિયાકિનારે હુમલો કર્યો હતો, તા. ચોથી ડિસેમ્બરની રાત્રે તે કરાચીની દક્ષિણ-પશ્ચિમ દિશામાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં.

ઇન્ડિયન ડિફેન્સ રિવ્યૂના જુલાઈ 1990ના અંકમાં ટાસ્ક ગ્રૂપના કમાન્ડર કે.પી. ગોપાલરાવના લેખમાં આ અભિયાનનું વર્ણન કરતાં લખાયું, "ખૈબરને રાત્રે છેક 10 વાગ્યા ને 15 મિનિટે ખબર પડી કે ભારતનાં જહાજો કરાચી તરફ આગળ વધી રહ્યાં છે. એણે પોતાનો માર્ગ બદલીને એમને આંબી જવા માટે પોતાની ગતિ વધારી હતી."

"રાત્રે 10 વાગ્યા ને 40 મિનિટે જ્યારે પીએનએસ ખૈબર અમારી રેન્જમાં આવી ગયું, ત્યારે આઈએનએસ નિર્ઘટે એના પર પહેલી મિસાઇલ છોડી."

"પીએનએસ ખૈબરે પણ પોતાની વિમાનભેદક તોપોમાંથી ગોળા વરસાવવા શરૂ કર્યા, પણ એ પોતાના પર છોડાયેલી મિસાઇલને ટકરાતાં રોકી ન શક્યું. એના બૉઇલરમાં આગ લાગી ગઈ. ત્યાં જ મેં બીજી મિસાઇલ છોડવાનો આદેશ આપ્યો."

"બીજી મિસાઇલ વાગતાં જ એની ગતિ શૂન્ય થઈ ગઈ અને જહાજમાંથી ખૂબ ધુમાડો નીકળવા લાગ્યો. 45 મિનિટ પછી પીએનએસ ખૈબર કરાચીથી 35 માઇલ દૂર દક્ષિણ–પશ્ચિમમાં ડૂબી ગયું."

'ધ સ્ટોરી ઑફ ધ પાકિસ્તાન નેવી'માં આ હુમલાનું વર્ણન કરવામાં આવ્યું છે, જે મુજબ પહેલાં તો જહાજના ક્રૂને કોઈ વિમાન આવી રહ્યું હોવાનો આભાસ થયો હતો.

"પીએનએસ ખૈબર પરથી પાકિસ્તાન સૈન્ય મુખ્યાલયને સંદેશો મોકલવામાં આવ્યો, 'ઍનિમી ઍરક્રાફ્ટ અટૅક્ડ શિપ. નંબર એક બૉઇલર હિટ. શિપ સ્ટૉપ્ડ.' 11 વાગ્યા ને 15 મિનિટે બધા નાવિકોને ડૂબતું જહાજ છોડી દેવાનો આદેશ આપી દેવાયો. 11 વાગ્યા ને 20 મિનિટે જહાજે જળસમાધિ લીધી."

દરમિયાન આઈએનએસ નિપાતે પાકિસ્તાનની સેના માટે અમેરિકન હથિયારો લઈને આવી રહેલું વીનલ ચૅલેન્જર જહાજ ડૂબાડી દીધું. ત્રીજી મિસાઇલ બોટ વીરે 11 વાગ્યા ને 20 મિનિટે પીએનએસ મુહાફિજને પોતાની મિસાઇલનું નિશાન બનાવ્યું.

રિટાયર્ડ કર્નલ વાય. ઉદય ચંદરે 'ઇન્ડિયાઝ ઑલ સેવન વૉર્સ' નામનું પુસ્તક લખ્યું હતું. જેનું એક પ્રકરણ પશ્ચિમના મોરચા ઉપર કેન્દ્રિત છે. જેમાં તેઓ લખે છે કે આ હુમલામાં પીએનએસ શાહજહાં પણ ક્ષતિગ્રસ્ત થયું હતું. દ્વારા ઉપર જે હુમલો થયો હતો, તેમાં આ જહાજ પણ સામેલ હતું.

ત્રણે મિસાઇલ બોટ્સને આદેશ હતો કે શક્ય હોય એટલી મિસાઇલ્સ કરાચી પર છોડવામાંં આવે. આઈએનએસ નિપાતને પોતાના રડાર પર કીમારી ઑઇલ ટૅન્ક દેખાઈ. જ્યારે એમની વચ્ચે 18 માઇલ્સનું અંતર રહ્યું, ત્યારે નિપાતે એ ઑઇલ ટૅન્ક્સ પર પણ એક મિસાઇલ છોડી.

જોકે, એ પ્રકરણ અધૂરું રહ્યું અને બે દિવસ પછી ફરી ભારતીય નૌકાદળે મિસાઇલ બોટ્સની મદદથી ફરી એકવાર હુમલો કર્યો.

તા. આઠમી ડિસેમ્બરની રાત્રે ફરી હુમલો

6 ડિસેમ્બરે પણ કરાચી પર 'ઑપરેશન પાઇથન' કોડનેમથી વધુ એક હુમલો કરવાનો હતો, પણ ખરાબ હવામાન અને તોફાની સમુદ્રના કારણે એને સ્થગિત કરી દેવાયો હતો.

બે દિવસ પછી, 8 ડિસેમ્બરે બીજી એક મિસાઇલ બોટ આઈએનએસ વિનાશે એ હુમલો કર્યો. એની સાથે ભારતીય નૌસેનાનાં બે ફ્રિગેટ ત્રિશૂલ અને તલવાર પણ ગયાં હતાં. એ મિસાઇલ બોટ પર તત્કાલીન લેફ્ટનન્ટ કમાન્ડર વિજય જયરથની કમાન હતી.

નિવૃત કમાન્ડર વિજય જયરથે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "મેં રડાર તરફ જોયું. એક જહાજ ધીરેધીરે કરાચી બંદરેથી નીકળી રહ્યું હતું. હું જહાજની પૉઝિશન જોઈ રહ્યો હતો, એવામાં મારી નજર કીમારી ઑઇલ ડેપો તરફ ગઈ. મિસાઇલને જોઈ–તપાસીને મેં મિસાઇલની રેન્જને મેન્યુઅલ અને મૅક્સિમમ પર સેટ કરી અને મિસાઇલ ફાયર કરી દીધી."

"મિસાઇલ જેવી ટૅન્કને ટકરાઈ, ત્યાં તો જાણે પ્રલય આવી ગયો. મેં બીજી મિસાઇલથી જહાજોના એક સમૂહને નિશાન બનાવ્યો. ત્યાં ઊભેલું એક બ્રિટિશ જહાજ એસએસ હરમટનમાં આગ લાગી ગઈ અને પનામાનું જહાજ ગલ્ફસ્ટાર નષ્ટ થઈને ડૂબી ગયું."

ચોથી મિસાઇલ પીએનએસ ઢાકા પર છોડાઈ, પણ એના કમાન્ડરે કૌશલ્ય અને બુદ્ધિનો પરિચય કરાવતાં પોતાના જહાજને બચાવી લીધું.

'કરાચીમાં ત્રણ દિવસ સુધી સૂરજ ન દેખાયો'

કીમારી ઑઇલ ડેપોમાં આગ લાગી અને એ આગ 60 માઇલ દૂરથી પણ જોઈ શકાતી હતી.

ઑપરેશન પૂરું થતાં જ જયરથે રેડિયો પર સંદેશો મોકલ્યો, 'ફૉર પિજન્સ હૅપી ઇન ધ નેસ્ટ રિજોઇનિંગ.' એમને જવાબ મળ્યો 'એફ 15થી વિનાશને માટે આનાથી સારી દિવાળી અમે આજ સુધી નથી જોઈ.'

કરાચીના ઑઇલ ડેપોમાં લાગેલી આગને સાત દિવસ સુધી ઓલવી શકાઈ નહોતી. બીજા દિવસે ભારતીય વાયુસેનાના વિમાનચાલકો જ્યારે કરાચી પર બૉમ્બમારો કરવા ગયા તો એમણે રિપોર્ટ આપ્યો કે એ 'એશિયાની સૌથી મોટી બૉનફાયર' હતી.

કરાચીની ઉપર એટલો ધુમાડો હતો કે ત્રણ દિવસ સુધી ત્યાં 'સૂરજ' દેખાયો ન હતો. પાકિસ્તાની નૌસેનાને એનાથી એટલો મોટો ઝટકો લાગ્યો કે એણે પોતાનાં બધાં જહાજોને કરાચી બંદરના અંદરના વિસ્તારોમાં મોકલી દીધાં.

જનરલ ઇયાન કારડોજોએ તેમના પુસ્તકમાં લખ્યું છે, 'પાકિસ્તાની નૌસેનાનું એ દુર્ભાગ્ય હતું કે પાકિસ્તાની વાયુસેના એમની મદદે ન આવી શકી. કરાચીની આસપાસ ના તો ભારતીય નૌસેનાની મિસાઇલ્સને અને ના તો વાયુસેનાનાં વિમાનોને પડકારી શકાયાં.'

'અરબી સમુદ્ર પર ભારતીય સેનાનું સંપૂર્ણ નિયંત્રણ હતું. કરાચીની જળસીમામાંથી ભારત સરકારની અનુમતિ વગર કોઈ પણ જહાજને અંદર આવવા ન દેવાયું કે બહાર જવા ન દેવાયું.'

તત્કાલીન રશિયન ઍડ્મિરલ ગોર્શકૉવ પોતાની રક્ષણ બોટોનો આવો આક્રમક ઉપયોગ જોઈને ચકિત થઈ ગયા હતા. તેઓ જ્યારે બૉમ્બે આવ્યા ત્યારે મિસાઇલ બોટ્સના કમાન્ડરો સાથે બેઠક કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા.

ભારતમાં ચોથી ડિસેમ્બરને 'નેવી ડે' તરીકે ઊજવવામાં આવે છે. એ દિવસ જ્યારે રક્ષણ માટે ખરીદાયેલી મિસાઇલ બોટોએ 'ઑપરેશન ટ્રાઇડન્ટ' હાથ ધર્યું હતું અને પાકિસ્તાનમાં કરાચી બંદર પર તારાજી સર્જી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન