You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સૅમ બૅન્કમૅન-ફ્રાઇડ : વીડિયો ગેમનો શોખીન એ ‘ક્રિપ્ટો કિંગ’ જેણે કરોડો ડૉલર બનાવ્યા અને છેલ્લે નાદારી નોંધાવી
નિષ્ફળ રહેલા ક્રિપ્ટો કરન્સી ઍક્સચેન્જ એફટીએક્સના વડા સૅમ બૅન્કમૅન-ફ્રાઇડને બહામાસના એક ન્યાયમૂર્તિએ જામીન પર મુક્ત કરવાનો ઇન્કાર કર્યો છે.
અમેરિકાના સત્તાવાળાઓએ બૅન્કમૅન-ફ્રાઇડ પર “અમેરિકાના ઇતિહાસમાંના સૌથી મોટા નાણાકીય કૌભાંડો પૈકીનું એક આચરવાનો” આરોપ મંગળવારે મૂક્યો હતો. અમેરિકાના સિક્યૉરિટી ઍન્ડ ઍક્સચેન્જ કમિશન (એસઈસી)ના અધ્યક્ષ ગૅરી જેન્સલેરે કહ્યું હતું કે એફટીએક્સના પૂર્વ વડાએ “છેતરપિંડીના પાયા પર પત્તાનો મહેલ” બનાવ્યો હતો.
બૅન્કમૅન-ફ્રાઈડે પોતાના અમેરિકાને પ્રત્યાર્પણ સામે લડવાનો સંકેત આપ્યો છે.
બહામાસના વડા મૅજિસ્ટ્રેટ જૉયએન ફર્ગ્યુસન-પ્રાટે તેમને જામીન પર મુક્ત કરવાનો ઇન્કાર કર્યો હતો અને તેમને આઠમી ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર લેવાનો આદેશ આપ્યો હતો. બૅન્કમૅન-ફ્રાઇડની સોમવારે બહામાસમાં ધરપકડ કરવામાં આવી હતી.
એફટીએક્સે અમેરિકામાં ગયા મહિને નાદારી નોંધાવી તેના પરિણામે લાખો યુઝર્સ તેમના નાણાં ઉપાડી શક્યા નહોતા. અદાલતમાં રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ, એફટીએક્સે તેના સૌથી મોટા 50 ધિરાણકર્તાઓને લગભગ 3.1 અબજ ડૉલર ચૂકવવાના બાકી છે.
બૅન્કમૅન-ફ્રાઇડ સામેનો સૌથી ગંભીર આરોપ એ છે કે તેમણે ગ્રાહકોને અબજો ડૉલરોનો ઉપયોગ તેમની ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગ કંપની આલ્મેડાને મજબૂત બનાવવા માટે કર્યો છે.
ઍક્સચેન્જમાં જેમનાં નાણાં પડ્યાં છે એ પૈકીના કેટલાને નાદારીની કાર્યવાહી બાદ પૈસા મળશે તે અસ્પષ્ટ છે. જોકે, ઘણા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે એ લોકોને તેમણે જમા કરાવેલા પૈસાનો બહુ ઓછો હિસ્સો મળે તેવી શક્યતા છે.
બૅન્કમૅન-ફ્રાઇડ સામે અમેરિકામાં આઠ આરોપ મૂકવામાં આવ્યા છે. તેમાં વાયર ફ્રૉડ, મની લૉન્ડરિંગ અને ગુનાહિત ષડયંત્રના આરોપનો સમાવેશ થાય છે. તેમની સામે કંપનીમાં એક અબજ ડૉલરથી વધુનું રોકાણ કરનારા લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કૅમ્પેઇન ફાઈનાન્સના કાયદાનું ઉલ્લંઘન કર્યાનો આરોપ પણ અધિકારીઓએ મૂક્યો છે.
એફટીએક્સનું પતન
મંગળવારે યોજવામાં આવેલી પત્રકારપરિષદમાં ન્યૂયૉર્ક સધર્ન ડિસ્ટ્રીક્ટના ઍટર્ની ડેમિયન વિલિયમ્સે બૅન્કમૅન-ફ્રાઇડે આચરેલા કૌભાંડને અમેરિકાના ઇતિહાસમાંનાં સૌથી મોટાં કૌભાંડો પૈકીનું એક ગણાવ્યું હતું.
બૅન્કમૅન-ફ્રાઇડે ધિરાણકર્તાઓ, રોકાણકારો અને ગ્રાહકોને છેતર્યા હોવા ઉપરાંત તેમણે ગેરકાયદે મેળવેલા કરોડો ડૉલકોનું યોગદાન ડેમૉક્રેટ્સ તથા રિપબ્લિકન પક્ષની ગેરકાયદે ઝૂંબેશમાં કર્યું હોવાનો આક્ષેપ પણ વિલિયમ્સે કર્યો હતો.
વિલિયમ્સે કહ્યું હતું કે “બૅન્કમૅન-ફ્રાઇડે આ ગંદાં નાણાંનો ઉપયોગ બન્ને પક્ષોની વગનો લાભ લેવા તથા સરકારી નીતિને પ્રભાવિત કરવા માટે કર્યો હતો.”
ક્રિપ્ટો મહારથી બૅન્કમૅન-ફ્રાઈડે અગાઉના મીડિયા ઇન્ટરવ્યૂમાં ઓમાં પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો, પરંતુ તેનો હેતુ ગ્રાહકોને છેતરવાનો હોવાનો ઇન્કાર કર્યો હતો.
એફટીએક્સ સાથે સંકળાયેલી ટ્રેડિંગ કંપની આલ્મેડા રિસર્ચ દ્વારા એફટીએક્સના ગ્રાહકોના ભંડોળનો ઉપયોગ બાબતે પોતે વાકેફ હોવાના આક્ષેપનો પણ બૅન્કમૅન-ફ્રાઇડે ઇન્કાર કર્યો હતો.
તેમને એક સમયે અમેરિકાના દંતકથારૂપ રોકાણકાર વોરન બફેટનું યુવા સ્વરૂપ ગણવામાં આવતા હતા. હજુ ઑક્ટોબરના અંત સુધી તેમની અંદાજીત નેટ વર્થ 15 અબજ ડૉલરની હતી.
દરમિયાન કંપનીના નવા ચીફ ઍક્ઝિક્યૂટિવ જોન રેએ અમેરિકાની સંસદીય સમિતિને જણાવ્યું હતું કે “અત્યંત બિનઅનુભવી અને અણઘડ” લોકોના એક નાના જૂથના અંકુશ હેઠળ હોવાને કારણે એફટીએક્સ તૂટી પડી હોય એવું લાગે છે.
તેમના જણાવ્યા મુજબ, “કંપનીમાં રેકૉર્ડ-કીપિંગ કે આંતરિક અંકુશ જેવું કશું જ ન હતું.”
એફટીએક્સ તેના ગ્રાહકોને સામાન્ય પૈસા વડે બિટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગની સવલત આપતું હતું.
ક્રિપ્ટો કરન્સી પરંપરાગત અર્થમાં ચલણી નાણું નથી, પરંતુ તેનો ઑનલાઈન સંગ્રહ કરી શકાય છે અને તે રોકાણ કે જામીનગીરીના સાધન તરીકે કામ કરે છે. તેના ભાવમાં ભારે વૉલેટાલિટી જોવા મળતી હોય છે.
તેની સ્વાયતતાનો અર્થ એ છે કે તેનો ઉપયોગ ડ્રગ સોદાઓ તથા રેન્સમવેર અટેક જેવી ગુનાહિત પ્રવૃત્તિ માટે વધુ કરવામાં આવે છે. જોકે, ક્રિપ્ટો કરન્સીના તરફદારો કહે છે કે તેમાં નાવિન્યની ભરપૂર ક્ષમતા છે અને તેના પર સરકારી અંકુશ નથી.
વીડિયો ગેમના પ્રશંસક
બૅન્કમૅન-ફ્રાઇડને વીડિયો ગેમ્સ રમવાનું બહુ ગમે છે. શા માટે ગમે છે તેના કારણો તેમણે ટ્વિટર હેન્ડલ પરના તેમના લગભગ 10 લાખ ફૉલોઅર્સને એક પોસ્ટ મારફત જણાવ્યા હતા.
તેમના જણાવ્યા મુજબ, દિવસમાં અબજો ડૉલરનો બિઝનેસ કરતી બે કંપનીના સંચાલનમાંથી દિમાગને રાહત આપવા તેઓ ‘લીગ ઑફ લેજેન્ડ્સ’ ગેમ રમતા હતા.
તેમણે કહ્યું હતું કે “ઘણા લોકો બહુ દારૂ પીએ છે, કેટલાક જુગાર રમે છે, હું લીગ રમું છું.”
30 વર્ષના બૅન્કમૅન-ફ્રાઇડનું ક્રિપ્ટો કરન્સી સામ્રાજ્ય નાટકીય રીતે તૂટી પડ્યું છે ત્યારે તેમના ગેમ-પ્રેમનો એક કિસ્સો ફરી બહાર આવ્યો છે.
સિક્વોઈયા કેપિટલ નામના એક ઈન્વેસ્ટમેન્ટ ગ્રૂપની બ્લોગ પોસ્ટમાં જણાવ્યા મુજબ, બૅન્કમૅન-ફ્રાઇડ તેમની ઇન્વેસ્ટમેન્ટ ટીમ સાથેની એક ઉચ્ચ-સ્તરીય બેઠકમાં પણ લીગ ઑફ લેજન્ડ્સ ગેમ રમવાનું ચૂક્યા નહોતા.
જોકે, તેનાથી તેઓ હતોત્સાહ થયા ન હતા. ઇન્વેસ્ટમેન્ટ ટીમે એફટીએક્સમાં એક કરોડ ડૉલરના રોકાણનો નિર્ણય કર્યો હતો.
એક વખતે 32 અબજ ડૉલરનું ક્રિપ્ટો કરન્સી સામ્રાજ્ય ગણાતી કંપની તૂટી પડવાથી જેમને જંગી નુકસાન થયું છે તેવા રોકાણકારોમાં સિક્વોઈયા કેપિટલ એકલી નથી.
એફટીએક્સમાં અંદાજે બાર લાખ રજિસ્ટર્ડ યુઝર્સ હતા, જેઓ બિટકોઇન તથા અન્ય ડિજિટલ કરન્સી ખરીદવા અને વેચવા માટે ઍક્સચેન્જનો ઉપયોગ કરતા હતા.
બીબીસીના ટેકનૉલૉજીના પત્રકાર જો ટાઈડી કહે છે કે કંપની તૂટી પડ્યા પછી એફટીએક્સના ડિજિટલ વોલેટ્સમાં ફસાયેલાં પોતાનાં નાણાં પાછાં મળશે કે નહીં તેની નાના-મોટા રોકાણકારોને ખાતરી નથી.
“સારાં કામ માટે દાન કરતો” અબજોપતિ
બૅન્કમૅન-ફ્રાઇડના ઉદય તથા પતનથી નાણાકીય વિશ્વને આઘાત લાગ્યો છે.
બૅન્કમૅન-ફ્રાઇડને ઘણા લોકો પરોપકારની પ્રતિભા ધરાવતી વ્યક્તિ, જોખમ લેવા અને જીતવા સક્ષમ અનુભવી રોકાણકાર અને ક્રિપ્ટો કરન્સીની દુનિયામાં દંતકથા બનવાની ક્ષમતા ધરાવતા ટેકનૉલૉજિકલ રિસર્ચર તરીકે ઓળખતા હતા, પરંતુ તેમના સામ્રાજ્યના પતન તથા તેમની સામેના ફોજદારી આરોપ પછી બૅન્કમૅન-ફ્રાઇડની ઈમેજનો ભાંગીને ભૂકો થઈ ગયો છે.
તેમણે અમેરિકાના પ્રતિષ્ઠિત રિસર્ચ યુનિવર્સિટી મૅસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીમાં ફિઝિક્સ તથા મૅથેમેટિક્સનો અભ્યાસ કર્યો છે, જ્યાં તેમને “તેજસ્વી યુવા વિદ્યાર્થી” ગણવામાં આવતા હતા.
બીબીસી સાથેની એક મુલાકાતમાં તેઓ ‘ઇફેક્ટિવ એલ્ટૂઈઝમ’ નામની ચળવળ સાથે સહમત થયા હતા.
તેમણે કહ્યું હતું કે ઇફેક્ટિવ એલ્ટૂઈઝમ લોકોનો એક એવો સમુદાય છે. જે “લોકો તેમના જીવનકાળ દરમિયાન એવાં ક્યા વ્યવહારુ કામ કરી શકે, જેની વિશ્વ પર સૌથી વધુ હકારાત્મક અસર થાય, તે જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે.”
તેથી પોતે બૅન્કિંગના ક્ષેત્રે આગળ વધીને વધુમાં વધુ નાણાં કમાવાનો અને તેનો ઉપયોગ સારાં કામ માટે કરવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું.
બૅન્કમૅન-ફ્રાઇડ કૉલેજમાં અભ્યાસ કરતી વખતે ન્યૂયૉર્કની જેન સ્ટ્રીટ ટ્રેડિંગ કંપનીમાં શૅરોની લે-વેચ કરતા શિખ્યા હતા. એ પછી તેમણે બિટકોઈનના પ્રયોગ શરૂ કર્યા હતા.
તેમણે જોયું કે વિવિધ ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જમાં બિટકોઈનનું મૂલ્ય અલગ-અલગ હોય છે. તેથી તેઓ એક જગ્યાએથી સસ્તા બિટકોઈન ખરીદતા હતા અને બીજી જગ્યાએ વધુ પૈસા મળે ત્યાં વેચી નાખતા હોવાનું જો ટાઈડીએ જણાવ્યું હતું.
મહિના સુધી પ્રમાણમાં સારો કહી શકાય તેવો નફો કર્યા પછી તેમણે કૉલેજકાળના દોસ્તો સાથે મળીને આલ્મેડા રિસર્ચ નામે પોતાનો ટ્રેડિંગ બિઝનેસ શરૂ કર્યો હતો.
બૅન્કમૅન-ફ્રાઇડના કહેવા મુજબ, શરૂઆત આસાન ન હતી અને બૅન્કો તથા દેશોમાંથી પૈસા કઈ રીતે બહાર કાઢવા અને ઘૂસાડવા તેનું કૌશલ્ય પ્રાપ્ત કરવામાં મહિનાઓ લાગ્યા હતા.
ઈતિહાસ દર્શાવે છે કે તેઓ સફળ થયા હતા, પરંતુ અમેરિકાના સરકારી વકીલ કહે છે કે એ કામ કરતી વખતે બૅન્કમૅન-ફ્રાઈડે શ્રેણીબદ્ધ છેતરપિંડી કરી છે.
બૅન્કમૅન-ફ્રાઈડે એક વર્ષ પહેલાં જેક્સ જોન્સ અને માર્ટિન વોર્નરને એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે “અમે અત્યંત જિદ્દી હતા. અમે સતત આગળ વધતા રહ્યા હતા. કોઈ આડખીલી સર્જે તો અમે સર્જનાત્મક રીતે તેને પાર કરતા હતા. તમામ મુશ્કેલી પાર કરવા માટે અમે અમારી પોતાની પ્રણાલી બનાવી હતી.”
જાન્યુઆરી – 2018માં તેમની ટીમની દૈનિક કમાણી દસ લાખ ડૉલર હતી.
'દાનવીર' અબજોપતિ
એફટીએક્સને કારણે બૅન્કમૅન-ફ્રાઇડ 2021માં સત્તાવાર રીતે અબજોપતિ બન્યા હતા. ક્રિપ્ટો કરન્સીના ખરીદ-વેચાણનું તેમનું આ પ્લેટફોર્મ વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું હતું. તેના પર રોજ 10 અબજ ડૉલરથી 15 અબજ ડૉલરના મૂલ્યનું ટ્રેડિંગ થતું હતું.
2022ની શરૂઆતમાં એફટીએક્સનું મૂલ્ય 32 અબજ ડૉલર થઈ ગયું હતું અને તે ઘરેઘરે જાણીતું થઈ ગયું હતું.
દરમિયાન બૅન્કમૅન-ફ્રાઈડે પોતાની જીવનશૈલીનો પરિચય તેમના ટ્વિટર ફોલોઅર્સને ખુશીથી કરાવ્યો હતો.
તેમણે સિલિકોન વેલીના ઉદ્યોગસાહસિકોની માફક, પોતાની ઓફિસ ડેસ્ક નજીક ઊંઘતા અસ્ત-વ્યસ્ત યુવક તરીકેની પોતાની પબ્લિક ઇમેજ બનાવી હતી. પોતાને સખાવતી સંસ્થાઓ માટે મોટું દાન કરવામાં રસ હોવાનો દેખાડો કરવાનું તેઓ ક્યારેય ચૂકતા ન હતા.
નવેમ્બરમાં બીબીસી રેડિયોને આપેલી મુલાકાતમાં બૅન્કમૅન-ફ્રાઇડે દાવો કર્યો હતો કે તેમણે કેટલાક લાખ ડૉલરનું દાન કર્યું છે.
તેમની કથિત ઉદારતા માત્ર સખાવતી સંસ્થાઓ પૂરતી મર્યાદિત ન હતી. ‘ક્રિપ્ટો કરન્સીના મહારાજા’ તરીકે ઓળખાતા આ માણસને છેલ્લા છ મહિનામાં “ક્રિપ્ટો કરન્સીના તારણહાર” એવું નવું ઉપનામ મળ્યું હતું.
2022માં ક્રિપ્ટો કરન્સીના ભાવ તૂટ્યા પછી આ ક્ષેત્રની અનેક કંપનીઓ ધરાશયી થઈ ગઈ હતી. એ વખતે બૅન્કમૅન-ફ્રાઇડે જાહેરાત કરી હતી કે એવી કંપનીઓને ઉગારવા માટે તેઓ કરોડો ડૉલરનું દાન કરશે.
તમે નબળી ક્રિપ્ટો કરન્સી કંપનીઓને ટેકો આપવાના પ્રયાસ શા માટે કરતા હતા એવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સીએનબીસીને જણાવ્યું હતું કે “આવી પરિસ્થિતિ સર્જાય તે લાંબા ગાળા માટે યોગ્ય નથી અને તે ગ્રાહકો સાથે પણ અન્યાય છે.”
એ જ ઇન્ટરવ્યૂમાં તેમણે દાવો કર્યો હતો કે તેમની પાસે બે અબજ ડૉલર પડ્યા છે. તેનો ઉપયોગ તેઓ માંદી પડેલી કંપનીઓની મદદ માટે કરશે.
જોકે, ટૂંક સમયમાં જ તેમની છબીએ આમૂલ વળાંક લીધો હતો. જે માણસ માંદી પડેલી કંપનીઓને મદદ કરતો હતો, તેણે પોતાની એફટીએક્સને નાદાર થતી અટકાવવા રોકાણકારો પાસેથી મદદ માગવી પડી હતી.
એફટીએક્સની નાણાકીય સદ્ધરતા સંબંધે શંકા સર્જાવાનું કોઈન ડેસ્ક વેબસાઈટ પર પ્રકાશિત એક લેખથી થઈ હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે બૅન્કમૅન-ફ્રાઇડની જંગી ટ્રેડિંગ કંપની આલ્મેડા રિસર્ચ પર જોખમ સર્જાયું છે.
આલ્મેડા રિસર્ચે પોતાની સમસ્યાના નિવારણ માટે એફટીએક્સના ગ્રાહકોનાં નાણાંનો ઉપયોગ કર્યો હોવાના સમાચાર ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’માં પ્રકાશિત થયા હતા.
જોકે, એફટીએક્સની મુખ્ય પ્રતિસ્પર્ધી કંપની બિનાકાએ તેની ડિજિટલ કરન્સી થોડા દિવસ પછી એફટીએક્સને વેચી નાખી ત્યારથી અંતનો આરંભ થયો હતો.
બિનાકાના ચીફ ઍક્ઝિક્યૂટિવ ઑફિસર ચેંગપેંગ ઝાઓએ તેમના 75 લાખ સોશિયલ મીડિયા ફૉલોઅર્સને જણાવ્યું હતું કે તેમની કંપની તેનું હૉલ્ડિંગ “તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને” વેચી નાખશે.
તેના પગલે એફટીએક્સમાં ધરતીકંપ થયો હતો. ગભરાયેલા ગ્રાહકો ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જમાંથી અબજો ડૉલર ઉપાડવા લાગ્યા હતા.
બૅન્કમૅન-ફ્રાઇડે ગ્રાહકોને નાણાં ઉપાડતા રોક્યા હતા અને બિનાકા પાસેથી વળતર મેળવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
બિનાકાએ જણાવ્યું હતું કે અમે “ગ્રાહકોના ભંડોળના દુરોપયોગ અને અમેરિકન એજન્સીઓ દ્વારા કથિત તપાસ” સંદર્ભે નિર્ણય કર્યો છે. તેના એક દિવસ પછી એફટીએક્સે નાદારી નોંધાવી હતી.
“હું દિલગીર છું”
બૅન્કમૅન-ફ્રાઇડે શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “હું દિલગીર છું. અમને ફરી બેઠા થવાની આશા છે. નવી વ્યવસ્થા પારદર્શક, ભરોસાપાત્ર હશે તેવી પણ આશા છે.”
“હું ખોટો હતો. મારે વધારે સારું કામ કરવું જોઈતું હતું.”
જે પરિસ્થિતિ સર્જાઈ તેનાથી પોતાને આશ્ચર્ય થયું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. બધું થવા છતાં તેમણે આશાવાદી બની રહેવાના પ્રયાસ કર્યા હતા.
ધરપકડના થોડા દિવસો પહેલાં બૅન્કમૅન-ફ્રાઈડે બીબીસીના રિપોર્ટર જો ટાઈડીને જણાવ્યું હતું કે એફટીએક્સના પતનનો ભોગ બનેલા લોકોને તેમનાં નાણા ચૂકવી શકાય તેટલી કમાણી કરવા નવો બિઝનેસ શરૂ કરવાની તેમને આશા છે.
તમે ધરપકડની સંભાવના સામે તૈયારી કરી રહ્યા છો કે કેમ, એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે “હા, એ બાબતે હું રાતે વિચારું છું, પણ સવારે જાગું ત્યારે શક્ય તેટલું વધુ કામ કરવા પર ફોકસ કરું છું અને મારા અંકુશ બહાર હોય તેવી બાબતોની અવગણના કરું છું.”