You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જયરામ રમેશે કહ્યું, 'ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને શપથવિધિનું હજુ સુધી આમંત્રણ નથી મળ્યું'
કૉંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહ માટે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓને આમંત્રણ મળ્યું નથી.
જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "આવતીકાલે (9 જૂન)ના શપથગ્રહણ સમારોહ માટે માત્ર આંતરરાષ્ટ્રીય નેતાઓને જ આમંત્રિત કરવામાં આવ્યા છે. અમને હજુ સુધી આમંત્રણ આપવામાં આવ્યું નથી."
"જ્યારે અમારા ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને આમંત્રણ મળશે,તો અમે તેના પર વિચાર કરીશું."
એનડીએ ગઠબંધનના નેતા નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીનું શપથગ્રહણ રવિવારે સાંજે થશે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન લોકસભા ચૂંટણીમાં 293 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના 234 સાંસદો જીતીને લોકસભામાં પહોંચ્યા છે.
શનિવારે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ સંભાળવાની અપીલ કરવામાં આવી છે.
'રાહુલ ગાંધીએ લોકસભામાં વિપક્ષના નેતા બનવું જોઈએ', કૉંગ્રેસની બેઠકમાં કરવામાં આવી અપીલ
કૉંગ્રેસની વિસ્તરણ પામેલી કાર્યસમિતિની આજે બેઠક થઈ હતી. તેમાં 2024ની લોકસભા ચૂંટણીનાં પરિણામો તથા કૉંગ્રેસની હવે પછીની રણનીતિ પર ચર્ચા થઈ હતી.
આ બેઠકની અધ્યક્ષતા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેઠક બાદ કેસી વેણુગોપાલે કહ્યું હતું ક કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને લોકસભામાં નેતા વિપક્ષ બનવાની અપીલ કરવામાં આવી છે.
કેસી વેણુગોપાલે કહ્યું, "કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ એકમત થઈને રાહુલ ગાંધીને વિપક્ષના નેતાનું પદ લેવા માટે અપીલ કરી છે. પક્ષના તમામ નેતાઓ આ મતે એકમત છે. વર્કિંગ કમિટી ઈચ્છે છે કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બને."
"લોકસભા ચૂંટણીમાં અમે ખેડૂતો, મહિલાઓ, સામાજિક ન્યાય, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ ઉઠાવ્યા છે. લોકસભામાં પણ આ મુદ્દાઓ ઉઠાવવાની જરૂર છે જેના માટે રાહુલ ગાંધીથી ઉત્તમ વ્યક્તિ કોઈ ન હોઈ શકે. "
કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, "મજબૂત વિપક્ષની ભૂમિકા અને બંધારણની રક્ષા માટે રાહુલ ગાંધીની જરૂર છે અને તેમના નેતૃત્ત્વમાં જ આ લડાઈ આગળ વધી શકે છે."
બેઠક પહેલાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લાએ આ અંગે કહ્યું હતું કે અનેક સાંસદો એ માગ કરી રહ્યા છે કે રાહુલ ગાંધીએ આ જવાબદારી ઉઠાવવી જોઈએ.
આ અંગે શુક્લાએ કહ્યું હતું કે, “આ વાત રાહુલ ગાંધી પર નિર્ભર કરે છે. પરંતુ અમે ઈચ્છીએ છીએ કે સંસદમાં તેઓ આ પદને સંભાળે. આ સરકાર નબળી છે. ભાજપની સરકાર ગઠબંધનની છે. ભાજપને સ્પષ્ટ જનાદેશ મળ્યો નથી. આવી સરકારની અનેક મજબૂરીઓ હોય છે. જનતાએ મજબૂત વિપક્ષ આપ્યો છે અને તે તેની જવાબદારી નિભાવશે.”
અહીં ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ પક્ષે લોકસભામાં 99 બેઠકો પર વિજય મેળવ્યો છે અને 10 વર્ષ બાદ તેને લોકસભામાં નેતા વિપક્ષનું પદ મળશે.
પીએમ મોદીનો શપથગ્રહણ સમારોહ કાલે યોજાશે, કયા પાડોશી દેશોના નેતાઓ હાજર રહેશે?
લોકસભા ચૂંટણીમાં એનડીએની 292 બેઠકો પર જીત મેળવીને નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડા પ્રધાન પદની શપથ લેવા માટે તૈયાર છે.
નવ જૂનના રોજ નરેન્દ્ર મોદી અને તેમની સરકારના નવા મંત્રીઓ શપથ લેશે.
શપથગ્રહણ સમારોહમાં અનેક દેશોના પ્રમુખોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જે પાડોશી દેશોના નેતાઓને બોલાવવામાં આવ્યા છે તેમાં બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, ભૂતાનના વડા પ્રધાન શેરિંગ ટોબગે, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહમદ અફીક, નેપાળના વડા પ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જગન્નાથ અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ સામેલ છે.
કેન્દ્ર સરકારની વિજ્ઞપ્તિ અનુસાર શપથગ્રહણ સમારોહમાં સામેલ થનારા વિદેશી નેતાઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિભવનમાં રાત્રિભોજ આપશે.
તેમાં લખવામાં આવ્યું છે કે પાડોશી દેશોના નેતાઓએ ભારતની ‘નેબરહૂડ પૉલિસી’ અને ‘સાગર’ વિઝન હેઠળ બોલાવવામાં આવ્યા છે.
ડેનમાર્કનાં વડાં પ્રધાન પર હુમલો, રસ્તા પર મારપીટ કરી
ડેનમાર્કનાં વડાં પ્રધાન મેતે ફ્રેડરિક્સન પર રાજધાની કોપેનહેગનના રસ્તા પર હુમલો થયો છે. આ હુમલાથી વડાં પ્રધાન આઘાતમાં છે.
વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું કે શહેરના મધ્યમાં એક ચાર રસ્તા પર એક શખ્સ વડાં પ્રધાન તરફ આગળ વધ્યો અને તેમના પર હાથ ઉપાડ્યો હતો. હુમલાખોરની ધરપકડ કરી લેવાઈ છે.
યુરોપીયન કમિશનર ઉર્સુલા વૉન ડેર લેયને આ ઘટનાને 'નીચ હરકત' ગણાવી છે.
તેમણે કહ્યું કે આ ઘટના એ બધી બાબતોની વિરુદ્ધ છે, જેના પર યુરોપના લોકો વિશ્વાસ રાખે છે અને જેના માટે લડે છે.
ડેનમાર્કના વડા પ્રધાન કાર્યાલયે આ ઘટના પર નિવેદન જાહેર કર્યું છે.
નિવેદનમાં કહેવાયું કે "શુક્રવારે વડાં પ્રધાન મેતે ફ્રેડરિક્સન સાથે કોપેનગેહનના કુલ્ટોરવેટમાં એક શખ્સે મારપીટ કરી છે. હુમલાખોરની ધરપકડ કરી લેવાઈ છે. વડાં પ્રધાન આ ઘટનાથી આઘાતમાં છે."
પોલીસે કહ્યું કે હુમલાખોરની પૂછપરછ કરાઈ રહી છે, પરંતુ હજુ સુધી હુમલાનો હેતુ જાણવા મળ્યો નથી.
ઈટીવી નેટવર્ક અને રામોજી ફિલ્મ સિટીના માલિક રામોજીરાવનું નિધન
ઈટીવી નેટવર્ક અને રામોજી ફિલ્મ સિટીના પ્રમુખ રામોજીરાવનું નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા અને બીમાર હતા.
હૈદરાબાદમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.
હાઈ બ્લડપ્રેશર અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને પાંચ જૂને હૈદરાબાદની સ્ટાર હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
વરિષ્ઠ ભાજપ નેતા જી. કિશન રેડ્ડીએ તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તેલુગુ મીડિયામાં નોંધનીય યોગદાન માટે તેમને યાદ રખાશે.
તેમણે તેમના પત્રકારત્વના યોગદાનને પણ યાદ કર્યું હતું.
રામોજીરાવનો જન્મ 1936માં કૃષ્ણા જિલ્લાના પેડાપારુપુડીમાં થયો હતો. તેમનાં માતાપિતાએ તેમનું નામ રામય્યા રાખ્યું હતું, બાદમાં તેમણે બદલીને રામોજીરાવ કરી નાખ્યું હતું.