'દેવું ચૂકવવા માટે હું કંબોડિયા ગયો અને કિડની વેચી', ખેડૂતના આરોપ બાદ શું થયું?

મહારાષ્ટ્ર, શાહુકારના દબાણ હેઠળ કિડની વેચી, કંબોડિયામાં કિડની વેચવાના રેકેટની તપાસ, ગરીબ ખેડૂત ધિરાણ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રોશન ફૂલેનો આરોપ છે કે 'શાહુકારોના દબાણ હેઠળ તેમણે કિડની વેચવી પડી હતી'.
    • લેેખક, ભાગ્યશ્રી રાઉત
    • પદ, બીબીસી મરાઠી માટે

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે. લોનના વિષચક્રમાં ફસાયેલા એક ખેડૂતે દેવું ચૂકવવા માટે પોતાની 'કિડની' વેંચવી પડી છે.

36 વર્ષના એ ખેડૂતનું નામ રોશન ફૂલે છે અને તેઓ નાગભીડ તાલુકાના મિન્થૂર ગામમાં રહે છે.

રોશન ફૂલેનો આરોપ છે કે તેઓ વ્યાજે ઉધાર પૈસા લેવાના વિષચક્રમાં ફસાયા હતા અને માટે કંબોડિયા જઈને પોતાની કિડની વેચી દીધી હતી.

તેનો વીડિયો સામે આવ્યા પછીના બીજા દિવસે અમે મિન્થૂરમાં તેમના ઘરે પહોંચ્યા હતા. એ વખતે પોલીસ પણ ત્યાં હાજર હતી.

અમે રોશન ફૂલે સાથે વાત કરવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે આ મુદ્દે વાત કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે પોલીસ તપાસ કરી રહી છે અને તેઓ હવે આ બાબતે વાત કરવા માંગતા નથી.

ખેડૂત માટે વ્યાજનું વિષચક્ર

મહારાષ્ટ્ર, શાહુકારના દબાણ હેઠળ કિડની વેચી, કંબોડિયામાં કિડની વેચવાના રેકેટની તપાસ, ગરીબ ખેડૂત ધિરાણ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, તબીબી તપાસમાં રોશનની કિડની ન હોવાનું બહાર આવ્યું છે

જોકે, પોતાનો પુત્ર શાહુકારોથી કેવી રીતે પરેશાન હતો એ વાત રોશનના પિતાએ જણાવી હતી.

રોશનના પિતા શિવદાસ ફૂલેએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "મારા દીકરાનો દૂધનો ધંધો હતો, પરંતુ કોરોનાના સમયગાળા દરમિયાન અમારો ધંધો પડી ભાંગ્યો હતો. એ પછી લમ્પી રોગને કારણે અમારી છ ગાય મૃત્યુ પામી હતી."

"એ પહેલાં બીમાર ગાયોની સારવાર માટે અમે બે શાહૂકાર પાસેથી રૂ. 50-50,000ની એમ કુલ રૂ. એક લાખની લોન લીધી હતી. આ 2021ની વાત છે."

શિવદાસ ફૂલેએ ઉમેર્યું હતું, "આ રૂ. એક લાખની લોન ચૂકવવા માટે તેમણે બીજા શાહૂકાર પાસેથી લોન લીધી હતી. બ્રહ્મપુરીમાં 6 શાહૂકારોની એક ટોળકી છે. તેઓ એકમેક પાસેથી કરજ લઈને દેવું ચૂકવવાનું કહેતા હતા. શાહૂકારો અમને ઘરે આવીને ધમકી આપતા હતા, દુર્વ્યવહાર કરતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા."

શિવદાસે આક્ષેપ કરતાં કહ્યું, "રોશન બૅન્ક ઑફ ઇન્ડિયાના બિઝનેસ કૉરસ્પોન્ડન્ટ તરીકે કામ પણ કરતો હતો. શાહૂકારો ત્યાં જઈને પણ લોનની ચૂકવણી માટે રોશન સાથે ગાળાગાળી કરતા હતા."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસ એફઆઇઆરમાં (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) જણાવ્યા મુજબ, રૂ. એક લાખનું દેવું રૂ. 50 લાખ સુધી પહોંચી ગયું હતું. દેવું ફેડવા માટે ખેડૂતે ખેતર વેચી નાખ્યું હતું. અડધો એકર જમીન શાહૂકારના નામે ટ્રાન્સફર કરી હતી.

ખેડૂતે પોતાના ઘરમાંથી છ તોલા સોનું વેચી દીધું હતું. તેમ છતાં લોનની ચૂકવણી કરી શકાઈ ન હતી. તેથી તેમણે પોતાની કિડની વેચવાનો નિર્ણય કર્યો હતો. તેઓ કંબોડિયા ગયા હતા અને આઠ લાખ રૂપિયામાં પોતાની કિડની વેચી દીધી હતી.

રોશને આક્ષેપ કર્યો હતો કે "શાહૂકારોએ મને કિડની વેચીને દેવું ચૂકવવા કહ્યું હતું. તેથી મેં મારી કિડની વેચી દીધી હતી."

પોલીસે છ શાહૂકારોની ધરપકડ કરી છે. આરોપીઓનાં નામ મનીષ પુરુષોત્તમ ઘાટબંધે, કિશોર રામભાઉ બાવનકુલે, લક્ષ્મણ પુંડલિક ઉરકુડે, પ્રદીપ રામભાઉ બાવનકુલે, સંજય વિઠોબા બલ્લારપુરે અને સત્યવાન રામરતન બોરકર છે. વ્યાજવટાવનો ધંધો ગેરકાયદે કરવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

શાહુકારો અને ખેડૂતો વચ્ચે થયેલા કેટલાક વ્યવહારોના પુરાવા પણ પોલીસને મળ્યા છે.

આરોપીઓને બ્રહ્મપુરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને 20 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ અદાલતે આપ્યો હતો.

ખેડૂતની એક કિડની ન હોવાનો મેડિકલ રિપોર્ટ

મહારાષ્ટ્ર, શાહુકારના દબાણ હેઠળ કિડની વેચી, કંબોડિયામાં કિડની વેચવાના રેકેટની તપાસ, ગરીબ ખેડૂત ધિરાણ, બીબીસી ગુજરાતી

સ્થાનિક મીડિયા સાથે શૅર કરેલા એક વીડિયોમાં રોશન ફૂલે જણાવે છે કે શાહુકારોને દેવાને કારણે તેણે તેની એક કિડની વેચવી પડી છે. એ ચાર મહિનાથી ન્યાય માંગી રહ્યો છે, પરંતુ તેની ફરિયાદ કોઈ કાને ધરતું નથી.

તેની ફક્ત એક જ માંગ છે કે "મને મારા પૈસા પાછા આપો."

ચંદ્રપુરના પોલીસ અધિક્ષક મુમ્માકા સુદર્શને બીબીસીને કહ્યું હતું, "અમે રોશનને ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું અને હવે તેની ફરિયાદ મુજબ તપાસ ચાલી રહી છે."

રોશને ખરેખર તેની કિડની વેચી દીધી છે કે કેમ તે જાણવા માટે પોલીસે 17 ડિસેમ્બરે તેની મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો.

મેડિકલ ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે રોશનની ડાબી બાજુની કિડની નથી.

પોલીસ અધિક્ષકે આપેલી માહિતી અનુસાર, રોશને ચેન્નાઈને એક ડૉક્ટરનું નામ આપ્યું હતું અને કહ્યું હતું કે એ ડૉક્ટરે તેને કિડની વેંચવામાં મદદ કરી હતી.

એ ડૉક્ટર કથિત રીતે રોશનને કંબોડિયા લઈ ગયો હતો, પરંતુ આ પ્રકરણમાં ડૉક્ટરની ખરેખર કોઈ ભૂમિકા છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે.

રોશન શાહૂકારનું દેવું ચૂકવવા માટે કિડની વેચી હતી કે પોતાના અંગત કામ માટે વેચી હતી?

આ ઘટનામાં શાહૂકારોનો કોઈ દોષ છે કે કેમ? આ કિડની વેંચવાનું કોઈ કૌભાંડ છે કે કેમ? અને એ કૌભાંડ મારફત કિડની વેંચવામાં આવી હતી કે કેમ? તેની પણ પોલીસ તપાસ કરી રહી હોવાનું મુમ્માકા સુદર્શને જણાવ્યું હતું.

આરોપીઓના સંબંધીઓ શું કહે છે?

વીડિયો કૅપ્શન, બનાસકાંઠામાં પાણીનાં તળ ઊંડાં જતાં ખેડૂતોની કેવી હાલત થઈ?

પોલીસે જે છ આરોપીની ધરપકડ કરી છે એ પૈકીના એક સંજય બલ્લારપુરેનાં પત્ની સાથે બીબીસીએ વાત કરી હતી.

બલ્લારપુરેનાં પત્ની સપનાએ કહ્યું હતું, "મારા પતિ કપડાંની દુકાન ચલાવે છે. કોઈને જરૂર હોય તો તેઓ પૈસા આપે છે, પરંતુ વ્યાજથી પૈસા ધીરતા નથી. તેમણે રોશન નામના કોઈ માણસને પૈસા આપ્યા નથી. બીજા આરોપીઓ મારા પતિની દુકાને બેસવા આવતા હતા. તેથી મારા પતિનું નામ પણ આરોપીઓમાં સામેલ થયું છે."

બીબીસીએ અન્ય આરોપીઓનો પ્રતિભાવ મેળવવાના પ્રયાસ પણ કર્યા હતા, પરંતુ તેમના પ્રતિભાવ મળ્યા નથી. પ્રતિભાવ મળ્યે આ સ્ટોરી અપડેટ કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન