અમદાવાદ રથયાત્રા : જગન્નાથની રથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ, શું છે તેનો ઇતિહાસ?

અમદાવાદની રથયાત્રા

ઇમેજ સ્રોત, pavan jayaswal/bbc

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

છેલ્લાં 140 વર્ષથી વધુ સમયથી અમદાવાદમાં અષાઢી બીજના દિવસે યોજવામાં આવતી જગન્નાથની રથયાત્રા આકર્ષણનું કેન્દ્ર બને છે.

દર વર્ષની જેમ જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર તથા સુભદ્રા નવા રથમાં સવાર થઈને નગરચર્યા પર નીકળ્યાં છે.

આ વાત મંદિર, પરિસર, રથ તથા રથયાત્રા પર પણ એટલા જ લાગુ પડે છે, જેના સ્વરૂપ ગત 140થી વધુ વર્ષ દરમિયાન બદલાતા રહ્યાં છે. આજે તેણે લોકોત્સવનું સ્વરૂપ ધારણ કર્યું છે.

અમદાવાદની રથયાત્રા

ઇમેજ સ્રોત, Getty Images

લગભગ પોણા પાંચસો વર્ષ પહેલાં હનુમાનદાસજી નામના સાધુ અહીં આવ્યા હતા અને તેમણે શહેરની ભીડભાડથી દૂર સાબરમતી નદી પાસે ગાઢ જંગલોની વચ્ચે હનુમાનની મૂર્તિની સ્થાપના કરી હોવાનું કહેવાય છે.

લોકોની શ્રદ્ધા વધતા સામાન્ય પ્રકારનું મંદિર તૈયાર થયું હતું.

વર્ષ 1996થી 2000 દરમિયાન મંદિરમાં વ્યાપક સમારકામ હાથ ધરવામાં આવ્યું અને ત્રણેય હિંદુ દેવી-દેવતાની પ્રતિમાઓને રત્નવેદી ઉપર પ્રસ્થાપિત કરવામાં આવી. તેની સામે આરસની મહામંડલેશ્વર નરસિંહદાસની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

અત્યાર સુધી જગન્નાથ મંદિરના 13 ગાદીપતિ થયા છે, જેમાંથી વર્તમાન મહંત દિલીપદાસજી અને નરસિંહદાસજી સિવાયના તમામ પરપ્રાંતીય હિંદીભાષી હતા. દિલીપદાસજી અમદાવાદમાં જ જન્મયા અને મોટા થયા છે, તેમના દાદાની મંદિર પરિસરમાં ચાની કિટલી હતી.

ગૌસેવા સિવાય દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા, સંતનિવાસ, અપંગાશ્રમ, ઑડિટોરિયમ, ભંડારા જેવા સેવાકાર્યો પણ મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલે છે.

રથયાત્રાની શરૂઆત ક્યારે થઈ હતી?

જગન્નાથજી રથયાત્રાનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, SHUKDEV BHACHECH

ઇમેજ કૅપ્શન, 1985માં ચાલતા તોફાનોના કારણે ગુજરાત સરકારે રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો છતાં રથયાત્રા કાઢવામાં આવી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લગભગ અઢીસો વર્ષ પહેલાં ગુજરાતમાં પહેલી રથયાત્રા કાઢવામાં આવી હતી. સૌ પહેલાં ભરૂચના ભોઈ સમાજે રથયાત્રા કાઢી હતી અને આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે.

અમદાવાદના જગન્નાથ મંદિરની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે, વર્ષ 1878માં તત્કાલીન મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા રથયાત્રાની શરૂઆત કરાવવામાં આવી હતી.

પ્રારંભિક વર્ષો દરમિયાન બળદગાડાંમાં રથયાત્રા કાઢવામાં આવતી. આના માટે ભરૂચના ખલાસીઓએ અમદાવાદની રથયાત્રા માટે રથ બનાવી આપ્યા હતા. જેનું નિર્માણ નાળિયેરના ઝાડના થડમાંથી કરવામાં આવ્યું હતું. નાળિયેરનું થડ પ્રમાણમાં હળવું હોવા છતાં રથનું વજન 300 કિલો જેટલું હોવાનું કહેવાય છે.

જોકે, આ લાક઼ડું ટકાઉ ન હોવાથી દરવર્ષે નવા રથ બનાવવાની જરૂર ઊભી થતી. 20મી સદીની શરૂઆતના વર્ષોમાં સાગના વૃક્ષમાંથી બનેલા રથ તૈયાર કરવામાં આવ્યા, જે વજનમાં હળવા અને વધુ ટકાઉ હતા.

1950માં ફરી એક વખત રથ બનાવવામાં આવ્યા, ત્યારે પૈડાંની સંખ્યા ઘટાડીને છ કરવામાં આવી, જોકે તેમનું કદ વધ્યું. જેનું વજન લગભગ 300 કિલોગ્રામ હતું.

સમયાંતરે બાવળના લાકડાંના પૈડાંની ઉપર લોખંડની પ્લૅટ પણ બેસાડવામાં આવી. વર્ષ 1992માં તેમાં સ્ટિયરિંગ પ્રકારની વ્યવસ્થા બેસાડવામાં આવી. દરવર્ષે અષાઢી બીજના લગભગ દોઢેક મહિના અગાઉ જ મંદિરપરિસરમાં રથના સમારકામ અને રંગરોગાન સહિતની કામગીરી શરૂ થઈ જાય છે.

145મી રથયાત્રા સમયે થયેલી સમીક્ષા પ્રમાણે, હજુ અમુક વર્ષો સુધી જૂના રથ ચાલી શકે તેમ હોવા છતાં નવા રથ બનાવવામાં આવ્યા છે.

મીડિયા બ્રિફિંગ પ્રમાણે, જૂના રથને સમારકામ કરીને મ્યુઝિયમમાં મૂકવામાં આવશે. નવા રથ માટે લગભગ રૂ. 80 લાખ કરતાં વધુનો ખર્ચ આવ્યો છે અને તે લગભગ આઠ દાયકા સુધી ટકશે એવું અનુમાન મૂકવામાં આવ્યું છે.

નવા રથની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે પોળોના સાંકડા રસ્તાઓ પરથી પણ સહેલાઈથી નીકળી શકે. તેના માટેનું લાકડું વઘઈથી મંગાવવામાં આવ્યું છે. રથોનાં પૈડાં સીસમના તથા રથ સાગના લાકડાંમાંથી બનાવવામાં આવ્યાં છે અને તેના નિર્માણમાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

ભગવાન જગન્નાથનો રથ સફેદ છે અને તેની ઉપર દેવી-દેવતાની કોતરણી કરવામાં આવી છે. આ રથની થીમ સુદર્શનની છે. અશ્વિની થીમ પરનો ભાઈ બળભદ્રનો રથ લાલ તથા લીલા રંગથી રંગવામાં આવ્યો છે. આ સિવાય બહેન સુભદ્રાનો રથ નવદુર્ગા થીમ પર આધારિત છે, જેને લાલ તથા કાળા રંગથી રંગવામાં આવ્યો છે.

GREY LINE

જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની નગરચર્યા

જગન્નાથજી રથયાત્રાનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદની રથયાત્રાનો રૂટ લગભગ 22 કિલોમીટર જેટલો રહ્યો છે. વર્ષો સુધી આ આયોજનને શાંતિપૂર્વક પાર પાડવાનું કામ પોલીસ તથા સરકારી તંત્ર માટે પડકારજનક રહ્યું છે. ક્યારેક તેમાં ફેરફાર કરવાની પણ ફરજ પડી છે.

સમયાંતરે નવા અમદાવાદમાંથી પણ રથયાત્રા કાઢવા માટેની માગ થતી રહી છે, પરંતુ મહદંશે પરંપરાગત પોળોના રૂટમાંથી જ પસાર થતી રહી છે. કેટલીક ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પશ્ચિમ અમદાવાદમાં રથયાત્રા કાઢવામાં આવે છે.

અષાઢી બીજના વહેલી સવારે રાજ્યના મુખ્ય મંત્રી કે ટોચના નેતા દ્વારા સોનાની સાવરણીથી પ્રતીકાત્મક રીતે પહિંદવિધિ કરવામાં આવે છે, એ પછી ખલાસીઓ રથને આગળ ખેંચે છે.

15થી 20 જેટલા સુશોભિત હાથી આ રથયાત્રામાં જોડાય છે. ત્રણ અલગ-અલગ રથમાં બેસીને જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા નગરચર્યા કરવા માટે નીકળે છે. યાત્રામાં ડઝનબંધની સંખ્યામાં ટ્રક પણ જોડાય છે, જેમાં અલગ-અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવે છે.

અખાડાઓ દ્વારા તલવારબાજી, મલખમ તથા અન્ય અંગકસરતના દાવ રજૂ કરવામાં આવે છે. તેમની પાછળ રાસમંડળીઓ અને ભજનમંડળીઓ જોડાય છે.

સરસપુરમાં ભગવાનનું મોસાળું છે, જ્યાં બપોરના ભાગે રથયાત્રા ભોજન માટે રોકાય છે. જ્યાં રથયાત્રિકોને, સ્થાનિકોને તથા સાધુ-સંતોને જમાડવામાં આવે છે. જેમાં મગ, જાંબુ અને કાકડી સહિતના પ્રસાદનું માહાત્મય રહેલું છે. આ સિવાય ગાંઠિયા, પુરી, શાક, માલપુઆ, ખીચડી, મોહનથાળ અને લાડવા જેવા પ્રસાદ પણ ધરવામાં આવે છે.

મોસાળાનું યજમાનપદ મેળવવાનું વેઇટિંગલિસ્ટ વર્ષોમાં નહીં, દાયકામાં ચાલે છે. સાંજે રથયાત્રા નિજમંદિરે પરત ફરે છે.

જગન્નાથજી રથયાત્રાનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, SHUKDEV BHACHECH

ઇમેજ કૅપ્શન, 1969માં મહંત સેવાદાસ સાથે 'સરહદના ગાંધી' ગફાર ખાન

રથયાત્રા દરમિયાન કોમી એકતાની અનેક તસવીરો જોવા મળે છે, છતાં ભૂતકાળની ઘટનાઓને જોતાં પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. રથયાત્રાની સુરક્ષા માટે બુલેટપ્રૂફ કાચ, હેલિકૉપ્ટર, સીસીટીવી અને ડ્રોનનો ઉપયોગ થયો છે.

અમદાવાદની રથયાત્રાનો ઇતિહાસ

જગન્નાથજી રથયાત્રાનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન, બુલેટપ્રૂફ કાચમાં રથયાત્રા
  • કોરોનાની વચ્ચે વર્ષ 2021માં 144મી રથયાત્રા વખતે રથયાત્રા નીકળી હતી, પરંતુ તેની સાથે માત્ર પાંચ વાહન હતા અને લગભગ સાડા ચાર કલાકમાં રથયાત્રાને પૂર્ણ કરી દેવામાં આવી હતી.
  • કોરોનાને કારણે વર્ષ 2020માં 143મી રથયાત્રા નીકળી શકી ન હતી.
  • મંદિર પરિસરમાં જ પ્રતીકાત્મક રીતે રથયાત્રા કાઢવામાં આવી હતી, કારણ કે રસ્તામાં અનેક કન્ટેઇન્મૅન્ટ ઝોન, માઇક્રૉ કન્ટેઇન્મૅન્ટ ઝોન અને બફર ઝોન આવેલાં હતાં.
  • મહંદ દિલીપદાસજીએ તત્કાલીન ભાજપ સરકાર ઉપર અંધારામાં રાખીને દ્રોહ કરવાનો આરોપ મૂક્યો હતો.
  • 2001 પછીથી રથયાત્રા દરમિયાન કોઈ મોટી અનિચ્છનિય ઘટનાના બનાવ નથી નોંધાયા.
  • 1993માં રથો ઉપર બંદૂકથી ગોળીબાર ન થાય તે માટે તેની ફરતે બુલેટપ્રૂફ કાચ ગોઠવવામાં આવ્યા હતા. હિંસક ભીડ દ્વારા રથને ખેંચી જવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે ફાટી નીકળેલાં તોફાનો મહિનાઓ સુધી ચાલ્યાં હતાં.
  • અત્રે એ યાદ રાખવું પડે કે રથયાત્રાના થોડાં મહિના પહેલાં જ તત્કાલીન બોમ્બેમાં બૉમ્બધડાકા થયા હતા. દેશના સુરક્ષાતંત્રે પ્રથમ વખત શ્રેણીબંધ બૉમ્બધડાકાનો અનુભવ કર્યો હતો.
  • આ સિવાય ડિસેમ્બર-1992માં અયોધ્યા ખાતે બાબરી મસ્જિદનો ધ્વંસ કરવામાં આવ્યો હતો.
  • 1992માં રથયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. એ સમયે રામમંદિરનું આંદોલન વેગ પકડી રહ્યું હતું.
  • વર્ષ 1989 દરમિયાન રથયાત્રા પર હૅલિકૉપ્ટરમાંથી નજર રાખવામાં આવી હતી.
  • વર્ષ 1988માં તત્કાલીન મુખ્ય મંત્રી અમરસિંહને સૂચન કરવામાં આવ્યું હતું કે રથયાત્રા ન કાઢવા દેવામાં આવે. પોલીસની હડતાલ થઈ હતી એટલે તેને વ્યવહારુ સૂચન માનવામાં આવ્યું હતું. જોકે, ડીજીપી મનમોહનસિંહની આગેવાનીમાં ન કેવળ પોલીસ હડતાલને ડામી દેવામાં આવી, પરંતુ રથયાત્રા પણ કાઢવામાં આવી હતી. તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી બુટાસિંહે આના માટે અર્ધલશ્કરી દળો પૂરા પાડ્યા હતા.
  • 1985માં રથયાત્રા પૂર્વે હિંસા થઈ હતી અને તેમાં મૃત્યુ પણ થયા હતા, એટલે સરકાર દ્વારા કરફ્યુ લાદી દેવામાં આવ્યો હતો અને રથયાત્રા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જોકે સરકારી આદેશનો ભંગ કરીને શંભુજી મહારાજે રથયાત્રા કાઢી હતી.
  • વર્ષ 1969માં રથયાત્રાના થોડા સમય પહેલાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.
  • આ સમયે 'સરહદના ગાંધી' તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફારખાને અમદાવાદની મુલાકાત લીધી હતી અને તોફાનો સમી જાય તે માટે પ્રયાસ કર્યા હતા.
  • વર્ષ 1946માં રથયાત્રા પહેલાં જ કોમી શાંતિનું વાતાવરણ ડહોળાઈ ગયું હતું.
  • રથયાત્રા દરમિયાન હિંસાનો આ પ્રથમ બનાવ હતો.
  • વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણીએ તોફાનોને અટકાવવા પ્રયાસ કર્યા, પરંતુ હિંસક ભીડે બંનેની હત્યા કરી નાખી.
  • તેઓ કોમી એખલાસ અને મૈત્રીના પ્રતીક બની ગયા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન