ટાઇપ 5 ડાયાબિટીસ શું છે, આ નવા પ્રકારના ડાયાબિટીસથી કોને જોખમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નિત્યા પાંડિયન
- પદ, બીબીસી તામિલ
સામાન્ય રીતે લોકો માને છે કે ફક્ત મેદસ્વી લોકોને જ ડાયાબિટીસ થાય છે. સાથે સાથે એવું પણ માને છે કે પાતળા શરીરવાળા લોકો કોઈ પણ જાતના રોગોથી પીડાતા નથી હોતા.
પરંતુ તાજેતરમાં બૅંગકોકમાં યોજાયેલી વિશ્વ ડાયાબિટીસ પરિષદમાં તબીબી નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ડાયાબિટીસ ઓછા BMI ધરાવતા લોકોમાં પણ થઈ શકે છે, અને આ ડાયાબિટીસ પહેલેથી જ પ્રચલિત છે તેવા ટાઇપ 1 કે ટાઇપ 2 ડાયાબિટીસ નથી. (BMI એટલે શરીરના વજન અને ઊંચાઈના આધારે થતી ગણતરી. વિશ્વ આરોગ્ય સંગઠન 25 કે તેથી વધુ BMI ને સ્થૂળતા માને છે.)
ડૉક્ટરોએ એમ પણ કહ્યું છે કે આ પ્રકારનો ડાયાબિટીસ ખાસ કરીને મધ્યમ અને ઓછી આવક ધરાવતા દેશોમાં જોવા મળે છે.
આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ ફેડરેશનના પ્રમુખ પ્રોફેસર પીટર શ્વાર્ટ્ઝે જાહેર કર્યું છે કે જે લોકો મેદસ્વી નથી પણ જેમનામાં ઇન્સ્યુલિનનો પૂરતો સ્ત્રાવ નથી થતો, તેમનામાં થતા ડાયાબિટીસને ટાઇપ 5 ડાયાબિટીસ તરીકે વર્ગીકૃત કરવો જોઈએ. તેમણે આ મામલે ઊંડાણથી સંશોધન કરવાની સલાહ આપી.
ટાઇપ 5 ડાયાબિટીસ કોને થાય છે? એ કેવી રીતે કામ કરે છે? તેને નિયંત્રણમાં લાવવા માટે જરૂરી પગલાંનો અભ્યાસ કરવા માટે એક આંતરરાષ્ટ્રીય જૂથની રચના કરવામાં આવી છે.
ટાઇપ 5 ડાયાબિટીસ કોને થઈ શકે? તેને નિયંત્રણમાં રાખવા માટે શું કરવું જોઈએ? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે આંતરરાષ્ટ્રીય ટીમની રચના કરાઈ છે.
આ લેખમાં આપણે જાણીશું ટાઇપ 5 ડાયાબિટીસ શું છે? તેની શોધ સૌપ્રથમ ક્યારે થઈ? કયા સામાજિક જૂથમાં આ રોગ સૌથી વધુ પ્રચલિત છે?

ટાઇપ 5 ડાયાબિટીસ શું છે?
ટાઇપ 5 ડાયાબિટીસ એ ડાયાબિટીસનો જ પ્રકાર છે. આ 19 થી ઓછું BMI ધરાવતા લોકોમાં થાય છે. આ ડાયાબિટીસ એવા લોકોમાં થાય છે જેઓ મેદસ્વી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ટાઇપ 2 ડાયાબિટીસથી પીડાતા મેદસ્વી દર્દીઓમાં, ભલે તેમના શરીરમાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે, પરંતુ તે તેમના લોહીમાં શર્કરાના સ્તરને સ્થિર રાખવા માટે પૂરતો નથી. તેમના શરીરમાં ઇન્સ્યુલિન પ્રતિકાર વધતો હોય છે."
જોકે, ટાઇપ 5 ડાયાબિટીસ એવા લોકોમાં પણ થઈ શકે છે જેઓ ઓછા મેદસ્વી હોય છે, એટલે કે જેમનો BMI 19 કરતા ઓછો હોય છે તેમના શરીરમાં ઇન્સ્યુલિનનો અભાવ હોય છે.
વેલ્લોર ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજના ઍન્ડોક્રાઇનોલૉજી, ડાયાબિટીસ અને મેટાબૉલિઝમ વિભાગના પ્રોફેસર ડૉ. ફેલિક્સ જેબરાજે બીબીસી તમિલને જણાવ્યું, "પરંતુ ટાઇપ 2 ડાયાબિટીસ માટેના ઇન્જેક્શનથી વિપરીત, ગોળીઓ દ્વારા ખાંડના સ્તરને નિયંત્રિત કરી શકાય છે."

ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં આ રોગની પુષ્ટિ થઈ ચૂકી છે.
- બાળપણથી જ કુપોષણથી પીડાતા લોકો
- ગર્ભાવસ્થા દરમિયાન ઓછું BMI ધરાવતાં જૂથો
- 30 વર્ષથી ઓછી ઉંમરના લોકો
- પુરુષો
- જે લોકોના બ્લડ શુગરનું સ્તર અનિયંત્રિત હોય છે પરંતુ તેઓ કીટોન્યુરિયા અથવા કીટોસિસથી પીડાય છે
- જે લોકોને દરરોજ મોટી માત્રામાં ઇન્સ્યુલિનની જરૂર હોય છે
વેલ્લોર ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધન દર્શાવે છે કે આ પ્રકારના લોકોને ટાઇપ 5 ડાયાબિટીસ થવાની શક્યતા વધુ હોય છે.

1955માં હૂક-જોન્સે ઓછું BMI ધરાવતા લોકોમાં આ પ્રકારના ડાયાબિટીસની હાજરીની પુષ્ટિ કરી હતી. તેમણે એ પણ પુષ્ટિ કરી હતી કે જમૈકામાં ડાયાબિટીસ ધરાવતા લોકો પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે તે ટાઇપ 1 કે ટાઇપ 2 ડાયાબિટીસ નથી.
આ પછી ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં આ રોગની ઓળખ થઈ. આ પ્રકારનો ડાયાબિટીસ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, કોરિયા અને થાઇલૅન્ડ જેવા એશિયન દેશોમાં તેમજ ઇથિયોપિયા, નાઇજીરીયા અને યુગાન્ડા જેવા દેશોમાં જોવા મળે છે.
આ પ્રકારના ડાયાબિટીસને વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા 1985 માં માન્યતા આપવામાં આવી હતી. વિશ્વ આરોગ્ય સંગઠને તેને કુપોષણ સંબંધિત ડાયાબિટીસ (MRDM) તરીકે વર્ગીકૃત કર્યો છે.

વિશ્વ આરોગ્ય સંગઠને સૌપ્રથમ 1980 માં ડાયાબિટીસની વ્યાપકપણે સ્વીકૃત શ્રેણીઓ પ્રકાશિત કરી હતી. તેને 1985 માં સુધારીને પ્રકાશિત કરવામાં આવી હતી.
1980 માં એક નિષ્ણાત પૅનલે ડાયાબિટીસને બે શ્રેણીઓમાં વિભાજિત કર્યો: IDDM અથવા ટાઇપ 1 અને NIDDM અથવા ટાઇપ 2 ને ઉમેરવાની ભલામણ કરી. 1985 માં કુપોષણ સંબંધિત ડાયાબિટીસ (MRDM) ને પણ યાદીમાં સામેલ કરવામાં આવ્યો.
પરંતુ 1999માં વિશ્વ આરોગ્ય સંગઠને ભલામણ કરી હતી કે MRDM ને યાદીમાંથી દૂર કરવામાં આવે કારણ કે કુપોષણ અથવા પ્રોટીનની ઊણપ ડાયાબિટીસનું કારણ બને છે તે સાબિત કરવા માટે પૂરતા પુરાવા નહોતા.
વિશ્વ આરોગ્ય સંગઠને માત્રે આ પ્રકારને દૂર કર્યો નથી પરંતુ એવું પણ કહ્યું કે તેના વિશે વધુ જાણવા માટે સંશોધન થવું જોઈએ.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2022 માં વેલ્લોર ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ ખાતે હાથ ધરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓછા વજનવાળા અને કુપોષણ ધરાવતા લોકોમાં ટાઇપ 1 કે ટાઇપ 2 ડાયાબિટીસ નથી.
તેમના સંશોધનથી એ પણ પુષ્ટિ મળી કે તે કુપોષણ સંબંધિત ડાયાબિટીસ (MRDM) નું એક સ્વરૂપ હોઈ શકે છે, જેની ઓળખ સૌપ્રથમ 1955 માં થઈ હતી.
આ સંદર્ભમાં તેમણે તે જ વર્ષે "ઓછી BMI ધરાવતી વ્યક્તિઓમાં ડાયાબિટીસનું અસામાન્ય સ્વરૂપ" શીર્ષક ધરાવતાં સંશોધન પરિણામો પણ પ્રકાશિત કર્યાં. આ ટ્રાયલ ઓછી આવક ધરાવતા સામાજિક પૃષ્ઠભૂમિના 73 એવા ભારતીય પુરુષો પર હાથ ધરવામાં આવી હતી જેમનું બીએમઆઈ ઓછું હતું. આમાંથી 20 લોકોને કુપોષણ સંબંધિત ડાયાબિટીસ હોવાનું નિદાન થયું હતું.
આ સંશોધનમાં વેલ્લોર ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજના ઍન્ડોક્રિનોલૉજી, ડાયાબિટીસ અને મેટાબૉલિઝમ વિભાગના સિનિયર પ્રોફેસર અને ફિઝિશિયન નિહાલ થૉમસ, અમેરિકાના ન્યૂ યૉર્કમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન કૉલેજ ઑફ મેડિસિનના પ્રોફેસર મેરેડિથ હૉકિન્સ અને આ ક્ષેત્રના અન્ય નિષ્ણાતો સામેલ હતા.
ડૉ. ફેલિક્સ જેબરાજ કહે છે, "ગયા જાન્યુઆરીમાં વેલ્લોર ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ ખાતે આયોજિત 'વેલ્લોર ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ ઑન ઍન્ડોક્રિનોલૉજી'માં એક જાહેરાત કરવામાં આવી હતી, જેમાં તેમના માટે સંશોધન અને ચોક્કસ સારવાર પૂરી પાડવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. તે અનુરૂપ બૅંગકૉકમાં નવીનતમ જાહેરાત કરવામાં આવી હતી."
વેલ્લોર ખાતે આયોજિત આ પરિષદની અધ્યક્ષતા પ્રોફેસર નિહાલ અને મેરેડિથ દ્વારા કરવામાં આવી હતી. પ્રોફેસર ફેલિક્સ જેબરાજે ઑર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે સેવા આપી હતી.

ઇમેજ સ્રોત, Professor Peter Schwarz/Linkedin

"સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આવા પ્રકારના લોકોને ડાયાબિટીસ નથી હોતો. પરંતુ તેમને ડાયાબિટીસ થાય છે. તેમના માટે ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ઉપયોગમાં લેવાતી સામાન્ય સારવાર પદ્ધતિઓ હાનિકારક બની શકે છે."
આજકાલના લોકો પુરાવાના આધારે કોઈપણ સારવાર સ્વીકારશે.
ડૉ. ફેલિક્સ જેબરાજે બીબીસી તમિલને જણાવ્યું, "તેથી સામાન્ય લોકો અને ડૉકટરોમાં જાગૃતિ લાવવા અને ટાઇપ 5 ડાયાબિટીસથી પીડિત લોકો માટે સારવાર પદ્ધતિઓ વિકસાવવા માટે આવા સંશોધન ચાલુ રાખવા મહત્ત્વપૂર્ણ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















