પાણીમાં તરતા આ સુંદર શહેરની ઊંચાઈ વધારીને તેને પૂરથી બચાવી શકાશે?

વેનિસ ઈટાલીના ઉત્તર-પૂર્વમાં વસેલું એક મધ્યકાલીન શહેર છે. આ શહેર ખાડીનાં પાણીની વચ્ચે વસ્યું છે. તેની ખૂબસૂરત વિશિષ્ટતાથી આકર્ષિત થઈને દર વર્ષે અહીં લાખો મુસાફરો આવે છે. અને આ ઈટાલીનું એક મુખ્ય પર્યટનસ્થળ પણ છે.

જોવાથી લાગે છે જાણે આ શહેર પાણીમાં તરી રહ્યું હોય. પણ ઍડ્રિયાટિક સાગર પાસે વસેલાં ઈટાલીનાં આ શહેરને હવે પાણીથી જ મોટો ખતરો ઊભો થઈ ગયો છે.

અહીં પૂરને રોકવા માટે એક બાંધ બાંધવામાં આવ્યો હતો. પણ નવેમ્બર 2019માં દરિયામાં પૂર આવવાથી લાખો ક્યૂબિક મીટર પાણી આ ડૅમને પાર કરીને શહેરમાં ઘૂસી ગયું.

શહેરના નીચાણવાળા વિસ્તારથી લોકોને બચાવીને સુરક્ષિત સ્થળોએ લઈ જવા પડ્યા. હવે આ પ્રકારનું પૂર અહીં વારંવાર આવવા લાગ્યું છે. જેનાથી સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે.

જેનાથી લોકોને જ નહીં પણ શહેરની ઐતિહાસિક ઈમારતો, ચર્ચ અને અન્ય ધરોહરને પણ ખતરો ઊભો થઈ ગયો છે.

2019માં આવેલા પૂરમાં બે લોકોનાં મૃત્યુ થયાં અને કરોડો યૂરોનું નુકસાન થયું. આ સમસ્યાને પહોંચી વળવા માટે સરકારે એડ્રિયાટિક સાગરના કિનારે ભરતીનું પાણીને રોકવા માટે ડૅમ બનાવ્યા છે. જેને ‘મોસે બેરિયર’ કહેવાય છે.

પણ જળવાયુ પરિવર્તનના કારણે સમુદ્રનું જળસ્તર સતત વઘી રહ્યું છે. અને અનેક લોકોનું માનવું છે કે આ ઉપાયો પૂરતા નહીં રહે.

હવે શહેરોને પૂરથી બચાવવા માટે સમુદ્રનાં પાણીનો જ ઉપયોગ કરવા માટે એક નવી યોજના પર વિચાર થઈ રહ્યો છે. જે અંતર્ગત સમુદ્રનાં પાણીને વેનિસની જમીન નીચે ભરીને શહેરને ઊંચું કરવાનો પ્રયત્ન કરાશે.

શું સમુદ્રની અંદરનું પાણી વેનિસને પૂરથી બચાવી શકે છે?

સૌથી અનોખું ડૂબતું શહેર

ખાડીની વચ્ચોવચ પાણીમાં વેનિસ શહેર કેવી રીતે બન્યું એ સમજવા માટે અમે વાત કરી ઇતિહાસકાર ક્લેયર ડ્યૂડ ડિલાવેયર સાથે કે જે ફ્રાન્સની ટોલૂસ યુનિવર્સિટીમાં મધ્યકાલીન ઇતિહાસનાં પ્રોફેસર છે.

તેઓ કહે છે કે "મધ્યકાળમાં એક વિશાળ ખાડીમાં વેનિસ શહેરનું નિર્માણ કરાયું. અહીં એડ્રિયાટિક સાગર અને આસપાસની નદીઓનું પાણી વહીને આવે છે."

"તે સમયે વારંવાર ઈટાલી પર આક્રમણકારીઓના હુમલા થતા હતા. આ હુમલાથી લોકોની સુરક્ષા માટે પાણીની વચ્ચોવચ એક શહેર વસાવવામાં આવ્યું. સાથે જ અહીં ખાડીમાં માછલીઓ ઘણી હતી. અને જમીન પર શાક અને દાળ ઉગાડી શકાતાં હતાં."

પરંતુ ખાડીની વચ્ચે ભેજવાળી જમીન પર શહેર વસાવવા માટે પહેલાં લોકોને આ જમીનને વધુ મજબૂત બનાવવાની જરૂર હતી. જેના માટે વેનિસના લોકોને એક અદ્ભુત ટેકનિકનો ઉપયોગ કર્યો.

ક્લેયર જ્યૂડ ડિલાવેયર મુજબ "જે ટેકનિકનો એ લોકોએ ઉપયોગ કર્યો તેનો ઉપયોગ આજે પણ થાય છે. તે લોકેએ લાકડાંના થાંભલાને ભેજવાળી જમીનમાં નાખીને પાયા બનાવ્યા અને સપાટીથી સપાટી તેના પર પથ્થર અને ઈંટોના માળખા તૈયાર કર્યાં જેનાં પર મહેલ, ચર્ચ અને અન્ય ઇમારતો પણ બની."

"વેનિસની નીચે પાણીમાં લાકડાંના કરોડો થાંભલા ઊભા છે. એક રીતે તે પાણીની નીચે ફેલાયેલું જંગલ જ છે."

શહેરના પાયા તો મજબૂત થઈ ગયા પણ સમુદ્રના પાણીથી ખતરો યથાવત્ રહ્યો. વારંવાર સમુદ્રમાં આવતી ભરતીનું પાણી શહેરમાં ભરાઈ જાય છે. આ પૂરને ઈટાલીમાં ‘અક્કા આલ્ટા’ કહેવાય છે. જેનાથી દર વખતે ઘણું નુકસાન થાય છે.

ડિલાવેયર કહે છે કે ભરતી સમયે જળસ્તર વધવા અને ઘટવાના કારણે શહેરના પાયામાં નાખેલાં લાકડાંના થાંભલા ઊખડી જાય છે. ઑક્સિજનના સંપર્કમાં આવવાથી તેમાં અનેક પ્રકારનાં જીવાણુ લાગી જાય છે.

અને તે નબળા પડી જાય છે. ખારા પાણીથી ઇમારતના પથ્થરોને પણ નુકસાન પહોંચે છે.

આ મધ્યકાલીન શહેર માટે પૂર એ કોઈ નવી વાત તો નથી. તો વેનિસના લોકો પહેલાં પૂરનો સામનો કેવી રીતે કરતાં હતાં?

ડિલાવેયરે કહ્યું, "વેનિસના પૂર્વ શાસકો પણ પૂરથી બચવાના ઉપાયો અંગે વિચારતા હતા. જેના કારણે આલ્પ્સ પર્વતોમાંથી આવતી નદીઓનું વહેણ બદલવામાં આવ્યું અન્ય ખાડી અને નહેરોની નિયમિત રીતે સફાઈ થતી હતી."

"ગંદકી, માટી અને શેવાળ હટાવાતી હતી. 18મી સદી અને 19મી સદીમાં ખાડીની આસપાસ પથ્થરોની દીવાલ બનાવવામાં આવી. જેનાથી એડ્રિયાટિક સાગરના પાણીને ખાડીમાં આવવાથી રોકી શકાય."”

હવે વેનિસમાં આધુનિક બાંધ બાંધવામાં આવ્યા છે. જેને ‘મૉસ બૅરિઅર’ (શેવાળ અવરોધક) પ્રોજેક્ટથી મદદ મળી રહી છે. પણ જે ગતિથી ધરતીનું તાપમાન અને સાગરનું જળસ્તર વધી રહ્યું છે. તેને જોતા ભવિષ્યમાં આ પૂરતું નહીં હોય.

શું છે મોસ બૅરિઅર?

મોસ બૅરિઅર અવરોધકોની એક શૃંખલા છે જે પાણીની સપાટીની નીચે રહે છે. ભરતીના સમયે એડ્રિયાટિક સાગરના પાણીને ખાડીમાં ઘૂસવાથી રોકવા માટે તેને ઉપર કરી લેવાય છે. મોસે બૅરિઅરને કંજોરશિયો નોવા કંપનીએ બનાવ્યું છે.

કંપનીના ડિરેક્ટર જનરલ હેર્મિસ રેડીએ કહ્યું કે ,"સામાન્ય રીતે મોસ બૅરિઅરમાં પાણી ભરેલું હોય છે. પણ તેમાં માટી પણ ભરી શકાય છે. ભરતીના જળસ્તર અનુસાર તેને ઉપર કે નીચે કરી શકાય છે."

"અમને છ દિવસ પહેલાં જ હવામાનવિભાગ પાસેથી મોટી ભરતી આવવાની સૂચના મળી જાય છે.""

"ભરતીના આવવાના છ કલાક પહેલાં અમે મોસ બૅરિઅરને સમુદ્રમાં જળસ્તરની ઉપર ઉઠાવી દઈએ છીએ. તેના માટે અમારે બંદર પ્રશાસન સાથે સંપર્ક જાળવી રાખવો પડે છે."

"કારણ કે જ્યારે મોસ બૅરિઅર ઉપર જતું રહે છે. ત્યારે નાવ ખાડીમાં પ્રવેશ નથી કરતી શકતી."

તેઓ કહે છે કે "છ અબજ યૂરોના ખર્ચથી તેને બનાવવામાં 20 વર્ષ લાગી ગયા. અને દર વખતે મોસે બૅરિઅરને ઉઠાવવા માટે બે લાખ યૂરોનો ખર્ચ થાય છે."

તો શું એ વ્યવહારિક ઉપાય છે?"

હેર્મિસ રેડીએ કહ્યું કે "અમારે વર્ષમાં 15 વાર મોસ બૅરિઅરને ઉઠાવવું પડે છે. અને તેમાં 30 લાખ યૂરોનો ખર્ચ થાય છે. પણ પૂરથી વેનિસમાં કરોડો યૂરોનું નુકસાન થાય છે. તો આર્થિક દૃષ્ટીએ મોસ બૅરિઅરનો ઉપયોગ સારો ઉપાય છે."

તેનાથી પૂરને રોકવા માટે તો મદદ મળે જ છે પણ એ પણ કહેવાય છે કે આ કોઈ સ્થાયી ઉપાય ન હોઈ શકે.

આ વાતથી હેર્મિસ રેડી પણ સહમત છે. તેઓ કહે છે કે સમુદ્રનું જળસ્તર સતત વધી રહ્યું છે. આવનારા 70થી 80 વર્ષમાં નવા ઉપાયો શોધવા પડશે.

સમુદ્રી ઉપાય

વેનિસને પૂરથી બચાવવા માટે એક નવા ઉપાય પર ગંભીરતાથી વિચાર થઈ રહ્યો છે. ‘મોસ બૅરિઅર’ સિવાય શું શહેરની ઊંચાઈ વધારવી પણ એક ઉપાય હોઈ શકે ખરો? અમારા વધુ એક ઍક્સ્પર્ટ ઈટાલીની પાડુઆ યુનિવર્સિટીમાં હાઇડ્રૉલૉજીના પ્રોફેસર પિપાટ્રો ટીયેટીનીનું માનવું છે કે આવું શક્ય છે.

તેઓ કહે છે કે "આપણે બધાં જ જાણીએ છીએ કે ‘ધરતીના પડ’માંથી જો તરલ પદાર્થને અલગ કરી લેવાય તો ધરતીની ઉપરની સપાટી ધસવા લાગે છે. એ જ રીતે જો ‘ધરતીના પડ’માં પાણી ભરી દેવાય તો ઉપરની સપાટી ઊંચી આવી શકે છે. ખાડીમાં પાણી વિપુલ પ્રમાણમાં છે. અને 500 મીટર નીચે માત્ર ખારું પાણી છે. અમારા ધ્યાને આવ્યું કે ખાલી જગ્યામાં પાણી ભરવાથી સપાટી 25થી 30 સેન્ટીમીટર ઊંચી આવી શકે છે."

પણ સવાલ એ છે કે આટલા ઊંડાણમાં પાણી કેવી રીતે ભરાશે?

પિપાટ્રો ટીયેટીએ કહ્યું "અમે બધી સપાટી પર અનેક કૂવાઓ ખોદીશું. આ યોજના અંતર્ગત વેનિસના મધ્યમાં દસ કિલોમીટરનાં ગોળ ઘરોમાં દસ કૂવા ખોદાશે. આ કૂવા મારફતે ખાડીના પાણીને ‘ધરતીના બધા જ પડો’માં ભરાશે. ટેકનિકલ રીતે આ કોઈ નવો વિચાર નથી."

પણ આ યોજનાને પૂરી કરીને શહેરને ઊંચું કરવામાં દસ વર્ષ લાગી શકે છે. પિયાટ્રો ટીયેટીની કહે છે કે " ‘ધરતીના બધાં પડો’માં પાણી ભરતી વખતે એ ધ્યાન રાખવું પડશે કે પાણીનું દબાણ જરૂરિયાતથી વધી ન જાય. જો દબાણ વધુ પડતું વધશે તો જમીનની સપાટી વધી શકે છે. અને તેમાં તિરાડો પડી શકે છે."

પરંતુ શું શહેરની ઊંચાઈ 30 સેન્ટીમીટર સુધી વધારવી પૂરતી હશે? કારણ કે તાજેતરમાં ‘એક્કા આલ્ટા’ દરમિયાન જળસ્તર 150 સેન્ટિમીટર સુધી વધી ગયું હતું. તો શું ઉપરની સપાટીને એક કે બે મીટર સુધી ઊંચી કરી શકાય?

શહેર એક મીટર ઊંચું આવી શકે ખરું?

પિયાટ્રો ટીયેટીની કહે છે કે એ શક્ય નથી "મને નથી લાગતું કે શહેરને 30 સેન્ટીમીટરથી વધુ ઉપર લઈ જઈ શકાય. એ સાચું છે કે ભરતી સમયે ખાડીનું જળસ્તર તેનાથી વધુ હોય છે. પણ આ સિસ્ટમને મોસ બૅરિઅરની સાથે ઉપયોગ કરવાથી પૂરને રોકવામાં મદદ મળશે."

પિયાટ્રો ટીયેટીનીએ બીબીસીને કહ્યું કે "આ યોજનાનો પ્રસ્તાવ 15 વર્ષ પહેલાં મુકાયો હતો. પણ તે સમયે વેનિસ પ્રશાસનને મોસ બૅરિઅરનું નિર્માણ શરૂ કરી દીધું હતું. અને કોઈ અન્ય યોજના માટે બજેટ ન હતું."

પિયાટ્રો ટીયેટીની કહે છે કે "ત્યારે અનુમાન હતું કે આ યોજનામાં લગભગ 10 કરોડ યૂરોનો ખર્ચ થશે પણ હવે કિંમતો ઘણી વધી ગઈ છે."

તેઓ એમ પણ કહે છે કે "હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે માત્ર મોસ બૅરિઅરથી પૂર રોકવું મુશ્કેલ છે. તેથી જ શહેરને ઊંચું કરવાની યોજના અંગે ગંભીરતાથી વિચાર થઈ રહ્યો છે."

પણ શું આ યોજનામાં ખામીઓ પણ છે? શું શહેરના લોકોને તેને લઈને આશંકાઓ પણ છે? પિપાટ્રો ટીયેટીનીનું કહેવું છે કે "અમે આ યોજનાનું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું છે. લોકોએ એ આશંકા વ્યક્ત કરી કે શહેરને ઊંચું કરવાં દરમિયાન બની શકે કે શહેરના કેટલાક ભાગ ઉપર આવી જાય અને કેટલાક ભાગ નીચે જ રહી જાય."

"તેનાથી શહેરની ઇમારતો અસ્થિર થવાની શક્યતા છે. અમે કહ્યું છે કે એવું નહીં થાય કારણ કે વેનિસના ભૂવિજ્ઞાન અને રચનાને ધ્યાને રાખીને જ બધાં જ ‘પડો’માં પાણી ભરાશે. આખા શહેરની ઊંચાઈ એક સરખી વધશે. આ પ્રક્રિયા સુરક્ષિત રીતે પૂરી કરાશે. તેનાથી ઇમારતોને કોઈ જ ખતરો નહીં થાય."

પિયાટ્રો ટીયેટીનીએ એ પણ કહ્યું કે "પહેલાં બે કે ત્રણ કૂવા ખોદાશે અને પરિણામોનો અંદાજ લગાવાશે. જેમાં બેકે ત્રણ વર્ષ લાગી શકે છે."

વેનિસનું ભવિષ્ય

હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે કે ધરતીનું તાપમાન જે ગતિથી વધી રહ્યું છે તેને જોતાં વર્ષ 2100 સુધી સમુદ્રનું જળસ્તર એક મીટર સુધી વધી શકે છે. જો એવું થાય તો વેનિસ અને તેના આસપાસના વિસ્તારો પાણીમાં ડૂબી જશે. વેનિસવાસિયો માટે આ એક ડરામણો વિચાર છે.

અમેરિકાની એમઆઈટી યુનિવર્સિટીમાં પ્રોફેસર કાર્લો રાટી ખુદ ઍન્જિનિયર પણ છે. તેમનું માનવું છે કે મોસ બેરિયર અને શહેરની ઊંચાઈ વધારવા સિવાય વેનિસના લોકોને પોતાની જીવનશૈલીમાં પણ પરિવર્તન કરવું પડશે. અને શહેરના સામાજિક વાર્પ અને વૂફને મજબૂત કરવું પડશે.

તેમના મુજબ "પ્રાચીનકાળમાં રોમન લોકો શહેર માટે બે શબ્દોનો ઉપયોગ કરતા હતા. ‘અર્બ’ એટલે કે શહેર અને ‘ચિવીટા’ એટલે કે સમુદાય. વેનિસમાં ‘ચિવીટા’ એટલે કે સામુદાયિક જનજીવન ધીરેધીરે સમાપ્ત થઈ રહ્યું છે. વેનિસમાં 50 હજારથી પણ ઓછા લોકો રહે છે. શહેર ખાલી થઈ રહ્યું છે. અને હવે વેનિસમાં દરેક જગ્યાએ પ્રવાસીઓની ભીડ જોવા મળે છે.”

કાર્લો રાટીએ કહ્યું "આવા યુવાનોને વેનિસમાં રહેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ જે અહીં કામ કરવા માગે છે."

"70ના દાયકામાં વેનિસને એક આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી શહેરમાં તરીકે વિકસિત કરવાની યોજના હતી. જેનાથી વિશ્વભરના પ્રતિભાશાળી યુવાનોને અહીં લાવવામાં આવે."

"પણ એ પરિકલ્પના હવે ખોવાઈ ગઈ છે. હવે શહેર પર પ્રવાસીઓનો ભાર વધ્યો છે. અને અહીંનું જનજીવન હવે પ્રવાસીઓની જરૂરિયાત અનુસાર ઢળી રહ્યું છે. જેના કારણે અહીંનું મૂળ સામુદાયિક જીવન ખતમ થઈ રહ્યું છે."

કાર્લો રાટીએ કહ્યું કે મોસ બૅરિઅર અને શહેરની ઊંચાઈ વધારવા જેવા ઉપાયો તો જરૂરી છે. પણ આ માત્ર ટેકનિકલ સમસ્યા નથી.

"વેનિસ સેંકડો વર્ષો પહેલાં બન્યું હતું. હવે તેનાં માળખાં નબળાં થઈ રહ્યાં છે. અને પાણીમાં ડૂબી રહ્યા છે. વેનિસને યૂરોપ અને વિશ્વના અન્ય દેશો માટે ખુલ્લા કરીને એક વર્લ્ડ સિટીમાં પરિવર્તિત કરી દેવું જોઈએ."

"કે જેથી દુનિયાભરમાંથી આવતા લોકો અહીં સામુદાયિક જીવનશૈલીને યથાવત્ રાખે. અને ભેગા મળીને જળવાયુ પરિવર્તનની સમસ્યાને શોધે. તે આખા વિશ્વ માટે પ્રેરણા અને આદર્શ પણ બની શકે છે."

વિશેષજ્ઞોનું માનવું છે કે પૂરના ખતરાને પહોંચી વળવા માટે માત્ર ટેકનિક જ પૂરતી નથી. પરંતુ સામુદાયિક જીવનને મજબૂત કરવું પડશે. અને જળવાયુ પરિવર્તનના પરિણામોને ઓછા કરવા માટે અન્ય ઉપાયો પણ શોધવા પડશે.