એ ગુજરાતી ખેલાડી જેણે પાકિસ્તાનને હરાવનારી અફઘાન ટીમ માટે મોટી ભૂમિકા ભજવી

અજય જાડેજા

ઇમેજ સ્રોત, Afghanistan Cricket Board

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વર્લ્ડકપ 2023માં ફરી એકવાર મોટો ઊલટફેર થઈ ગયો છે. પાકિસ્તાનની ટીમ એ આશા સાથે મેદાન પર ઊતરી હતી કે તે અફઘાનિસ્તાન સામે જીત મેળવશે અને તેમનો સેમિફાઇનલનો રસ્તો આસાન થશે. પરંતુ અફઘાનિસ્તાને ઇંગ્લૅન્ડ બાદ પાકિસ્તાનને પણ હરાવી દીધું અને તેની આશાઓ પર પાણી ફેરવી દીધું.

વળી, અફઘાનિસ્તાને પાકિસ્તાન જેવી મજબૂત ટીમને વર્લ્ડકપ જેવી ટુર્નામૅન્ટમાં 8 વિકેટથી પ્રભુત્ત્વસભર પરાજય આપ્યો છે.

અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમના આ પ્રદર્શન પાછળ નિશંકપણે ટીમના ખેલાડીઓની મહેનત છે પરંતુ આ જીત પછી પરદા પાછળ રહેલા કેટલાક લોકોની ચર્ચા થઈ રહી છે.

આ યાદીમાં બે નામ સામે આવી રહ્યાં છે, અફઘાનિસ્તાનના કૉચ અને ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ખેલાડી જૉનાથન ટ્રોટનું તથા પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજા. જાડેજા અફઘાની ટીમના મૅન્ટોર અને માર્ગદર્શક છે.

કિસ્તાન સામેની જીત પછી સોશિયલ મીડિયા પર તેમની ભારે ચર્ચા થઈ રહી છે.

અફઘાનિસ્તાનની ટીમના મૅન્ટોર જાડેજા

અજય જાડેજા

ઇમેજ સ્રોત, Getty Images

વર્લ્ડકપ શરૂ થયો તેના થોડા સમય પહેલા જ અજય જાડેજાને અફઘાનિસ્તાનની ટીમના મૅન્ટોર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

મૅન્ટોરનો રોલ ઘણી વખત કૉચ કરતાં પણ વધુ અગત્યનો માનવામાં આવે છે કારણ કે તે દરેક ખેલાડી સાથે વ્યક્તિગત ધોરણે કામ કરે છે. રમતનાં દરેક પાસાં સહિત તેમને માનસિક ધોરણે પણ તૈયાર કરવામાં અને તેમની સમસ્યાઓના સમાધાનમાં તેનો ફાળો અગત્યનો હોય છે.

એ સંદર્ભમાં અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમને મળી રહેલી આ સફળતા પાછળ તેમનો ફાળો અગત્યનો હોવાનું સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યું છે.

અજય જાડેજા કોઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમ સાથે પહેલીવાર કામ કરી રહ્યા છે જેથી તેમના માટે પણ આ સફળતા ઘણી ઉત્સાહવર્ધક છે.

સચીન તેંડુલકરે પણ અફઘાનિસ્તાનની આ જીત પાછળ અજય જાડેજાનો પ્રભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હોવાનો મત વ્યક્ત કર્યો છે.

સચીન તેંડુલકરે જાડેજાની પ્રશંસા કરતાં ટ્વીટ કર્યું કે, “આ વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનનું પ્રદર્શન માત્ર શાનદાર જ નહીં, ઉત્તમ છે. બેટિંગમાં શિસ્તબદ્ધ પ્રદર્શન અને જે સ્વભાવ તેણે દર્શાવ્યો એ ખરેખર પ્રશંસનીય છે. પીચ પરની આક્રમક દોડ તેમની મહેનત તરફ ઇશારો કરે છે. તેમાં કદાચ અજય જાડેજાનો પ્રભાવ હોઈ શકે છે.”

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ મલિકે પણ ન્યૂઝ ચેનલ ‘એ સ્પૉર્ટ્સ’ ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, “મેં અફઘાન ટીમના ડગ આઉટમાં અજય જાડેજાને જોયા હતા. મેં તેમની સાથે 2015માં કામ કરેલું છે. તેઓ ખરેખર એક શ્રેષ્ઠ ક્રિકેટિંગ માઇન્ડ છે.”

પાકિસ્તાનના ક્રિકેટ ઍક્સપર્ટ ફરીદ ખાન પણ એવું ટ્વીટ કર્યું હતું કે, “અજય જાડેજાને હમેં 1996મેં બેંગલુરુમેં મારા થા ઔર આજ ચેન્નઈમેં ભી હમેં માર દિયા. માન ગયે ઉસ્તાદ.”

કારકિર્દી પર એક નજર

અજય જાડેજા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આગવા અંદાજમાં બેટિંગ કરતા અજય જાડેજા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતના જામનગરમાં જન્મેલા અજય જાડેજા 1992થી 2000 સુધી ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય ખેલાડી રહ્યા છે. તેમને ઘણીવાર ભારતની કૅપ્ટન્સી કરવાની તક પણ મળી છે.

રાજવી પરિવારમાં જન્મેલા જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1992ના વર્લ્ડકપ દરમિયાન પદાર્પણ કર્યું હતું. ઍલન બૉર્ડરના કરેલા જોખમી કૅચને કારણે તેમણે તરત જ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. એ સમયે ભારતની ટીમના તે શ્રેષ્ઠ ફિલ્ડર ગણાતા હતા.

ભારત તરફથી તેમણે 15 ટેસ્ટ અને 196 વન-ડે રમી છે જેમાં વન-ડેમાં તેમણે 6 સદી અને 30 અડધી સદી ફટકારી હતી અને 20 વિકેટો પણ ઝડપી હતી.

પાકિસ્તાની બૉલર વકાર યુનૂસ સામે તેમણે જાણે કે 1996 વર્લ્ડકપમાં હુમલો કરી દીધો હતો. ક્વાર્ટર ફાઇનલમાં ફટકારેલા ઝંઝાવાતી 25 બૉલમાં 45 રનને ક્રિકેટના ચાહકો આજે પણ યાદ કરે છે.

ઘણીવાર ટીમના વાઇસ-કૅપ્ટન રહી ચૂકેલા જાડેજા ટીમના કેપ્ટન બનશે એ વાત નક્કી મનાતી હતી પરંતુ મૅચ ફિક્સિંગના આરોપમાં સીબીઆઈએ આપેલા રિપોર્ટને આધારે બીસીસીઆઈએ 5 વર્ષ માટે તેમના પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

જોકે, લગભગ અઢી વર્ષ બાદ દિલ્હી હાઇકોર્ટે આ પ્રતિબંધ હઠાવી લીધો હતો પરંતુ આ ઘટના પછી તેઓ ક્યારેય ભારતીય ટીમમાં પુનરાગમન કરી શક્યા નહોતા.

તેમણે લાંબા સમય સુધી કૉમેન્ટેટર તરીકે પણ કામ કર્યું છે અને ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો હતો. ક્રિકેટની ઘણી પ્રાદેશિક ટીમો સાથે પણ તેમણે કામ કર્યું છે.