મેનોપૉઝ વખતે સેક્સમાં પડતી મુશ્કેલીને કેવી રીતે દૂર કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
સેક્સ માટેની ઇચ્છામાં ઘટાડો, યોનિમાર્ગમાં શુષ્કતા અને સતત મૂડ સ્વિંગ. મોટાભાગની મહિલાઓ મેનોપૉઝ પછી આવાં લક્ષણોનો અનુભવ કરતી હોય છે.
કેટલીક મહિલાઓમાં આવાં લક્ષણો મેનોપૉઝના દસ વર્ષ પહેલાં શરૂ થઈ જાય છે. તેને પેરીમેનોપૉઝ સમયગાળો કહેવામાં આવે છે.
40 વર્ષનાં સુસાન કૅનેડાના વેનકુંવરમાં રહે છે. તેઓ પેરીમેનોપૉઝમાંથી પસાર થઈ રહ્યાં છે. તેઓ કહે છે, "હવે સેક્સ કરવાથી મને બહુ પીડા થાય છે. સેક્સ માણવાની ઇચ્છા હજુ પણ થાય છે, પણ પીડાને કારણે હું સેક્સ માણવાનું ટાળું છું. મને ખરેખર સમજાતું ન હતું કે મારી સાથે શું થઈ રહ્યું છે. સાચું કહું તો ડૉક્ટર પાસે જવામાં મને ઘણો સમય લાગ્યો."
માણસનું સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે ત્યારે સ્ત્રીઓ મેનોપૉઝની શરૂઆત પછી તેમના જીવનનો લગભગ ત્રીજા ભાગનો સમય વિતાવે છે.
હૉર્મોનલ ફેરફારોને કારણે મહિલાઓને ચોક્કસ વય પછી માસિક સ્ત્રાવ બંધ થઈ જાય છે. તેને મેનોપૉઝ કહેવામાં આવે છે. એ પછી મહિલામાં ઘણા શારીરિક અને માનસિક ફેરફાર થાય છે.
બ્રિટનમાં આરોગ્ય સંબંધી શિક્ષણનો પ્રસાર કરતા ડૉ. અઝીઝા સેસના કહેવા મુજબ, શરીરમાં ઍસ્ટ્રોજન હૉર્મોનમાં ઘટાડાને યોનિમાર્ગમાં શુષ્કતા અને પીડાદાયક જાતીય સંભોગ સાથે સીધો સંબંધ છે.
સમાજમાં મહિલાઓ માટે સેક્સ વિશે વાત કરવાનું ઘણીવાર નિષિદ્ધ માનવામાં આવે છે. તેથી તેઓ કહે છે, "ઘણી મહિલાઓને લાગે છે કે સંભોગ દરમિયાન દુખાવો થવો તે સામાન્ય બાબત છે અને તે દુખાવો સહન કરવાની જવાબદારી મહિલાની છે."
ડૉ. સેસના કહેવા મુજબ, આવી માન્યતાઓને કારણે મહિલાઓ ઘણીવાર ડૉક્ટર પાસે જતી નથી અને ચૂપચાપ પીડા સહન કરતી રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૉર્મોન્સ અને છુપાં લક્ષણો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. અઝીઝા સેસના જણાવ્યા મુજબ, ઍસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન બંને જાતીય ઇચ્છા માટે જવાબદાર હૉર્મોન્સ છે. આ હૉર્મોન્સનો સ્ત્રાવ મહિલાના અંડાશય દ્વારા થાય છે. જેમ જેમ તેનું પ્રમાણ ઘટતું જાય છે, તેમ તેમ જાતીય ઇચ્છામાં પણ ફેરફાર થવા લાગે છે.
જર્મનીમાં રહેતાં રોઝી 45 વર્ષનાં છે. 30 વર્ષની વયે અંડાશયના કૅન્સરનું નિદાન થયા બાદ તેમણે હિસ્ટરેક્ટમી એટલે કે ગર્ભાશયને કાઢી નાખવાની એક સર્જિકલ પ્રક્રિયા કરાવવી પડી હતી.
એ સર્જરીને કારણે તેમને ખૂબ જ નાની વયે મેનોપૉઝ શરૂ થઈ ગયો. તેમણે બીબીસીને જણાવ્યું હતું કે એ પછી તેમના શરીરમાં નાટકીય ફેરફાર થયા હતા.
રોઝી કહે છે, "હું જાતીય આનંદ સારી રીતે અનુભવી શકતી હતી, પણ અચાનક બધું બંધ થઈ ગયું. મને શારીરિક ઉત્તેજનાનો કોઈ અનુભવ જ થતો ન હતો."
કેલિફૉર્નિયામાં મનોચિકિત્સક અને સેક્સ કાઉન્સેલર તરીકે કાર્યરત ડૉ. નાઝનીન માલી જણાવે છે કે મેનોપૉઝમાંથી પસાર થતી ઘણી મહિલાઓ પીડાદાયક સેક્સની ફરિયાદ સાથે તેમની પાસે આવે છે.
ડૉ. નાઝનીન કહે છે, "તેઓ ઘણીવાર ફસાઈ ગયાની લાગણી અનુભવે છે. તેઓ સેક્સ ઇચ્છે છે, પણ તેઓ લિંગપ્રવેશ ઇચ્છતી નથી."
સવાલ એ છે કે જીવનના આ તબક્કે મહિલાઓને સેક્સ કરવાની ઓછી ઇચ્છા થાય તેનું કારણ યોનિમાર્ગમાં શુષ્કતા છે કે પછી જાતીય ઇચ્છામાં ઘટાડો?
બ્રિટનમાં રહેતાં 49 વર્ષનાં યાસને મૂત્રમાર્ગમાં સતત ચેપને કારણે સેક્સ કરવાની ઇચ્છા થતી નથી.
તેઓ બીબીસીને કહે છે, "હું સેક્સ કરું છું ત્યારે દરેક વખતે મને તે પીડાદાયક લાગે છે. તેથી મેં સેક્સમાંથી રસ સંપૂર્ણપણે ગુમાવી દીધો છે."
આ લક્ષણને મેનોપૉઝ સાથે સંબંધ છે, એ ડૉક્ટરોને પણ લાંબા સમય સુધી સમજાયું ન હતું.
ઍસ્ટ્રોજન હૉર્મોનનું સ્તર ઘટી જાય ત્યારે શું થાય?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. અઝીઝા સેસના કહેવા મુજબ, ઍસ્ટ્રોજનનું સ્તર ઘટવાથી મૂત્રમાર્ગમાં વારંવાર ચેપ લાગે છે.
તેઓ કહે છે, "ઍસ્ટ્રોજનની વાત આવે ત્યારે લોકો તે માસિક સ્ત્રાવ અથવા પ્રજનન પ્રણાલી સંબંધિત હોવાનું વિચારે છે, પરંતુ ઍસ્ટ્રોજન એટલું મહત્ત્વપૂર્ણ હૉર્મોન છે કે તેના લીધે આપણા વાળથી માંડીને ત્વચા સુધી આખું શરીર વ્યવસ્થિત રીતે કામ કરે છે."
"યોનિ અને મૂત્રમાર્ગને ભેજવાળો રાખવામાં ઍસ્ટ્રોજન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ આ હૉર્મોનનું સ્તર ઘટવા લાગે ત્યારે એ વિસ્તારોની ત્વચા પાતળી, શુષ્ક અને નાજુક બની જાય છે. તેનાથી ચેપનું જોખમ વધે છે."
ઘણા સમાજમાં મહિલાની લૈંગિકતાને પ્રજનન ક્ષમતા સાથે જોડવામાં આવે છે. તેથી એવું માનવામાં આવે છે કે મેનોપૉઝ પછી મહિલાની સેક્સ લાઇફ સમાપ્ત થઈ જાય છે.
ડૉ. માલી કહે છે, "સમાજમાં મહિલાની યુવાનીને વધુ મહત્ત્વ આપવામાં આવે છે, જ્યારે મેનોપૉઝના તબક્કામાં મહિલાઓએ નિરાશાનો સામનો કરવો પડે છે."
તેનાથી વિપરીત, તેમની પાસે આવતી કેટલીક મહિલાઓ મેનોપૉઝ પછી વધુ સારી રીતે જાતીય આનંદનો અનુભવ કરે છે.
કઈ સારવાર ઉપલબ્ધ છે?
ડૉ. માલી જણાવે છે કે મેનોપૉઝ સંબંધી તમામ સમસ્યાનું નિરાકરણ શક્ય છે. મહિલાઓને વધુ સારી રીતે જાતીય જીવન અને સુખ માણવામાં ઘણી તબીબી અને બિન-તબીબી સારવાર મદદ કરી શકે છે.
લંડનમાં રહેતાં 65 વર્ષનાં હાલ્ડિતા માટે મેનોપૉઝનો સમયગાળો અન્ય મહિલાઓની જેમ સંકોચ કે ઉદાસીનો સમય ન હતો.
બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "હું 43 વર્ષની વયે મારા પતિથી અલગ થઈ ગઈ હતી. 45-46 વર્ષની વયે મને પેરીમેનોપોઝલ લક્ષણોનો અનુભવ થવા લાગ્યો હતો. હું ખુશ હતી. મને સંપૂર્ણ મુક્તિની અનુભૂતિ થતી હતી. એ પછી મારી સેક્સ લાઇફ અત્યંત નિરોગી અને રોમાંચક બની ગઈ."
મહિલા તેના હૃદયમાં ઉત્કટતાની જ્યોત ફરીથી પ્રગટાવવા ઇચ્છતી હોય તો સૌપ્રથમ સેક્સ્યુઅલ સ્ક્રિપ્ટ્સનું પુનઃ પરીક્ષણ કરાવવાની સલાહ ડૉ. માલી આપે છે.
તેઓ કહે છે, "જાતીય સંબંધો કેવા હોવા જોઈએ અને એક સારો સેક્સ સંબંધ કેવો હોય તેની કલ્પના આપણા દિમાગમાં હોય છે."
તેઓ કહે છે, "પણ આપણા શરીરમાં ફેરફાર થાય ત્યારે આપણે નવી બાબતને આત્મસાત કરવી પડે છે અને મગજમાંની કલ્પનાને પણ બદલવી પડે છે. જીવનના આ તબક્કે મહિલાએ તેની જાતને પૂછવું પડે છે કે મારા માટે સારા સેક્સનો અર્થ શું થાય છે."
તેઓ લિંગપ્રવેશ વિના ફોરપ્લે દ્વારા આનંદ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપે છે.
તેઓ કહે છે, "યોનિમાર્ગના સ્નાયુઓમાં ફેરફારને કારણે સંવેદનશીલતા ઓછી થઈ હોય તે શક્ય છે. તેથી તમે વાઇબ્રેટર જેવા સેક્સ ટોયનો ઉપયોગ કરી શકો છો."
ડૉ. અઝીઝા સલાહ આપે છે કે મેનોપૉઝનાં લક્ષણોને કારણે તમારી સેક્સ લાઇફ પર માઠી અસર થતી હોય તો તમારા ડૉક્ટરની મદદ લેવી જ જોઈએ. જરૂર પડ્યે ડૉક્ટર બદલવો, પણ પ્રયાસ છોડવો નહીં અને શરમાવું નહીં.
ડૉ. સેસના કહેવા મુજબ, ઉપચારમાં હૉર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી(એચઆરટી)ને અગ્રતા આપવામાં આવે છે. તે પેચ, જેલ અથવા ગોળીઓ જેવા વિવિધ સ્વરૂપોમાં ઉપલબ્ધ છે.
હૉર્મોન્સ ગોળી મારફતે સીધા લોહીના પ્રવાહમાં પ્રવેશે તે કેટલાક લોકો માટે સારૂં નથી, પરંતુ તેને સીધા યોનિમાર્ગમાં લગાવવાના કેટલાક વિકલ્પો પણ ઉપલબ્ધ છે.
ન્યૂઝીલૅન્ડમાં રહેતાં નેડાને કેન્સર હતું. તેથી તેમને એચઆરટી ગોળીઓ લેવાની છૂટ ન હતી.
નેડા કહે છે, "અલબત, મારી સેક્સ લાઇફ સુધારવા માટે મેં એચઆરટીનો આગ્રહ રાખ્યો ત્યારે મને એક દવા આપવામાં આવી હતી, જે યોનિમાર્ગની અંદર લગાવવાની હતી. ડૉક્ટરોને એવું લાગતું હતું કે મારું કેન્સર આક્રમક પ્રકારનું હોવાથી મારી સેક્સ લાઇફને પ્રાધાન્ય આપવાની જરૂર નથી."
ડૉ. અઝીઝાના કહેવા મુજબ, લુબ્રિકન્ટ્સ અને યોનિ માલિશ પ્રવાહી જેવી વસ્તુઓ ઉપલબ્ધ છે, જે દુકાનમાંથી સીધી ખરીદી શકાય છે, પરંતુ તેમાં કયા ઘટકો છે તે તપાસવાની સલાહ તેઓ આપે છે.
ડૉ. માલીના જણાવ્યા મુજબ, પેલ્વિક ફ્લોર સ્નાયુઓમાં નબળાઈ અનુભવતી સ્ત્રીઓ માટે ફિઝિયોથેરાપી વ્યાયામનો વિકલ્પ ઉપલબ્ધ જ હોય છે.
ડૉ. માલી સલાહ આપે છે કે મેનોપૉઝ આવ્યો હોય કે ન આવ્યો હોય, પણ તમામ મહિલાઓએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ, નિયમિત વ્યાયામ કરવો જોઈએ, ફળ તથા શાકભાજીનો આહાર લેવો જોઈએ અને સિગારેટ-દારૂથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ.
તેઓ વજનને નિયંત્રણમાં રાખવાની તાકિદ પણ કરે છે.
જાતની સંભાળ રાખવા વિશેની એક વાત ડૉ. સેસ ભારપૂર્વક કહે છે, "ખુદની સંભાળ રાખવી એ સ્વાર્થીપણું નથી. તમારી આસપાસના તણાવને ઓછો કરવાને, તેને દૂર કરવાના પ્રયાસ કરો."
"મહિલાઓ જાણે કે સુપરવુમન હોય તેમ ઘણીવાર અનેક વસ્તુ એક સાથે કરવાના પ્રયાસ કરે છે. મદદ માંગો અને મદદ માંગવામાં મુશ્કેલી થતી હોય તો અન્ય કોઈ વ્યક્તિ એવું કરે ત્યારે કમ સે કમ તેનો સ્વીકાર કરો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












