You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપમાં શરૂ થયેલો આંતરિક વિખવાદ આગામી દિવસોમાં ભડકો થશે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક જીત મેળવ્યા પછી ભાજપમાં સમયાંતરે એક પછી એક એવી ઘટનાઓ બનતી ગઈ કે જેના કારણે પક્ષમાં વિખવાદો હોવાનો ગણગણાટ શરૂ થયો છે.
આ વિવાદો પક્ષ સુધી જ સીમિત ન રહ્યા અને છેક મુખ્યમંત્રીની ઑફિસ સુધી પહોંચ્યા. જેમાં હાઇકમાન્ડના કહેવાથી મુખ્યમંત્રીના પી.એ. ધ્રુમિલ પટેલને રાતોરાત બદલી નાખવામાં આવ્યા.
પક્ષની આંતરિક જૂથબંધીને કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભાજપના કાર્યકરોએ એકબીજા વિરુદ્ધ પત્રિકાઓ વહેંચી અને મીડિયામાં આ મામલો પત્રિકાકાંડ તરીકે ખૂબ ચગ્યો. પોલીસે ભાજપના કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી હતી.
ભાજપમાં વિદ્યાર્થી રાજકારણમાં પણ અંદર અંદર અનેક જિલ્લાઓમાં આક્ષેપોનો સમય શરૂ થયો અને તેમાં પોલીસે ભાજપના જ સમર્થકો સામે કેસ કર્યા.
ભાજપના સંગઠનમાં ઊંચી પહોંચ ધરાવતા મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને વડોદરાના પૂર્વ મેયર તથા શહેરના મહામંત્રી સુનીલ સોલંકીનું રાજીનામું લેવાયું.
આ સિવાય હાઈકમાન્ડના કહેવાથી અચાનક જ સીએમ ઑફિસમાંથી ધ્રુમિલ પટેલની જેમ જ પરિમલ શાહનું પણ રાજીનામું લેવાયું હતું.
મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને રાજકોટમાં સંગઠનના ઊંચા હોદ્દા પર રહેલા લોકોને પણ બદલી નાખવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી કાયમ શિસ્તબદ્ધ કહેવાતા પક્ષમાંથી સતત આ પ્રકારના સમાચારો આવી રહ્યા છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાણકારો તેની પાછળ ઘણાં કારણો જવાબદાર છે તેમ સૂચવે છે.
પક્ષપલટુ પર વધુ ભરોસો?
સતત છ વખત ચૂંટાયેલા અને 2022માં ભાજપ સાથે છેડો ફાડી નાખનાર વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “ભાજપમાં હવે લોકસેવાનું કલ્ચર ભૂંસાઈ રહ્યું છે. હવે ખાદીના બદલે લીનન કલ્ચર આવી ગયું છે. જૂના કાર્યકરોની અવગણના કરવી, જેની પાસે મનીપાવર હોય એ લોકોને વધુ માન આપવું, જેની સામે કાર્યકરો કાયમ લડ્યા હોય એવા બીજા પક્ષના લોકોને ભાજપમાં લાવી તેમને માથે બેસાડીને ફરવું, કોઈ સિનિયર નેતાની અવગણના કરવી એ બધું હવે ભાજપમાં દેખાઈ રહ્યું છે.”
તેમનો આરોપ છે કે શિસ્તના નામે વ્હાલાદવલાની નીતિ ચાલે છે જેના કારણે પક્ષમાં એક પ્રકારનો અસંતોષ છે.
“ભાજપને હવે આત્મમંથન કરવું જોઈએ કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં નાનાં શહેરો અને ગામડાંમાં કાર્યકરોમાં અસંતોષ કેમ છે? હવે એ લોકો સત્તાના નશામાં છે એટલે નાના કાર્યકરો અને સિનિયર નેતાઓની અવગણના થઈ રહી છે.”
હિન્દુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કુલ 37 નેતાઓને ભાજપે ટિકિટ આપી હતી જેમાંથી 12 નેતાઓ તો ભૂતપૂર્વ ધારાસભ્યો હતા. જેમાંથી ત્રણેક અપવાદોને બાદ કરતાં બધા જ નેતાઓ ચૂંટણી જીતી ગયા હતા.
એક સમયના કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે 51 હજારથી વધુ મતોથી જીત મેળવી હતી. આ સંજોગોમાં ભાજપના જૂના નેતાઓને અવગણના થતી હોય તેવા આરોપ લાગ્યા છે.
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના સિનિયર નેતા અને છ વખત ચૂંટાયેલા ભરૂચના વર્તમાન સાંસદ મનસુખ વસાવા જે રીતે જાહેર કાર્યક્રમોમાં પોતાની વાત રજૂ કરી રહ્યા છે તેના પરથી મધુ શ્રીવાસ્તવે કરેલી વાતને સમર્થન મળે છે.
મનસુખ વસાવાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “આદિવાસીઓના હક્કની વાતને ધ્યાનથી સાંભળવામાં આવતી નથી. અમારા આ વિસ્તારમાં રેતી, ખનન, જંગલ કાપવાં, આરોગ્યની સેવાના મુદ્દે લેવાતાં પગલાંની વાત કરીએ તો તેને ગંભીરતાથી લેવાતી નથી. વ્હાલાદવલાની નીતિને કારણે નવા આવેલા ધારાસભ્યો સિનિયર નેતાઓનું માન જાળવતા નથી. તેઓ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેની જાણ કરવા છતાં પણ કોઈ પગલાં નહીં લેવાતા અમારે ભાજપના નેતાઓના કાન આમળવા પડે છે.”
આમ પક્ષમાં રહીને જ મનસુખ વસાવા નામ લીધા વગર આદિવાસીઓના હક્કના મુદ્દાઓની આડશ લઈને સતત પોતાની વાત રજૂ કરી રહ્યા છે.
આ સિવાય સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ અને હિંમતનગરમાં ભાજપના ચૂંટાયેલા કૉર્પોરેટરો અને જિલ્લા કે તાલુકા પંચાયતના પ્રમુખોની નિમણૂકમાં અસંતોષ ઠારવા સિનિયર નેતાઓને જવું પડે છે એ ઘણેખરે અંશે આ નેતાઓની વાતને ટેકો આપે છે.
આંકડાઓમાં જ ભાજપ મજબૂત?
ફૂલછાબ દૈનિકના ભૂતપૂર્વ તંત્રી અને રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “ગુજરાતમાં ભાજપે ચૂંટણીના તમામ રેકૉર્ડ તોડીને વિધાનસભામાં જીત મેળવી છે. પરંતુ ભાજપ પોતે જાણે છે કે એમની જીતમાં વિપક્ષના મતોનું વિભાજન મહત્ત્વનું છે. કારણ કે આગળની ચૂંટણી માંડ જીત્યા પછી રેકૉર્ડ બ્રૅક જીતમાં પણ વિપક્ષના મતોમાં મોટો ઘટાડો નથી થયો. આ પરિસ્થિતિમાં ભાજપમાં શરૂ થયેલી ટાંટિયાખેંચને કારણે ભાજપમાં વિવાદોના તણખા ઝરી રહ્યા છે.”
આંકડાઓ પર નજર ફેરવીએ તો ભાજપને 2017ની ચૂંટણીમાં 1.5%નો વોટ શેર વધીને 49.5% મતો મળ્યા હતા. ત્યારે એમની સામે ચૂંટણી લડતો હોય તેવો કૉંગ્રેસ એકમાત્ર પક્ષ હતો. તેનો વોટ શેર 2.5% વધ્યો હતો. કૉંગ્રેસને 41.44% મતો મળ્યા હતા. કૉંગ્રેસને 16 બેઠકો વધુ મળી હતી અને ભાજપને માત્ર 99 બેઠક મળી હતી.
2022માં ભાજપનો વોટ શેર 3.45% વધીને 52.50% થયો અને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર કોઈ પક્ષે 156 સીટ મેળવી હતી. જ્યારે કૉંગ્રેસનો વોટ શેર 14.16% ઘટીને 27.82% થયો અને 60 બેઠકો ઘટી. જ્યારે આમ આદમી પાર્ટી 12.82% વોટ શેર લઈ માત્ર 5 બેઠકો પર જીતી છે અને ઔવેસીની પાર્ટી 0.29% મતો લઈ ગઈ.
આમ, જો વિપક્ષોને મળેલા મતોનો સરવાળો કરવામાં આવે તો 40.39% થાય છે. સામે પક્ષે 2017 કરતાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં મતદાન પણ ઓછું થયું હતું અને નોટાના મતો પણ ગઈ ચૂંટણી કરતાં ઘટ્યા હતા, જેના પરિણામે ભાજપને રેકૉર્ડ બ્રૅક બહુમતી મળી પણ ભાજપની સામેના અન્ય વિપક્ષી દળો માટે સરવાળે થયેલા મતોમાં બહુ ફર્ક પડ્યો નથી.
અર્થ એ કે મતદાન કરનારા કુલ મતદારોમાંથી અડધાથી વધુએ ભાજપ પર પસંદગી ઉતારી જ્યારે અન્ય મતદારોએ ભાજપ સિવાય કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, અપક્ષ સહિતના વિવિધ પક્ષો માટે મતદાન કર્યું, જેનો કુલ સરવાળો લગભગ 40 ટકાની આસપાસ છે.
સિનિયર નેતાઓની અવગણના?
ભાજપે ચૂંટણી પહેલાં જ મોટા ભાગના સિનિયર નેતાઓને ‘સાઇડલાઇન’ કરી દીધા હતા અથવા તો એવું કહી શકાય કે પક્ષમાં જ એવો માહોલ ઊભો કરી દેવામાં આવ્યો હતો કે સિનિયર નેતાઓએ સામેથી જ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. આ યાદીમાં પૂર્વ મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રી સહિત લગભગ ડઝનેક પૂર્વ મંત્રીઓ સામેલ છે.
કૌશિક મહેતા કહે છે, “પક્ષ મોટો થતાં જ ભાજપમાં હવે પહેલાં જેવો જૂથવાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક સિનિયર નેતાઓની નારાજગી દેખાય છે. જેમને તમામ હોદ્દા પરથી દૂર કરાયા એમાંથી કેટલાકને બીજાં રાજ્યોમાં પ્રભારી બનાવી દેવાયા છે. પરંતુ એમના સંનિષ્ઠ કાર્યકરો મારફતે એમનો ચંચુપાત અહીં ચાલુ રહે છે. સાથે જ જૂના નેતાઓના વફાદાર કાર્યકર્તાઓને કોરાણે મુકાતાં ભાજપમાં પણ હવે જૂથબંધી શરૂ થઈ ગઈ છે.”
“અત્યારે તણખા ઝરી રહ્યા છે જેમાં નેતાઓ વિરુદ્ધની સીડી અને પત્રિકાઓ વહેંચવી, જૂથવાદ પર કવિતાઓ લખીને વાઇરલ કરવી જેવાં ઉદાહરણો સામેલ છે. કૉંગ્રેસમાં 1985માં રેકૉર્ડ બ્રૅક બહુમતી પછી જે સ્થિતિ ઊભી થઈ હતી તેને કાબૂમાં ન લેવામાં આવી જેનું પરિણામ આજ સુધી કૉંગ્રેસ ભોગવી રહી છે. જો ભાજપ વહેલા ચેતી નહીં જાય તો ભાજપને આ જૂથવાદ ડામવો અઘરો પડશે.”
‘સૌને સત્તામાં ભાગ જોઇએ’
જાણીતા રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “પક્ષનો વિસ્તાર વધે ત્યારે આંતરિક વિખવાદ થાય એ સ્વાભાવિક છે. રાજકારણમાં દરેક લોકો એક મહત્ત્વાકાંક્ષા સાથે આવે છે. એમાં પણ જ્યારે કોઈ વ્યક્તિ બીજી પાર્ટીમાંથી આવે અને તેને વિધાનસભાની ટિકિટ અપાય અને પછી મંત્રી બનાવી દેવાય કે મોટા હોદ્દાઓની લ્હાણી કરાય ત્યારે જૂના લોકોમાં અસંતોષ ઊભો થાય એ સ્વાભાવિક છે.”
“ભાજપ પક્ષ અત્યારે સંક્રાંતિ કાળમાંથી પસાર થઈ રહ્યો છે. 1985માં કૉંગ્રેસ 149 બેઠકો પર જીતીને આવ્યો ત્યારે સત્તામાં દરેક લોકો ભાગીદારી ઇચ્છતા હતા, જેના કારણે વિખવાદ અને જૂથવાદ શરૂ થયો હતો. કૉંગ્રેસ આંતરિક વિખવાદના લીધે સત્તાથી વિમુખ થઈ ગઈ અને એમણે એ ભૂલનું પુનરાવર્તન પણ કર્યું.”
“1990માં જ્યારે વિપક્ષના વોટનું કેન્દ્રીકરણ કરી ભાજપ અને જનતાદળે સત્તા મેળવી એ સમયે બંને પક્ષો જુદા થયા ત્યારે કૉંગ્રેસે ટેકા પાર્ટી બનીને ચીમનભાઈની જનતાદળ (ગુજરાત)ને પોતાનામાં સમાવી લીધી. એ પછી શંકરસિંહ વાઘેલાને કૉંગ્રેસમાં સમાવી લીધા અને કૉંગ્રેસ ફરીથી ટેકા પાર્ટી બની ગઈ. ત્યારપછી જૂથવાદ વકર્યો. આજે કૉંગ્રેસ પક્ષ લાંબા સમયથી સત્તાથી વિમુખ છે જેના પાછળનાં અનેક કારણોમાંથી એક જૂથવાદ મનાય છે.”
વિદ્યુત જોશી વધુમાં જણાવે છે કે, “આમ છતાં ભાજપ ભૂતકાળમાંથી કંઈ શીખ્યો હોય એમ લાગતું નથી. 1990થી 1995માં ભાજપ પાસે સત્તા આવી અને દરેક લોકોને સંતોષ ન આપી શકાયો. સૌનો સત્તામાં ભાગીદાર ન બનાવાયા જેના કારણે ભાજપનાં ઊભાં ફાડિયાં થયાં હતાં. શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો હતો એ પછી ભાજપે પણ કૉંગ્રેસની જેમ જ વોટબૅન્ક મજબૂત કરવા બીજા પક્ષમાંથી લોકો લાવી મોટા હોદ્દા આપ્યા છે, જેના કારણે પક્ષમાં અસંતોષ ઊભો થયો છે. હાલ અસંતોષના તણખા ઝરી રહ્યા છે પણ સમય જતા એમાં ભડકો થાય તો નવાઈ નહીં.”
જોકે, આ તમામ ચર્ચાઓને નકારી કાઢતાં ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “ભાજપનો વ્યાપ વધે એટલે સ્વાભાવિક રીતે જ ક્યાંક મતભેદ હોય પણ મનભેદ નથી. ભાજપ લોકશાહીથી ચાલતો પક્ષ છે અને અહીં દરેકને શિસ્તમાં રહીને પોતાનો પક્ષ મૂકવાની અને પોતાની વાત રજૂ કરવાની છૂટ છે. પરંતુ એનો અર્થ એ નથી કે ભાજપમાં આંતરિક ડખા છે.”