You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરા : 'સૉરી મા, કોઈ વિકલ્પ નથી રહ્યો', પત્ની અને પુત્રને માર્યા બાદ પતિનો પણ આપઘાત
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"સૉરી મા, અમે અમારી મરજીથી આ પગલું ભર્યું છે. દેવું બહુ વધી ગયું હોવાથી અમારી પાસે કોઈ ઑપ્શન રહ્યો નથી."
ઉપરોક્ત વાત વડોદરા શહેરના ડભોઈ વાઘોડિયા રિંગરોડ પર આવેલા દર્શન ઉપવન ડુપ્લેકસ નંબર A-3ની દીવાલ ઉપર લખેલા હતા.
પુત્ર પ્રીતેશે લખેલા આ શબ્દ પહેલી વાર તેમનાં માતાએ વાંચ્યા અને તેમના ઉપર તો જાણે આભ જ ફાટ્યું.
પુત્ર પ્રીતેશે માતાને રવિવારે ફોન કરીને પોતાને ત્યાં જમવા બોલાવ્યાં હતાં પણ જ્યારે તેઓ સોમવારે પુત્રના ઘરે પહોંચ્યાં તો ઘર બંધ હતું.
પુત્ર કે પુત્રવધૂ ફોન ઉપાડતાં ન હતાં જેથી તેઓએ ઘરની પાછળના ભાગે જઈ જોયું તો પુત્રનો મૃતદેહ લટકતો હતો અને બેડ ઉપર પુત્રવધૂ-પૌત્રના મૃતદેહો પડ્યા હતા. આ દૃશ્ય જોઈને તેમણે બૂમાબૂમ કરી એટલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. અને આ સમગ્ર ઘટના બહાર આવી હતી.
દર્શન ઉપવન ડુપ્લેક્સમાં ભાડે રહેતા અને શૅરબજારનું કામ કરતાં 30 વર્ષીય પ્રીતેશ મિસ્ત્રીએ બે દિવસ પહેલાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
પોલીસ તપાસમાં એવું માની રહી છે કે પ્રીતેશે આત્મહત્યા કરતા પહેલાં 32 વર્ષીય પત્ની સ્નેહા અને સાત વર્ષનાં પુત્ર હર્ષિલનું ઓશિકાથી મોઢું દબાવી અને હત્યા કરી હતી. એ બાદ પોતે ગળેફાંસો લગાવી લીધો હતો.
આ આપઘાતના કિસ્સામાં પ્રીતેશ મિસ્ત્રીએ દેવું વધી જવાના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે રૂમમાં આત્મહત્યા કરવામાં આવી તેની દીવાલ ઉપર પ્રીતેશે ઉપર જણાવ્યા મુજબનો આખરી સંદેશ લખ્યો હતો. આ સિવાય તેમણે તેમના મોબાઇલમાં પણ એક સ્યુસાઇડ નોટ લખી હતી.
(આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)
‘કદાચ પ્રીતેશને દબાણ કરાયું અને તેણે આ અંતિમ પગલું ભર્યું’
મૃતક પરિવાર કેવી માનસિક અવસ્થામાંથી પસાર થયો હતો તે અંગે માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ મૃતક પ્રીતેશના મિત્ર કેતન ચુનારા સાથે વાત કરી હતી.
તેમણે આ વાતચીત દરમિયાન ઘટના સામે આવી તે સમયે બનેલ બનાવો અંગે વાત કરતાં કહ્યું હતું કે, "મને પ્રીતેશભાઈનાં મમ્મીનો મને ફોન આવ્યો હતો કે, મારા દીકરાએ આત્મહત્યા કરી છે. તમે જલદી તેના ઘરે આવો. હું જ્યારે પ્રીતેશના ઘરે પહોંચ્યો ત્યારે મેં આ દૃશ્ય અને તેમણે લખેલ સંદેશો જોયો.”
“સાથે જ તેમણે પોતાના અંતિમ સંદેશમાં લખ્યું હતું કે મારા ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શનમાં મારા પરિવારની કોઈ જવાબદારી નથી.”
કેતનભાઈએ વધુમાં જણાવ્યું કે, "પ્રીતેશ તેમના પરિવારથી અલગ રહેતા હતા. તેમનાં મમ્મી એકલાં રહે છે. તેમની બહેન સાસરે છે. પ્રીતેશભાઈ આ ડુપ્લેક્સમાં ભાડે રહેતા હતા. તેઓ શૅરબજારનું કામ કરતા હતા. તેમનાં પત્ની ગૃહિણી હતાં.”
તેમણે આ સમગ્ર બનાવ અંગે શંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “પ્રીતેશભાઈએ દેવું થઈ જવાના કારણે આત્મહત્યા કર્યું હોવાનું સુસાઇડ નોટમાં લખ્યું છે. સુસાઇડ નોટમાં કોઈની પર આક્ષેપ કર્યા નથી. પરંતુ મને એવું લાગે છે કે તેમને કોઈક દ્વારા દબાણ કરવામાં આવ્યું હશે. જેથી જ તેમને આ અંતિમ પગલું ભર્યું હશે.”
“જોકે પોલીસ આ મામલામાં વધુ તપાસ કરી રહી છે જે પણ હકીકત હશે તે બહાર આવશે. પ્રીતેશભાઈનાં મમ્મી તો હાલ આ ઘટનાથી ભાંગી પડ્યાં છે.”
‘ખાનગી લેણદાર નહીં બૅંકો પાસેથી લીધી લૉન’
આ સમગ્ર ઘટના અને તપાસ દરમિયાન મળેલ માહિતી જણાવતાં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ. એ. ગોહિલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "પ્રીતેશભાઈને દેવું થઈ જતાં તેમણે આ પગલું ભર્યું હોવાની સામે આવ્યું છે. તેમણે કોઈ પાસેથી વ્યાજે પૈસા લીધેલ નથી પરંતુ બૅંકોમાંથી લૉન લીધેલી છે. તેમને અલગઅલગ બૅન્કમાંથી લીધેલ લૉનનું જ દેવું છે. પ્રીતેશભાઈ પર કેટલું દેવું છે તે અંગે અલગ અલગ બૅન્ક પાસેથી અમે માહિતી માગી છે. પ્રીતેશભાઈનો પરિવાર હાલ દુઃખમાં છે તેમની ધાર્મિક વિધિ પૂરી થયા બાદ તેમને તેમની સાથે વાત કરવામાં આવશે. પ્રીતેશભાઈએ તેમનાં પત્ની અને પુત્રને મારી નાખ્યાં હોવાથી તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે."
આ મામલા અંગે ઝોન 3ના ડીસીપી યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે, , "આ સમગ્ર ઘટના અંગે પ્રાથમિક માહિતી મુજબ પરિવાર આર્થિક ભીંસમાં હતો એવું જણાયું છે, જોકે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે."
મૃતકોનું પોસ્ટમૉર્ટમ કરનાર સયાજીગંજ હૉસ્પિટલના ડૉક્ટર સુનિલ ભટ્ટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "પત્ની અને પુત્ર બંનેનાં મૃત્યુ મોઢું અને નાક દબાવવાથી શ્વાસ રૂંધાવાના કારણે થયાં હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં જણાઈ આવે છે. તેમનાં શરીર પર કોઈ નિશાન મળી આવ્યાં નથી એટલે એવું લાગે છે કે તેમણે બચવા માટે ધમપછાડા કર્યા નથી. એટલે એવું બની શકે કે તેમને કોઈ પદાર્થ સુંઘાડ્યો હોય અને નિદ્રાધીન અવસ્થામાં મારી નાખવામાં આવ્યાં હોય. જોકે, વધુ માહિતી તો વિસેરા રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે."