અલ્ગો ટ્રેડિંગથી શૅરબજારમાં અબજોની કમાણી કરી શકાય?

    • લેેખક, કાર્તિકેયન ફાસ્તુરા
    • પદ, અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે

દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ સમય છે. ઝડપી પ્લેન, મોંઘી દવાઓ અને ટેકનૉલૉજી બધાનો આવિષ્કાર માત્ર સમય બચાવવા માટે કરવામાં આવે છે.

એવી જ રીતે સ્ટૉકમાર્કેટ ટ્રેડિંગમાં પણ ગતિ બહુ મહત્ત્વની છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને લાભ અંકે કરતા લોકો જ વિજેતા થાય છે. અલ્ગો ટ્રેડિંગ એક સ્વચાલિત સૉફ્ટવૅર છે, જે લોકોને આવું કરવામાં મદદરૂપ થાય છે.

શૅરબજારમાંથી કરોડો-અબજો રૂપિયાની કમાણી કરવા બાબતે ઘણા લોકોના મનમાં ઉત્સુકતા હોય છે. સાથે સવાલ પણ હોય છે કે તે લોકો આવી કમાણી કરે છે તે વાસ્તવમાં આવું કઈ રીતે કરતા હોય છે? નવી ટેકનૉલૉજી વડે આપણે બહુ બધી કમાણી કરી શકીએ?

આ સવાલોના જવાબ આ લેખમાં આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અલ્ગો ટ્રેડિંગની શરૂઆત કઈ રીતે થઈ?

શૅરબજારમાં ગણિતની અનેક ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. 1900ના દાયકામાં સ્ટૉકમાર્કેટમાં ટ્રેડિંગ લોકપ્રિય થઈ રહ્યું હતું ત્યારે અનેક ગાણિતિક સૂત્રો શોધવામાં આવ્યાં હતાં.

આવો જ એક પ્રસિદ્ધ સિદ્ધાંત 1930માં રાલ્ફ નેલ્સન એલિયટે શોધેલો ‘ધ એલિટ વેવ’ સિદ્ધાંત છે. તે મુજબ, શૅરબજારના ગ્રાફમાં વેવ હોય તો મુખ્ય વેવમાં ત્રણ અન્ય વેવ પણ હોય છે, જેમાંથી એક ઉપર જાય છે, જ્યારે બે એક પછી એક નીચે જાય છે. તેનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીએ તો ત્રણ વેવ ઉપર અને બે નીચે એવી સિક્વન્સ જોવા મળે છે.

એવી જ રીતે સ્ટૉકમાર્કેટ ટ્રેડિંગમાં ‘ફિબોનાચી’ સિક્વન્સ પણ પ્રસિદ્ધ છે. શૅરબજારનો સૂચકાંક ઉપર કે નીચે જાય ત્યારે બદલાવ પણ એ જ ક્રમમાં થાય છે એવું માનવામાં આવે છે. એટલે કે આપણે જૂના ભાવની સાથે નવા ભાવનો સરવાળો કરીએ તો આપણને ભવિષ્યનો ભાવ મળે છે.

સ્ટોક માર્કેટના ભૂતકાળના ટ્રેડના આધારે આવાં અનેક સૂત્ર બનાવવામાં આવે છે. આવાં સૂત્ર પર આધારિત કેટલાંક કૉમ્પ્યૂટર પ્રોગ્રામ પણ વિકસાવવામાં આવ્યાં છે.

લોકો તેના આધારે ખરીદી કે વેચાણ કરે છે. તેના આધારે ઝડપી નિર્ણય લેવામાં આવે છે અને સ્વચાલિત ટ્રેડિંગ થાય છે.

લોકોએ કૉમ્પ્યુટરનો ઉપયોગ શરૂ કર્યો ત્યારથી આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ઇન્ટરનેટના પ્રારંભ પછી શૅરબજારમાં ટ્રેડિંગ સંપૂર્ણપણે સ્વચાલિત થઈ ગયું છે.

મોટી ઇન્વૅસ્ટમેન્ટ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ અને શૅરબજારમાં રોકાણ કરતી વીમા કંપનીઓ દ્વારા અલ્ગો ટ્રેડિંગનો વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવે છે.

તેનું કારણ એ છે કે કંપનીઓ શૅરોમાં મોટા પ્રમાણમાં સોદા કરતી હોય છે. તેથી કંપનીઓ માત્ર લોકોના નિર્ણય લેવા પર નિર્ભર રહી શકતી નથી. એ પરિસ્થિતિમાં સ્વચાલિત એટલે કે ઓટોમેટેડ ટ્રેડિંગ લાભદાયક પુરવાર થાય છે.

તેનો ઉપયોગ કોણ કરી શકે? તેની પ્રક્રિયા શું છે?

અલ્ગો ટ્રેડિંગમાં અગાઉ C++ કૉમ્પ્યુટર લૅન્ગ્વેજનો વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવતો હતો. તેનો ઉપયોગ આજે પણ કરવામાં આવે છે, કારણ કે મોટાભાગની બૅન્કિંગ સેવાઓ તે ભાષામાં ડિઝાઈન કરવામાં આવી છે.

જોકે, કૉમ્પ્યુટરમાં જાવા લૅન્ગ્વેજ આવી ત્યારે તેના સલામતી સંબંધી પાસાને કારણે તેનો ઉપયોગ કરવામાં આવ્યો. હવે પ્રોગ્રામિંગ માટે MATLAB, Python અને Stata જેવી આધુનિક લૅન્ગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે.

હાલના દિવસોમાં અલ્ગો ટ્રેડિંગની સુવિધા માટે ઇન્ટરનેટ બ્રાઉઝરોમાં જાવાસ્ક્રિપ્ટ જેવા મૂળ લૅન્ગ્વેજના પ્રોગ્રામ રન કરવામાં આવે છે. તેનો અર્થ એ થાય કે મોટા ભાગે નાના વ્યવસાયીઓ તેનો ઉપયોગ કરે છે.

આજે શૅરબજાર એવી રીતે ચાલે છે કે કોઈ પણ વ્યક્તિ અલ્ગો ટ્રેડિંગ કરી શકે છે. મોટા પ્રમાણમાં વ્યવહારો થાય એટલા માટે બ્રોકરેજ ફર્મ્સ એપીઆઈ સેવા પૂરી પાડે છે.

તેનો ઉપયોગ કરીને કોઈ પણ અલ્ગો ટ્રેડિંગ માટે સૉફ્ટવૅર બનાવી શકે છે અને તેને સ્ટૉકમાર્કેટ એપીઆઈના માધ્યમથી લિંક કરીને પોતાના ઍકાઉન્ટમાં ઓટોમેટેડ ટ્રેડિંગ માટે તેનો ઉપયોગ કરી શકે છે.

એક અહેવાલ મુજબ, દુનિયાના કુલ વ્યવહારો પૈકીના 70-80 ટકા ટ્રાન્ઝેક્શન આ રીતે જ થાય છે. રોબર્ટ કિસેલે ‘અલ્ગોરિધમિક ટ્રેડિંગ મેથડ’ નામના પોતાના પુસ્તકમાં જણાવ્યું હતું કે માર્કેટમાં લગભગ 92 ટકા ટ્રેડિંગ અલ્ગો મારફત થાય છે.

અમેરિકામાં લગભગ 73 ટકા સ્ટૉકમાર્કેટ ટ્રેડિંગ અલ્ગો ટ્રેડિંગ મારફત થાય છે. જોકે, ભારતમાં આ પ્રમાણ માત્ર 50 ટકા છે અને અધિકાંશ ટ્રેડિંગ હાઈ ફ્રિકવન્સી છે. આ ટકાવારીમાં ફ્યુચર્સ તથા ઑપ્શન્શનો પણ સમાવેશ થાય છે.

દુનિયામાં ક્યાંય પણ સ્ટૉકમાર્કેટ કે તેનું નિયમન કરતી સરકારોએ સ્ટૉકમાર્કેટ ટ્રેડિંગ પર પ્રતિબંધ લાદ્યો નથી. ભારતમાં આવો કોઈ પ્રતિબંધ ન હતો, પરંતુ સેબીએ ડિસેમ્બર, 2019માં બહાર પાડેલા રિપોર્ટમાં તેના પર કેટલાંક નિયંત્રણ જરૂર લાદ્યાં છે.

અલ્ગો ટ્રેડિંગ સૉફ્ટવૅર માત્ર સ્ટૉકમાર્કેટમાં કામ કરતી બ્રોકરેજ એજન્સીઓને જ આપવામાં આવે છે.

સેબીએ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, મોબાઇલ ઍપ અને એપીઆઈનો ઉપયોગ કરીને થર્ડ પાર્ટી સૉફ્ટવૅર બનાવતી કંપનીઓને મંજૂરી આપવામાં આવશે નહીં, પરંતુ મોટી બ્રોકરેજ ફર્મોએ તેનો વિરોધ કર્યો છે.

અલ્ગો ટ્રેડિંગથી સફળતાની શક્યતા વધે?

ગણિત પર આધારિત કોઈ પણ સૂત્ર શૅરબજારમાં 100 ટકા સટીક ભવિષ્યવાણી કરી શકતું નથી. બજારને પ્રભાવિત કરનારા કોઈ સમાચાર ન હોય ત્યાં સુધી જ આ સૂત્ર યોગ્ય રીતે કામ કરે છે, પરંતુ દુનિયાના કોઈ ને કોઈ ખૂણામાંથી શૅરબજારને પ્રભાવિત કરે તેવા સમાચાર રોજ આવતા જ રહે છે.

એ સિવાય બધા લોકો એક જ ફૉર્મ્યુલાનો ઉપયોગ કરતા નથી. અલગ-અલગ સમયે અલગ-અલગ ફૉર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી અલ્ગો ટ્રેડિંગ શૅરબજારની અનિશ્ચિતતાને બદલી શકતું નથી.

તેથી તેના પર પ્રતિબંધ લાદવાને બદલે તેના ઉપયોગ માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

રશિયા-યુક્રેન સંકટ અને શૅરબજારનું વલણ

રશિયાના યુક્રેન પરના હુમલાની શૅરબજાર પર મોટી અસર થઈ છે. આ પરિસ્થિતિમાં કોઈ પણ ગાણિતિક સૂત્રના આધારે માર્કેટની પ્રવૃત્તિ જાણી શકાતી નથી. શૅરબજારનું વલણ વિવિધ પ્રકારના સમાચાર પર આધારિત હોય છે.

તેમાં નાટોનો રિપોર્ટ, યુક્રેન તથા રશિયાના રાષ્ટ્રપતિઓનાં નિવેદનો, સંઘર્ષનું સ્થાન અને તે ક્ષેત્રમાં ઉત્પાદિત વસ્તુઓની કિંમતમાં વધારાનો સમાવેશ હોઈ શકે છે.

2022ની 28 ફેબ્રુઆરીએ શૅરબજાર સાડા ચાર ટકાના ઘટાડા સાથે ખૂલ્યું હતું. તેના એક દિવસ પહેલાં જ રશિયાએ પરમાણુ હુમલાની ધમકી આપી હતી.

યુક્રેનના રાષ્ટ્રપતિ વાટાઘાટ માટે આગળ આવ્યા પછી શૅરબજારમાં સુધારો થવા લાગ્યો હતો.

આ યુદ્ધને કારણે ક્રૂડ, કુદરતી ગૅસ, સોનું-ચાંદી અને તેલીબિયાંના વૈશ્વિક ભાવમાં જોરદાર વધારો થયો છે. તેનો પ્રભાવ દરેક કોમોડિટી પર પડશે અને તેના ભાવ વધશે. રશિયા-યુક્રેન સંઘર્ષ અટકશે નહીં ત્યાં સુધી એ પરિસ્થિતમાં કોઈ ફેરફાર નહીં થાય.

અર્થશાસ્ત્રીઓ માને છે કે આ યુદ્ધ તીવ્ર બનશે તો ત્રીજા વિશ્વના દેશોએ દુકાળની પરિસ્થિતિનો સામનો કરવો પડશે અને તેવી પરિસ્થિતિ ધીમે-ધીમે વિશ્વના તમામ દેશોમાં સર્જાશે.

કેટલાક લોકો આવા વૈશ્વિક સમાચારને સમજવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અલ્ગો ટ્રેડિંગ કરે છે, પરંતુ તેમાંથી ખાસ કઈ હાથમાં આવતું નથી.

આપણે ઉપગ્રહનો ઉપયોગ કરીને પૃથ્વીની તસવીરો ભલે લઈએ અને જળવાયુ પરિવર્તનની ભવિષ્યવાણીના પ્રયાસ ભલે કરીએ, પરંતુ તેનાથી થનારા નુકસાનથી બચવા માટે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકીશું નહીં.

એવી જ રીતે આપણે ટેકનૉલૉજીનો ઉપયોગ કરીએ છીએ અને શૅરબજારનું ભાવિ ભાખવાના પ્રયાસ કરીએ છીએ ત્યારે તેમાં કોઈ ને કોઈ અડચણ તો આવશે જ. તેથી અનિશ્ચિતતા યથાવત્ રહે છે. જ્યાં સુધી અનિશ્ચિતતા છે ત્યાં સુધી શૅરબજારનું અસ્તિત્વ ટકી રહેશે.

(કાર્તિકેયન ફાસ્તુરા મદુરાઈના નાણાકીય સલાહકાર છે. તેમણે આઈટી ક્ષેત્રમાં 12 વર્ષ કામ કર્યું છે અને છેલ્લા પાંચ વર્ષથી તેઓ એક ફાઇનાન્શિયલ ટેકનૉલૉજી કંપની ચલાવી રહ્યા છે. પત્રકારત્વનો બહોળો અનુભવ હોવાને કારણે તેમણે તામિલ અખબારોમાં અનેક લેખો લખ્યા છે. તેઓ અનેક સ્ટાર્ટઅપ કંપનીઓ માટે સલાહકાર તરીકે પણ કામ કરે છે.)

(આ લેખમાં સમાવિષ્ટ અભિપ્રાય તથા નિવેદન લેખકનાં છે, બીબીસીનાં નહીં. – સંપાદક)